વક્તૃત્વકળા : વાણીનો પ્રભાવક વિનિયોગ કરવાની કળા અને તે અંગેના નિયમોના અભ્યાસ તેમજ પ્રયોગનું શાસ્ત્ર. વક્તૃત્વકળા સામાન્ય રીતે સફળ વક્તા કેમ થવાય એ માટેની સાધના માગી લેતી કળા લેખાય છે. વક્તૃત્વકળા ને સાહિત્યકળા વાણીથી ગાઢ રીતે સંબદ્ધ છતાં બન્ને ભિન્ન ભિન્ન કળાઓ છે. વક્તૃત્વકળા અવબોધમૂલક કળા છે; જ્યારે સાહિત્યની કળા આસ્વાદમૂલક છે. વક્તૃત્વકળામાં શ્રોતાઓના વિચાર અને ભાવતંત્ર પર પ્રભાવ પાડીને સ્વહેતુ સિદ્ધ કરવાનું પ્રયોજન હોય છે, એથી વક્તૃત્વ એક પ્રકારનો પ્રચાર છે અને વક્તા પ્રચારક છે. વક્તા દલીલ કરીને પોતાની વાત શ્રોતાને ગળે ઉતારે છે અને તે માટે ભાષાગત અનેક યુક્તિ-પ્રયુક્તિઓનો આશ્રય લે છે. જેમ સાહિત્યકાર અલંકાર, છંદ, પ્રાસ આદિ વિવિધ સાહિત્યિક ઘટકતત્વોની મદદથી પોતાની સાહિત્યકૃતિ સવિશેષ  અવગમનક્ષમ, આસ્વાદ્ય ને પ્રભાવક બનાવે છે તેમ વક્તા પણ ભાષાકીય અનેક યુક્તિ-પ્રયુક્તિઓની મદદથી વક્તવ્યને સરસ, સચોટ અને ઉત્તેજક બનાવે છે. સાહિત્યકળાની સૂઝસમજ વક્તૃત્વકળાને તો વક્તૃત્વકળાની સૂઝસમજ સાહિત્યકળાને ઉપકારક થતી હોય છે.

વક્તૃત્વકળાનો ઉદય વાણીના સમુદય, વિકાસ સાથે જ થયાનું જણાય છે. જે પ્રયોજન માટે વાણી છે, એ પ્રયોજનો ઉત્તમ રીતે સિદ્ધ થાય એની મથામણે એક બાજુ સાહિત્યને તો તે સાથે બીજી બાજુ વક્તૃત્વને વિકસાવવામાં વિધેયાત્મક ફાળો આપ્યો જણાય છે. બધી જ વિકસિત સંસ્કૃતિઓનો ઇતિહાસ જોતાં એમાં વાઙ્મય અને વક્તૃત્વનો વ્યક્તિસમદૃષ્ટિના સંસ્કારઘડતરમાં બુનિયાદી ફાળો હોવાનું વરતાય છે.

