વજદ, સિકંદર અલી (જ. 1904; અ. 1983) : ઉર્દૂના આધુનિક કવિ, જેમણે ‘અજંટા-ઇલોરા’ નામનું ભવ્ય કાવ્ય લખીને ઘણી નામના મેળવી છે. તેમણે 1925માં ઉસ્માનિયા યુનિવર્સિટી, હૈદરાબાદથી સ્નાતકની પદવી મેળવી અને 1927માં હૈદરાબાદ સિવિલ સર્વિસની પરીક્ષા પસાર કરીને સરકારી નોકરી સ્વીકારી હતી. હૈદરાબાદ રિયાસતમાં વિવિધ હોદ્દાઓ પર રહ્યા બાદ છેવટે તેઓ જિલ્લા સેશન્સ જજના પદ ઉપરથી સેવા-નિવૃત્ત થયા હતા. પાછળથી તેઓ રાજ્યસભાના સભ્ય પણ બન્યા હતા અને તેમને ‘પદ્મશ્રી’થી પણ પુરસ્કૃત કરવામાં આવ્યા હતા. સિકંદર અલી વજદે સરકારી નોકરીની સાથે ઉર્દૂ કાવ્ય, વિશેષ કરીને ગઝલરચનામાં પોતાનાં સમય તથા શક્તિ ખર્ચ્યાં હતાં. તેમના કાવ્યસંગ્રહોમાં ‘લહૂતરંગ’, ‘આફતાબે તાઝા’, ‘અવરા કે મુસવ્વર’ અને ‘બ્યાઝે મરયમ’નો સમાવેશ થાય છે. આમાંથી ‘અજન્ટા’, ‘ઇલોરા’ તથા ‘રક્કાસા’ નામનાં તેમનાં કાવ્યો ઉચ્ચકોટિનાં છે જેમના માટે ઉર્દૂ ભાષા ગર્વ લઈ શકે છે. તેમની ગઝલોમાં હુસ્ન તથા ઇશ્કનું જે પ્રકારનું વર્ણન જોવા મળે છે તેના ઉપરથી એવું લાગે છે કે તેમણે સ્વકીય અનુભવો ઉપર પોતાની કવિતાનો આધાર રાખ્યો છે. તેમની ગઝલોમાં ભાષા અને વર્ણન બંનેની સાદગી જોવા મળે છે. તેમની નઝમ પ્રકારની કવિતામાં વજદે કુદરતી દૃશ્યો, પુરાતન અવશેષો, માનવતા, રાજકીય રસાકસી વગેરે જેવા નવીન વિષયોને સ્થાન આપ્યું છે. તેમની ભાષામાં માધુર્ય છે અને તેમણે યોગ્ય શબ્દો પસંદ કરીને પોતાનાં કાવ્યોને ચિત્તાકર્ષક બનાવ્યાં છે.

મેહબુબહુસેન એહમદહુસેન અબ્બાસી