લોકાયત દર્શન

January, 2005

લોકાયત દર્શન : પ્રાચીન ભારતમાં પ્રચલિત નાસ્તિક અર્થાત્ વેદને પ્રમાણ ન માનનારું દર્શન. વેદ ઉપરાંત પરમેશ્વર, સ્વર્ગ, નરક, પુણ્ય, પાપ વગેરેને પણ લોકાયત દર્શન સ્વીકારતું નથી. લોકાયત દર્શનના સ્થાપક ઋષિ બૃહસ્પતિ છે, પરંતુ તેમના શિષ્ય રાક્ષસ એવા ચાર્વાકને આ દર્શનના પ્રણેતા તરીકે વધુ પ્રસિદ્ધિ મળી છે. પ્રસ્તુત દર્શન વેદકાળથી ઉદભવેલું છે. મૈત્રાયણી કે મૈત્રાયણ ઉપનિષદ્ના 7/9માં જણાવ્યા મુજબ દેવોના ગુરુ બૃહસ્પતિએ ઇન્દ્રને બચાવવા અસુરોના ગુરુ શુક્રાચાર્યનું રૂપ ધરી અસુરોને ખતમ કરવા તેમને સારું ખરાબ હોવાનો અને ખરાબ સારું હોવાનો ઉપદેશ આપવા લોકાયત દર્શન રજૂ કર્યું છે.

પરંતુ છાંદોગ્ય ઉપનિષદની પરંપરા 8/8માં રજૂ થઈ છે તે મુજબ લોકાયત દર્શન પણ બ્રહ્માએ જ સ્થાપ્યું છે. અસુરોને આત્મજ્ઞાન ના આપી ખોટે માર્ગે ચડાવી તેમને ખતમ કરવા આ મત કહેવામાં આવ્યો છે. વેદબાહ્ય હોવાથી બ્રાહ્મણે આ મત ના ભણવો, નહિ તો બ્રાહ્મણ અસુર બની જશે એમ છાંદોગ્ય ઉપનિષદમાં કહેવામાં આવ્યું છે.

વળી કઠ ઉપનિષદ્ લોકાયત દર્શનનો વિરોધ કરી જણાવે છે કે પોતાને જ્ઞાની સમજનારા અલ્પજ્ઞાની કે અજ્ઞાનીઓ સંસારમાં જ ભટકે છે અને અંધ વડે દોરવાતા અંધની જેમ છેતરાય છે એમ 2/5માં કહે છે.

કઠોપનિષદની જેમ ભગવદ્ગીતા પણ અધમ અને આસુરી સ્વભાવવાળા, જગતને કામહેતુક માનનારા અને લોકાયત દર્શનનો પુરસ્કાર કરનારા લોકોની નિંદા 16/8માં કરે છે. વ્યાકરણના આચાર્ય પાણિનિએ પણ લોકાયત દર્શનનો ઉલ્લેખ કર્યો છે.

બૌદ્ધ ગ્રંથો ‘મિલિન્દપન્હો’માં અને ‘દીઘનિકાય’ 1/1માં લોકાયત દર્શનનો ઉલ્લેખ જોવા મળે છે.

કર્ણાટકના રાજા મારસિંહદેવ ગાંગ (974) સાંખ્ય વગેરેની સાથે લોકાયત દર્શનના પણ જ્ઞાની હોવાનો નિર્દેશ મળે છે.

‘દર્શનશુદ્ધિ’ નામના ગ્રંથના સંયુક્તપ્રકરણમાં લેખક ચંદ્રપ્રભસૂરિ (1102) લોકાયત દર્શનનો નિર્દેશ કરે છે. હેમચંદ્રાચાર્ય (1150) એમ જણાવે છે કે બાર્હસ્પત્ય, ચાર્વાક અને લોકાયતિક કે નાસ્તિક એ ચારે ભિન્ન છે, પરંતુ એ કઈ બાબતમાં ભિન્ન છે એ તેમણે કહ્યું નથી.

‘પ્રબોધચંદ્રોદય’ નામના નાટકમાં કૃષ્ણમિશ્રે (12મી સદી) લોકાયત દર્શનના કેટલાક સિદ્ધાન્તો રજૂ કર્યા છે.