પ્રાચીન ભારતમાં મહાભારત જેવા મહાકાવ્યમાં પાત્રોની વચ્ચે અને ઉપનિષદો જેવા ચિન્તનગ્રંથોમાં ગુરુ-શિષ્ય વચ્ચે જે સંવાદો અને પ્રશ્ર્નોત્તરીઓ થાય છે, એમાં વક્તૃત્વકળાનાં દર્શન થાય છે. મધ્યકાલીન ભારતમાં વિદ્વત્સભાઓમાં કે વિદગોષ્ઠિઓમાં, ષડ્દર્શનો અંગે વિદ્વાનો, ધર્માચાર્યો વગેરે વચ્ચે ચાલતા વાદવિવાદોમાં, ખંડન-મંડનની પરંપરામાં તત્કાલીન શ્રોતાઓને વક્તૃત્વકળાનાં દર્શન પણ થયાં હશે. અલબત્ત, એ અંગેનો સિલસિલાબંધ કોઈ ઇતિહાસ ઉપલબ્ધ નથી. આમ છતાં વાણીનો પ્રભાવક વિનિયોગ કેમ થાય એ અંગેની ઊંડી ને પાકી સૂઝસમજ ભારતના વાઙ્મયવિચારકોની હોવાની મજબૂત પ્રતીતિ એમની સૂક્ષ્મ અલંકારચર્ચા ને શબ્દશક્તિની ચર્ચાથી સમજાય છે. જોકે વક્તૃત્વનો અંદાજ છતાં એ અંગેનો કોઈ શાસ્ત્રગ્રંથ મળી શક્યો નથી, એ પણ હકીકત છે. આજના સંદર્ભમાં વક્તૃત્વ અંગે ચર્ચાવિચારણા કરતાં પાશ્ર્ચાત્ય વાગવિદોની – વાગવિદગ્ધોની ચર્ચાવિચારણા અનેકધા પ્રેરક અને માર્ગદર્શક થતી જણાય છે.

પ્રાચીન ગ્રીસમાં ઈ. સ. પૂર્વે 5મી સદીમાં લોકશાહી સમાજમાં વક્તૃત્વકળાનું ભારે મહત્વ હતું. નાગરિક માટે વક્તૃત્વકળાનું શિક્ષણ શિક્ષણવ્યવસ્થાના કેન્દ્રમાં હતું. એ અંગે પ્લેટોએ એમના ‘ફીડ્રસ’(Phaedrus) ગ્રંથમાં અને ઍરિસ્ટૉટલે એમના ‘રહોટોરિક (Rhetoric) ગ્રંથમાં વિશ્લેષણ-વિવેચન કર્યું છે. સૉક્રેટીસના ઍથેન્સના યુવાન નાગરિક સાથેના સંવાદો અને ડેમોસ્થિનિસનાં વક્તવ્યોમાં ઉત્કૃષ્ટ વક્તૃત્વકળાનું દર્શન થાય છે.

પ્રાચીન રોમમાં ઈ. સ. પૂર્વે 1લી સદીમાં સામ્રાજ્યવાદી સમાજમાં વક્તૃત્વકળાનો ઘણો મહિમા હતો. શ્રીમંતોનાં સંતાનો માટે વક્તૃત્વકળાનું શિક્ષણ કેન્દ્રસ્થાને હતું. ધારાશાસ્ત્રી તરીકે સિસેરોએ ન્યાયાલયમાં જે વક્તવ્યો આપ્યાં એમાં ઉત્કૃષ્ટ વક્તૃત્વકળાનું દર્શન થાય છે. ઈ. સ.ની 1લી સદીમાં ક્વિન્ટિલિયને ‘વક્તાનું શિક્ષણ’ (Institutio oratoria) ગ્રંથમાં વક્તૃત્વકળાનું સર્વગ્રાહી વિવરણ-વિવેચન કર્યું છે. આ ગ્રંથ સૈકાઓ સુધી વક્તૃત્વકળા વિશેના એક માનક ગ્રંથ તરીકે સર્વસ્વીકૃત થયો હતો.

મધ્યકાલીન યુગમાં યુરોપમાં લગભગ દસેક સૈકાઓ સુધી ખ્રિસ્તી ધર્મનું વર્ચસ્ હતું, ત્યારે પણ સામાજિક અને રાજકીય ક્ષેત્રોમાં જ નહિ, ધાર્મિક ક્ષેત્રમાં પણ વક્તૃત્વનું ભારે મહત્વ હતું. પોપ તથા અન્ય ધર્મગુરુઓના આદેશો-ઉપદેશોમાં વક્તૃત્વકળાની આકર્ષક છટા જોવા મળે છે. ઈ. સ.ની 5મી સદીના સેન્ટ ઑગસ્ટિને ‘ખ્રિસ્તી સિદ્ધાન્ત વિશે’ (‘On Christian Doctrine’) ગ્રંથમાં ખ્રિસ્તી વક્તાઓ માટે વક્તૃત્વકળા અંગે માર્ગદર્શક સિદ્ધાન્તવિવરણ આપ્યું છે. આમ વક્તૃત્વકળાના ઘડતર-વિકાસમાં શિક્ષકો, ધારાશાસ્ત્રીઓ, ધર્મગુરુઓ વગેરેએ અગત્યનું પ્રદાન કર્યું જણાય છે.

