વંશ બ્રાહ્મણ : પ્રાચીન ભારતીય બ્રાહ્મણગ્રંથ. કૌથુમ શાખાના સામવેદના આઠ બ્રાહ્મણો છે : (1) પંચવિંશ, (2) ષડ્વિંશ, (3) સામવિધાન, (4) આર્ષેય, (5) મંત્ર, (6) દેવતાધ્યાય, (7) વંશ, (8) સંહિતોપનિષદ. આમાંથી ‘વંશ બ્રાહ્મણ’નું સૌપ્રથમ સંપાદન એ. વેબરે કર્યું છે. (Ladische Studien, Vol. IV, pp. 271-386) ત્યારપછી એ. સી. બર્નેલે ઈ. સ. 1873માં મૅંગલોરથી પ્રકાશિત કર્યું. તેની સાથે સાયણાચાર્યનું ભાષ્ય ‘વેદાર્થપ્રકાશ’ છે. ત્યારપછી સત્યવ્રત સામશ્રમીએ કોલકાતાથી ઈ. સ. 1892માં પ્રકાશિત કર્યું. તેની સાથે એમણે બંગાળી અનુવાદ કરીને આપ્યો છે. હાલમાં ઉપલબ્ધ આવૃત્તિ ડૉ. બેલીકોઠ રામચન્દ્ર શર્માની (કેન્દ્રીય સંસ્કૃત વિદ્યાપીઠ, તિરુપતિ, ઈ. સ. 1965; પુનર્મુદ્રણ ઈ. સ. 1983) છે. વંશ બ્રાહ્મણ કદમાં નાનું છે. ત્રણ ખંડોમાં વિભક્ત છે. ત્રણેયમાં અનુક્રમે 27, 35 અને 15 સૂત્ર છે (કુલ 77). આમાં સામવેદના આચાર્યોની વંશપરંપરા આપવામાં આવી છે. તેથી ‘બ્રાહ્મણ’નું શીર્ષક યથાર્થ છે. આચાર્ય બલદેવ ઉપાધ્યાય આની પ્રશંસા કરે છે : ‘प्राचीन ऋषियों के इतिहास जानने के लिए यह ग्रंथ बहुत ही उपयोगी सिद्ध होगा ।’ આચાર્ય સાયણે ભૂમિકામાં આ ‘બ્રાહ્મણ’નો ઉપક્રમ સ્પષ્ટ કરી આપ્યો છે – अस्मिन् ब्राह्मणे कृत्स्नसामवेदाध्येतुणां प्रवृतिरूच्युत्पादनाय संप्रदायप्रवर्तका ऋषयः प्रदृश्यन्ते । (સમગ્ર સામવેદના અધ્યેતાઓની પ્રવૃત્તિ અને રુચિ પ્રગટ થાય એટલા માટે, સંપ્રદાયનું પ્રવર્તન કરનારા ઋષિઓ વિશે આ ‘બ્રાહ્મણ’માં કહેવામાં આવશે.) આ બ્રાહ્મણની કેટલીક દાક્ષિણાત્ય હસ્તપ્રતોમાં આ ‘બ્રાહ્મણ’ની પૂર્વે प्रथमः पटलः તરીકે सामतर्षणम् આવે છે. તે આ ‘બ્રાહ્મણ’ને ભૂમિકા પૂરી પાડે છે. ડૉ. બેલીકોક શર્માનું આ માટે અનુમાન છે તે સામવેદના અનુયાયી પુરોહિતોએ આ અંશ પોતાના સંદર્ભ માટે આમાં ઉમેરી દીધો છે. આ બ્રાહ્મણનું વિભાજન ત્રણ खण्डમાં છે; પરંતુ એમાંનાં પહેલા અને બીજા ખંડને સંયુક્ત ગણી શકાય તેમ છે; કારણ કે તે બંનેમાં શાર્વદત્ત ગાર્ગ્યથી શરૂ થતી વંશપરંપરા છે. ત્રીજો ખંડ જુદો પડી જાય છે. તેમાં ગૌતમ રાધથી શરૂ થતી વંશપરંપરા છે. આ પરંપરાની ગણનામાં માત્ર ઇતિહાસ નથી, અંશત: દેવવિદ્યા પણ સંમિશ્રિત છે. કશ્યપના આદ્ય ઋષિ તરીકે અગ્નિ છે. ‘સામવિધાન બ્રાહ્મણ’ના એક પરિચ્છેદ(393)માં વંશપરંપરા છે, પરંતુ તે આના પ્રમાણમાં ઘણી સંક્ષિપ્ત છે; વિગતો પણ ‘વંશ બ્રાહ્મણ’ કરતાં જુદી પડે છે. ‘વંશ બ્રાહ્મણ’ સાથે સરખાવી શકાય તેવો વંશપરંપરા-ગણનાનો પ્રયત્ન ‘શતપથ બ્રાહ્મણ’માં પણ થયો છે. ‘શતપથ બ્રાહ્મણ’માં યજુર્વેદની વંશપરંપરા છે. ભરતસ્વામી ભાષ્યકારના નિર્દેશો મળે છે. એમનો અભિપ્રાય એવો હોવો જોઈએ કે સામવેદના આઠેય ‘બ્રાહ્મણ’નું એક જ એકમ છે. તેથી તે ‘સામવિધાન’ પરના ભાષ્યમાં મંગલાચરણ આપતા નથી. એમનું આઠેય ‘બ્રાહ્મણ’ પર ભાષ્ય હોવું જોઈએ, પરંતુ મોટાભાગનાં  ‘વંશ બ્રાહ્મણ’ સહિતના ભાષ્ય મળતાં નથી. એમની પાસે આન્ધ્રનો પાઠ હતો. ડૉ. બેલીકોકને આશા છે કે ભવિષ્યમાં મળી આવે પણ ખરાં. ‘વંશ બ્રાહ્મણ’માં નિર્દિષ્ટ આચાર્યો બ્રાહ્મણ જ હોય તેવું નથી. તેમાં કેટલાક ક્ષત્રિય પણ છે, વૈશ્ય પણ છે. આ આચાર્યો વૈદેશિક પણ છે; જેમ કે, શકસ્થાનના છે. કેટલાંક નામો પ્રદેશવાચી પણ છે; જેમ કે, કામ્બોજ, મદ્રક. કેટલાંક નામ માતૃસત્તાક પણ છે; જેમ કે, ગૌગલવીપુત્ર. વંશપરંપરાની આ ગણનાનું મહત્વ  બીજી રીતે પણ છે. ભારતના સાંસ્કૃતિક ઇતિહાસના અભ્યાસુને તે ઉપકારક છે. સમાજશાસ્ત્રીય દૃષ્ટિકોણથી જોતાં, આમાં રસ પડે તેવું ઘણું છે. આર્થર એ. મૅક્ડૉનલનો અભિપ્રાય છે કે આ ‘વંશ બ્રાહ્મણ’ ‘બ્રાહ્મણ’ નામ ધરાવે છે; પરંતુ ખરેખર તે ‘બ્રાહ્મણ’ નથી. આવું એમણે ‘સામવિધાન’, ‘દેવતાધ્યાય’ અને ‘સંહિતોપનિષદ’ માટે પણ કહ્યું છે; પરંતુ એનાં એમણે કારણો આપ્યાં નથી. ‘વંશ બ્રાહ્મણ’નો વર્ણ્ય વિષય જોતાં, એમનું ‘બ્રાહ્મણ’ અભિધાન અયથાર્થ નથી એમ નિશ્ચિતપણે કહી શકાય.

રશ્મિકાન્ત મહેતા