વક્રગ્રીવા (torticollis) : છાતીની મધ્યના હાડકાથી કાનની પાછળ આવેલા કર્ણમૂળ (mastoid) સુધી જતા સ્નાયુની કુંચિતતા-(contracture)થી ડોકનું સતત વાંકા રહેવું તે. તેને અંગ્રેજીમાં wry neck પણ કહે છે. છાતીની વચ્ચે આવેલા હાડકાને વક્ષાસ્થિ કે ઉરોસ્થિ (sternum) કહે છે. તેના ઉપલા છેડાથી ઉપર તરફ અને પાછળ ત્રાંસો જતો સ્નાયુ કાનની પાછળ આવેલા કર્ણમૂળ પ્રવર્ધ (mastoid process) નામના હાડકા સુધી જાય છે. તે સ્નાયુને વક્ષકર્ણમૂળ સ્નાયુ (sternomastoid muscle) કહે છે. આ સ્નાયુ હાંસડી (અરીય અસ્થિ, claviclde) તથા પશ્ર્ચકપાલાસ્થિ (occipital bone) સાથે પણ જોડાયેલો હોવાથી તેને વક્ષારીય-કર્ણમૂળ પશ્ર્ચકપાલી સ્નાયુ (sternoclevidooccipito mastoid muscle) પણ કહે છે. તે સંકોચાય ત્યારે ડોક (અને તેથી માથું) તે બાજુ ત્રાંસી થાય છે. જ્યારે તેમાં કુંચિતતા આવે ત્યારે ડોક (અને તેથી માથું) તે તરફ સતત ત્રાંસી રહે છે. વક્ષકર્ણમૂળ સ્નાયુના એક અથવા બંને છેડાના ભાગમાં આવી કુંચિતતા આવેલી હોય છે.

તીર કડક થયેલો વક્ષકર્ણમૂળ સ્નાયુ દર્શાવે છે.
ડોકું અને માથું એક તરફ વળેલાં છે તે નોંધો.

આ પ્રકારનો વિકાર જન્મજાત (congenital) અથવા પાછળથી સંપ્રાપ્ત (aquired) એમ બંને પ્રકારનો હોય છે. આદર્શ જન્મજાત પ્રકાર તથાકથિત વક્ષકર્ણમૂળ ગાંઠ(sternomastoid tumour)થી થયેલો મનાય છે. તેમાં ખરેખર કોઈ ગાંઠ હોતી નથી પરંતુ જન્મ સમયે સ્નાયુને ઈજા થવાથી તેમાં કુંચિતતા આવેલી હોય છે. સારવારમાં ડોકને બીજી તરફ વાળીને કુંચિત વક્ષકર્ણમૂળ સ્નાયુને લંબાવવાની કસરત કરાવાય છે. તેને સુલંબન (extension) કસરત કહે છે, જેમાં કુંચિત સ્નાયુને ખેંચીને લાંબો કરવા પ્રયત્ન કરાય છે. જો તે સફળ ન રહે તો શસ્ત્રક્રિયા વડે સ્નાયુને કુંચિતતામાંથી મુક્ત કરવા તંતુઓને કાપી કઢાય છે. શસ્ત્રક્રિયા પછી થોડાં અઠવાડિયાં માટે ગલપટો (collar) પહેરાવી રખાય છે તથા દર્દીને તે ભાગની વ્યાયામાદિ ચિકિત્સા (physiotherapy) કરાવાય છે. દર્દીને ડોકના કરોડના મણકાની જન્મજાત કુરચના નથી અથવા દૃષ્ટિમાં ખામી કે બાડું જોવાની સ્થિતિ (તિર્યક્ દૃષ્ટિ, squint) નથી તેની ખાતરી કરી લેવાય છે. વક્રગ્રીવાનાં મુખ્ય કારણોને નીચેની સારણીમાં દર્શાવાયાં છે.

વક્રગ્રીવાનાં મુખ્ય કારણો

જૂથ
   ઉદાહરણ
1. જન્મજાત (અ) વક્ષકર્ણમૂળ સ્નાયુની કુંચિતતા
(congenital) (આ) ડોકના મણકાની જન્મજાત કુરચના
(ઇ) દૃષ્ટિની ખામી કે તિર્યક્ દૃષ્ટિ
2. સંપ્રાપ્ત (aquired) (અ) ટેવજન્ય
(આ) ખોપરીના પોલાણની પાછળના ભાગમાં ગાંઠ
(ઇ) કરોડના મણકાનો રોગ
(ઈ) ઈજા
(ઉ) ગળા(ગ્રસની, pharynx)માં ચેપ

ટેવ, ખોપરીના પોલાણના પાછલા ભાગમાં ગાંઠ, ગળામાં ચેપ, ઈજા કે ડોકના મણકાના રોગમાં આવી તકલીફ પાછળથી થઈ આવે છે. ડોકના પ્રથમ 2 મણકા વચ્ચે અલ્પવિચલન (subluxation) થાય તો આવું બને છે. આ પ્રકારની તકલીફના નિદાનમાં સી.એ.ટી.સ્કૅન કરવો જરૂરી બને છે. જે તે મૂળ રોગ કે વિકારની સારવાર કરીને રાહત અપાય છે.

શિલીન નં. શુક્લ