પંદરમી સદીમાં યુરોપમાં પુનરુત્થાનનું બૌદ્ધિક આંદોલન થયું. એથી ખ્રિસ્તી ધર્મની એકહથ્થુ સત્તા પર કાપ આવ્યો; ધર્મનિરપેક્ષ, બિનસાંપ્રદાયિક, માનવતાવાદી, સમાનતાવાદી, ઉદારમતવાદી, ભૌતિકવાદી, વિજ્ઞાનવાદી સમાજ અને સંસ્કૃતિનું નિર્માણ થયું. લૅટિનના સ્થાને અનેક યુરોપીય પ્રાદેશિક ભાષાઓ પ્રયોજાવા લાગી. ઈ. સ. 1456માં જર્મનીમાં ગુટનબર્ગની મુદ્રણકળા તથા મુદ્રણયંત્રની શોધને કારણે હસ્તપ્રતોનું સ્થાન લેતા અનેક મુદ્રિત ગ્રંથો બહાર પડ્યા. શિક્ષણ તથા સાહિત્યનાં વ્યાપવિસ્તાર વધ્યાં; અને તેની અસર સાહિત્યકળા તેમજ વક્તૃત્વકળા પર પણ થઈ. પુસ્તકો મુદ્રિત રૂપે મળતાં થયાં પછી સાહિત્ય ને શિક્ષણક્ષેત્રે શ્રૌત પરંપરાનું એકચક્રી શાસન પૂર્વવત્ ન રહે તે સમજાય એવું છે. વળી મુદ્રણ સાથે લેખન-પરંપરાને સવિશેષ બળ ને વેગ મળ્યાં. તેથી વક્તૃત્વકળાના ખ્યાલોમાં પણ શ્રૌત તેમજ લિખિત પરંપરાના સંદર્ભમાં અનિવાર્ય એવાં પરિવર્તનો આવતાં ગયાં. જે તે વક્તવ્ય કે લેખનના સંદર્ભમાં દેશકાળ કે પરિવેશ-વાતાવરણ આદિનો વિચાર પણ વિશેષભાવે પ્રસ્તુત બન્યો. અર્વાચીન સમય સુધી આવતાંમાં વક્તૃત્વકળામાં વક્તાપક્ષનો હતો તેથીયે સવિશેષ ઝોક શ્રોતાપક્ષ પ્રતિ આવ્યો. જે તે વક્તવ્ય કઈ રીતે શ્રોતાના દિલ-દિમાગને પ્રભાવિત કરે છે તેનાં વિચાર-વિશ્લેષણ સૂક્ષ્મતાથી ને ઊંડાણથી શરૂ થયાં. શબ્દનાં ઉચ્ચારણ, અર્થઘટન, અવગમન આદિ અનેક પ્રશ્ર્નોની તલસ્પર્શી ને સર્વગ્રાહી ચર્ચાવિચારણા જેમ સાહિત્યના તેમ વક્તૃત્વના ક્ષેત્રે પણ વધુ ને વધુ આવકાર્ય બનતી રહી.

