વનસ્પતિ-રંગો

વનસ્પતિઓનાં મૂળ, છાલ, પર્ણો, પુષ્પો અને ફળોમાંથી પ્રાપ્ત થતી એક પ્રકારની સ્રાવી નીપજ. તેને ક્રિયાધાર (substrate) પર લગાડતાં નિશ્ચિત પ્રકારનો રંગ આપે છે. આ ક્રિયાને રંજન (dyeing) કહે છે. ક્રિયાધાર આ રંગો અધિશોષણ (adsorption) દ્વારા, દ્રાવણ દ્વારા કે યાંત્રિક ધારણ (retention) દ્વારા મેળવે છે. ઘણા દેશોમાં આ નૈસર્ગિક રંગોનો ઉપયોગ કરતો રંગ-ઉદ્યોગ ખૂબ આર્થિક મહત્વ ધરાવે છે. જોકે વિલિયમ હેન્રી પર્કિન્સે (1865) મેન્વેઇન રંગ શોધી કૃત્રિમ રંગોનો પાયો નાખ્યો. તે પછીથી સસ્તા, ચમકીલા સરળતાથી ઉપયોગમાં લઈ શકાય તેવા સ્થાયિત્વવાળા અનેક પ્રકારોનું વિસ્તૃત વૈવિધ્ય ધરાવતા કૃત્રિમ રંગોએ નૈસર્ગિક રંગ-ઉદ્યોગનું ધોવાણ કરી નાખ્યું.

વનસ્પતિઓ કુદરતી રીતે 2000થી વધારે પ્રકારના રંગોનો સ્રાવ કરે છે. તે પૈકી માત્ર 150 જેટલા રંગો વ્યાપારિક અગત્ય ધરાવે છે. જોકે થોડાક નૈસર્ગિક રંગો કૃત્રિમ રંગોની સ્પર્ધામાં ઊભા રહી શકે તેમ છે.

રંગોનો મુખ્ય ઉપયોગ વસ્ત્ર-ઉદ્યોગ(textile industry)માં થાય છે. તેનો ઉપયોગ કરતાં પહેલાં રંગબંધક (mordant) તરીકે જાણીતી વિવિધ ધાતુઓના ક્ષારો સાથેના રાસાયણિક સંયોજન દ્વારા અદ્રાવ્ય બનાવવામાં આવે છે, જેથી રંગ પાકો બને છે. જે કાપડને રંગવાનું હોય તેને પહેલાં લોહ, ક્રોમિયમ, ઍલ્યુમિનિયમ કે કલાઈના ક્ષારના મંદ દ્રાવણ દ્વારા ભીંજવવામાં આવે છે, જેથી ધાત્વીય ઑક્સાઇડનું પાતળું સ્તર કાપડ પર લાગે છે. ત્યારપછી તેને રંગના દ્રાવણમાં બોળવામાં આવે છે, જે ઑક્સાઇડ સાથે અદ્રાવ્ય સંયોજન બનાવે છે. આ સિવાય રંગનો ચિત્રોમાં, વાર્નિશ, કાષ્ઠ, કાગળ, ખોરાક, સૌંદર્ય-પ્રસાધનો, રુવાંટીવાળાં ચામડાં અને ઔષધો વગેરે રંગવામાં ઉપયોગ થાય છે.

વનસ્પતિ-સૃદૃષ્ટિનાં ઘણાં કુળો નૈસર્ગિક રંગોનો સ્રોત છે. તે પૈકી ફેબેસી કુળ રંગ ઉત્પન્ન કરતી સૌથી વધારે વનસ્પતિ-જાતિઓ ધરાવે છે. કેટલીક અગત્યની રંગ ઉત્પન્ન કરતી વનસ્પતિઓ અને તેમના વિશિષ્ટ સ્રોત નીચે પ્રમાણે છે :

1. કાષ્ઠ :

