વટાવગૃહ (Discount House)

January, 2005

વટાવગૃહ (Discount House) : વિનિમયપત્ર પાકે તે અગાઉ તેની દાર્શનિક કિંમત કરતાં ઓછી કિંમતે ખરીદવાનો ધંધો કરતાં લંડનનાં વ્યાપારીગૃહો. ઇંગ્લૅન્ડમાં મોટાભાગની પ્રવૃત્તિઓ રૂઢિગત રીતે ચાલે છે. લંડનનું નાણાંબજાર વિશ્વમાં જૂનામાં જૂનું નાણાંબજાર છે. આ બજારમાં પણ રૂઢિઓ ક્રમશ: તૈયાર થઈ જેના એક ભાગસ્વરૂપ વટાવગૃહ છે. નાણાંબજારની પ્રવૃત્તિઓનું એકમ નાણું છે. એ એની છાપેલી કિંમતે ખરીદવામાં આવે છે અને તે જ કિંમતે વેચવામાં આવે છે. આથી નાણાંનો ભાવ ઓછો-વધતો કરીને નફો મેળવી શકાતો નથી. નાણું ખરીદશક્તિનું પ્રતિનિધિ છે. નાણાંનો માલિક નાણાંના મૂલ્ય જેટલી કોઈ પણ ચીજ-સેવા તરત જ ખરીદી શકે છે. જો એ તરત ખરીદવા ન માંગતો હોય તો તે અન્યોને પોતાનું નાણું આપી શકે છે. પોતે રાહ જોવાનું પસંદ કરી શકે છે. આ રાહ જોવાનું વળતર વ્યાજ કહેવાય છે. આમ નાણાંબજારમાં નાણાંના ભાવ બોલાતા નથી પણ તેની રાહ જોવાના વળતરના ભાવ બોલાય છે. નાણાંબજારમાં નાણાંને લગતા દસ્તાવેજોના વ્યવહારો પણ થાય છે. આ દસ્તાવેજો પૈકી એક વિનિમયપત્ર છે. વિનિમયપત્રને લખનારો ચોક્કસ વ્યક્તિને હુકમ કરે છે કે ચોક્કસ સમય બાદ વિનિમયપત્રમાં લખેલી રકમ ત્રીજા પક્ષકારને ચૂકવે. આમ, વિનિમયપત્ર મારફત પૈસા મેળવનારાએ વિનિમયપત્રની રકમ મેળવવા માટે રાહ જોવાની હોય છે. એ રાહ જોવાને બદલે થોડી રકમ ઓછી કરીને બાકીની રકમ તરત મેળવી શકે છે. આ માટે અન્ય વ્યક્તિ કપાત તરીકે મળવાપાત્ર રકમની આવકથી સંતોષ માનીને રાહ જોવા તૈયાર હોવી જોઈએ. આ કપાત-રકમ વટાવ કહેવાય છે. રાહ જોવાથી નાણાં આપનાર વ્યક્તિને મળતા વળતરના બે પ્રકાર હોય છે : (1) જરૂરતમંદ વ્યક્તિને શરૂઆતમાં મૂળ રકમ આપીને તેની પાસેથી નિશ્ચિત સમય પૂરો થયા પછી મૂળ રકમ ઉપરાંત જે વધારાની રકમ મેળવાય છે તે વ્યાજ કહેવાય છે. (2) નિશ્ચિત સમય પૂરો થયા પછી નિશ્ચિત મળવાપાત્ર દાર્શનિક રકમવાળું વિનિમયપત્ર જરૂરતમંદ વ્યક્તિ પાસેથી શરૂઆતમાં ખરીદી તેને તે સમયે દાર્શનિક કિંમત કરતાં જે ઓછી રકમ આપવામાં આવે છે તે વટાવ કહેવાય છે.

લંડનનાં વટાવગૃહો આવા પૂર્વનિર્ણિત રકમ ધરાવતા વિનિમયપત્રો લઈને તેના બદલામાં વિનિમયપત્ર ધરાવનારને વટાવે તરત રકમ ચૂકવે છે. પોતે વિનિમયપત્રની પાકતી તારીખ સુધી પૂરી રકમ મેળવવાની રાહ જુએ છે. આ વટાવ 100 પાઉન્ડના એક વર્ષના દરે નક્કી થતો હોય છે.

આધુનિક સમયમાં નાણાકીય સંસ્થાઓના વધેલા પ્રસારને કારણે તેમજ અન્ય નાણાકીય દસ્તાવેજ અને સુવિધાઓ વિનિમયપત્રો કરતાં વધારે સરળ અને અસરકારક સવલત આપવા માંડ્યાં છે. તેથી વિનિમયપત્રોનું મહત્વ ઘટ્યું છે. પરિણામે વટાવગૃહોનું વિનિમયપત્રો વટાવવાનું કામ ઓછું થયું છે. ધંધો ટકાવવા અને નફો જાળવવા વટાવગૃહો સરકારી જામીનગીરીઓ અને ટ્રેઝરી બિલોમાં નાણાં રોકે છે. આમ, હવે તેઓ ભલે રૂઢિગત રીતે આજે પણ વટાવગૃહથી ઓળખાતાં હોય પરંતુ વાસ્તવમાં તેઓ મહદ્અંશે સરકારી જામીનગીરીઓનાં ખરીદ-વેચાણના એજન્ટો બની ગયાં છે. બૅન્ક ઑવ્ ઇંગ્લૅન્ડે વ્યાજના દરો ઉપર અસર પાડવા માટે માર્ચ 1997થી તબક્કાવાર અમલમાં મૂકેલી નવી નીતિ અનુસાર વટાવગૃહોએ તેમનાં નામ વટાવગૃહના બદલે બૅન્ક અથવા નાણાકીય સંસ્થા રાખવાનું ફરજિયાત થયું છે.

સૂર્યકાન્ત શાહ