વક્તૃત્વકળા કેવળ દલીલબાજીની કળા ન રહેતાં, એને વધુ ગંભીર રીતે, સર્જનાત્મક અભિગમે જોવાનું પણ ઇચ્છનીય થયું. સર્જનચિંતનની શક્તિ પણ વક્તૃત્વકળાને ઉપકારક થાય છે તે વધુ ને વધુ પ્રતીત થતું ગયું. નીતિ-ન્યાય, તર્ક-પ્રમાણ, સત્ય, જીવનમૂલ્યો વગેરે સાથેનો વક્તૃત્વકળાનો સંબંધ વધુ ગાઢ હોય તે ઇષ્ટ છે એમ લેખાયું. વક્તૃત્વકળા તત્વજ્ઞાન અને વિજ્ઞાન સાથે અનુસંધાન જાળવીને જ એની ખરી સત્વસત્તા પ્રવર્તાવી શકે.

વક્તૃત્વકળાને વ્યાવહારિક અભિગમથી જોનાર-મૂલવનારાં તેને એક ઉત્પાદકકળા (productive art) તરીકે વર્ણવે છે; પરંતુ આ કળામાં એથી ઘણી વધારે ગુંજાશ છે. વક્તૃત્વમાં શોધવૃત્તિ, સંરચનાવિધાન, વાક્પટુતા, ઉચ્ચારણછટા, સ્મૃતિસંવેદના વગેરે પણ ખૂબ ઉપકારક થતાં હોય છે. ટૉમસ ઍક્વિનસ અને પીટર ઑવ્ સ્પેને (પાછળથી જેઓ પોપ જૉન ટામા તરીકે જાણીતા થયા) વક્તૃત્વકળામાં તર્ક, વાદવિવાદનાં તત્વો વગેરેનો મહિમા કર્યો. આમ તો વક્તૃત્વકળામાં વાક્પટુતાનું ઉચ્ચારણછટાનું વર્ચસ્ હતું જ; પેટ્રસ રેમસે એમાં આલંકારિક અભિવ્યક્તિનુંયે ગૌરવ કર્યું. ફ્રાન્સિસ બેકને વક્તૃત્વની ચર્ચા કરતાં એમાં શરીરના હાવભાવ આદિ(body language)ની મદદ પણ ઉપકારક થતી હોવાનું જણાવેલું. આ સંદર્ભમાં જૉન બલ્વરે ‘કિરોલોજિયા’(1644)માં સવિશેષ ચર્ચા કરી હતી. ઓગણીસમી સદીમાં ચાર્લ્સ ડાર્વિન અને ઍલેક્ઝાન્ડર મેલવિલ બેલે તથા આધુનિક યુગના અમેરિકન ભાષાશાસ્ત્રી એડ્વર્ડ ટી. હૉલે પણ વક્તૃત્વ નિમિત્તે ‘મૂક ભાષા’(silent language)ની ચર્ચા કરી છે. નાટ્યાદિ કળાઓમાં વાચિક અભિનય સાથેય વક્તૃત્વનો કોઈક ને કોઈક સંબંધ ગૃહીત છે. વક્તૃત્વ વ્યવહારક્ષેત્રે અને શિક્ષણ, સાહિત્ય, રંગભૂમિ આદિ વિવિધ ક્ષેત્રો સુધી વ્યાપક છે. ધર્મ અને રાજકારણમાંયે તેની કામગીરી ને જવાબદારી ખાસી મોટી છે. તેથી વક્તૃત્વ વિશે, વાણીના સાર્થક અને પ્રભાવક વિનિયોગ વિશે ઘણી જાગૃતિ, સાવધાની, ચીવટ, સંયમ તથા કેળવણી વગેરે અપેક્ષિત રહે છે. વક્તૃત્વ વિશે તેથી અનેક પુસ્તકો લખાતાં રહ્યાં છે. એની તાલીમ કે કેળવણીનાં અનેક કેન્દ્રો-વર્ગો પણ ચાલતાં રહે છે. હ્યુગ બ્લેરનું ‘લેક્ચર્સ ઑન રહેટોરિક ઍન્ડ બેલે લેતરે’ (1783), જ્યૉર્જ કૅમ્પબેલનું ‘ફિલૉસોફી ઑવ્ રહેટોરિક’ (1828), રિચર્ડ વ્હેટલીનું ‘એલિમેન્ટ્સ ઑવ્ રહેટોરિક’ (1828) વગેરે વાગ્મિતાશાસ્ત્રના મહત્વના ગ્રંથો છે.

