લ બ્રૂં, ચાર્લ્સ (Le Brun, Charles)

January, 2004

લ બ્રૂં, ચાર્લ્સ (Le Brun, Charles) (જ. 24 ફેબ્રુઆરી 1619, પૅરિસ, ફ્રાન્સ; અ. 12 ફેબ્રુઆરી 169૦, પૅરિસ, ફ્રાન્સ) : ફ્રેન્ચ રાજા લુઈ ચૌદમાના પ્રિય દરબારી ચિત્રકાર અને ડિઝાઇનર. રાજા લુઈ ચૌદમાના ત્રણ દસકાના રાજ દરમિયાન ચિત્રો કરવા ઉપરાંત એ રાજા માટે તૈયાર કરાવવામાં આવતાં શિલ્પો તથા અન્ય શણગારાત્મક વસ્તુઓની દોરવણી આપનાર તથા દેખરેખ રાખનાર હતા. સત્તરમી સદીમાં યુરોપમાં લ બ્રૂંની કલાશૈલી ‘એકૅડેમિક’ તરીકે સ્વીકૃતિ પામી.

ચાર્લ્સ લ બ્રૂં

આરંભમાં ચિત્રકારો ગુઇલોમ પૅરિયે તથા સિમોન વૂએ પાસે તેમણે તાલીમ લીધી. 1642માં રોમ જઈને નિકોલસ પુસોં તથા પિયેત્રો દા કોર્તોના પાસે ચિત્રકલાની વધુ તાલીમ લીધી. પૅરિસ પાછા ફરીને કેટલાંક મોટાં ચર્ચને શણગારવાના મોટા ઇન્ટીરિયર ડિઝાઇનના કામ ઉપરાંત હોટલ લાંબેનું ઇન્ટીરિયર ડિઝાઇનનું કામ પાર પાડ્યું તથા એ પછી નાણામંત્રી નિકોલસ ફૂકેના મહેલની ઇન્ટીરિયર ડિઝાઇન પણ તેમણે તૈયાર કરી. ફ્રાન્સના રાજા લુઈ ચૌદમાનું ધ્યાન હવે લ બ્રૂં તરફ ખેંચાયું. સૌથી પહેલાં તો એ રાજાએ 1661માં તેમની પાસે સમ્રાટ ઍલેક્ઝાન્ડરનો ઇતિહાસ નિરૂપતી ચિત્રશ્રેણી તૈયાર કરાવી. એ ચિત્રશ્રેણીમાંથી ચિત્ર ‘ધ ટેન્ટ ઑવ્ દરાયસ’ લુઈ ચૌદમાને ખૂબ ગમી ગયું. (લુઈ ચૌદમો પોતાને જ આધુનિક ઍલેક્ઝાન્ડર માનતો હતો !) તગડા પગાર સાથે એણે લ બ્રૂંને દરબારી ચિત્રકાર બનાવ્યા. લ બ્રૂંનો સામાજિક અને કલાત્મક મોભો હવે ખૂબ વધી ગયો. એમનો હરીફ તો છેક અઢારમી સદીના અંતમાં જ પાક્યો  ઝાક લુઈ દાવીદ.

નાણામંત્રી નિકોલસ ફૂકેના અવસાન પછી નવા નાણામંત્રી કોલ્બેએ લ બ્રૂંને ‘ગોબેલિન્સ’ના ડિરેક્ટર બનાવ્યા. ગોબેલિન્સને રાજવી અને દરબારી ઑફિસો તથા મહેલોને ટૅપિસ્ટ્રી પૂરી પાડતી ફૅક્ટરી હતી. ત્યાં ગાલીચા, પડદા અને શેતરંજીઓની ડિઝાઇન તૈયાર કરવાનું કામ લ બ્રૂંએ કર્યું.

166૦ પછી વર્સાઈ ખાતેના વિરાટ રાજમહેલોની ઇન્ટીરિયર ડિઝાઇનનું કામ પણ લુઈ ચૌદમાએ લ બ્રૂંને જ આપવું ચાલુ કર્યું. 1663માં એકૅડેમી ઑવ્ પેઇન્ટિંગ ઍન્ડ સ્કલ્પ્ચરના ડિરેક્ટરપદે લુઈ ચૌદમાએ લ બ્રૂંની નિમણૂક કરી. 1666માં લ બ્રૂંએ એકૅડેમી ઑવ્ પેઇન્ટિંગ ઍન્ડ સ્કલ્પ્ચરની શાખા ‘ફ્રેન્ચ એકૅડેમી ઍટ રોમ’ નામ હેઠળ રોમમાં સ્થાપી.

પુરોગામી ફ્રેન્ચ ચિત્રકાર પુસોં કરતાં લ બ્રૂંની ચિત્રશૈલી વધુ નાટ્યાત્મક તથા વધુ રતિભાવપ્રેરક છે. ‘હૉરેશિયસ ડિફેન્ડિંગ રોમ’ (1664) એમની શ્રેષ્ઠ ચિત્રકૃતિ ગણાય છે. વ્યક્તિચિત્રો ચીતરવામાં પણ તેઓ નિપુણ હતા. એમનાં વ્યક્તિચિત્રોમાં ‘ધ બૅન્કર જેબેખ ઍન્ડ હિઝ ફૅમિલી’ (1647) એમની શ્રેષ્ઠ ચિત્રકૃતિ ગણાય છે.

અમિતાભ મડિયા