વકફ (wakf) : મુસ્લિમ કાયદામાં ટ્રસ્ટ જેવી વિભાવના ધરાવતી ધર્માદા સંસ્થા. વકફની કોઈ સંપૂર્ણ વ્યાખ્યા નથી. પ્રવૈધિક ભાષામાં વકફ એટલે રોકાણ અથવા અટકાયત. પ્રિવી કાઉન્સિલે ‘હેદયા’માં અબુ હનીફાના શિષ્યોએ અને ‘વકફ વેલિડેટિંગ ઍક્ટ, 1913’માં એની વ્યાખ્યા કરી છે એ પ્રમાણે જ્યારે કોઈ મુસ્લિમ વ્યક્તિ એની કોઈ પણ પ્રકારની મિલકત મુસ્લિમ કાયદાએ સ્વીકારેલ એવા ધાર્મિક, પવિત્ર અને ધર્માદા (religious, pious and charitable) જેવા કોઈ પણ હેતુ માટે આપે ત્યારે વકફ પેદા થાય છે. જોકે આ વ્યાખ્યા ઉપર્યુક્ત વકફ અધિનિયમ પૂરતી જ સીમિત છે; એ સંપૂર્ણ કહેવાય નહિ.

ડૉ. રશીદની વ્યાખ્યા પ્રમાણે વકફનાં ત્રણ મુખ્ય લક્ષણો છે : (i) મિલકતનું કાયમી સમર્પણ (permanent dedication); (ii) મિલકતનો સમર્પણ કરનાર – વાકિફ; અને (iii) સમર્પણ ધાર્મિક, પવિત્ર અને ધર્માદા કે સખાવતી હેતુ માટે હોય.

(i) આમ મિલકતનું કાયમી રોકાણ, તેનું સમર્પણ, વાકિફ અને વકફનો હેતુ એ તેનાં મુખ્ય લક્ષણો છે. ડૉ. રશીદના મત અનુસાર કોઈ મુસ્લિમ ન હોય તેવી વ્યક્તિ (non-muslim) પણ વકફ બનાવી શકે છે. વસિયતનામાથી કરવામાં આવેલું વકફ વસિયત કરનાર તેની હયાતી દરમિયાન પાછું ખેંચી લઈ શકે છે, એવો ખ્યાલ એ ડૉ. તાહિર મહેમૂદના મત અનુસાર વદતો વ્યાઘાત છે. કેમ કે જ્યાં સુધી વસિયત અમલી નથી બનતી ત્યાં સુધી વકફ પેદા જ થતું નથી. અને જો મિલકતનું સમર્પણ કાયમી હોય તો પછી તેને પરત કેવી રીતે ખેંચી શકાય તે પ્રશ્ર્ન અનુત્તર રહેવાનો. વાકિફે વકફમાં આપેલી મિલકતમાંથી એનો અધિકાર સંપૂર્ણ રીતે ઉઠાવી લેવાનો છે. તેથી પાંચ કે દસ વર્ષની અવધિવાળાં વકફ વ્યર્થ વકફો ગણાય.

(ii) વાકિફ એ મિલકતનો સમર્પક છે. તે મુસ્લિમ હોવો જોઈએ પરંતુ મુસ્લિમેતર વ્યક્તિ પણ વકફ બનાવી શકે. આવી વ્યક્તિ પુખ્ત ઉંમરની અને સ્વસ્થ મનની તથા મિલકતની અબાધિત માલિક હોવી જોઈએ.

(iii) અનિશ્ચિત હેતુવાળા વકફ વ્યર્થ ગણાય છે. એવી જ રીતે અવલંબી અને શરતી વકફો પણ વ્યર્થ છે. વકફની સ્થાપના માટેની શરત જો સમાજના અને ટ્રસ્ટના હેતુની વૃદ્ધિ માટે હશે તો તે માન્ય રહેશે. ટ્રસ્ટ કર્તાના પોતાના અને એના કુટુંબના ભરણપોષણ માટે, વાકિફનાં દેણાં (debts) ચૂકવવા માટે અને તેમ થયા બાદ માનવજાતના કલ્યાણ માટે, ખુદાની બંદગી કે પ્રાર્થના માટે કૉલેજો, સ્કૂલો, નાળાં, બંધ, પુલો, રસ્તાઓ અને સરાઈ(ધર્મશાળા)ઓ બનાવવાને માટેના હેતુવાળાં તથા ગરીબોને મદદ કરવા માટે, મક્કા જનાર ગરીબોને મદદ માટે, મુસ્લિમ સૈનિકોના કલ્યાણ માટે, આરામગૃહો બાંધવા માટે અને એવા હેતુઓ માટે બનાવેલાં વકફ જાહેર અને સખાવતી ઉદ્દેશવાળાં હોઈ કાયદામાન્ય છે. એ જ પ્રમાણે સંતો, ઓલિયા કે ફકીરની જન્મતિથિ કે મૃત્યુતિથિએ ગોઠ કરવી (જમણ) અથવા ધાર્મિક ક્રિયાવિધિ કરાવવી  એ હેતુઓ ધાર્મિક અને ધર્માદા હેતુઓ ગણાય છે. પરંતુ કબરોના નિભાવ માટેનાં, તેની સમક્ષ કુરાનના વાચન માટેનાં વકફ ધાર્મિક નથી અને ધર્માદા પણ નથી. વકફનો હેતુ ધાર્મિક, પવિત્ર કે ધર્માદા છે કે નહિ તે નક્કી કરવા માટે ઇસ્લામના અનુયાયીઓ આ દેશમાં શેનું અનુસરણ કરે છે તે ધ્યાનમાં લેવું પડે. વકફમાં તેનો હેતુ જણાવવા માટે વપરાયેલા શબ્દો અનિશ્ચિત અને વ્યાપક (wide) અર્થવાળા ન હોવા જોઈએ; નહિ તો વકફ વ્યર્થ બને. પરંતુ આવે સમયે સાયપ્રસ (cypress) સિદ્ધાંતને આધારે મૂળ હેતુની નજીકમાં નજીકનો હેતુ ખોળી કાઢી વકફને વ્યર્થ બનતાં અટકાવી શકાય.