(અ) પતંગ (લોગ્વૂડ) (Haematoxylon campechianum L.; પતંગ; કુળ  સીઝાલ્પિનીએસી) : તે એક સૌથી જૂનો અને સૌથી અગત્યનો રંગ છે, જે પતંગ વૃક્ષના અંત:કાષ્ઠ(heartwood)માંથી મેળવવામાં આવે છે. આ વૃક્ષ મેક્સિકોનું વતની છે. તે એક નાનું, કાંટાળું શિંબી વૃક્ષ છે અને તે 10થી 12 વર્ષનું બને ત્યારે તેના વળિયાવાળા (corrugated) થડને કાપવામાં આવે છે. તેની છાલ અને રસકાષ્ઠ (sapwood) કાઢી નાખી હિમેટૉક્સિલિન તરીકે જાણીતો જાંબલી-લાલ રંગ નિષ્કર્ષિત કરવામાં આવે છે. તેનો સીધેસીધો અથવા રંગબંધક સાથે ઉપયોગ કરવામાં આવે છે. હિમેટૉક્સિલિન પુષ્કળ પ્રમાણમાં ટેનિન ધરાવે છે અને લોહના ક્ષારો સાથે પ્રક્રિયા કરી કાળો રંગ ઉત્પન્ન કરે છે. તેનું રાસાયણિક બંધારણ C16H14O6, 3H2O (10 % જેટલું પ્રમાણ) છે અને મંદ ઑક્સિડેશનથી હિમેટેઇન (C16H12O6) નામનો ઘેરો જાંબલી સ્ફટિકમય પદાર્થ ઉત્પન્ન થાય છે જે લીલી ધાત્વીય ચમક ધરાવે છે.

આકૃતિ 1 : પતંગ(Haematoxylon campechianum)ની પુષ્પીય શાખા

તેનો ઉપયોગ સુતરાઉ કાપડ, ઊન, ચામડું, રુવાંટી અને રેશમને રંગવામાં થાય છે. આ રંગનો સૌથી મહત્વનો ઉપયોગ કોષવિદ્યા(cytology)માં કોષકેન્દ્રને અભિરંજિત કરવા માટે થાય છે. તેનો શાહી બનાવવામાં પણ ઉપયોગ થાય છે. H brasiletto ચામડાં રંગવા માટેનો લાલ રંગ આપે છે.

(આ) કચ (ખેર) [Acacia catechu (L.f.) Willd, (ખેર બાવળ); કુળ – માઇમોઝેસી] : આ વૃક્ષ ભારત અને મ્યાનમારનું વતની છે. તે કચ તરીકે જાણીતા બદામી રંગનો મહત્વનો સ્રોત છે. તે વનસ્પતિના અંત:કાષ્ઠના જલીય નિષ્કર્ષને સૂકવીને મેળવવામાં આવે છે. કચ અને કાથો બંને એક જ વૃક્ષની બે જુદી જુદી નીપજો છે. સામાન્ય રીતે તેનું ઉત્પાદન નવેમ્બરથી ડિસેમ્બરમાં કરવામાં આવે છે. તેના અંત:કાષ્ઠની નાની ચીરીઓ કરવામાં આવે છે. માટીના વાસણમાં 3 કલાકથી 4 કલાક આ ચીરીઓને પાણીમાં ઉકાળવામાં આવે છે. બદામી રંગનો ક્વાથ કાઢી લેવામાં આવે છે અને અંત:કાષ્ઠ વપરાઈ ન જાય ત્યાં સુધી નિષ્કર્ષણની પ્રક્રિયાનું પુનરાવર્તન કરવામાં આવે છે. ત્યારબાદ નિષ્કર્ષને ગાળીને માટીના વાસણમાં રાખવામાં આવે છે. થોડાક દિવસ પછી રેત અને માટી દ્વારા ગાળવામાં આવે છે; જેથી ટેનિનનું સ્રવણ થાય છે અને કાથો પાછળ રહી જાય છે. ટેનિન ધરાવતા દ્રાવણને બ્લૉકમાં દબાવી તેના નાના ટુકડા કરી છાંયડે સૂકવવામાં આવે છે.

આકૃતિ 2 : કચ(Acacia catechu)ની પુષ્પ અને ફળ સહિતની શાખા

રાસાયણિક રીતે, કાળો કેટેચૂ 10 % જેટલું એકેકેટેચિન ધરાવે છે, જે ઠંડા પાણીમાં અદ્રાવ્ય અને ગરમ પાણીમાં દ્રાવ્ય હોય છે. પાણીની હાજરીમાં એકેકેટેચિનનું ઑક્સિડેશન થતાં કેટેચૂટેનિક ઍસિડ ઉત્પન્ન થાય છે.

બદામી રંગ ઘેરો હોવાથી તેનો આછો બદામી, પીળચટ્ટો, કે ખાખી રંગ બનાવવામાં ઉપયોગ થાય છે. કાથાનો ઉપયોગ મુખવાસ અને ઔષધ બનાવવામાં પણ થાય છે. ભારત અને એશિયાના દેશોમાં પાનના એક ઘટક તરીકે કચનો ઉપયોગ થાય છે.

