વરાહપુરાણ : પ્રાચીન ભારતીય પુરાણસાહિત્યનો ગ્રંથ. વરાહપુરાણ એક સાત્ત્વિક અને વૈષ્ણવ પુરાણ છે. વિષ્ણુએ વરાહ અવતાર લઈ હિરણ્યાક્ષે પૃથ્વીને સમુદ્રમાં છુપાવેલી તેનો ઉદ્ધાર કર્યો ત્યારે પૃથ્વીએ વરાહને પૂછેલા પ્રશ્ર્નોના ઉત્તર રૂપે આ પુરાણ કહેવાયું છે.
આ ઉપલબ્ધ પુરાણના 12,000 શ્ર્લોકો અને 218 અધ્યાયો છે. ધાર્મિક પૂજન-અર્ચન, વ્રત-ઉપવાસ, તીર્થો, યાત્રાનાં સ્થાનો, રીતરિવાજો, સંસ્કૃતિ, વંશ-વંશાનુચરિત, વિશ્વવિદ્યા, પુરાકથાઓ જેવા અનેકવિધ વિષયો પ્રાચીન અને મધ્યકાલીન ભારતનું દર્શન કરાવે છે.
આ પુરાણમાં અથર્વવેદ જેવી સંહિતાઓ (117-24), (15.6.10.-11), શતપથ બ્રાહ્મણ (13.4.3-13), જૈમિનીય બ્રાહ્મણ (1.7) જેવું શ્રુતિ-સાહિત્ય ઉલ્લેખાયું છે.
રાજદરબારમાં આશ્રય પામેલા સૂત-માગધોએ આ વિદ્યાનો યજ્ઞસત્ર-પ્રસંગે ઋષિઓ, વિદ્વાનો અને સામાન્ય લોકો સમક્ષ વિસ્તાર કર્યો છે. વ્યાસે આ વિદ્યા લોમહર્ષણને શીખવી. તેમણે તેનો બહોળો પ્રચાર કર્યો છે.
ઉપલબ્ધ વરાહપુરાણ ઈ. સ. 1562ની હસ્તપ્રત ઉપર આધારિત છે. આ વરાહપુરાણ મત્સ્ય (55.38-39), સ્કંદ (7.1.2.57-58) અને અગ્નિપુરાણ(272.16)માં મળતા ઉલ્લેખોથી જુદું પડે છે. વિષ્ણુએ માનવકલ્પમાં કહેલું વરાહપુરાણ 24,000 શ્ર્લોકો ધરાવે છે.
વરાહપુરાણ ચાર ખંડમાં વિભક્ત છે. અ. 1થી 112 પાંચરાત્ર સંપ્રદાય અનુસાર પૂર્ણખંડ છે. અ. 113થી 192નો બીજો ખંડ ભાગવત વૈષ્ણવ-ધર્મ-નિરૂપણની દૃષ્ટિએ પર્યાપ્ત છે. અ. 193થી 212 ધર્મસંહિતા નામે છે, જ્યારે અંતિમ ખંડના અ. 213થી 217માં શૈવધર્મ-દર્શનની ચર્ચા મળે છે. આ પુરાણમાં ઉત્તર ભારતનાં ઘણાંખરાં તીર્થોનું વર્ણન મળે છે.
આ પુરાણના અંતિમ અધ્યાય સુધીનો પૂર્વ ભાગ અને તે પછીનો બીજો ભાગ હોવો જોઈએ એવું અનુમાન નારદપુરાણ (1.103.1-2) ઉપરથી કરવામાં આવે છે.
પૂર્વભાગમાં ગોકર્ણમાહાત્મ્ય અને ઉત્તરભાગમાં પુલસ્ત્ય અને કુરુરાજના સંવાદ રૂપે સર્વ તીર્થોનું માહાત્મ્ય, બધા ધર્મ પુષ્કરનું પુણ્ય પાપવિનાશન પર્વ કહેવામાં આવ્યું છે. (ના. પુ. 1.10312-14). આ વિશેનો સંદર્ભ વરાહપુરાણના અ. 217.45માં મળે છે.