માત્ર ધનિકો માટેનું વકફ અવૈધ છે. પોતાના કુટુંબને લાભ મળ્યા પછી બાકી બચે તે ગરીબોને માટે વાપરવું એવા આદેશવાળું વકફ ભ્રામક (illusory) વકફ છે. જે વ્યક્તિ મૃત્યુશૈય્યાસ્થિત હોય તે વકફ બનાવી શકે છે. તેને વસિયતી વકફ (testamentary wakf) કહે છે. આવું વકફ કોલકાતા ઉચ્ચ ન્યાયાલયે ઠરાવ્યા પ્રમાણે પોતાની મિલકતના 1/3 ભાગની મિલકત જેટલું બનાવી શકાય છે. હયાતી દરમિયાન બનાવેલા વકફને ‘inter-vivos’ વકફ કહે છે, જે વાકિફ પરત ખેંચી લઈ શકતો નથી. વકફ બનાવવા માટે કોઈ ઔપચારિકતા જરૂરી નથી. તે ગમે તે ભાષામાં હોઈ શકે છે.

જેને વકફની મિલકતનો કબજો સોંપાય છે તે મુતાવલ્લી કહેવાય જે વકફનો વહીવટ કરે છે. તેણે મુસ્લિમ કાયદાનાં ધારાધોરણો અને રાજ્ય કાયદો કે નિયમો બનાવે તેને અધીન રહીને વહીવટ કરવાનો હોય છે. વહીવટ માટેના અધિનિયમોની યાદી –

(i) સિ. પ્રો. કોડની કલમ 92; (ii) બેંગાલ વકફ ઍક્ટ, 1934; (iii) બિહાર વકફ ઍક્ટ, 1937; (iv) બૉમ્બે પબ્લિક ટ્રસ્ટ્સ ઍક્ટ, 1950; (v) યુ. પી. વકફ ઍક્ટ, 1950 (vi) વકફ ઍક્ટ, 1954 અને (vii) દરગાહ ખ્વાજા સાહેબ ઍક્ટ, 1955.

મુતાવલ્લીને સજ્જાદનશીન અથવા મુજાવર પણ કહે છે. તે વકફનો માલિક નથી, માત્ર સવેતન વહીવટકર્તા છે. વકફની આવકના / ભાગ કરતાં એનું માનદ વેતન વધારે હોઈ શકે નહિ.

વકફ એ ટ્રસ્ટ, બક્ષિસ = હિબા (gift) અથવા સદકાહ-(donation)થી અલગ છે. ધર્માન્તર કરનારે (apo-state) બનાવેલું વકફ વૈધ છે કે નહિ એ પ્રશ્ર્ન વિવાદાસ્પદ છે. પરંતુ અમીરઅલીના મતે કોઈ પણ પવિત્ર હેતુ માટે બનાવવામાં આવેલું વકફ વૈધ છે. જો આવું વકફ કોઈ વ્યક્તિ માટે બનાવાયું હોય તો તે વ્યર્થ ઠરે.

ખાનકાહ એટલે કોઈ પ્રસિદ્ધ સંત ઓલિયાનું રહેવાનું સ્થાન. આવા સંત ગુજરી જતાં તેમને ત્યાં જ દફનાવવામાં આવે છે અને તેના પર દરગાહ બનાવાય છે. આવી દરગાહને આપેલું દાન વકફની જેમ માન્ય ગણાશે. એના વહીવટદારને સજ્જાદનશીન (= એટલે સાદડી પર બેઠેલી વ્યક્તિ). એના હોદ્દા પર કોઈ સ્ત્રીને કે સગીરને નીમી શકાતો નથી.

ભાનુપ્રસાદ મ. ગાંધી