વડગુંદો : દ્વિદળી વર્ગમાં આવેલા બોરેજિનેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Cordia dichotoma Forst. f. syn. C. obliqua Willd; C. myxa Roxb. (સં. શ્ર્લેષ્માતક; હિં. લ્હિસોડા, નિસોરે, બહુવાર; બં. ચાલતા, બોહરો; મ. ભોંકર, રોલવટ; ક. દોહચળ્ળુ, બોકેગિડ; તે. પેદ્દાનાક્કેરુ) છે. તે નાનું કે મધ્યમ કદનું વૃક્ષ છે અને ટૂંકું, વાંકું અને 0.9 મી.થી 1.2 મી.ના ઘેરાવાવાળું થડ ધરાવે છે. તેનાં પર્ણો સાદાં, એકાંતરિક અને ચર્મિલ હોય છે. ફળ 1.25 સેમી.થી 2.50 સેમી. લાંબાં અને પાકાં થાય ત્યારે રાતાં બને છે. કાચા ફળનો રંગ લીલો હોય છે. ફળમાં શ્ર્લેષ્મી ઘટ્ટ, મીઠો અને પારદર્શક ગર હોય છે. આ જાતિ ભારતમાં અને શ્રીલંકાના ઉષ્ણ પ્રદેશોમાં બહોળું વિતરણ ધરાવે છે. ખેતરના શેઢે કે ખુલ્લી જમીન ઉપર 4થી 10 આંબા સાથે 8થી 10 ગુંદાનાં વૃક્ષો વાવ્યાં હોય તો દુકાળના વર્ષમાં તે સારી આવક આપે છે.
તેનું ફળ સંકોચક (astringent), કૃમિઘ્ન (anthelmintic), મૂત્રલ (diuretic), શામક (demulscent) અને કફોત્સારક (expectorant) ગુણધર્મો ધરાવે છે. તેનો ઉપયોગ છાતીના અને મૂત્રના રોગોમાં થાય છે. મીંજનો ઉપયોગ દાદરમાં થાય છે. ફળનો ગર પક્ષીઓ પકડવામાં ઉપયોગી છે.
આયુર્વેદ અનુસાર વડગુંદો તીખો, શીતલ, મધુર, તૂરો, પાચક, કેશ્ય, સ્નિગ્ધ અને કફકારક હોય છે. તે કૃમિ, શૂળ, આમદોષ, રક્તવિકાર, વ્રણ, વિસ્ફોટક, પિત્ત, વિસર્પ અને સંપૂર્ણ વિષનો નાશ કરે છે. તેનાં ફળ મધુર, શીત, કડવાં, વાતુલ, લઘુ, તૂરાં, પિત્તશામક, મલસ્તંભક અને રુચિકર હોય છે. તે રક્તદોષ અને કફનો નાશ કરે છે. તેનાં પાકાં ફળ મધુર, સ્નિગ્ધ, કફકર, બૃંહણ, વિષ્ટંભકારક, રૂક્ષ અને ગુરુ હોય છે. તે વાયુ, પિત્ત અને રક્તદોષનો નાશ કરે છે.

વડગુંદાનાં પર્ણ અને ફળ
વડગુંદાની છાલ પાણીમાં ઘસી અતિસાર પર પિવડાવવામાં આવે છે. તેની છાલ ચણાના ક્ષારમાં ઘસી કૉલેરા ઉપર આપવામાં આવે છે.
તેનું કાષ્ઠ જ્યારે તાજું કાપવામાં આવે ત્યારે પીળા રંગનું અને ખુલ્લું થતાં ઝડપથી ભૂરા લીલાથી માંડી ભૂરા ભૂખરા રંગનું બને છે અને અંતે બદામી કે ભૂખરા રંગનું બને છે. તે વજનમાં હલકું (વિ. ગુ. 0.54, વજન 545 કિગ્રા./ઘમી.), પોચું, અંતર્ગ્રથિત દાણાદાર (interlocked-grained) અને વિષમ ગઠનવાળું (uneven textured) હોય છે. તેનું સંશોષણ (seasoning) સારી રીતે થાય છે. તેના ઉપર કીટકો આક્રમણ કરી શકે છે. તે પાણીના સંપર્કમાં વધારે ટકાઉ હોવાથી તેનો હોડી બનાવવામાં ઉપયોગ થાય છે. તેના પર વહેરવાનું કામ અને પૉલિશ સારી રીતે થઈ શકે છે. કૂવાની ધારો, ખેતીનાં ઓજારો અને બંદૂકના કૂંદા બનાવવામાં તેનો ઉપયોગ થાય છે. તેના કાષ્ઠની સુશોભિત ચીપ (veneer) પરિભ્રામી (rotary) યંત્ર વડે બનાવવામાં આવે છે.
મ. દી. વસાવડા, બળદેવભાઈ પટેલ