વરદરાજ રાવ, જી. (જ. 1918; અ. 1987) : કન્નડ સંશોધક, પંડિત અને કવિ. તેમણે મૈસૂર યુનિવર્સિટીમાંથી બી.એ. (ઓનર્સ); એમ.એ. તથા પીએચ.ડી.ની ડિગ્રીઓ મેળવી. પછી કન્નડ વિભાગના અધ્યાપક તરીકે જોડાયા અને પ્રાધ્યાપક તરીકે સેવાનિવૃત્ત થયા.
તેમણે કવિ તરીકે કારકિર્દીની શરૂઆત કરી; પરંતુ હરિદાસ સાહિત્ય(હરિદાસોની રચનાઓ)ના અભ્યાસ અંગે તેમણે કરેલ સંશોધનથી તેઓ ખ્યાતિ પામ્યા. તેમણે વ્યાપક પ્રવાસ ખેડીને હસ્તપ્રતો એકત્રિત કરી. તેઓ હરિદાસ સાહિત્યના વિશેષજ્ઞ ગણાયા. તેમણે પુરન્દર દાસ, શ્રીપાદરાય અને મહીપતિ દાસ સહિત અનેક હરિદાસોની રચનાઓની નિર્ણાયક આવૃત્તિઓ તૈયાર કરી. તે બદલ તેમને હરિદાસ સાહિત્ય સેવા પ્રશસ્તિ ખિતાબ દ્વારા સન્માનવામાં આવ્યા.
તેમની અન્ય કૃતિઓમાં કાવ્યસંગ્રહો : ‘તોરણ’, ‘વિજયાદશમી’, ‘સેરયલુ’, ‘તોટ્ટિલુ’ જાણીતા છે. ‘પદિનુડી’, ‘સાહિત્યસાન્નિધ્ય’, ‘કુમાર રામન સંગત્ય’ અને ‘શ્રી પુરન્દર દસરુ મતુ અવર કીર્તનેગલુ’ તેમના વિવેચનગ્રંથો છે.
બળદેવભાઈ કનીજિયા