વકીલ : અદાલતમાં અન્ય વ્યક્તિ વતી હાજર રહેવા અને રજૂઆત કરવા અધિકાર ધરાવતી વ્યક્તિ. તેમાં ઍડ્વોકેટ, સોલિસિટર અને બૅરિસ્ટરનો પણ સમાવેશ થાય. જે વ્યક્તિને સરકારના વકીલ તરીકેની ફરજો બજાવવા માટે રાજ્ય સરકાર દ્વારા નીમવામાં આવી હોય તે સરકારી વકીલ ગણાય છે.

વકીલ થવા માટે નિર્ધારિત લાયકાતો ઉપરાંત વ્યક્તિ પાસે વકીલાત કરવા માટે રાજ્યના વકીલ મંડળ (બાર કાઉન્સિલ) દ્વારા આપેલ સનદ હોવી આવદૃશ્યક છે.

કોઈ વ્યક્તિને અદાલતમાં હાજર રહેવાનું હોય તો તે પોતાના વકીલને હાજર રાખી પોતાની જવાબદારી અદા કરી શકે. તે લેખિત દસ્તાવેજમાં પોતાની સહી કરી વકીલાતનામા દ્વારા આવી જવાબદારી સોંપી શકે. આવું વકીલાતનામું અદાલતમાં રજૂ થયા પછી વ્યક્તિ જાતે અથવા તેનો વકીલ સહી કરીને આવો અધિકાર રદ કરે અથવા તે વ્યક્તિ કે વકીલ અવસાન પામે ત્યારે અધિકારનો અંત આવે છે. વકીલાતનામામાં મુકદ્દમાનો નંબર, અદાલતનું નામ, પક્ષકારોનાં નામ અને જેણે અધિકાર આપ્યો હોય એ પક્ષકારની સહી હોય છે અને એ અધિકાર તેમજ જવાબદારી સ્વીકારી છે એવું દર્શાવવા વકીલે પણ સહી કરી હોય છે. આવા વકીલાતનામામાં આખો મુકદ્દમો ચલાવવા માટે કે આંશિક રીતે અથવા અમુક તબક્કા સુધી ચલાવવા માટેનો મર્યાદિત અધિકાર પણ આપવામાં આવે છે.

કોઈ મુકદ્દમા અંગેની સૂચના આવા વકીલ પર બજવવામાં આવે અથવા એ મુકદ્દમામાં રજૂ થયેલ અરજી કે જવાબની નકલ વકીલને આપવામાં આવે તો તે પક્ષકારને મળ્યાતુલ્ય ગણાય છે. મુકદ્દમો ચલાવવાનો અધિકાર મળે તેના કારણે વકીલને એ મુકદ્દમામાં ચૂકવાતાં કે ડિપૉઝિટ થતાં નાણાં ઉપાડવાનો અધિકાર મળતો નથી. એવો અધિકાર ખાસ લખાણ કરી વકીલને આપવો પડે છે.

ચિન્મય જાની