લોકાયુક્ત : રાજ્યકક્ષાએ સરકારના વહીવટીતંત્ર વિરુદ્ધ થતી જાહેર ફરિયાદોના નિરાકરણ માટેની લોકપાલ જેવી સંસ્થા. ભારતમાં રાજ્યસ્તરે લાંચરુશવત, લાગવગ અને બેદરકારી સામે લોકોની ફરિયાદ સાંભળી તેનો નિકાલ લાવવા લોકાયુક્તની નિમણૂક થાય છે. 1966માં મોરારજી દેસાઈની અધ્યક્ષતા નીચે વહીવટી સુધારણા પંચે લોકાયુક્તની નિમણૂક માટે ભલામણ કરેલી. આ ભલામણોનો અમલ કરી લોકાયુક્તની નિમણૂક કરવાનું માન સૌપ્રથમ 1973માં રાજસ્થાને મેળવ્યું હતું. ત્યારબાદ મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, ગુજરાત, મધ્યપ્રદેશ, હિમાચલ પ્રદેશ, ઓરિસા, બિહાર, ઉત્તરપ્રદેશ, કેરળ, કર્ણાટક અને આસામ મળી કુલ બાર રાજ્યોએ લોકાયુક્ત અને ઉપલોકાયુક્ત સંસ્થાની સ્થાપના કરેલી છે. તેમના અધિકાર અને પ્રભાવ જુદાં જુદાં રાજ્યોમાં જુદાં જુદાં જણાય છે. બાકી રહેલા ભારતનાં રાજ્યોમાં ‘લોકાયુક્ત’ની નિમણૂક માટે શું પગલાં લેવાઈ રહ્યાં છે તેની માહિતી સર્વોચ્ચ અદાલતે 1999માં પોતાના એક ચુકાદામાં માંગેલી હતી. તેથી ભારતનાં અન્ય રાજ્યોમાં પણ લોકાયુક્તની સંસ્થાની રચના સત્વરે થશે એવું જણાય છે.

લોકાયુક્તની નિમણૂક મુખ્ય પ્રધાનની સલાહથી રાજ્યના રાજ્યપાલ, વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશ અને વિરોધપક્ષના નેતા સાથે ચર્ચા-વિચારણા કરીને કરે છે. રાજસ્થાનમાં તેમની નિમણૂક ત્રણ વર્ષ માટે અને અન્ય રાજ્યોમાં પાંચ વર્ષ માટે થાય છે. નિવૃત્તિ બાદ તેમની નિમણૂક સરકારી લાભવાળા અન્ય કોઈ સ્થાન ઉપર થઈ શકે નહિ તેવી જોગવાઈ હોય છે. જેથી કોઈ લોભ-લાલચ વગર લોકાયુક્ત તટસ્થતાથી કામ કરી શકે. લોકાયુક્તને તેમના સ્થાનના દુરુપયોગ માટે અથવા બિનકાર્યક્ષમતા માટે વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશની તપાસ બાદ અથવા રાજ્યધારાસભા આ પ્રકારનો પ્રસ્તાવ પસાર કરે તો રાજ્યપાલ લોકાયુક્તને તેમના સ્થાન પરથી દૂર કરી શકે છે.

વહીવટીતંત્રની સ્વચ્છતા માટે લોકાયુક્ત એ નિષ્પક્ષ અને સ્વતંત્ર સંસ્થા છે. તેઓ રાજ્યસ્તરે કારોબારી, ધારાસભા અને ન્યાયતંત્રથી સ્વતંત્ર છે. તેમનું સ્થાન, પગારભથ્થાં અને નિવૃત્તિવેતન વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશના હોદ્દાની સમકક્ષ હોય છે.

કાર્યક્ષેત્ર : લોકાયુક્ત રાજ્યના પ્રધાનો, ધારાસભ્યો, લોકસેવકો, સ્થાનિક સરકારના પદાધિકારીઓ, પ્રતિનિધિઓ અને કર્મચારીઓ સામે ભ્રષ્ટાચાર, લાંચરુશવત કે લાગવગ જેવા આક્ષેપોની ફરિયાદ સાંભળે છે. રાજ્યના લોકસેવક ન હોય તેવી કોઈ પણ વ્યક્તિ લોકાયુક્ત કાર્યાલયમાં હાજર રહીને અથવા ટપાલ દ્વારા ફરિયાદ કરી શકે છે. પોતાના વતી અન્ય વ્યક્તિને અધિકૃત કરીને પણ ફરિયાદ થઈ શકે છે. લોકાયુક્ત પોતે પણ જાહેર હિત માટે કોઈ મુદ્દા અંગે તપાસ કરી શકે છે. ફરિયાદ સાથે ફરિયાદીનું સોગંદનામું રજૂ કરવું જરૂરી છે. વ્યક્તિ પોલીસ હિરાસતમાંથી પણ લોકાયુક્તને ફરિયાદ મોકલી શકે છે. લોકાયુક્તના કાર્યાલયમાં ફરિયાદ કરનાર વ્યક્તિને અન્ય રાહે પણ પોતાની ફરિયાદના સંદર્ભે કાર્યવહી કરવાનો અધિકાર રહે છે.

લોકાયુક્તના કાર્યાલયને ફરિયાદ મળ્યા પછી તેઓ પ્રારંભિક તપાસ કરે છે. જેમની સામે ફરિયાદ થઈ હોય તેવા પદાધિકારી કે અધિકારીને લોકાયુક્ત પોતાના કાર્યાલયમાં બોલાવી શકે છે. થયેલ ફરિયાદના અનુસંધાનમાં પદાધિકારી કે અધિકારીનો ખુલાસો મેળવાય છે. આ માટે જરૂર પડ્યે જે તે ખાતા પાસેથી અગત્યના દસ્તાવેજો પણ લોકાયુક્ત માંગી શકે છે. સામાન્ય રીતે તપાસની આ કાર્યવહી ગુપ્ત રખાય છે. આમ છતાં લોકહિતમાં જરૂર જણાય તો લોકાયુક્ત પ્રેસની મદદ મેળવી શકે છે.

લોકાયુક્તને તપાસ દરમિયાન ફરિયાદમાં તથ્ય ન જણાય તો તપાસ બંધ કરી શકે છે. તેઓ ભારતીય દંડસંહિતા 1860 અને કેન્દ્રીય અધિનિયમ 45ની ધારા 193ની અંતર્ગત કાર્યવહી કરી શકે છે. લોકાયુક્તને દીવાની અદાલતો (સિવિલ કૉર્ટ) જેટલી સત્તાઓ હોય છે. તેઓ તેમની કાર્યવહીમાં દખલગીરી કરનાર કે તેમનું અપમાન કરનારને છ માસ સુધીની સજા કે દંડ અથવા બંને કરી શકે છે.

તપાસને અંતે લોકાયુક્તને સંતોષ જણાય તો તેઓ ઉપચારાત્મક પગલાં માટે મુખ્ય પ્રધાનને સૂચના મોકલે છે. પરંતુ મુખ્ય પ્રધાને લીધેલ પગલાંથી સંતોષ ન થાય તો તેઓ વિધાનસભાને ખાસ અહેવાલ મોકલે છે. આ ઉપરાંત પોતે કરેલ તપાસનું પરિણામ તેઓ ફરિયાદીને જણાવે છે. પોતાની કામગીરીનો અહેવાલ પણ રાજ્યપાલ દ્વારા તેઓ વિધાનસભા સમક્ષ પ્રતિવર્ષ રજૂ કરે છે. જોકે સમાજમાં વ્યાપ્ત લાંચરુશવત અને ભ્રષ્ટાચારને ડામવા લોકાયુક્તની વર્તમાન વ્યવસ્થા પૂરતી જણાતી નથી. તેને વધુ સક્ષમ બનાવવી જરૂરી જણાય છે.

જાહેર કાર્યોમાં ગેરરીતિ, સત્તાનો દુરુપયોગ કે નાણાકીય ભ્રષ્ટાચારના આરોપ અંગેની ફરિયાદો રાજ્ય સરકાર અંગે હોય ત્યારે રાજ્યોમાં લોકાયુક્ત નીમવાની પ્રથા છે. ગુજરાત રાજ્યમાં લોકાયુક્તનો કાયદો 1986માં ઘડાયેલો છે. તે અનુસાર રાજ્યની વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશ લોકાયુક્તના પદ માટે કોઈ એક નિવૃત્ત ન્યાયાધીશનું નામ રાજ્યપાલને સૂચવે અને તે અંગે રાજ્યપાલ વિરોધપક્ષના નેતા સાથે પરામર્શ કરીને લોકાયુક્તની નિમણૂંક જાહેર કરે છે  આમ લોકાયુક્તની નિયુક્તિની સત્તા રાજ્યપાલને છે જેમાં મુખ્યમંત્રી સાથે વિચારવિમર્શ કરવાની બાબતે કોઈ ઉલ્લેખ નથી.

આ સંદર્ભમાં 25 ઑગસ્ટ, 2011ના રોજ મધ્યરાત્રિએ ગુજરાતના રાજ્યપાલ ડૉ. સુશ્રી કમલા બેનીવાલે બંધારણીય રીતે પ્રાપ્ત સત્તા હેઠળ ગુજરાત રાજ્યના નવા લોકાયુક્ત તરીકે નિવૃત્ત ન્યાયાધીશ શ્રી રમેશ એ. મહેતાનું નામ ઘોષિત કર્યું. ગુજરાતમાં 24 નવેમ્બર, 2003થી લોકાયુક્તનું પદ ખાલી રહ્યું હતું. લોકાયુક્તની નિમણૂંકને વડી અદાલતમાં પડકારી આમ રાજ્યના બે ટોચના રાજકીય હોદ્દેદારો વચ્ચે કાનૂની વિવાદ શરૂ થયો. 18 જાન્યુઆરી, 2012ના ઐતિહાસિક અને અભૂતપૂર્વ ચુકાદાથી વડી અદાલતે રાજ્યપાલના લોકાયુક્ત નીમવાના પગલાને માન્ય ઠેરવ્યું. છેલ્લી સ્થિતિ મુજબ ગુજરાત સરકારે કાનૂનવિદો સાથે પરામર્શ કરી વડી અદાલતના આ આદેશને ભારતની સર્વોચ્ચ અદાલતમાં પડકાર્યો. સર્વોચ્ચ અદાલતે એક ચુકાદા દ્વારા લોકાયુક્તની નિમણૂંકને યોગ્ય ઠેરવી. એથી ગુજરાત સરકાર અને રાજ્યપાલ વચ્ચેના લાંબા કાનૂની જંગનો અંત આવ્યો.

ગજેન્દ્ર શુક્લ

રક્ષા મ. વ્યાસ