વરાહ (અવતાર) : હિંદુ પુરાણોમાં માનવામાં આવેલો ભગવાન વિષ્ણુનો મુખ્ય અવતાર. કુલ દસ અવતારોમાં વિષ્ણુનો આ ત્રીજો અવતાર છે. હિરણ્યાક્ષ નામના અસુરના વધ માટે આ અવતાર લીધો હતો. આ યજ્ઞ વરાહ તરીકે જાણીતો અવતાર છે.

વરાહ – એક પરંપરાગત શિલ્પાકૃતિ

છેક ઋગ્વેદમાં ઇંદ્ર દ્વારા વરાહના વધની કથા આવે છે. (ઋ.વે. 10/99/6) તૈત્તિરીય સંહિતામાં પ્રજાપતિએ વરાહ અવતાર ધારણ કર્યાની કથા છે. એક વાર પ્રજાપતિ વાયુ રૂપે ફરતા હતા. તેમણે સમુદ્રના જળમાં ડૂબેલી પૃથ્વીને જોઈ. તેમણે વરાહનો અવતાર લઈ એ પૃથ્વીને સમુદ્રના ઊંડા જળમાંથી બહાર આણી તેને સ્વચ્છ કરી. તેના ઉપર દેવો, મનુષ્યો વગેરેને પ્રસ્થાપિત કર્યાં. (તૈ. સં. 7/2/5/1). તૈત્તિરીય બ્રાહ્મણ અનુસાર, બ્રહ્માના નાભિકમળના નીચેના ભાગે રહેતા પ્રજાપતિએ વરાહનું રૂપ લઈ કીચડ રૂપે રહેલી પૃથ્વીને ઉપર આણી. (તૈ. બ્રા. 1.1.3).

પુરાણોમાં વરાહ અવતારની કથાને હિરણ્યાક્ષ નામના અસુરે પૃથ્વીને હરી લઈ તેને સાગરમાં છુપાવ્યાની વાત સાથે જોડવામાં આવી છે. વિષ્ણુએ વરાહ અવતાર લઈ પોતાના એકદાંતથી પૃથ્વીને ઉપર ઉઠાવી સાગરજળની બહાર લાવી શેષનાગના મસ્તક ઉપર પ્રસ્થાપિત કરી. તેમણે હિરણ્યાક્ષનો વધ કર્યો. આ કથા મહાભારત, મત્સ્યપુરાણ, ભાગવત, લિંગપુરાણ, વાયુપુરાણ, હરિવંશપુરાણ, પદ્મપુરાણ જેવાં પુરાણોમાં મળે છે.

વાયુપુરાણ (23/1001-09) અનુસાર વિષ્ણુએ આ અવતાર વારાહ કલ્પના આરંભે લીધો હતો. કેટલાંક પુરાણોમાં વરાહને ચતુર્બાહુ, ચતુષ્પાદ, ચતુર્નેત્ર અને ચતુર્મુખ કહેવામાં આવ્યા છે. યજ્ઞવારાહ, શ્ર્વેતવારાહ, શેમુખ વારાહ જેવા વરાહોની કલ્પના પંચવરાહની માન્યતાના મૂળ અને વિકાસ રૂપે છે.

વિષ્ણુના દસ અવતારોમાં મત્સ્ય, કૂર્મ અને વરાહ એ ત્રણ અવતારો દિવ્ય કે મનુષ્યજાતિની ઉત્પત્તિની પૂર્વે થયા હોવાનું મનાય છે. નરસિંહ અવતાર અર્ધમાનવજાતિનું ઉદાહરણ છે. વિષ્ણુના વામનથી આરંભાતા અવતારો માનવીય છે. આ ઉપરથી અનુમાન કરવામાં આવે છે કે આરંભના ત્રણેય અવતારો પૃથ્વીની આરંભ અવસ્થાનું સૂચન કરે છે. આ સમયે માનવજાતિનું પૃથ્વી ઉપર અસ્તિત્વ ન હતું. કેટલાક વિદ્વાનોને અહીં ડાર્વિનના ઉત્ક્રાંતિવાદનાં દર્શન થાય છે. સૌપ્રથમ જળચર પ્રાણી, પછી જળ-સ્થળ ઉપર રહેનાર અને પછી જમીન ઉપર રહેનાર પ્રાણી-સૃદૃષ્ટિના પ્રતિનિધિ તરીકે મત્સ્ય, કૂર્મ અને વરાહ અવતાર ગણવામાં આવ્યા છે. પ્રાણીશાસ્ત્રની દૃષ્ટિએ આરંભકાળે સૃદૃષ્ટિ જળમય હતી. કીચડમાં સૌપ્રથમ પ્રાણીજાતિ ઉત્પન્ન થઈ. પ્રજાપતિએ વરાહ રૂપે કીચડને બહાર લાવી મૂક્યો. તેમાંથી પૃથ્વીનું કલેવર બંધાયું.