પંદરમી સદીમાં માધવ પોતાના ‘સર્વદર્શનસંગ્રહ’માં ચાર્વાક કે લોકાયત દર્શન વિશે વિસ્તૃત ચર્ચા કરે છે.

તમિળ સાહિત્યમાં ‘મણિમેખલાઇ’ નામની રચનાની નાયિકા લોકાયત દર્શનના ગુરુઓ પાસે શિક્ષણ પ્રાપ્ત કરતી હોવાનો નિર્દેશ કરવામાં આવ્યો છે.

લોકાયત દર્શન લોક એટલે કે જગતમાં ફેલાયેલું હોવાથી તેને લોકાયત નામ અપાયું છે. બૃહસ્પતિ અને ચાર્વાક આ દર્શનના પુરસ્કર્તા હોવાથી તેમનાં નામો પરથી બાર્હસ્પત્ય દર્શન અને ચાર્વાક દર્શન એવાં નામો અપાયાં છે. લોકાયત દર્શનના સિદ્ધાન્તો તદ્દન વિલક્ષણ છે અને તે નીચે પ્રમાણે છે :

ઈશ્વર મોક્ષ આપનાર છે જ નહિ. એનું કારણ એ છે કે મોક્ષ એટલે મૃત્યુ. તે પ્રાણીમાત્રને મળે છે જ. તેથી મનુષ્યે જીવે ત્યાં સુધી સુખેથી જીવવું. મૃત્યુની નજરમાં તમામ પ્રાણીઓ આવે છે જ. એક વખત ભસ્મ થયેલો દેહ ફરી પાછો આવતો નથી ને પરલોક જેવું કશું છે જ નહિ માટે મનુષ્યે અર્થ અને કામનું સેવન કરવું. ધર્મ અને મોક્ષ જેવું કશું નથી.

આકાશ પ્રત્યક્ષ ના હોવાથી ફક્ત પૃથ્વી, જલ, તેજ અને વાયુ આ ચાર જ તત્ત્વો આ જગતમાં છે. માદક દ્રવ્યો પાણી સાથે મેળવીને એ પીણું પીવાથી જેમ નશો ઉત્પન્ન થાય છે, તેમ ઉપર જણાવેલાં તત્ત્વો ભેગાં થવાથી ચૈતન્ય ઉત્પન્ન થઈ શરીરનું રૂપ ધારણ કરે છે. ચૈતન્ય નાશ પામતાં શરીર પણ નાશ પામે છે. ચાર તત્ત્વોમાંથી શરીર અને આત્મા ઉત્પન્ન થઈ તેમાં જ વિલીન થવાની વાત બૃહદારણ્યક ઉપનિષદના 2/4/12માં કહી છે. અલબત્ત, શંકરાચાર્ય પોતાના ભાષ્યમાં આ મંત્રમાં બ્રહ્મજ્ઞાન થયા પછીની અવસ્થાનું વર્ણન હોવાની સમજ આપે છે, એ ખ્યાલમાં રાખવું જોઈએ. વળી પાન, કાથો, સોપારી, ચૂનો વગેરે મળીને જેમ લાલ રંગ ઉત્પન્ન થાય છે તેમ ચૈતન્ય તત્વ ઉત્પન્ન થાય છે એવો દાખલો પણ લોકાયત દર્શન આપે છે.

વળી તેઓ અંગનાદિનાં આલિંગનાદિથી ઉત્પન્ન થતા સુખને પુરુષાર્થ માને છે. સર્વ સુખો દુ:ખ સાથે મિશ્રિત હોય છે. જેમ માછલીમાંથી કાંટા વગેરેને અને અનાજમાંથી ફોતરાં અને ઘાસ વગેરેને દૂર કરી ખાવાલાયક ભાગ ભોજન માટે લેવામાં આવે છે, તેમ મનુષ્યે દુ:ખને દૂર કરી સુખનો ભાગ માણવો જોઈએ. જેમ હરણ જેવાં ખાઈ જનારાં પશુઓ હોવા છતાં ધાન્ય વાવવામાં આવે છે, જેમ ભિક્ષુકોનું વિઘ્ન હોવા છતાં તપેલું ચૂલે ચઢાવે છે, તેમ દુ:ખનો ભય હોવા છતાં જોયેલા સુખને માણસે ભોગવવું જોઈએ.

