વકાર યૂનુસ (જ. 16 નવેમ્બર 1971, બુરેવાલા, વિહારી, પાકિસ્તાન) : પાકિસ્તાનના સમર્થ ઝડપી ગોલંદાજ અને ભૂતપૂર્વ સુકાની. પંજાબના વિહારી જિલ્લાના કપાસ અને અનાજની ખેતી ધરાવતા શહેર બુરેવાલામાં જન્મેલા વકાર યૂનુસે શારજાહમાં નિશાળનો અભ્યાસ કર્યો અને એના પિતા શારજાહમાં થતાં બાંધકામોમાં કામગીરી બજાવતા હતા. શારજાહમાં એણે ક્રિકેટ ખેલાતું જોયું અને એના આદર્શ ખેલાડી ઇમરાનખાનને જોતાં એણે ઝડપી ગોલંદાજ બનવાનાં સ્વપ્નાં સેવ્યાં. બાર વર્ષની ઉંમરે પાકિસ્તાન આવ્યા પછી એણે એની ગોલંદાજીથી સ્કૂલ-ક્રિકેટમાં તરખાટ મચાવ્યો. 19 વર્ષથી નાની વયના ખેલાડીઓની ટીમ તરફથી 1987માં ભારત સામે કરેલા એના દેખાવને જોઈને શારજાહની ચૅમ્પિયન્સ ટ્રૉફી પૂર્વે પાકિસ્તાન તરફથી નેટપ્રૅક્ટિસ માટે નિમંત્રણ આપવામાં આવ્યું. વકાર યૂનુસે 1989ની 15મી નવેમ્બરે ભારત સામે કરાંચી ટેસ્ટમાં ખેલીને ટેસ્ટપ્રવેશ કર્યો. આ મૅચમાં એણે 80 રનમાં 4 વિકેટ લીધી. જોગાનુજોગ આ ટેસ્ટમૅચ ભારતના સચિન તેંડૂલકરની પણ પ્રથમ ટેસ્ટ મૅચ હતી ! 1990માં ઇંગ્લૅન્ડની સરે કાઉન્ટી તરફથી રમતાં વકારે કુલ 90 વિકેટો ઝડપી, જેમાંની 57 વિકેટો પ્રથમ કક્ષાની મૅચોમાં ઝડપી હતી.

1991માં કાઉન્ટી ક્રિકેટમાં એણે 14.65ની સરેરાશથી  પ્રથમ કક્ષાના ક્રિકેટમાં 113 વિકેટો મેળવી. પોતાની પ્રથમ દસ ટેસ્ટમાં એણે 50 વિકેટ મેળવી. 1990-91માં પાકિસ્તાનમાં ન્યૂઝીલૅન્ડ સામેની ત્રણ ટેસ્ટની શ્રેણીમાં વકારે 10.80 રનની સરેરાશથી 27 વિકેટ ઝડપી. 20 ટેસ્ટમાં 100 વિકેટ ઝડપનાર વકાર યૂનુસ ઇંગ્લૅન્ડના 1992માં યોજાયેલા એના પ્રથમ પ્રવાસમાં ભવ્ય સફળતા પામ્યો. 22 વિકેટ ઝડપીને એ ઇંગ્લૅન્ડમાં સૌથી વધુ વિકેટ ઝડપનારો પાકિસ્તાની ગોલંદાજ બન્યો અને પાકિસ્તાનને યશસ્વી વિજય અપાવનાર બન્યો. એ પછી દડા સાથે ચેડાં કરવાના વિવાદમાં વસીમ અક્રમ અને જાવેદ સાથે વકાર યૂનુસનું નામ સંડોવાયું. ન્યૂઝીલૅન્ડ અને વેસ્ટઇન્ડિઝ સામે પ્રભાવશાળી દેખાવ કર્યા બાદ ઝિમ્બાબ્વે સામેની ત્રણ ટેસ્ટની શ્રેણીમાં પ્રથમ ટેસ્ટમાં વકાર યુનૂસને સુકાનીપદ અપાયું.

વકાર યૂનુસ

ઝિમ્બાબ્વે સામે 13.81 રનની સરેરાશથી એણે 27 વિકેટ ઝડપી. એ પછી ન્યૂઝીલૅન્ડ સામેની ટેસ્ટશ્રેણીમાં 22.50ની સરેરાશથી 18 વિકેટ ઝડપી. 1994ની સીઝનની પહેલી ટેસ્ટ મૅચમાં એટલે કે પોતાની 27મી ટેસ્ટમાં એણે 150 વિકેટ પૂરી કરી. એ પછી એને પીઠનો દુ:ખાવો પજવવા લાગ્યો હતો. વકાર યુનૂસ અને વસીમ અક્રમની જોડી ક્રિકેટના કોઈ પણ સમયની સમર્થ ઝડપી જોડી ગણાય. 180  સેમી. ઊંચો, પાતળા બાંધાનો, સુંદર ‘ઍક્શન’ સાથે ઝડપ વધારીને કૂદકો લગાવીને ગોલંદાજી કરતા વકાર યૂનુસની વેધકતા, ઝડપ, શક્તિ અને બૅટ્સમેનની નબળાઈ પામવાની રીત અનોખી છે. જૂના દડે એના ઇનસ્વિંગ થતા યૉર્કર ખેલવામાં ભલભલા બૅટ્સમેનોને મુશ્કેલી પડતી હતી. અત્યાર સુધીમાં એણે 87 ટેસ્ટમાં 23.56ની સરેરાશથી 373 વિકેટ ઝડપી છે અને 199091માં પાકિસ્તાનના ફૈઝાલાબાદમાં ન્યૂઝીલૅન્ડ સામેની ટેસ્ટમાં 76 રનમાં 7 વિકેટ એ એનો શ્રેષ્ઠ દેખાવ છે. જ્યારે એક-દિવસીય મૅચોમાં 262 મૅચોમાં 23.83ની સરેરાશથી 416 વિકેટ ઝડપી છે. 2001ની 17મી જૂને ઇંગ્લૅન્ડના લીડ્ઝના મેદાન પર 36 રનમાં ઝડપેલી 7 વિકેટ એ એનો વન-ડે ક્રિકેટનો શ્રેષ્ઠ દેખાવ છે. વર્ષ 200203માં તે સુકાની તરીકે 7 ટેસ્ટ મૅચોની 13 ઈનિંગ્ઝ રમ્યો, જેમાં તેણે 105 રન કર્યા તથા 166.5 ઓવર્સ નાખી 18 વિકેટો ઝડપી. તે જ વર્ષ દરમિયાન તે 16 એક દિવસીય મૅચો રમ્યો જેમાં તેણે 56 રન કર્યા તથા 106.6 ઓવર્સ નાખી 23 વિકેટો ઝડપી હતી.

મહેશ ચોકસી