લ બ્રાઝ ઍનાતોલ (જ. 2 એપ્રિલ 1859, દૉલ, ફ્રાન્સ; અ. 2૦ માર્ચ 1926, માંતોં) : ફ્રેન્ચ લોકસાહિત્યના વિશેષજ્ઞ, નવલકથાકાર અને કવિ. શિક્ષણ પૅરિસમાં. કેટલીક યુનિવર્સિટીઓમાં તત્વજ્ઞાનના પ્રાધ્યાપક રહ્યા. પાછળથી લાંબા સમય માટે  19૦1થી 1924 સુધી યુનિવર્સિટી ઑવ્ રેનમાં ફ્રેન્ચ સાહિત્યના પ્રાધ્યાપક રહ્યા. વચમાં હાર્વર્ડ યુનિવર્સિટીમાં 19૦6માં મુલાકાતી પ્રાધ્યાપક હતા. તેમની રચના ‘લા લેજાં દ લા મૉર’ (1893, ‘ડીલિંગ્ઝ વિથ ધ ડેડ’, 1898)માં મૃત્યુ વિશેની દંતકથાઓને કાવ્યની બાનીમાં ઢાળવામાં આવી છે. બ્રિટની પ્રદેશમાં બ્રાઝે કરેલ વ્યાપક સંશોધનને આધારે વાર્તાઓ, પરંપરાઓ અને લોકસાહિત્યની જાણકારીનું ઉપર્યુક્ત ગ્રંથમાં બયાન કરવામાં આવ્યું છે. ‘વ્યેયેસ ઇસ્તવાર દિ પેઇઝ બ્રતાં’ (1897, ‘એન્શિયન્ટ સ્ટૉરિઝ ઑવ્ બ્રિટની’) અને ‘લ’ એસે સિર લ્ ઇસ્તવાર દિ તિપાતર સેલ્ટિક’, તેમના સંશોધનગ્રંથો છે. ‘લા ચેંસોં દ લા બ્રિતા’ (1892, ‘ધ સાગ ઑવ્ બ્રિતની’)માં બ્રિટનીની પરંપરાનાં કાવ્યો રજૂ કર્યાં છે. ‘લ ગાર્દિયન દિ ફ્યુ’ (189૦, અં. અનુ. ‘ધ નાઇટ ઑવ્ ધ ફાયર્સ’, 1912) અને ‘પાક દ’ ઇસ્લાંદ’ (1897, ‘આઇસલૅન્ડ ઈસ્ટર’) તેમની નવલકથાઓ છે. ‘કાતે દિ સોલીલ એત દ લા બ્રુમ’ (19૦5, ‘ટેલ્સ ઑવ્ સન ઍન્ડ મિસ્ટ’) ટૂંકી વાર્તાઓનો સંગ્રહ છે.

વિ. પ્ર. ત્રિવેદી