લ્યૂસાઇટ (રસાયણશાસ્ત્ર)

January, 2005

લ્યૂસાઇટ (રસાયણશાસ્ત્ર) : ખૂબ ઊંચા અણુભારવાળો સંશ્લેષિત કાર્બનિક બહુલક. તેનાં અન્ય વ્યાપારી છાપ (trade mark) ધરાવતાં નામો પરસ્પેક્સ (perspex) તથા પ્લેક્સિગ્લાસ (plexiglas) છે. રાસાયણિક દૃષ્ટિએ તે પૉલિમિથાઇલ મિથાક્રિલેટ ઍસ્ટર નામના એકલક(monomer)ની લાંબી શૃંખલા(long chain)માં બહુલકીકરણ પ્રવિધિ કરતાં તે મળે છે. આ પ્રવિધિ ઊંચા તાપમાને કે પ્રકાશની હાજરીમાં યોગ્ય ઉદ્દીપકની ઉપસ્થિતિમાં કરવામાં આવે છે. મિથાઇલ સમૂહને બદલે અન્ય સમૂહો વાપરીને આવાં જ એક્રિલિક રેઝિનો (બહુલકો) બનાવી શકાય છે. તેનું સામાન્ય સૂત્ર નીચે પ્રમાણે છે :

જ્યાં R = મિથાઇલ, ઈથાઇલ, n-બ્યૂટાઇલ, આઇસો-બ્યૂટાઇલ-સમૂહો હોય છે.

આ પદાર્થ ઉચ્ચ પરિમાણીય સ્થાયિત્ય (high dimensional stability) ધરાવે છે. તે ઘસારા (weathering) તથા પ્રઘાત (shock) સામે સારો પ્રતિકાર ધરાવે છે.

સામાન્યત: તે રંગવિહીન તથા પારદર્શક હોય છે, પરંતુ રંગીન અથવા અપારદર્શક બનાવવા અન્ય પદાર્થો તેમાં ઉમેરવામાં આવે છે. બીબાંમાં ઢાળીને તેને આવદૃશ્યક આકાર આપી શકાય છે; અથવા તેનાં પતરાં (sheets) બનાવી શકાય છે. પ્રકાશનાં કિરણોને તેની સપાટીમાં જ પરાવર્તિત કરી રાખવાનો તેનો વિશિષ્ટ ગુણધર્મ છે; જેને પરિણામે પાઇપોના મરોડ (વળાંક) તથા ખૂણાઓ આગળથી અથવા પતરાના છેડાઓ અથવા ધારોમાંથી તે પરાવર્તિત થઈ શકે છે. આ કારણે લ્યૂસાઇટ હવાઈ જહાજની છત્રીઓ (canopies) તથા બારીઓમાં; યાંત્રિક હોડીઓના પવનરક્ષક (windshields) તરીકે; આભૂષણો, મોટા ચંદ્રકો (medallions), કૅમેરાના લેન્સ, મોટરવાહનોના સ્ટૉપ-લાઇટ્સ અને ટેઇલ-લાઇટ્સ વગેરે બનાવવામાં વપરાય છે. આ ઉપરાંત શરીરની અંદરના અવયવો પ્રકાશિત કરવા માટે ઔષધ તરીકે પણ તે વપરાય છે.

તે ઇંજેક્શન-મોલ્ડિંગ તથા બહિર્વેધન (બહિ:સ્ફુટન-(extrusion)માં પાઉડર રૂપે, દંતકીય દ્રવ્યો(dental materials)માં તથા અર્ધપારદર્શક (translucent) અને આલંકારિક (decorative) પૅનલો માટે પણ વપરાય છે.

જ. પો. ત્રિવેદી