વકીલ, સી. એન. (જ. 22 ઑગસ્ટ 1895, હાંસોટ, દક્ષિણ ગુજરાત; અ. 26 ઑક્ટોબર 1979, મુંબઈ) : ભારતના અગ્રણી અર્થશાસ્ત્રી અને વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ. આખું નામ ચંદુલાલ નગીનલાલ વકીલ. પિતા નગીનલાલ સામાન્ય નોકરી કરતા હતા. તેમનું ઉચ્ચ શિક્ષણ મુંબઈમાં થયું. 1916માં મુંબઈ યુનિવર્સિટીની બી.એ.ની પદવી અર્થશાસ્ત્ર મુખ્ય વિષય સાથે પ્રથમ વર્ગમાં પ્રથમ સ્થાને પ્રાપ્ત કરી અને જેમ્સ ટેલર પારિતોષિક મેળવ્યું. તેવી જ રીતે વર્ષ 1918માં અર્થશાસ્ત્ર વિષય સાથે એમ.એ.ની પદવી પ્રાપ્ત કરી અને સમગ્ર યુનિવર્સિટીમાં આ વિષયમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું અને તે માટે તેમને ‘તેલંગ ગોલ્ડ મેડલ’ એનાયત કરવામાં આવ્યો હતો.

સી. એન. વકીલ

ત્યારબાદ 1918–19 દરમિયાન મુંબઈ યુનિવર્સિટીમાં તેઓ ફેલો રહ્યા. તે દરમિયાન લંડન સ્કૂલ ઑવ્ ઇકૉનૉમિક્સમાં આગળ ભણી સંશોધન કરવાની ઇચ્છા બળવત્તર થઈ; પરંતુ પરિવારની આર્થિક પરિસ્થિતિ તે માટે અનુકૂળ ન હોવાથી પરદેશ જવાના તેમના વિચારનો પરિવારમાં અને અન્યત્ર વિરોધ થયો; તેમ છતાં પોતાની આકાંક્ષા પૂર્ણ કરવા માટે લંડન સ્કૂલ ઑવ્ ઇકૉનૉમિક્સમાં 1919–21 દરમિયાન બે વર્ષ અભ્યાસ અને સંશોધન કર્યું અને એમ.એસસી.(સંશોધન)ની પદવી પ્રાપ્ત કરી. માત્ર બે વર્ષમાં આ અભ્યાસક્રમ લંડન સ્કૂલ ઑવ્ ઇકૉનૉમિક્સ જેવી સંસ્થામાં યશસ્વી રીતે પૂર્ણ કરવો એ વાત સામાન્ય રીતે મુશ્કેલ ગણાતી હોવા છતાં પરિવારના હિતમાં ભારત પાછા આવવાની તાલાવેલીને કારણે તેમણે એ સિદ્ધિ હાંસલ કરી. 1921માં તેઓ ભારત પાછા આવ્યા બાદ મુંબઈ યુનિવર્સિટીમાં આસિસ્ટંટ પ્રોફેસર ઑવ્ ઇકૉનૉમિક્સના પદ પર (1921–27), અને પછી પ્રોફેસરના પદ પર (1927–30) કામ કર્યું. 1930માં તે જ વિભાગના નિયામક નિમાયા જ્યાં તેમણે છેક 1956 સુધી કાર્ય કર્યું. આ ગાળા દરમિયાન તેમની સૂઝબૂઝને કારણે મુંબઈ યુનિવર્સિટીનો અર્થશાસ્ત્રનો આ નવો વિભાગ સધ્ધર તો થયો જ, પરંતુ દેશ-વિદેશમાં તેણે પ્રશંસા પણ પ્રાપ્ત કરી. 1921માં મુંબઈ યુનિવર્સિટીમાં અલાયદા અર્થશાસ્ત્ર વિભાગનો પ્રારંભ કરવાનો જશ પણ તેમને જ ફાળે જાય છે. ત્યાર બાદ ચાર વર્ષ સુધી (1956–60) તેમણે કોલકાતા ખાતે કાર્યરત યુનેસ્કો રિસર્ચ સેન્ટરના નિયામકપદે પણ કામ કર્યું. રાજકોષીય નીતિ અને ભારતની વિત્તવ્યવસ્થા તથા આર્થિક આયોજન – આ ત્રણ ક્ષેત્રે તેમનું યોગદાન નોંધપાત્ર ગણાય છે. તેમણે જે પુસ્તકો લખ્યાં છે તેમાં 1929માં પ્રકાશિત થયેલ ‘ફાઇનાન્શિયલ ડેવલપમેન્ટ ઇન મૉડર્ન ઇન્ડિયા 1860–1924’ આ પુસ્તક વિશેષ નોંધપાત્ર ગણાય છે. આ પુસ્તક તેમણે લંડન સ્કૂલ ઑવ્ ઇકૉનૉમિક્સમાં એડવિન કૅનનના માર્ગદર્શન હેઠળ જે સંશોધનકાર્ય કર્યું હતું તેને આધારે લખવામાં આવેલું. સહલેખક તરીકે પણ તેમણે કેટલાંક પુસ્તકો લખ્યાં હતાં; પરંતુ એકલ કે સ્વતંત્ર લેખક તરીકે તેમણે જે પુસ્તકો લખ્યાં છે તેમાં ‘અવર ફિસ્કલ પૉલિસી’, ‘ઇકૉનૉમિક આઉટલૂક ઇન ફેડરલ ઇન્ડિયા’, ‘ધ ફૉલિંગ રુપી’, ‘ધ ફાઇનાન્શિયલ બર્ડન ઑવ્ ધ વૉર ઑન ઇન્ડિયા’, ‘અવર સ્ટર્લિંગ બૅલન્સિઝ’, ‘ઇકૉનૉમિક કૉન્સિક્વન્સિસ ઑવ્ ડિવાઇડેડ ઇન્ડિયા’ તથા ‘પ્લેનિંગ ફૉર અ શૉર્ટેજ ઇકૉનૉમી’ જાણીતાં છે. ભારતના અર્થતંત્રમાં ફુગાવો બીજા વિશ્વયુદ્ધ(1939–45)ને કારણે દાખલ થયો છે એ તેમનું મુખ્ય તારણ હતું. તેમણે લગભગ 140 વિદ્વાનો સાથે ચર્ચા કરીને ભારતમાં ફુગાવો ડામવા માટેની એક વિસ્તૃત યોજના ઘડી કાઢી હતી, જેની દેશવિદેશમાં સારી એવી ચર્ચા થયેલી. તેમની ભારતના અર્થતંત્ર વિશેની વિચારસરણી વસ્તુલક્ષી હતી અને ભારતની અર્થવ્યવસ્થાની મોટા ભાગની સમસ્યાઓના નિરાકરણ માટે તેમણે વખતોવખત જે સૂચનો કર્યાં હતાં તે તેમની વ્યવહારુ વિચારસરણીનું પરિણામ હતું. સ્વાધીનતા પછી તેમણે કેન્દ્ર સરકારની વિવિધ સલાહકાર-સમિતિઓમાં કામ કર્યું હતું.

તેમના કેટલાક વિદ્યાર્થીઓએ માત્ર રાષ્ટ્રીય સ્તરે જ નહિ, પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ નામના મેળવી છે; જેમાં જગદીશ ભગવતી, પી. આર. બ્રહ્માનંદ અને વી. વી. ભટ્ટ જેવાઓનાં નામો વિશેષ ઉલ્લેખનીય છે.

તેમણે 1968–71ના ગાળા દરમિયાન વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિપદે કામ કર્યું હતું.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે