લોધા, કે. એમ. (જ. 28 સપ્ટેમ્બર 1921, જોધપુર, રાજસ્થાન) : હિંદી વિવેચક અને નિબંધકાર. તેમણે અલ્લાહાબાદ યુનિવર્સિટીમાંથી એમ.એ.ની પદવી મેળવી. તેઓ હિંદીના પ્રાધ્યાપકપદેથી નિવૃત્ત થયા. તેઓ કોલકાતા યુનિવર્સિટીના હિંદી વિભાગના પ્રાધ્યાપક અને વડા; જોધપુર યુનિવર્સિટીમાં વાઇસ-ચાન્સેલર; રાજસ્થાન હિંદી ગ્રંથ અકાદમીના નિયામક; કવિ, નાટ્યકાર, નિબંધકાર, સંપાદક, નવલકથાકાર સંસ્થા(પ.બં.)ના પ્રમુખ, એશિયાટિક સોસાયટી-કોલકાતાના પ્રમુખ; ભારતીય હિંદી પરિષદના પ્રમુખ અને કે. કે. બિરલા ફાઉન્ડેશનના પ્રમુખ રહેલા.

અત્યાર સુધીમાં તેમણે હિંદીમાં 10 ગ્રંથો આપ્યા છે. તેમાં ‘હિંદી કાવ્ય કે પત્ર’ (1990, વિવેચન), ‘વાગ્મિત’, ‘વાક્પથ’ (નિબંધસંગ્રહો), ‘ઇતસ્થ:’ (અંગત નિબંધસંગ્રહ) (1995) ઉલ્લેખનીય છે. આ ઉપરાંત તેમણે 7 કૃતિઓનું સંપાદન કર્યું હતું. અને ‘ભારતીય સાહિત્ય મેં રાધા-ભક્તિતત્વ’નું સંપાદન પણ સંભાળ્યું હતું.

હિંદી સાહિત્ય માટે તેમને માનવ સંસાધન વિકાસ મંત્રાલય ઍવૉર્ડ તેમજ વિવેક ઍવૉર્ડ પ્રાપ્ત થયા છે. વળી ‘વિદ્યાસાગર’, ‘સાહિત્ય વાચસ્પતિ’ જેવા ખિતાબોથી તેમને સન્માનિત કરવામાં આવ્યા છે.

બળદેવભાઈ કનીજિયા