અઢારમી અને ઓગણીસમી સદીમાં વક્તૃત્વકળા સામે અવજ્ઞાનાં વાદળો પણ ઘેરાયેલાં. તેને જુનવાણી બાબત પણ લેખવામાં આવતી હતી. આમ છતાં તેનું વજૂદવર્ચસ્ ને ભારવક્કર અડીખમ રહ્યાં, ઊલટું, જાહેર વ્યવહારમાં, શિક્ષણપ્રસારણમાં, સંચારમાધ્યમોમાં તેનો પ્રભાવ-પ્રતાપ વધતો રહ્યો. કૅનેથ બર્ક જેવા વીસમી સદીના વક્તૃત્વકળાના તજજ્ઞે તો તેની અર્થોપાર્જન આદિમાં કેવી બોલબાલા છે તેય બતાવી આપ્યું. આઈ. એ. રિચાર્ડ્ઝ જેવા સમર્થ કાવ્યજ્ઞે અર્થઘટનની સાથે વક્તૃત્વનો કેવો સંબંધ છે તેના કેટલાક મર્મો પણ ખોલી આપ્યા.

વક્તૃત્વકળામાં જેમ વક્તાનો તેમ શ્રોતાનો પક્ષ પણ ઘણો મહત્વનો છે. श्रोता वक्ता च दुर्लभः – ઉક્તિ નિરર્થક નથી. ઉત્તમ વક્તા થવા જેટલું જ ઉત્તમ શ્રોતા થવું એય કઠિન છે; અને વક્તૃત્વકળાના વિચારવિકાસ સાથે વક્તા-શ્રોતા સંબંધ વિશે ભાષાકીય તેમજ તાત્વિક ભૂમિકાએ ઘણી ઊંડી અને વ્યાપક ચર્ચાવિચારણાઓ થતી રહી છે. ઉત્તમ વક્તવ્ય વક્તા-શ્રોતાને સાંકળતાં સાંકળતાં મનુષ્યની આત્મગત તેમજ વિશ્વગત સમજનો સેતુવિસ્તાર સધાય છે, અને તે દ્વારા સંસ્કાર અને સંસ્કૃતિના સ્તરે શાણપણ અને સૌહાર્દનું શ્રેયસ્કર વાતાવરણ પણ સર્જાય છે. તેથી વક્તૃત્વકળાનું એક સારસ્વત કળા તરીકે વધુ ને વધુ બહુમાન થાય તે ઇષ્ટ છે.

આધુનિક યંત્રવૈજ્ઞાનિક યુગમાં રેડિયો, ફિલ્મ, ટેલિવિઝન જેવાં પ્રત્યાયનનાં સમૂહમાધ્યમો અસ્તિત્વમાં આવ્યાં છે. એને કારણે વૈશ્ર્વિક શ્રોતાવર્ગ અને પ્રેક્ષકવર્ગ અસ્તિત્વમાં આવ્યો છે. એથી વક્તા અને લેખક માટે એના વક્તવ્ય અને લખાણના સંદર્ભમાં જ નહિ પણ આ માધ્યમો તથા શ્રોતાવર્ગ અને પ્રેક્ષકવર્ગના સંદર્ભમાં પણ વસ્તુવિષયમાં ગૌણ-પ્રધાનનો વિવેક કરવાનું અને શૈલી-સ્વરૂપમાં શિસ્તપાલન કરવાનું આવદૃશ્યક બન્યું છે. એ રીતે આજે હવે વક્તૃત્વકળાને નવું પરિમાણ  વૈશ્ર્વિક પરિમાણ પણ પ્રાપ્ત થયું છે.

નિરંજન ભગત