લોદી-સ્થાપત્ય : મધ્યકાલમાં લોદી વંશના સુલતાનોએ બંધાવેલું સ્થાપત્ય. દિલ્હીના સુલતાનોમાં લોદી વંશના સુલતાનોની સત્તા ઈ. સ. 1451થી 1526 સુધી રહી. તેમના શાસન દરમિયાન દિલ્હીમાં કેટલીક મસ્જિદો અને મકબરાનું નિર્માણ થયું. લોદી સુલતાનોમાં સિકંદર લોદીએ સ્થાપત્યના ક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન કર્યું છે. લોદી-સ્થાપત્યમાં ખલજી અને તુઘલુક સ્થાપત્યશૈલીનું મિશ્રણ થયેલું છે. આ સ્થાપત્ય ખલજી સ્થાપત્યની નકલ જેવું લાગે છે તેમ છતાં તેમાં લાલિત્ય લાવવાનો પ્રયત્ન થયો છે. આ સમયની ઇમારતોની દીવાલો ઢળતી નથી કે પોલી નથી. દીવાલો નાની છતાં નક્કર અને મજબૂત છે. તેમાં તહખાનાં (ભોંયરાં) અને છજાંઓનો અભાવ હોય છે. આ ઇમારતો સ્થાપત્યના સિદ્ધાંતથી બંધાયેલી હોવાથી ઘાટીલી બની છે. ઇમારતોમાં અલંકરણ આછું અને ઓછું હોય છે; તેથી તે કલાપૂર્ણ જણાતી નથી. રાજકીય ઊથલપાથલની આ અસર જણાય છે. વિવિધ રંગની મીનાકારીવાળી તકતીઓનો સુશોભનમાં પ્રયોગ થયો છે.

સિકંદર લોદીનો મકબરો

સિકંદર લોદીના મકબરાનું બાંધકામ ઇબ્રાહીમ લોદીએ ઈ. સ. 1517માં કરાવ્યું હતું. મૂળભૂત રીતે તેની ડિઝાઇન કેટલાક ફેરફાર સાથે મુહમ્મદશાહ સૈયદના મકબરાને મળતી આવે છે. આ મકબરો ભવ્ય પ્રાંગણની વચ્ચે આવેલો છે. પ્રાંગણને ફરતી કાંગરાયુક્ત દીવાલો અને દીવાલને ચારેય ખૂણે ચાર બુરજ છે. દક્ષિણની દીવાલમાં પ્રવેશ છે. આ કાલની અન્ય ઇમારતોમાં બડેખાન કા ગુંબજ, છોટે-ખાન કા ગુંબજ, બડા ગુંબજ, શિહાબુદ્દીન તાજખાનનો મકબરો, દાદી કા ગુંબજ, પોલી કા ગુંબજ વગેરે મુખ્ય છે. આ બધા મકબરા છે અને મોટાભાગના પંદરમી સદીના છે. સિકંદર લોદીના મુખ્ય વજીરે બંધાવેલી મોડકી મસ્જિદ અને  સિકંદર લોદીનો મકબરો લોદી-ઇમારતોની વિશિષ્ટતાઓ ધરાવતી નમૂનેદાર ઇમારતો છે.

થૉમસ પરમાર