વડ : દ્વિદળી વર્ગમાં આવેલા મોરેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Ficus benghalensis Linn. (સં. બં. વટ, ગુ. મ. વડ, હિં. બડ, ક. આદલ ગોલીમારા, તે. મર્રિચેટ્ટુ, ત. અલામારમ્, મલ. પેરાલ, ફા. દરખતરેશા, વડવાઈરેશા, એબર્ગદ, અં. બનિયન ટ્રી) છે. તે એક અત્યંત વિશાળ 30 મી. જેટલું ઊંચું વૃક્ષ છે અને વિપુલ પ્રમાણમાં પ્રસરતી શાખાઓ ધરાવે છે. તેનાં હવાઈ મૂળો (વડવાઈઓ) અસંખ્ય હોય છે; તે પૈકીનાં કેટલાંક સ્તંભમૂળ(columner root)માં પરિણમી વૃક્ષના થતા પાર્શ્ર્વીય અમર્યાદિત ફેલાવાને આધાર આપે છે. પર્ણો સાદાં એકાંતરિક, 10 સેમી.થી 20 સેમી. લાંબાં, ચર્મિલ, અંડાકાર(ovate)થી ઉપવલયી (elliptic), તેનો નીચેનો ભાગ ગોળ અથવા ઉપહૃદયાકાર (subcordate) હોય છે. ફળો સંયુક્ત ઉદુમ્બરક (syconus) પ્રકારનાં, અદંડી, યુગ્મમાં આવેલાં, 1.5 સેમી.થી 2 સેમી. જેટલો વ્યાસ ધરાવતા, સૂક્ષ્મ રોમિલ (puberculous) અને પાકે ત્યારે સિંદૂરી લાલ રંગનાં હોય છે.

પર્ણ અને ફળ (ટેટા) સાથેનું વડનું વૃક્ષ

ભારતના ઉપ-હિમાલયી (sub-Himalayan) પ્રદેશ અને ડેકન અને દક્ષિણ ભારતનાં પર્ણપાતી (deciduous) જંગલોમાં આ વૃક્ષ બધે જ જોવા મળે છે. તે છાંયડા માટે ઉદ્યાનોમાં અને રસ્તાની બંને બાજુઓ પર ઉગાડવામાં આવે છે. તેનો પર્ણમુકુટ (leafy crown) કેટલીક વાર તો 300 મી.થી 600 મી.નો ઘેરાવો પ્રાપ્ત કરે છે. સમગ્ર વિશ્વમાં સૌથી મોટો વડ વનસ્પતિ-ઉદ્યાન સીબપુર, કોલકાતામાં આવેલો છે. ગુજરાતમાં નર્મદા કિનારે આવેલો કબીરવડ પણ ખૂબ જાણીતો વિશાળકાય વડ છે. વડ શુષ્ક સ્થળો સિવાયના પ્રદેશોમાં સદાહરિત (evergreen) હોય છે. તે સહિષ્ણુ (hardy) અને શુષ્કતારોધી (drought-resistant) છે અને મંદ હિમ સામે ટકી શકે છે. તરુણ અવસ્થામાં તે પરરોહી (epiphytic) હોય છે. જૂની દીવાલો પર કે અન્ય વૃક્ષો પર પક્ષીઓ દ્વારા પડેલાં બીજ દ્વારા તેનો વિકાસ થાય છે અને તેથી જંગલનાં વૃક્ષો, દીવાલો કે મકાનો માટે વિનાશકારી છે. તેનું કટકારોપણ દ્વારા વાનસ્પતિક પ્રજનન થઈ શકે છે. આ વૃક્ષને Rametes persoonii Fr. દ્વારા સફેદ પોચો સડો થાય છે. વડની કેટલીક જાતો (varieties) છે અને તેઓ પર્ણના આકાર કે હવાઈ મૂળની હાજરી કે ગેરહાજરી દ્વારા એકબીજાથી જુદી પડે છે. ઉદ્યાનોમાં ઉગાડાતી F. benghalensis var. krishnae(માખણ કટોરી)ના પર્ણનો નીચેનો ભાગ બેવડાઈને પ્યાલા જેવો કે શંકુ આકારનો બનેલો હોય છે. જોકે કેટલાક વર્ગીકરણ-વિજ્ઞાનીઓ તેને જુદી જાતિ F. krishnae C.DC. ગણે છે.