(ઇ) ફસ્ટિક (Chlorophora tinctoria (L.) Gaud.; કુળ  મોરેસી) : નૈસર્ગિક પીળા, બદામી અને પીળચટ્ટા રંગનો ફસ્ટિક મુખ્ય સ્રોત છે અને અગત્યની દૃષ્ટિએ પતંગ પછી તુરત તેનો ક્રમ આવે છે. તેનો ઉપયોગ ચામડાં અને પતંગ સાથેના સંયોજનમાં ઊન, રેશમ, રેયૉન અને નાયલૉન રંગવામાં થાય છે. આ વનસ્પતિ વેસ્ટ ઇંડિઝ, મધ્ય અને દક્ષિણ અમેરિકાનાં ગાઢાં ઉષ્ણકટિબંધીય જંગલોમાં વૃક્ષ-સ્વરૂપે થાય છે. તેના અંત:કાષ્ઠમાંથી રંગ મેળવવામાં આવે છે. કાષ્ઠ આછું પીળું હોય છે અને હવામાં ઘેરા પીળાશ પડતા બદામી રંગમાં ફેરવાય છે.

(ઈ) ઓસેજ ઑરેન્જ (Maclura pomifera (Raf.) Schneid; કુળ – મોરેસી) : આ વૃક્ષ દક્ષિણ મિસોરીથી ટૅક્સાસનું વતની છે અને અમેરિકામાં શોભન-વનસ્પતિ તરીકે વાડમાં ઉગાડવામાં આવે છે. તેનું કાષ્ઠ ચમકીલા નારંગી રંગનું હોય છે અને નારંગી પીળો કે સોનેરી પીળો રંગ ઉત્પન્ન કરે છે. એનિલિન રંગની અવેજીમાં તેનો ઉપયોગ થાય છે.

(ઉ) સપનવૂડ અને બ્રાઝિલવૂડ (Caesalpinia sappan L.; પતંગ; C. echinata Lam.; બ્રાઝિલવૂડ; કુળ – સિઝાલ્પિનિયેસી) : સપનવૂડ ભારત અને મલેશિયાનું વતની છે અને એશિયાના ઉષ્ણકટિબંધીય પ્રદેશોમાં ઉગાડવામાં આવે છે. બ્રાઝિલવૂડ બ્રાઝિલનું વતની છે; જે ઉષ્ણકટિબંધીય અમેરિકા અને વેસ્ટ ઇંડિઝમાં થાય છે. તેનું અંત:કાષ્ઠ લાલ રંગનો સ્રોત છે. તેનો ઉપયોગ મુખ્યત્વે ચામડું, કાષ્ઠ અને કાપડ રંગવામાં થાય છે.

આકૃતિ 3 : સપનવૂડ(Caesalpinia sappan L.)ની પુષ્પ અને ફળ ધરાવતી શાખા

(ઊ) લાલ ચંદન (Pterocarpus santalinus) L.f.; લાલ ચંદન; કુળ – પેપિલિયૉનેસી) : તે દક્ષિણ ભારતમાં થાય છે. તેનું મજબૂત, સુગંધિત, લાલ રંગનું કાષ્ઠ લાલ ચંદન તરીકે જાણીતું છે અને લોહી જેવા લાલ રંગનો તે સ્રોત છે. તે અદ્રાવ્ય હોય છે અને કાપડ, ચામડું અને કાષ્ઠને રંગવામાં ઉપયોગમાં લેવાય છે.

2. છાલ :

(અ) ક્વિરસિટ્રૉન (Quercus velutina Lam.; બ્લૅક ઓક; કુળ – ફેગેસી) : આ વૃક્ષ પૂર્વીય અમેરિકામાં નૈસર્ગિક રીતે ઊગે છે. તેની છાલને દળીને ચળકતો પીળો રંગ પ્રાપ્ત કરવામાં આવે છે, જેને ક્વિરસિટ્રોન કહે છે. આ રંગ કલાઈના રંગબંધક સાથે સુતરાઉ કાપડ, ચામડું અને ઊનનો સામાન રંગવામાં વપરાય છે.

ચાઇનીઝ ગ્રીન (Rhamnus globosa Bge.; R. pentapomica; બકથૉર્ન; કુળ – રહેમ્નેસી) : વૃક્ષની છાલનું ચૂર્ણ બનાવવામાં આવે છે, જે ‘ચાઇનીઝ ગ્રીન’ કે ‘લોકાઓ’ તરીકે જાણીતો નૈસર્ગિક લીલો રંગ આપે છે. તેનો ચીનમાં મુખ્યત્વે રેશમ અને સુતરાઉ કાપડ રંગવામાં ઉપયોગ થાય છે.

આ ઉપરાંત, ભારતમાં અન્ય વનસ્પતિઓની છાલ પણ રંગનો સ્રોત ગણાય છે :

(i) કશ્મલ (Berberis vulgaris; કુળ – બરબેરિડેસી) પીળો રંગ આપે છે.