મોક્ષ જેવું કશું મેળવવાનું છે જ નહિ, તેથી તેને મેળવવા વેદો ભણવાની કે યજ્ઞ વગેરે કરવાની કોઈ જરૂર નથી. વેદો તો ધુતારાઓનો બબડાટ છે. તેમાં અસત્ય, પરસ્પર-વિરોધી અને પુનરુક્તિવાળાં વિધાનો છે. જ્ઞાનકાંડવાદી વેદાંતીઓ કર્મકાંડની અને કર્મકાંડવાદી મીમાંસકો જ્ઞાનકાંડની નિંદા કરે છે. જ્યારે અગ્નિહોત્ર, વેદો, સંન્યાસ અને ભસ્મલેપન વગેરે બુદ્ધિ અને પુરુષાર્થ વગરના માણસોની આજીવિકાનાં સાધનો છે.

કાંટો વાગવો વગેરેથી થતું દુ:ખ એ નરક છે, રાજા એ જ ઈશ્વર છે, દેહનો નાશ થાય એ મોક્ષ છે. એવો સિદ્ધાન્ત બરાબર છે : એનું કારણ એ છે કે ‘હું સ્થૂળ છું’, ‘હું દૂબળો છું’, ‘હું કાળો છું’ વગેરે બોલાતાં વાક્યોમાં હું અને સ્થૂળ, દુબળો, કાળો વગેરે શબ્દો સામાનાધિકરણ્યમાં છે એ શરીરને આત્મા સિદ્ધ કરે છે. એટલે જ્ઞાનથી મોક્ષ થતો નથી.

મનની કલ્પના હોવાથી અનુમાનને પ્રમાણ માની શકાય નહિ, કારણ કે જે લિંગ વ્યાપ્તિ વિશિષ્ટ પક્ષધર્મતાવાળું હોય તે જ લિંગ ગમક છે. પરંતુ વ્યાપ્તિનું જ્ઞાન મેળવવાનો કોઈ ઉપાય નથી. વ્યાપ્તિમાં નિશ્ચિત અને શંકિત એ બે ઉપાધિઓ રહેલી હોય છે. તેથી સોપાધિક વ્યાપ્તિજ્ઞાન અશુદ્ધ જ્ઞાન થશે. હવે ઉપાધિ નિશ્ચિત હોય તો વ્યાપ્તિમાં અનુમાન થઈ શકતું નથી. ઉપાધિ શંકિત હોય તો ક્યાંક વ્યાપ્તિ થાય અને ક્યાંક ન પણ થાય. એટલે વ્યાપ્તિમાં અનિશ્ચિત જ્ઞાન હોવાથી અનુમાન શંકિત ઉપાધિમાં પણ ન થઈ શકે. અને વ્યાપ્તિ ન હોય ત્યાં અનુમાન થઈ શકતું નથી એટલે અનુમાનથી વ્યાપ્તિજ્ઞાન ન થઈ શકે.

પ્રત્યક્ષ પ્રમાણ વડે પણ વ્યાપ્તિજ્ઞાન થઈ શકતું નથી. બાહ્ય અને આંતર એવા પ્રત્યક્ષ પ્રમાણના બે પ્રકારો છે. હવે બાહ્ય પ્રત્યક્ષ પ્રમાણ ફક્ત વર્તમાનકાળનું જ જ્ઞાન આપે છે એટલે તેનાથી ત્રણે કાળનું વ્યાપ્તિજ્ઞાન થઈ શકે નહિ. વળી જાતિ અથવા સામાન્યનું ત્રણે કાળમાં જ્ઞાન એક જ હોવાથી જાતિ વડે પણ વ્યાપ્તિજ્ઞાન થઈ શકતું નથી. વર્તમાનમાં જ એક વાર જાતિનું જ્ઞાન થઈ જાય છે એટલે જાતિ વડે વ્યાપ્તિજ્ઞાન થઈ ન શકે. હવે વૈયક્તિક વસ્તુની વ્યાપ્તિ થઈ શકતી ન હોવાથી વ્યક્તિ વિશે અનુમાન પણ થઈ શકતું નથી. મન વગેરે આંતરિક ઇન્દ્રિયો બાહ્ય ઇન્દ્રિયોને અધીન છે, કારણ કે બાહ્ય ઇન્દ્રિયોએ આપેલી છાપ આંતરિક ઇન્દ્રિયો ગ્રહણ કરે છે. તેથી આંતર પ્રત્યક્ષ પ્રમાણથી પણ વ્યાપ્તિજ્ઞાન થઈ શકે નહિ.