વૈદિક વાઙ્મય અનુસાર, બ્રહ્મા જ સૃદૃષ્ટિનું સર્જન કરનાર પ્રથમ દેવતા તે જ વિષ્ણુ બ્રહ્મા. વિષ્ણુ અને પ્રજાપતિ ભિન્ન નથી. આથી જ બ્રાહ્મણ અને પૌરાણિક ગ્રંથોમાં પ્રજાપતિ અને વિષ્ણુને વરાહ અવતાર ધારણ કરતા વર્ણવવામાં આવ્યા છે.

હિરણ્યાક્ષ કશ્યપ અને દિતિનો પુત્ર અને હિરણ્યકશિપુનો ભાઈ હતો. અને સ્વાયંભુવ મન્વંતરમાં જીવ્યો હતો. (લિંગ. પુ. 1. 94). તેના પરાક્રમથી લોકો ત્રાસી ભાગી જવા માંડ્યા. આથી વિષ્ણુએ તેની સાથે યુદ્ધ આરંભ્યું. તેણે પૃથ્વીને હરી લઈ સમુદ્રમાં સંતાડી દીધી. વિષ્ણુએ વરાહ અવતાર લઈ પૃથ્વીને સમુદ્રમાંથી બહાર લાવી હિરણ્યાક્ષને હણ્યો હતો.

ડૉ. વાસુદેવ શરણ અગ્રવાલે પંચમહાભૂતોમાંથી પૃથ્વીનું નિર્માણ વરાહ અવતાર દ્વારા સૂચવાયું હોવાનું માન્યું છે. અવકાશ-આકાશ સિવાયના પરમાણુઓમાંથી તેજ, વાયુ અને જળ પૃથ્વીના પરમાણુઓ જોડવામાં લાગી ગયાં. પૃથ્વીના પરમાણુઓને અગ્નિ (તેજ) તપાવે, જળ તેમાં પ્રવેશે, પોચો અંશ તૂટી જાય, પણ આવા કણો જોડાતા જાય. વાયુ જળની ભીનાશ દૂર કરે. પુન: અગ્નિ અને જળ ભીંજવે અને વાયુ સૂકવે એ ક્રમે પ્રાકૃતિક ઘટના બનવાથી ધીરે ધીરે પૃથ્વીનું કલેવર બંધાયું અને સમુદ્રજળ વચ્ચે તે સ્થિર બની રહી. આ પ્રાકૃતિક ઘટનાને વિષ્ણુ (વ્યાપક તત્વ) દ્વારા પૃથ્વીના ઉદ્ધાર રૂપે કથામાં વણી લેવાઈ છે. આ સંદર્ભે વરાહ સૂર્યનું સ્વરૂપ છે.

જે જગ્યાએ પૃથ્વીનો ઉદ્ધાર થયો તેને વરાહતીર્થ કહે છે. (પદ્મ.પુ. ઉ. 169). વરાહપુરાણ પ્રમાણે વરાહક્ષેત્ર કે કોકામુખ બંગાળમાં ત્રિવેણી નદીના કિનારે નાથપુર નામના ગામની પાસે છે. (વરાહ પુ. 140). ગંગાનદીના કાંઠે સોરોન નામના ગામમાં વરાહલક્ષ્મીનું મંદિર છે. (વરાહ પુ. 137). દક્ષિણ ભારતમાં શ્રીપુષ્ણ ક્ષેત્રમાં યજ્ઞવરાહનું મંદિર છે. ગુજરાતમાં સાબરકાંઠાના મોડાસામાં વરાહની મૂર્તિ મળી આવી છે. સોમનાથની પાસે કદવારમાં પ્રાચીન વરાહમંદિર આવેલું છે. તેમાં નૃ-વરાહની સુંદર પ્રતિમા છે. મધ્યપ્રદેશમાં ઉદયગિરિની ટેકરીમાં એક ગુફામાં પણ નૃ-વરાહની પ્રતિમા છે.

દશરથલાલ વેદિયા