વડનાં પાકાં ફળો અછત દરમિયાન ખાવાના ઉપયોગમાં લેવાય છે. તે પક્ષીઓ અને વાંદરાંઓનો ખોરાક છે. તેના શુષ્ક ફળના એક રાસાયણિક વિશ્ર્લેષણ પ્રમાણે, તે પાણી 12.9 %, આલ્બુમિનૉઇડ 8.1 %, લિપિડ 6.1 %, કાર્બોદિતો 35.5 %, રેસો 31.0 %, ભસ્મ 6.4 %, સિલિકા (SiO2) 0.35 %, ફૉસ્ફરસ (P2O5) 0.53 % અને રંગીન દ્રવ્ય 7.7 % ધરાવે છે. તેના આલ્કોહૉલીય નિષ્કર્ષમાં ગ્લાયકોસાઇડ હોય છે.

તેનાં પર્ણોનો ચારા તરીકે ઉપયોગ થાય છે. તેનું શુષ્કતાને આધારે કરવામાં આવેલું એક રાસાયણિક વિશ્ર્લેષણ આ પ્રમાણે છે : અશુદ્ધ પ્રોટીન 9.63 %, ઈથર-નિષ્કર્ષ 2.64 %, અશુદ્ધ રેસો 26.84 %, નાઇટ્રોજનમુક્ત નિષ્કર્ષ 51.59 %, કૅલ્શિયમ (CaO) 2.53 % અને ફૉસ્ફરસ (P2O5) 0.40 % બકરીના ચારા તરીકે વડનાં પર્ણોનો ઉપયોગ યોગ્ય ગણવામાં આવે છે. તેના પાચ્યતા-આંક (digestibility coefficient) આ પ્રમાણે છે : અશુદ્ધ પ્રોટીન 42.5, ઈથર-નિષ્કર્ષ 31.8, અશુદ્ધ રેસો 41.8 અને નાઇટ્રોજનમુક્ત નિષ્કર્ષ 65.7; પોષણમૂલ્ય : પચનીય (digestible) અશુદ્ધ પ્રોટીન 4.08 કિગ્રા. કુલ પચનીય પોષકો 51.05 કિગ્રા. અને સ્ટાર્ચ તુલ્યાંક (equivalent) 34.98 કિગ્રા./100 કિગ્રા. ઢોરો માટેના સંયુક્ત સંતુલિત દૈનિક આહારમાં રુક્ષ અંશ (roughage) તરીકે વડનાં પર્ણોનો 40 % જેટલો ઉપયોગ થઈ શકે છે.

વડનો ક્ષીરરસ 0.3 %થી 7.7 % કૂચુક (caoutchoac) ધરાવે છે. તેમાં એક અસંતૃપ્ત સ્ટેરોલ જેવું ફાઇકોસ્ટેરોલ (C20H50) નામનું સંયોજન અને ગ્લુટાથિયૉન (34 મિગ્રા./ 100 ગ્રા.) પણ પ્રાપ્ત થયું છે. ક્ષીરરસનો સ્કંદ (coagulum) પક્ષી-આસંજક (bird lime) તરીકે વપરાય છે. ક્ષીરરસનું સ્થાયી પાયસ (emulsion) પેટ્રોલ, ટર્પેન્ટાઇન અથવા બેન્ઝોલ 4 ભાગ, ક્ષીરરસ એક ભાગ અને થોડાક મિલી. ફૉર્માલ્ડિહાઇડ મિશ્ર કરતાં મેળવવામાં આવે છે. તેનો ઉપયોગ મોટરના ટાયરનાં નાનાં કાણાં પૂરવામાં થાય છે.

કાષ્ઠ (વજન, 575 કિગ્રા./ઘમી.) ભૂખરા રંગનું કે ભૂખરું-સફેદ હોય છે અને મધ્યમસરનું સખત હોય છે. ઇમારતી લાકડા તરીકે તેનું મૂલ્ય ઓછું હોય છે. તે પાણીમાં ટકાઉ (durable) હોય છે. તેને કાપવામાં અને સંશોષણ (seasoning) કરવામાં કાળજી રાખવામાં આવે તો તેનો ઇમારતી લાકડા તરીકે ઉપયોગ કરી શકાય. હવાઈ મૂળનું કાષ્ઠ વધારે મજબૂત અને સ્થિતિસ્થાપક હોય છે. તેનો તંબુના થાંભલા અને ગાડાની ધૂંસરી બનાવવામાં ઉપયોગ થાય છે. તેનું કાષ્ઠ કાગળના ગરના ઉત્પાદનમાં ઉપયોગી છે. જુદા જુદા સ્રોત દ્વારા પ્રાપ્ત વાયુ શુષ્ક કાષ્ઠનું એક રાસાયણિક વિશ્ર્લેષણ આ પ્રમાણે છે : પાણી 9.6 %  12.6 %, સેલ્યુલોઝ 42.5 %  47.4 %, લિગ્નીન 31.3 %થી 35.5 %, ભસ્મ 0.9 %  1.5 %, અપચાયક (reducing) શર્કરાઓ 1.9 %થી 2.6 %, ગરને 3 % રેઝિન અને 5 % એલમની દ્વારા આર ચઢાવવાથી સારી ગુણવત્તાવાળા લખવાના કાગળ મેળવી શકાય છે.