(ii) સાગ (Tectona grandis; કુળ – વર્બિનેસી) પીળો રંગ આપે છે.

(iii) ભીલાર (Bischofia javanica; કુળ – યુફોરબિયેસી) લાલ રંગ આપે છે.

3. મૂળ અને ગ્રંથિલ (tuber) :

(અ) મંજીઠ (Rubia tinctorum L.; મજીઠ; કુળ – રુબિયેસી) : આ વનસ્પતિ ગ્રીસ, એશિયામાઇનોર અને કૉકેસસમાં વન્ય (wild) જાતિ તરીકે ઊગે છે. તેનાં મૂળ ચકચકિત સિંદૂરી રંગ ઉત્પન્ન કરે છે, જેને ‘ટર્કી રેડ’ કહેવામાં આવે છે. રંગદ્રવ્ય ‘એલિઝરિન’ નામનું ગ્લુકોસાઇડ છે. સાંશ્લેષિક રીતે ઉત્પન્ન કરવામાં આવેલા સૌપ્રથમ રંગો પૈકીનો એક રંગ છે. ભારતમાં R. cordifolia હિમાલયમાં વન્ય જાતિ તરીકે થાય છે અને લાલ રંગ ઉત્પન્ન કરે છે. તેનો ઉપયોગ ઔષધીય તેલને રંગ આપવામાં થાય છે. R. khasiana અને R. sikkimensis ખાસી અને સિક્કિમની ટેકરીઓ પર થાય છે અને લાલ રંગનો અગત્યનો સ્રોત છે.

આકૃતિ 4 : મંજીઠ(Rubia cordifolia)ની પુષ્પીય શાખા

(આ) હળદર (Curcuma longa L.; હળદર; કુળ – ઝિન્જિબરેસી) : આ શાકીય વનસ્પતિનું બંગાળ, મહારાષ્ટ્ર, તામિલનાડુ, ઓરિસા અને આંધ્રપ્રદેશમાં વાવેતર થાય છે. પીળાશ પડતી બદામી રંગની ગાંઠામૂળી આલ્કેલૉઇડ, બાષ્પશીલ તેલ અને અગત્યનું રંજકદ્રવ્ય – ક્યુક્યુમિન ધરાવે છે. નારંગી લાલ કે રતાશ પડતો બદામી રંગ ગાંઠામૂળીમાંથી મળે છે તેમજ કાપડ અને ખોરાકને પીળો રંગ આપે છે. તે રાસાયણિક દર્શક (indicator) તરીકે પણ વર્તે છે અને ઍસિડ અથવા આલ્કલીના સંપર્કમાં આવતાં તેનો રંગ બદલે છે.

આકૃતિ 5 : હળદર(Curcuma longa)નો ગાંઠામૂળી સહિતનો છોડ

(ઇ) ઇંડિયન મલ્બેરી (Morinda angustifolia Roxb; બનહરદી; કુળ – રુબિયેસી) : તે ખાસીની ટેકરીઓ, આસામ અને સિક્કિમમાં થતો આરોહી ક્ષુપ છે. મૂળ રંગનો મહત્વનો સ્રોત ગણાય છે. તેની રંગ આપતી બીજી જાતિઓ આ પ્રમાણે છે : (1) Morinda bracteata Roxb. ઓરિસા, બંગાળ અને રાજસ્થાનમાં થાય છે અને લાલ રંગ આપે છે, જેનો લિનન અને ટોપલીઓ રંગવામાં ઉપયોગ થાય છે. (2) Morinda citrifolia L. નાનકડી વૃક્ષજાતિ છે અને દાર્જિલિંગ, કોંકણ, આંદામાનના ટાપુઓ તથા ઉપહિમાલયી (sub-Himalayan) પ્રદેશોમાં થાય છે. મૂળ અને પુષ્પોમાંથી પીળો અને લાલ રંગ ઉત્પન્ન થાય છે અને તેનો સુતરાઉ કાપડને રંગવામાં ઉપયોગ થાય છે. (3) Morinda tinctoria બિહાર અને મધ્યપ્રદેશમાં થાય છે અને તેનો ઊન અને લિનનને રંગવામાં ઉપયોગ થાય છે.

(ઈ) ઇંડિયન બારબેરી (Berberis aristata DC.; રાસૌત; કુળ – બેરબેરીડેસી) : તે ઉત્તરી-પશ્ચિમ હિમાલય, નીલગિરિ, કુલુ અને કૂમોનની ટેકરીઓમાં થતો કાંટાળો ક્ષુપ છે. મૂળ અને પ્રકાંડમાંથી પીળો રંગ મેળવવામાં આવે છે.