અન્ય પુરાણોમાં પુરાણનો આરંભ વ્યાસ-સૂતના સંવાદ રૂપે મળે છે, જ્યારે અહીં પૃથ્વી અને વરાહનો સંવાદ છે. (અ. 1થી 112) આગળના અધ્યાયો સૂત – સનત્કુમાર – બ્રહ્માના સંવાદ રૂપે છે. વરાહ દ્વારા પૃથ્વીના ઉદ્ધાર(વ. પુ. 113)ની મુખ્ય અવતારલીલા અહીં છે.
ફલશ્રુતિ રૂપે વિષ્ણુની સાયુજ્ય-યુક્તિ બતાવાઈ છે. (અ. 112, 217). વિષ્ણુની દશાવતાર લીલા અ. 1.5-11, 48.17-22; 113.20-25; 211.68-69માં ઉલ્લેખાઈ છે : બુદ્ધાવતાર.
વિષ્ણુની લાકડાની, પથ્થર, માટી, તામ્ર, કાંસું, ચાંદી કે સોનાની મૂર્તિઓ (અ. 181-186), વિવિધ પુષ્ષોથી પૂજા (123.1542; 124.1-55), નિષિદ્ધ ભોજ્ય પદાર્થો (અ. 119) વગેરેનું વર્ણન મળે છે. તાંબાનાં પાત્રોનો દેવપૂજામાં ઉપયોગ પ્રશસ્ય ગણાયો છે. (અ. 129.17-52).
આરાધક અને તેના આચારો (37.1-6; 115.1-53; 116.1-46); 17.37-50; 121.1-29; 122.19); નિત્યપૂજાક્રમ (અ. 117); ચારેય વર્ણની દીક્ષાનું વિધિવિધાન (અ. 99, 127, 128, 129); અનાચાર અને પ્રાયશ્ચિત્ત (અ. 117.5-36; 179.1-36; અ. 1301-36); અવતારાનુસાર દ્વાદશ વ્રતો (અ. 39-50), વરાહ, રામ વગેરેની સ્તુતિઓ (અ. 3.9-20; 5.49-58; 11.11-21, 15.9-19; 55.33-43); 73.18-38); વિષ્ણુનાં સ્વરૂપોની સ્તુતિઓ (ગદાધર 7.31-40; રામ 121.5-14; વરાહ 163.32-37, 166.14-15; માધવ 113.37-64; મત્સ્ય (9.28-33), નારાયણ (6.9-16), અને ગોવિંદ (36.12-22) તેમજ બ્રહ્મ-પારમ્ય સ્તોત્ર અને અશ્ર્વિનોએ કરેલું નારાયણ સ્તવન (20.27-30) જેવાં ગદ્ય સ્તોત્રો વૈષ્ણવ પરંપરામાં મળે છે.
અંધકાસુરવધ પ્રસંગે શિવ અને અન્ય દેવોના ક્રોધના મૂર્ત રૂપે અંધકના રક્તબિંદુથી ઉત્પન્ન થયેલા અસુરોનો નાશ કરવા થયેલી કાલીની ઉત્પત્તિ નિરૂપાઈ છે. (અ. 27.28-38). તેમાંથી બ્રાહ્મી, વૈષ્ણવી, રૌદ્રીની પરાઅપરા અને ચામુંડા કે પરાપરા દેવી તરીકે ઉત્પત્તિ અ. 94-96માં આલેખાઈ છે. વૈષ્ણવપુરાણનો આ શાક્ત ઉપાસના સાથે સંબંધિત ખંડ છે.