અનુમાનપ્રમાણથી પણ વ્યાપ્તિજ્ઞાન થઈ શકે નહિ, કારણ કે એક અનુમાનથી વ્યાપ્તિ કરે તો તેની સિદ્ધિ માટે બીજું અનુમાન અને બીજાની સિદ્ધિ માટે ત્રીજું અનુમાન લેવું પડે. એટલે અનવસ્થાદોષ આવી પડે.

શબ્દપ્રમાણથી પણ વ્યાપ્તિજ્ઞાન ના થાય, કારણ કે કણાદના મત મુજબ શબ્દપ્રમાણ અનુમાનમાં અંતર્ભાવ પામે છે. જો અનુમાનમાં શબ્દપ્રમાણનો અંતર્ભાવ ના માનો તો વૃદ્ધવ્યવહાર વડે થતા શક્તિગ્રહમાં અનવસ્થાદોષ આવશે. ધૂમ, અગ્નિ. વ્યાપ્તિ વગેરે શબ્દોમાં પહેલો શક્તિગ્રહ માનવો પડે, પહેલા શક્તિગ્રહને સિદ્ધ કરવા બીજો શક્તિગ્રહ, તેને સિદ્ધ કરવા ત્રીજો શક્તિગ્રહ લેવો પડે એટલે અનવસ્થાદોષ આવે.

ધૂમ અને અગ્નિ વચ્ચે અવિનાભાવ સંબંધ પરાપૂર્વથી ચાલ્યો આવે છે એમ કહો તો એ વાત ના જાણનારાઓ તેના પર વિશ્વાસ નહિ મૂકે. તેથી સ્વાર્થાનુમાન જ થઈ શકશે નહિ, તો પરાર્થાનુમાન તો ક્યાંથી સિદ્ધ થાય ?

ઉપમાનપ્રમાણથી પણ વ્યાપ્તિજ્ઞાન નહિ થાય, કારણ કે ઉપમાનપ્રમાણમાં સંજ્ઞાસંજ્ઞિસંબંધ વગેરે ઉપાધિવાળું જ્ઞાન મળે છે. જ્યારે અહીં ઉપાધિ વગરનું જ્ઞાન હોવાથી ઉપમાનપ્રમાણથી તેનું જ્ઞાન ના થઈ શકે.

વળી ઉપાધિના અભાવને જાણવો મુશ્કેલ હોવાથી તેને વ્યાપ્તિજ્ઞાન માની શકાય નહિ. એનું કારણ એ છે કે બધી ઉપાધિઓ પ્રત્યક્ષ હોતી નથી. વળી પ્રત્યક્ષ વસ્તુનો અભાવ અપ્રત્યક્ષ જ થશે. અભાવનું જ્ઞાન તેના પ્રતિયોગીની અપેક્ષા રાખે છે તેથી અપ્રત્યક્ષ વસ્તુના અભાવનું જ્ઞાન થઈ શકે નહિ. પરિણામે અનુમાન વગેરે દ્વારા તેનું જ્ઞાન થવું જરૂરી બને અને તો ઉપર કહેલા દોષો આવશે.

હવે જે હંમેશાં સાધનને વ્યાપ્ત ન કરે, છતાં સાધ્ય સાથે સમવ્યાપ્ત હોય એને ઉપાધિ કહેવાય એમ માનો તો તેનો સ્વીકાર કરી શકાય. પરંતુ વિધિનો નિશ્ર્ચય થયા પછી જ નિષેધનો નિશ્ર્ચય થાય છે. એટલે ‘ઉપાધિ’ એ વિધિના જ્ઞાન પછી જ ‘વ્યાપ્તિ’ એ નિષેધનું જ્ઞાન થાય છે. પરિણામે વ્યાપ્તિમાં ઉપાધિનો અભાવ હોવો જોઈએ. અહીં જો ઉપાધિનું જ્ઞાન વ્યાપ્તિજ્ઞાન પર આધાર રાખતું હોય તો અન્યોન્યાશ્રયનો દોષ આવે છે. ફલત:, વ્યાપ્તિ અથવા અવિનાભાવનું જ્ઞાન દુર્બોધ હોવાથી અનુમાનાદિ પ્રમાણોને પણ ત્યાં અવકાશ નથી.

