લ્યૂસાઇટ (ખડક) : લ્યૂસાઇટ ખનિજથી સમૃદ્ધ પરંતુ, આલ્કલી ફેલ્સ્પારની ત્રુટિ કે અભાવવાળો ખડક. લ્યૂસાઇટધારક ખડકમાં જો આલ્કલી ફેલ્સ્પાર આવદૃશ્યક ઘટક તરીકે હાજર હોય તો તેને ફોનોલાઇટ કે ફેલ્સ્પેથૉઇડયુક્ત સાયનાઇટ કે ફેલ્સ્પેથૉઇડયુક્ત મૉન્ઝોનાઇટ કહે છે. સામાન્ય રીતે આ ખડકો જ્વાળામુખી ઉત્પત્તિજન્ય હોય છે. તે ઘેરા રંગવાળા અને દળદાર દેખાય છે. તેમના બંધારણમાં મુખ્યત્વે પાયરૉક્સિન અને લ્યૂસાઇટ હોય છે, કૅલ્શિયમસમૃદ્ધ પ્લેજિયોક્લેઝ અથવા ઑલિવિન હોય કે ન પણ હોય. જો પ્લેજિયોક્લેઝ 10 %થી વધી જાય અને ઑલિવિન હોય તો તેને લ્યૂસાઇટ બેસેનાઇટ અને ઑલિવિન ન હોય તો તેને લ્યૂસાઇટ ટેફ્રાઇટ કહે છે. પ્લેજિયોક્લેઝ 10 % કે તેથી ઓછું હોય અને ઑલિવિન હોય તો તેને ઑલિવિન લ્યૂસિટાઇટ કે લ્યૂસાઇટ બેસાલ્ટ અને ઑલિવિન ન હોય તો તેને લ્યૂસિટાઇટ (leucitite) કહે છે. લૂસિટાઇટ એ રીતે બેસાલ્ટનો પ્રકાર બની રહે છે. બેસાલ્ટમાં રહેલા ઘટકો પૈકી ફેલ્સ્પેથૉઇડ તરીકે લ્યૂસાઇટનું જ્યારે આવદૃશ્યક ખનિજ તરીકે વિપુલ પ્રમાણ હોય ત્યારે તેને લ્યૂસિટાઇટ કહેવાય છે, અર્થાત્ જ્યારે બેસાલ્ટમાં ફેલ્સ્પાર ગૌણ બની રહે, ઑલિવિન ન હોય અને લ્યૂસાઇટ વધુ હોય ત્યારે બનતો ખડક લ્યૂસિટાઇટ ગણાય છે. આવો જ એક બીજો ખડક લ્યૂસિટોફાયર (leucitophyre) નામથી ઓળખાય છે. તે ટ્રેકાઇટ અને ફોનોલાઇટનો પેટાપ્રકાર છે. જ્યારે ફોનોલાઇટમાં ફેલ્સ્પાર સહિત લ્યૂસાઇટ-ફેલ્સ્પેથૉઇડનું પ્રમાણ વધી જાય ત્યારે તેને લ્યૂસિટોફાયર કહે છે. આ પ્રકારનો ખડક સિલિકાના સંદર્ભમાં અસંતૃપ્ત ગણાય છે.

લ્યૂસાઇટ ખડકોની કણરચના પૉર્ફિરિટિક હોય છે, જેમાં ઑગાઇટ અને લ્યૂસાઇટના મહાસ્ફટિકો સૂક્ષ્મ દાણાદાર કે કાચમય દ્રવ્યથી પરિવેદૃષ્ટિત હોય છે. તેમાં જો પ્લેજિયોક્લેઝ પણ મહાસ્ફટિક તરીકે હાજર હોય તો તે લૅબ્રેડોરાઇટ કે બિટોનાઇટ પ્રકારનું હોય છે, જે પરિવેદૃષ્ટિત દ્રવ્ય કરતાં થોડુંક વધુ કૅલ્શિયમસમૃદ્ધ હોય છે.

આ પ્રકારના ખડકોમાં લ્યૂસાઇટ બે ઉત્પત્તિસ્થિતિવાળું હોય છે : (1) લગભગ ગોળાકારથી અષ્ટકોણીય મહાસ્ફટિકો સ્વરૂપે, જેમની અંદર કાચના કે અન્ય ખનિજોના આગંતુકો પટ્ટીદાર વિભાગોમાં ગોઠવાઈને રહેલા હોય છે. (2) નાના ગોળાકાર કણો સ્વરૂપે, તેમજ તેના પરિવેદૃષ્ટિત દ્રવ્યમાં પણ કાચના ઝીણા આગંતુકો જોવા મળે છે.

આ ઉપરાંત, આવા ખડકોમાં ઑગાઇટ કે ડાયૉપ્સાઇટ તેમજ એજિરિન-ઑગાઇટ પણ મૅફિક મહાસ્ફટિકો રૂપે મળે છે. પરિવેદૃષ્ટિત દ્રવ્યમાં રહેલું પાયરૉક્સિન મોટેભાગે સોડાસમૃદ્ધ હોય છે. ક્વચિત્ ઑલિવિન સુવિકસિત મહાસ્ફટિકો સ્વરૂપે જોવા મળે ખરું. અન્ય ખનિજો પૈકી નેફેલિન, સોડાલાઇટ, બાયૉટાઇટ, હૉર્નબ્લેન્ડ અને મેલિલાઇટની હાજરી હોઈ શકે છે. અનુષંગી ખનિજો પૈકી સ્ફીન, મૅગ્નેટાઇટ, ઇલ્મેનાઇટ, ઍપેટાઇટ અને પર્વોસ્કાઇટ હોઈ શકે છે.

આ પ્રકારના ખડકો કુદરતમાં વિરલ છે. તે મુખ્યત્વે તો લાવાપ્રવાહોરૂપે અને ડાઇક, જ્વાળામુખી દાટા જેવાં નાનાં અંતર્ભેદકો રૂપે મળે છે. ઇટાલીના રોમ વિસ્તારમાં તેમજ મધ્ય આફ્રિકાના પૂર્વ ભાગોમાં તે જોવા મળે છે.

ગિરીશભાઈ પંડ્યા