છાલ અને હવાઈ મૂળમાંથી જાડાં દોરડાં બનાવી શકાય છે. છાલમાં 11 % જેટલું ટેનિન હોય છે. વડ લાખના કીટકની પોષિતા વનસ્પતિ છે.

તેના જુદા જુદા ભાગો ઔષધીય મહત્વ ધરાવે છે. તેનો ક્ષીરરસ દુખાવા ઉપર અને ઉઝરડા પર લગાવવામાં આવે છે અને સંધિવા તથા કટિવામાં વેદનાહર (anodyme) તરીકે ઉપયોગ કરવામાં આવે છે. તે દાંતના દુખાવામાં પણ વપરાય છે. પર્ણોને ગરમ કરી તેનો પોટીસ તરીકે ઉપયોગ થાય છે. તેની છાલ સંકોચક (astringent) ગુણધર્મ ધરાવે છે અને તેનો મરડો, અતિસાર અને મધુપ્રમેહમાં ઉપયોગ થાય છે. તેની તરુણ કલિકાઓનો આસવનો મરડો અને અતિસારમાં ઉપયોગ કરવામાં આવે છે. તેનાં બીજ શીતળ અને બલ્ય હોય છે. લટકતાં મૂળોની ટોચો ઊલટીમાં આપવામાં આવે છે.

આયુર્વેદ અનુસાર વડ તૂરો, મધુર, શીત, ગુરુ, ગ્રાહક, વર્ણ્ય, સ્તંભન અને રુક્ષ છે; અને કફ, પિત્ત, યોનિદોષ, જ્વર, દાહ, તૃષા, ઊલટી, મૂર્ચ્છા, રક્તપિત્ત, વ્રણ, શોથ અને વિસર્પનો નાશ કરે છે.

નખદંત વિષ ઉપર વડ, ખીજડો અને કડવા લીમડાની છાલ વાટી લેપ કરવામાં આવે છે. પ્રમેહ ઉપર વડની વડવાઈનો કાઢો કરી મધ નાખી પિવડાવવામાં આવે છે. વીંછીનું વિષ, આગંતુક જખમ, કાખમાંજરી અને ઉંદરના દંશ પર તેનો ક્ષીરરસ ચોપડવામાં આવે છે. ગર્ભધારણ માટે કળી જેવા અંકુરમાં રહેલાં બારીક પર્ણો વાટી બોર જેવડી 21 ગોળીઓ કરી દરરોજની ત્રણ ગોળીઓ ઘી સાથે આપવામાં આવે છે. કૃમિ ઉપર વડની વડવાઈના કુમળા અંકુર વાટી તેનો રસ પિવડાવવામાં આવે છે. ધાતુપુદૃષ્ટિ માટે વડનો ક્ષીરરસ પતાસા સાથે અપાય છે. જ્વરમાં દાહ થાય તે ઉપર વડવાઈનો રસ પિવડાવાય છે. આંખના ફૂલ પર તેના ક્ષીરરસમાં કૂપર વાટી અંજન કરવામાં આવે છે. અતિસાર ઉપર વડની વડવાઈઓ ચોખાના ધોવરામણમાં વાટી તેમાં છાસ નાખી પિવડાવવામાં આવે છે. રક્તપિત્ત ઉપર વડની વડવાઈઓનો કલ્ક તેમાં મધ અને સાકર નાખી અપાય છે. મુખરોગમાં વડ, ઉંબરો, પીપર, જાંબુઓ અને નાંદરૂખીના પાનનો કાઢો કરી કોગળા કરવામાં આવે છે. ખરજવા અને મૂળવ્યાધિ ઉપર વડનાં પાકેલાં પાંદડાં બાળી તેની રાખનો તલના તેલમાં ખરલ કરી લેપ કરવામાં આવે છે. વડનો આ ઉપરાંત, મળમૂત્ર બંધ થયાં હોય તે ઉપર શ્ર્વેતપ્રદર અને રક્તપ્રદર ઉપર રક્તજ સ્નાયુક અને મધુરા જ્વર ઉપર ઉપયોગ થાય છે.

વૈદ્ય ભાલચંદ્ર હાથી, બળદેવભાઈ પટેલ