લ્યૂસાઇટ (ખનિજ) : ફેલ્સ્પેથૉઇડ વર્ગનું ખનિજ. ટેક્ટોસિલિકેટ. રાસા.  બં. : KAlSi2O6 અથવા K2O · Al2O3 · 4SiO2 સ્ફ. વ.: ક્યૂબિક (સૂડોક્યૂબિક). નીચા તાપમાને તૈયાર થતું લ્યૂસાઇટ ટેટ્રાગોનલ વર્ગમાં સ્ફટિકીકરણ પામે છે, પરંતુ આવા સ્ફટિકો 625° સે. સુધી ગરમ થતાં તેમાં ક્રમિક ફેરફાર થતો જઈને ક્યૂબિક વર્ગની સમતામાં ફેરવાય છે. સ્ફ. સ્વ. : સ્ફટિકો મોટેભાગે ટ્રેપેઝોહેડ્રલ (211); (100) અથવા (110) ફલકો સાથે પણ મળે. દાણાદાર સ્વરૂપે જથ્થાઓમાં પણ મળે. યુગ્મતા (110) ફલક પર વધુ સામાન્ય, યુગ્મતાનાં આવર્તન જોવા મળે. યુગ્મતાને કારણે ફલકો રેખાંકિત હોય. પારદર્શકથી પારભાસક. સંભેદ : (110) ખૂબ જ અપૂર્ણ. પ્રભંગ : વલયાકાર, બરડ. ચમક : કાચમય. રંગ : રંગવિહીન, સફેદ, રાખોડી. ચૂર્ણરંગ : રંગવિહીન. કઠિનતા : 5.5 થી 6. વિ.ઘ. : 2.47થી 2.50. પ્રકા. અચ. : n~1.510; ε − ω = ખૂબ જ નાનો. પ્રકા. સંજ્ઞા : +ve, એકાક્ષી. પ્રાપ્તિસ્થિતિ : પોટૅશિયમસમૃદ્ધ બેઝિક લાવાના ખડકો સાથે મળે. સામાન્ય રીતે તો તે K2O સમૃદ્ધ અને SiO2 ત્રુટિવાળા જ્વાળામુખી ખડકોમાં સુવિકસિત મહાસ્ફટિકો રૂપે મળે છે. અહીં તેમનું રાસા. બં. (K·Na) Al · Si2O6 હોય છે, જેમાં Na કરતાં Kની વિપુલતા હોય છે. પ્રાપ્તિસ્થાનો : યુ. એસ., કૅનેડા, ઇટાલી, ફ્રાન્સ, જર્મની, ઝાયર, યુગાન્ડા, ઑસ્ટ્રેલિયા વગેરે.

લ્યૂસાઇટ : (અ) સ્ફટિકજૂથ, (આ) સ્ફટિકના ફલકોનું માળખું

ગિરીશભાઈ પંડ્યા