(ઉ) જંગલી નારંગી (Toddalia asiatica (L.) Lamk.; ટીંડુપુરા; કુળ – રૂટેસી) : તે ક્ષુપસ્વરૂપ ધરાવતી જાતિ છે અને હિમાલય, ખાસી અને કૂમોનની ટેકરીઓમાં થાય છે. તેનાં મૂળ પીળા રંગનો સ્રોત છે.

4. પર્ણો :

(અ) ગળી (Indigofera tinctoria L.; નીલ; કુળ – પેપિલિયૉનેસી) : ગળી તેના સ્થાયિત્વ અને ઘેરા વાદળી રંગ માટે જાણીતી છે અને ‘રંગોના રાજા’ તરીકે ઓળખાય છે. જોકે હવે તેનું સ્થાન સાંશ્લેષિક નીપજે લીધું છે. તે મજબૂત પ્રકાંડ ધરાવતી બહુવર્ષાયુ ક્ષુપ જાતિ છે. વનસ્પતિ પોતે રંગ ધરાવતી નથી. પર્ણો રંગહીન ગ્લુકોસાઇડ-ઇંડિકેન ધરાવે છે, જેનું પાણીમાં ઑક્સિડેશન થતાં અદ્રાવ્ય ગળી ઉત્પન્ન થાય છે. પુષ્પનિર્માણ સમયે છોડ એકત્રિત કરી, તેમના ટુકડાઓને પાણીમાં 12 કલાક માટે ડુબાડી રાખવામાં આવે છે. આ દરમિયાન ઑક્સિડેશનની પ્રક્રિયા આગળ ધપતી જાય છે અને પ્રવાહીને સતત હલાવવામાં આવે છે. તેથી વાદળી નિક્ષેપ તરીકે ગળી નીચેના ભાગમાં બેસી જાય છે. તેના નાના ટુકડાઓ કરી બજારમાં વેચવા માટે મુકાય છે. ભારતમાં ગળીનો કપડાં રંગવામાં ઉપયોગ થાય છે.

આકૃતિ 6 : રાસૌત(Berberis aristata)ની પુષ્પીય શાખા

(આ) મેંદી (Lawsonia inermis L.; હીના, મેંદી; કુળ – લિથ્રેસી) : તે 1.8 મી.થી 2.4 મી. ઊંચું નાનું વૃક્ષ છે. તે ભારત, ઈરાન, ઇજિપ્ત અને અરબસ્તાનનું વતની છે. તે મુખ્યત્વે વાડ બનાવવા અને રંગ માટે વાવવામાં આવે છે. પર્ણો અને તરુણ પ્રરોહો નારંગી રંગ ઉત્પન્ન કરે છે, જેનું વ્યાપારિક મૂલ્ય ઓછું છે. મેંદીનાં સૂકાં કે તાજાં ભીંજવેલાં પર્ણો દળીને મેળવવામાં આવે છે. તેનો નારંગી-લાલ રંગ વ્યક્તિના વાળ, નખ આદિના સુશોભન માટે વપરાય છે. લગ્નપ્રસંગે મેંદીનો ઉપયોગ હાથ-પગના પંજા પર સુંદર ભાત મૂકવામાં થાય છે.

આકૃતિ 7 : ગળી(Indigofera tinctoria)ની પુષ્પીય શાખા

(ઇ) ક્લોરોફિલ : બધી જ લીલી વનસ્પતિઓમાં ક્લોરોફિલ નામનું રંજકદ્રવ્ય હોય છે. તે સાબુ, ખોરાક, ઔષધને લીલા રંગથી રંગવા માટે વપરાતો મહત્વનો રંગ છે. તે સ્વાસ્થ્ય માટે ક્યારેય હાનિપ્રદ નથી અને સુશોભનમાં ઉપયોગી છે.

(ઈ) લોધ (Symplocos paniculata Mig; લોધ; કુળ  સિમ્પ્લોકેસી) : તે ક્ષુપ કે નાનું વૃક્ષ છે અને હિમાલયમાં કાશ્મીરથી આસામ સુધી થાય છે. પર્ણ અને છાલ પીળો રંગ આપે છે. તેને સામાન્ય રીતે પતંગ સાથે મિશ્ર કરવામાં આવે છે.