દક્ષ યજ્ઞ, સતીનો દેહત્યાગ, હિમાલયને ત્યાં જન્મ, મગરના મુખમાંથી વૃદ્ધ બ્રાહ્મણ રૂપે રહેલા શિવની દેવીએ કરેલી મુક્તિ, શિવપાર્વતી-વિવાહ, ગણેશ-કાર્તિકેયના જન્મ વગેરે ઘટનાઓનું નિરૂપણ (અ. 21-25; 34) આ પુરાણમાં શૈવ કથાનું પ્રવર્તન દર્શાવે છે.
અગ્નિ (અ. 19), અશ્ર્વિનૌ (અ. 20), આદિત્યો (અ. 26), ધર્મ (અ. 32) અને સોમ (અ. 34) જેવા દેવોના સંદર્ભો આ પુરાણમાં છે.
કોકામુખ (અ. 122, 140), લોહાર્ગલ (અ. 151), બદરી (અ. 141), શૌકરક (અ. 137), કુબ્જા (અ. 55.44-57, 126.12-34), સાતન્દૂર (અ. 150), શાલગ્રામ (અ. 145), ગોકર્ણ (અ. 145), ઉત્તર-દક્ષિણનાં તીર્થો (અ. 213-216) જેવાં તીર્થોમાં મથુરાવૃંદાવન (152-182) વર્ણન 29 અધ્યાયોમાં વિવિધ કથાઓ અને શ્રીકૃષ્ણચરિત સાથે સંકળાયેલું છે.
સોળ તિથિ વ્રતો, દ્વાદશ વ્રતો(અ. 18-35-39-50)માં આ પુરાણમાં આલેખાયાં છે.
ધેનુ, તિલ, જલ, રસ, આદિ દાનની પરંપરા (અ. 99થી 112) આ પુરાણમાં મળે છે.
સદાચાર, સદ્ગુણો (અ. 121-129, 122.1-9; 211.1-99), વિચારકર્મ દ્વારા સુખપ્રાપ્તિ (અ. 116.1-24) વર્ણવવામાં આવ્યા છે. અ. 198211માં કર્મવિપાકની ચર્ચા મળે છે. આ સાથે તપશ્ર્ચર્યાનું મહત્વ પણ દર્શાવાયું છે. રાજધર્મ, પતિવ્રતાધર્મ જેવા ધર્મો અ. 137.190-215; અ. 209, 210, 142.2-12, 45-45માં ચર્ચાયા છે. પુરાણોમાં શ્રાદ્ધકલ્પ અનિવાર્ય રૂપે આવે છે. આ પુરાણમાં અ. 7, 13, 14, 34, 180, 187થી 190માં શ્રાદ્ધ-વિષયક ચર્ચા વિગતે છે.
સર્ગના ભાગ રૂપે ભુવનકોષવર્ણન તો હોય જ. વરાહપુરાણના અ. 74-89 આ દૃષ્ટિએ મહત્વ ધરાવે છે.
અ. 218માં ઘણી પ્રકીર્ણ બાબતો સાથે વરાહપુરાણની અનુક્રમણિકા પણ છે.
સામ્બની કુષ્ઠરોગથી મુક્તિ, ઉદયાચલ, કાલપ્રિય અને મૂલસ્થાન-(મથુરા)નાં સૂર્યમંદિરો (અ. 177.0 57), ગાયત્રીની ઉત્પત્તિ અને લીલા (અ. 28.1-49), વૃષધર્મ (અ. 32.1-36), વૃક્ષારોપણ, બાગબગીચાની રચના (અ. 172.16-61) જેવી પ્રકીર્ણ છતાં મહત્વની બાબતોના છૂટાછવાયા સંદર્ભો અહીં મળે છે.
કેટલાંક સુભાષિતો પણ અહીં સરળ અને પ્રવાહી ભાષામાં મળે છે.
આમ, આ વૈષ્ણવપુરાણ હોવા છતાં શૈવ-શાક્ત પ્રતિ ઉદાર છે.
દશરથલાલ વેદિયા