લોધર : દ્વિદળી વર્ગમાં આવેલા સિમ્પ્લોકેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Symplocos racemosa Roxb. (સં. લોધ્ર, હિં. મ. બં. લોધ, ગુ. લોધર) છે. તે સદાહરિત, 6.0 મી.થી 8.5 મી. ઊંચું વૃક્ષ કે ક્ષુપ છે. ઉત્તર અને પૂર્વ ભારતનાં મેદાનોમાં અને હિમાલયની 1,400 મી. સુધી ઊંચાઈવાળી ટેકરીઓ ઉપર પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે. આ વનસ્પતિ દક્ષિણ ભારતમાં છોટાનાગપુર સુધી મળી આવે છે. પર્ણો ઉપરની સપાટીએથી ઘેરાં લીલાં, સાદાં એકાંતરિક, વર્તુલાકાર (orbicular) કે ઉપવલયી લંબચોરસ (elliptic oblong), 12.5 સેમી. x 5 સેમી., ચર્મિલ (coriaceous) અને ઉપરની સપાટીએ અરોમિલ (glabrous) હોય છે. પુષ્પવિન્યાસ 5.0 સેમી.થી 13.0 સેમી. લાંબો, કક્ષીય કલગી (raceme) કે સંયુક્ત કલગી પ્રકારનો હોય છે. પુષ્પો શરૂઆતમાં સફેદ રંગનાં હોય છે અને પાછળથી પીળા રંગનાં બને છે અને તે નિપત્ર (bract) અને બે નિપત્રિકાઓ (bracteolers) ધરાવે છે. ફળો જાંબલી-કાળાં, ઉપ-નળાકાર (sub-cylindrical), લીસાં અને અષ્ઠિલ (drupe) પ્રકારનાં હોય છે અને 1થી 3 બીજ ધરાવે છે. લોધરની ધોળો અને રાતો એમ બે જાત છે. સફેદ લોધરને પઠાણી લોધર કહે છે.
પર્ણો અને છાલમાંથી પીળો રંગ મેળવવામાં આવે છે. તે બીજા રંગો સાથે રંગબંધક (mordant) તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. રેશમને પીળા રંગથી રંગવા માટે હળદર અને ગુમ્બેંગફોંગ (Plecospermum spinosum) સાથે સંયોજનમાં વપરાય છે. તે હોળીમાં વપરાતા ગુલાલનો એક ઘટક છે. કેલિકોમુદ્રણ (calico printing) અને ચામડું રંગવામાં તેનો સહાયક (auxilliary) તરીકે ઉપયોગ કરવામાં આવે છે.
છાલમાં લોટ્યુરિન, લોટ્યુરિડિન અને કોલોટ્યુરિન નામનાં ત્રણ ઍલ્કેલોઇડોની હાજરી નોંધાઈ છે. છાલનો સ્ફટિકીય ઘટક Micrococcus pyogenes var aureus, Escherichia coli અને આંતરડા અને મરડા સંબંધી રોગજનોના સમૂહોની વૃદ્ધિ અવરોધે છે. તે કેટલાંક સગર્ભ (pregnant) અને ગર્ભરહિત (non-pregnant) પ્રાણીઓના ગર્ભાશયનાં સંકોચનોની આવૃત્તિ અને માત્રામાં ઘટાડો કરે છે. છાલનો બીજો ઘટક ગર્ભાશય ઉપર તો ક્રિયા કરે જ છે, પરંતુ તે ઉપરાંત જઠરાંત્રીય ભાગો ઉપર ઉદ્વેષ્ટજન (spasmogenic) અસર કરે છે, અને એટ્રોપિન દ્વારા તેનાથી વિરોધી પ્રક્રિયા થાય છે. આ ઉપરાંત છાલમાંથી એક સફેદ રંગનો પદાર્થ, ત્રણ રંગોનાં સંયોજનોનું મિશ્રણ, રિડ્યુસિંગ શર્કરાઓ, ઓક્ઝેલિક ઍસિડ અને ફાઇટોસ્ટેરોલ પ્રાપ્ત થયાં છે. રંગીન પદાર્થો પૈકીમાંનો એક (C16H14O8) સૌથી સક્રિય પદાર્થ છે અને ઉભયજીવીના હૃદય ઉપર તેની અવનમક (depressant) અસર થાય છે, તે કૂતરાઓના રુધિરના દબાણ પર કરે છે. સસલાની અન્નનળી પર તેની વિશ્રાંત (relaxant) અસર થાય છે. પ્રકાંડના ઈથેનોલીય નિષ્કર્ષમાંથી બે ગાઢ સંબંધિત ગ્લાયકોસાઇડનું અલગીકરણ કરવામાં આવ્યું છે. તે પૈકીમાંનો એક 70-મિથાઇલ લ્યુકોપેલાર્ગોનિડિનનો 3-મૉનો-ગ્લુકોફ્યુરેનોસાઇડ છે, જે અત્યંત સંકોચક (astringent) છે અને ઔષધીય ગુણધર્મો ધરાવે છે.