5. પુષ્પો :

(અ) કસુંબો (સોફલાવાર) [Carthamus tinctorius L.; કસુંબો, કુસુમ; કુળ – એસ્ટરેસી] : તે એક મહત્વની રંગ આપતી વનસ્પતિ છે. તેનું મૂળ વતન ભારત છે અને મુખ્યત્વે ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ, બંગાળ અને મહારાષ્ટ્રમાં તેનું વાવેતર થાય છે. શુષ્ક આબોહવામાં તેના ગળણી જેવા આકારના પીળા કે નારંગી રંગના પુષ્પગુચ્છો(capitulum)ની લણણી કરવામાં આવે છે. તેમને સૂકવીને અને દબાવીને ચોસલાં પાડવામાં આવે છે. કસુંબામાં બે રંજકદ્રવ્યો રહેલાં છે : (1) સેફલોર-યલો – પીળા રંગનું રંજકદ્રવ્ય અને (2) સેફલોર-રેડ અથવા કાર્થેમિન – લાલ રંગનું રંજકદ્રવ્ય. તેમનો ખોરાક અને વસ્ત્ર રંગવામાં ઉપયોગ થાય છે. તે પ્રસાધન દ્રવ્ય તરીકે પણ ઉપયોગી છે.

આકૃતિ 8 : કસુંબા(Carthamus tinctorius)ની પુષ્પિત શાખા

(આ) કેસર (Crocus sativus L.; કેસર, ઝાફરાન; કુળ – ઇરિડેસી) : આ વનસ્પતિ એશિયા અને ગ્રીસની મૂળ વતની છે અને ક્ષુપ-સ્વરૂપે કાશ્મીર અને ઉત્તર પ્રદેશમાં થાય છે. તેનાં પુષ્પ વાદળી કે જાંબલી રંગનાં હોય છે. તેનાં પરાગાસન મોટાં, ચપટાં અને ઘેરાં લાલ હોય છે. પુષ્પકલિકાઓ સુકાતાં પરાગાસનો અને પરાગવાહિનીઓને કાપી લઈ તેમના રંગનું નિષ્કર્ષણ કરવા માટે ઉપયોગ કરવામાં આવે છે. લગભગ 141 જેટલાં પુષ્પોમાંથી 1 ગ્રામ જેટલો રંગ મેળવી શકાય છે, જે ક્રોસીન નામનું રંજકદ્રવ્ય ધરાવે છે. શુદ્ધ સ્વરૂપમાં ક્રોસીન બદામી-લાલ સ્ફટિકો ધરાવે છે. ઠંડા પાણીમાં તે અલ્પ પ્રમાણમાં દ્રાવ્ય છે; પરંતુ ગરમ પાણીમાં ઝડપથી દ્રાવ્ય છે. કાર્બનિક દ્રાવકોમાં તે અદ્રાવ્ય છે. તેનો ઉપયોગ ખોરાક, મીઠાઈઓ અને ઔષધો રંગવા માટે થાય છે. તે તેમને કેસરની વિશિષ્ટ સુગંધ પણ આપે છે.

(ઇ) કેસૂડો (પલાશ) (Butea monosperma (Laek). Taubert; પલાશ; કુળ – પેપિલિયોનેસી) : તે એક મોટું સુશોભન-વૃક્ષ છે અને પર્ણપાતી જંગલોમાં પુષ્કળ પ્રમાણમાં થાય છે. ભારતમાં બંગાળ અને ઉત્તર ભારતમાં જોવા મળે છે. પુષ્પો ચકચકિત પીળો કે કેસરી રંગ આપે છે. ભારતમાં હોળીના તહેવાર દરમિયાન તેના રંગનો ઉપયોગ હોળી રમવા માટે થાય છે. નાનાં બાળકોને સ્નાન કરાવવામાં પણ તેનો ઉપયોગ થાય છે.

(ઈ) પારિજાતક (હરસિંગાર) [Nyctanthes arbor-tristis L.; હરસિંગાર, પારિજાતક; કુળ – ઓલિયેસી] : તે સમગ્ર ભારતમાં ક્ષુપ કે નાના વૃક્ષ-સ્વરૂપે જોવા મળે છે. તેના પર નાનાં, સફેદ, તારાકાર પુષ્પો ઉત્પન્ન થાય છે. તેની દલપુંજનલિકા (corolla tube) નારંગી રંગની હોય છે. પુષ્પ અત્યંત સુગંધિત હોય છે અને તેમને કચડતાં નારંગી રંગ ઉત્પન્ન થાય છે. તેનો રેશમ અને સુતરાઉ કાપડ રંગવામાં ઉપયોગ થાય છે. બંગાળમાં આ પુષ્પથી રંગેલા કાપડને ‘પતંજલિ’ કહે છે.

(ઉ) તૂન (Cedrela toona (Roxb. ex Lamb.) G. Don.; તૂન; કુળ – મેલિયેસી) : તે ભારતમાં આસામ, નીલગિરિ, પંજાબ, બિહાર, મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્રમાં મળી આવતું મોટું વૃક્ષ છે. તેનાં પુષ્પોમાંથી પીળો રંગ પ્રાપ્ત થાય છે.