લોકાયત દર્શન અષ્ટને પણ માનતું નથી. તે જણાવે છે કે ધૂમ પરથી અગ્નિનું જ્ઞાન પ્રત્યક્ષમૂલક કે ભ્રાન્તિમૂલક હોય છે. ક્યારેક તેનાથી ફળ પ્રાપ્ત થઈ જાય છે, તો ક્યારેક નથી મળતું. પરિણામે તેનાથી સિદ્ધ થનારા અષ્ટાદિ પણ નથી.

હવે અષ્ટ ન હોય તો સંસારની વિચિત્રતા આકસ્મિક થઈ જશે એમ કહેવું બરાબર નથી. જગતની વસ્તુઓનો મૂળ સ્વભાવ આવો સિદ્ધ છે તેથી વિચિત્રતા કાયમી રહે છે; જેમકે અગ્નિ ગરમ હોય છે અને પાણી ઠંડું હોય છે.

લોકાયત મત મુજબ સ્વર્ગ, મોક્ષ, પરલોક, તેમાં જનાર આત્મા કશું જ નથી. વર્ણાશ્રમનાં કાર્યો ફળદાયક નથી. અગ્નિહોત્ર, ત્રણ વેદો, સંન્યાસ લેવો, ભસ્મ ધારણ કરવી એ બુદ્ધિ અને પૌરુષ વગરના માણસોની આજીવિકા છે એવું બૃહસ્પતિ માને છે. જ્યોતિષ્ટોમ યજ્ઞમાં મારવામાં આવેલું પશુ પણ સ્વર્ગે જતું હોય તો યજ્ઞ કરનારો તે યજ્ઞમાં પોતાના પિતાને મારે તો ચોક્કસ સ્વર્ગે જ જાય. મરી ગયેલાને શ્રાદ્ધ સંતોષ આપતું નથી. શબને સાથે ભાથું આપવાની જરૂર નથી, કારણ કે ઘેર કરવામાં આવતા શ્રાદ્ધથી તેને ભાથું મળી જ જશે. અહીં દાન કરવાથી છેક સ્વર્ગમાં તે દાન તૃપ્તિ આપતું હોય તો ઘરની અગાશી પર બેઠેલાને અહીં ઘરમાં આપેલા દાનથી તૃપ્તિ મળવી જોઈએ. તે તો મળતી નથી એ જાણીતું છે. જો આત્મા શરીરમાંથી બીજા લોકમાં જતો હોય તો કુટુંબના પ્રેમથી આ લોકમાં પાછો કેમ આવતો નથી ? માટે ભસ્મ થયેલું શરીર પાછું આવતું નથી. શ્રાદ્ધ, દાન વગેરે બ્રાહ્મણોએ પોતે જીવવા કરેલા ઉપાયો છે. ઋગ્વેદ વગેરે વેદો બકવાસ છે. કારણ કે ઋગ્વેદ 10/106/6માં जर्भरी तुर्फरीत् એવા નિરર્થક શબ્દો છે. વેદમાં યજ્ઞ કરનારની પત્ની વડે અશ્વમેધના અશ્વનું લિંગ ગ્રહણ કરવાની વાત ભાંડ લોકો જ કરી શકે. વેદમાં માંસભક્ષણની વાત છે તે રાક્ષસો જ કરી શકે. એવી જ પરલોક વગેરેની ખોટી વાતો વેદમાં છે કે જે કરનારા ધુતારા જ હોય. માટે વેદ ભાંડ, ધુતારા અને રાક્ષસોની રચના છે. એની તુલનામાં પ્રાણીઓ પર દયા બતાવવાનો ઉપદેશ આપતા લોકાયત મતનો આશરો લેવો જોઈએ. ફલત:, મનુષ્યે જીવવું ત્યાં સુધી સુખેથી જીવવું. દેવું કરીને પણ ઘી પીવું. શરીરનો નાશ થવાનો જ છે, એટલે મોક્ષ તો કશું પણ કર્યા વિના સિદ્ધ જ છે.

પ્ર. ઉ. શાસ્ત્રી