છાલ સંકોચક હોય છે અને અતિસાર (diarrhoea) અને મરડાની ચિકિત્સામાં અને યકૃતની ફરિયાદો અને જલશોથ(dropsy)માં વપરાય છે. તેનો નિત્રાભિષ્યંદ (ophthalmia) અને નેત્રશ્ર્લેષ્મકલાશોથ(conjuctivitis)માં ઉપયોગ થાય છે. છાલનો ક્વાથ દાંતના પેઢામાં થતા લોહીનો સ્રાવ થતો અટકાવવામાં ઉપયોગી છે. સાકર સાથેના સંયોજનમાં તે અત્યાર્તવ (menorrhagia) અને ગર્ભાશયના અન્ય રોગોમાં વપરાય છે.
આયુર્વેદ અનુસાર તે તૂરો, શાંત, નેત્રને હિતાવહ, ગ્રાહક અને લઘુ છે. તે વાત, કફ, રક્તદોષ, પિત્ત, સોજો, અતિસાર, પ્રદર, અરુચિ, વિષ અને રક્તપિત્તનો નાશ કરે છે. તેનાં પુષ્પ પાકકાળે તીખાં, તૂરાં, મધુર, શીત, કડવાં અને ગ્રાહક છે અને કફપિત્તનો નાશ કરે છે.
રક્તપિત્તમાં લોધરની છાલનું ચૂર્ણ લગભગ 3 ગ્રા. અને તેટલું જ ચંદન લઈ ચોખાના ધોવણમાં સાકર નાખીને પીવાથી રક્તપિત્ત મટે છે. કુષ્ઠમાં લોધરનો લેપ કરવામાં આવે છે. વ્રણ ઉપર લોધરની છાલનું બારીક ચૂર્ણ છાંટવાથી વ્રણ જલદી રુઝાય છે. ખાંસી, આમ અને અતિસારમાં લોધરનાં પાનની લૂગદીને ઘીમાં શેકી સાકર નાખીને રાબડી બનાવવામાં આવે છે, તે લેવાથી ઊલટી, તરસ, ખાંસી અને આમાતિસાર મટે છે. શ્ર્વેત પ્રદરમાં લોધરની છાલ વડની છાલના ક્વાથ સાથે લેવામાં આવે છે. તારુણ્ય પિટિકા ઉપર લોધર, ધાણા અને વજનો ઠંડા પાણીનો લેપ કરવામાં આવે છે. દંતરોગમાં લોધર, સાટોડી અને ફુલાવેલી ફટકડીનું પાણી કરી કોગળા કરાવવામાં આવે છે. ર્જીણજ્વર ઉપર લોધર, ચંદન, પીપરીમૂળ અને અતિવિષનું ચૂર્ણ સાકર, ઘી અને દૂધમાં પિવડાવવામાં આવે છે.
સુશ્રુતમાં લોધરને મેદનાશક, કફનાશક, યોનિદોષનાશક, સ્તંભક, વ્રણશોધક, પક્વાતિસારનાશક, રક્તપિત્તનાશક અને રક્તપ્રદરનાશક ગણવામાં આવેલ છે.
તેનું કાષ્ઠ પીળાશ પડતું સફેદ, સખત (વજન 865 કિગ્રા./ઘમી.), સંકુલિત કણયુક્ત (close-grained) હોય છે અને સારી રીતે સંશોષણ (seasoning) કરવામાં આવે તો તે ટકાઉ બને છે. તેનો ઉપયોગ રાચરચીલું બનાવવામાં થાય છે.
ભાલચંદ્ર હાથી, બળદેવભાઈ પટેલ