(ઊ) ઇન્દ્રજવ (રૂંછાળો દૂધલો) [Wrightia tinctoria R. Br.; ઇન્દ્રજવ, રૂંછાળો દૂધલો, દૂધલો; કુળ – એપોસાયનેસી] : આ વૃક્ષની જાતિ ભારતનાં પર્ણપાતી જંગલોમાં ખાસ કરીને ગુજરાત, મધ્યપ્રદેશ અને તામિલનાડુમાં થાય છે. તેનાં પુષ્પોમાંથી વાદળી રંગ પ્રાપ્ત થાય છે.

6. ફળો :

(અ) પર્સિયન બેરી (Rhamnus infectoria L.; પર્સિયન બેરી, બકથૉર્ન; કુળ – રહેમ્નેસી) : તે દક્ષિણ યુરોપ, ઈરાન અને એશિયા માઇનોરમાં થાય છે અને ‘પર્સિયન બેરી’ તરીકે જાણીતી વનસ્પતિ છે. કાચાં શુષ્ક ફળોનો નિષ્કર્ષ પીળો અને લીલો રંગ ઉત્પન્ન કરે છે અને તેમનો રંગવામાં વિવિધ રીતે ઉપયોગ થાય છે.

(આ) સેપ ગ્રીન (યુરોપિયન બકથૉર્ન) [Rhamnus cathartica L.; યુરોપિયન બકથૉર્ન; કુળ – રહેમ્નેસી] : તેનાં ફળોમાંથી લીલા રંગનું જલ-રંજકદ્રવ્ય ઉત્પન્ન થાય છે.

(ઇ) કપીલો (Mallotus philippinensis (Lamk.) Muell.-Arg.; કપીલો; કુળ – યુફોરબિયેસી) : તે એક નાનું વૃક્ષ છે. ભારતમાં બંગાળ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ઓરિસામાં થાય છે. ફળની સપાટી લાલ રંગ આપે છે, જેનો રેશમ રંગવામાં ઉપયોગ થાય છે.

7. બીજ :

(અ) સિંદૂરી (અન્નાટો) (Bixa orellana L.; સિંદૂરી, સિંદૂરિયા; કુળ – બિક્સેસી.) : તે સદાહરિત ક્ષુપ કે નાનું વૃક્ષ છે અને ઉષ્ણકટિબંધીય અમેરિકાનું મૂળવતની હોવા છતાં તે ભારતમાં કુદરતી રીતે વિપુલ પ્રમાણમાં થાય છે. દક્ષિણ ભારતમાં તેનું વાવેતર થાય છે. તે બીજા વર્ષથી ફળ-નિર્માણ કરે છે. પ્રત્યેક વૃક્ષ દર વર્ષે 135 કિગ્રા.થી 270 કિગ્રા. જેટલાં ફળ આપે છે. પ્રત્યેક કાંટાળા ફળમાં 30થી 50 જેટલાં બીજ હોય છે, જેમની ફરતે સિંદૂરી લાલ રંગનું બીજોપાંગ (aril) આવેલું હોય છે. આ બીજોપાંગ ચમકીલો પીળો રંગ આપે છે. બીજોપાંગનો સીધેસીધો રંગના સ્રોત તરીકે ઉપયોગ કરવામાં આવે છે અથવા બીજોપાંગ કાઢી લઈ તેની લૂગદી બનાવવામાં આવે છે. બીજ સ્વાદરહિત હોવાને લીધે આ રંગ માખણ, ચીઝ, માર્ગરીન અને અન્ય ખોરાક રંગવામાં ખૂબ અનુકૂળ છે. તેનો ઉપયોગ ઊન, સૂતરની દોરીઓ, મદ્યાર્ક, સાબુ, વાર્નિશ અને ચિત્રોમાં થાય છે. દક્ષિણ અમેરિકામાં આદિવાસીઓ તેને ‘ઉરુકુ’ કહે છે અને તેનો ઉપયોગ શરીર રંગવામાં કરે છે.

આકૃતિ 9 : સિંદૂરી(Bixa orellana)ની ફળ સહિતની શાખા

(આ) કાળો ઇન્દ્રજવ (દૂધલો) [Wrightia tomentosa (Roxb.) Roem. & Schult.; કાળો ઇન્દ્રજવ, દૂધલો; એપોસાયનેસી] : ભારતમાં આ વૃક્ષ પર્ણપાતી જંગલોમાં થાય છે. તે પંજાબ, રાજસ્થાન, બિહાર અને આસામમાં જોવા મળે છે. તેનાં બીજ પીળો રંગ ઉત્પન્ન કરે છે.

8. ગુંદરરાળ

(અ) તમાલ (ગેમ્બોગ) [Garcinia morella Desr.; તમાલ, ગોટાઘંબા; કુળ – ગટ્ટીફેરી] : તે સિયામમાં થતું વૃક્ષ છે. તેની બીજી જાતિ શ્રીલંકા, થાઇલડ અને ઇસ્ટ ઇંડિઝમાં થાય છે. ભારતમાં તે ખાસિયાની ટેકરીઓ અને પશ્ચિમ ઘાટમાં દક્ષિણ કાનડા અને મૈસૂરથી ત્રાવણકોર સુધી થાય છે. તેની ગુંદર-રાળ પીળા રંગનો સ્રોત છે. તેની છાલને છેદ આપતાં પીળા રંગનો ઘટ્ટ રસ ધીમે ધીમે સ્રવે છે. તેને પોલા વાંસમાં એકત્રિત કરવામાં આવે છે, જ્યાં તે હવાના સંપર્કમાં આવતાં સખત બની નળાકાર રચનાઓમાં પરિણમે છે. આ રંગ પાણી, આલ્કોહૉલ કે તેલમાં દ્રાવ્ય હોય છે. તેને ચિત્રકારો ખૂબ પસંદ કરે છે. કારણ કે તે વાર્નિશને સોનેરી છાંટ આપે છે. તે ધાતુકામમાં પણ વપરાય છે.

કોવા (Garcinia cowa) આસામ, પશ્ચિમ બંગાળ અને નીલગિરિમાં થાય છે. તેનાં થડ અને શાખાઓમાંથી પ્રાપ્ત થતો ગુંદર પીળું વાર્નિશ બનાવવામાં વપરાય છે.

9. લાઇકેન : એનિલિનના રંગોની શોધ પહેલાં લાઇકેનમાંથી મેળવવામાં આવતા રંગો ખૂબ મહત્વ ધરાવતા હતા અને ઊન અને રેશમ રંગવામાં વપરાતા હતા. Rocella અને Lecanoraની જાતિઓ જાંબલી રંગ આપે છે અને વ્યાપારિક રીતે તે ‘ઓર્ચિલ’, ‘કડ્બિયર’ અને ‘લિટમસ’ તરીકે ઓળખાય છે. ભારતમાં Sticta, Parmelia, Physica, Ramalina, Gyrophora, Solorina અને Usneaની જાતિઓમાંથી કેટલાક રંગ મેળવવામાં આવે છે.

આકૃતિ 10 : તમાલ(Garcinia morella)ની પુષ્પીય શાખા

ઓર્ચિલ અને કડ્બિયર (Rocella tinctoria DC.) : આ જાતિમાંથી વાદળી કે જાંબલી રંગ પ્રાપ્ત થાય છે, જેને ઓર્ચિલ કે કડ્બિયર કહે છે. લાઇકેનનું એમોનિયા સાથે દ્રવ-સંમર્દન (maceration) કરવામાં આવે છે અને તેને હવામાં ખુલ્લું રાખવામાં આવે છે. પાણી સાથે તેનું નિષ્કર્ષણ કરતાં વાદળી પ્રવાહી ઉત્પન્ન થાય છે. તેને ગરમ કરતાં એમોનિયા નીકળી જાય છે અને લાલ ઓર્ચિલ પ્રાપ્ત થાય છે. તેનું બાષ્પીભવન કરી તેને દળવામાં આવે છે અથવા લૂગદી બનાવવામાં આવે છે અને બજારમાં કડ્બિયર તરીકે વેચવામાં આવે છે.

  1. tinctoria ‘લિટમસ’ તરીકે જાણીતો બીજો મહત્વનો રંગ ઉત્પન્ન કરે છે. લાઇકેનનું આલ્કલી સાથેની ચિકિત્સા આપ્યા પછી થોડા દિવસ આથવણ કરવામાં આવે છે. પછી તેમાં ચૂનો ઉમેરવામાં આવે છે અને રંગનું પાણી સાથે નિષ્કર્ષણ થાય છે. પાણીનું બાષ્પીભવન કરી તેનો અવશેષ ચૂના કે જિપ્સમના પાઉડર સાથે મિશ્ર કરવામાં આવે છે. ત્યારબાદ કાગળ પર લગાડવામાં આવે છે. આ લિટમસ પ્રયોગશાળામાં ઍસિડ અને આલ્કલીના રાસાયણિક દર્શક તરીકે વપરાય છે; કારણ કે તેનો કુદરતી જાંબલી રંગ ઍસિડથી લાલ રંગમાં અને આલ્કલીથી વાદળી રંગમાં ફેરવાય છે.

બળદેવભાઈ પટેલ