લોકશૈલીનાં માટીનાં ઘરો : ઉપલબ્ધ બનેલી લોકસ્થાપત્યવિદ્યા(Folk Architecture)માં સમાવિષ્ટ ગ્રામીણ લોકસમુદાયના નિવાસનો એક પરંપરાગત પ્રકાર.
નાનામાં નાનાં જીવડાંથી માંડીને તે હાથી જેવા વિશાળકાય, સિંહ-વાઘ જેવાં માંસાહારી, વાનર જેવાં વૃક્ષનિવાસી, પક્ષી જેવાં ગગનવિહારી, મગર-માછલી જેવાં જળચર પ્રાણીઓ અને સભ્યતા-સંસ્કૃતિનો વિકાસ કરી ચૂકેલા માનવસમુદાયને પોતપોતાનાં નિવાસસ્થાનો છે. કોઈએ ઝાડની બખોલ, પહાડની ગુફા કે અન્ય પ્રાણીઓએ બનાવેલાં તૈયાર દરોને પોતાનાં નિવાસસ્થાન તરીકે અપનાવ્યાં છે. તો કોઈએ ઘાસ, પર્ણ, માટી, તણખલાં જેવા ઉપલબ્ધ કુદરતી પદાર્થોનો ઉપયોગ કરીને પોતાનાં નિવાસસ્થાનો જાતે બનાવ્યાં છે.
માણસે પણ વૃક્ષ અને ગુફાનો જ પ્રાથમિક તબક્કે આધાર લીધો હતો; પરંતુ બુદ્ધિ કે તર્કશક્તિ, અન્યનું અનુકરણ કરીને પોતાની સાહજિક શક્તિમાં વિશેષ ઉમેરણ કરવાની સૂઝ વગેરે કારણે માણસ પોતાની સ્થાપત્યવિદ્યામાં વિકાસ કરી શક્યો અને વિશેષ અનુકૂળ એવાં નિવાસસ્થાન બનાવતો થયો. એની નિવાસની વિદ્યાનો વિકાસ થયો એનું બીજું કારણ એ કે માણસ પોતાનો ખોરાક પોતાની રીતે બનાવતો થયો. બીજાં પ્રાણીઓએ ખોરાક અને પાણી માટે તે તે મૂળ સ્રોતમાં જવાની સાહજિક મર્યાદા સ્વીકારી લીધી. પરંતુ માણસે પાત્રની શોધ કરી અને પોતાનાં ખોરાક-પાણી જરૂર પડે ત્યારે વાપરી શકાય એ રીતે પોતાનાં નિવાસમાં રાખતો થયો. બીજાં પ્રાણીઓએ તો એમને જ્યાંથી અને જે રીતે ખોરાક અને પાણી મળતાં ત્યાંથી અને તે રીતે મેળવી લેવામાં સંતોષ માન્યો હતો; પરંતુ માણસ ખોરાક અને જળ માટે પણ સ્વાવલંબી બન્યો. એ પોતાનો ખોરાક પોતાની રીતે મેળવતો અને ઉગાડતો થયો. આમાંથી જ બીજાં પ્રાણીઓમાં નહોતી એવી આજીવિકાની રીતિનીતિનો તેમજ પશુપાલન અને કૃષિનો વિકાસ થયો. શિકાર, માછીમારી, કૃષિ, પશુપાલન એવી વિધવિધ પ્રકાર-સ્વરૂપની આજીવિકાની સીધી અસર નિવાસ પર પડી. એના માટે નજીકમાં કે આંગણામાં અનાજ ને ફળફળાદિ ઉગાડવાનું અને દૂધ તથા માંસ આપતાં પાલતુ પ્રાણીઓને વાડામાં બાંધવાનું જરૂરી બન્યું. દરેક પ્રાણીમાં કુદરતી રીતે મળતો ખોરાકનો પદાર્થ જરૂર પડે ત્યારે ઉપયોગમાં લેવા માટે સંઘરી લેવાની સાહજિક દૃષ્ટિ હોય જ છે. માણસમાં તે હતી જ. આ ઉપરાંત પણ સુકવણી, ક્ષાર, ખટાશ વગેરે પદ્ધતિથી પોતાના ખોરાકના પદાર્થોની જાળવણીની દૃષ્ટિશક્તિનો પણ વિકાસ થયો. એ સાથે જ લગ્નસંસ્થા અને કુટુંબજીવનનો વિકાસ થયો. ટોળીમાંથી જાતિગત સામૂહિક વસવાટની સભ્યતા પણ વિકસતી ગઈ. આની જ સીધી અસર માનવીની સ્થાપત્યરચના પર પડી. લોકશૈલીનાં માટીનાં ઘરો એનું જ પરિણામ છે અને છેક આજ સુધી ટકી રહીને તે લોકસ્થાપત્ય-લોકવિદ્યાનાં અંગરૂપ બનેલાં છે.
આમ વૃક્ષ, ગુફા વગેરેમાં નિવાસ કરતો માણસ વાડા અને ઝૂંપડાં બાંધતો થયો ને માટીનાં ઘરો બાંધીને એણે નિશ્ચિત અને નિશ્ર્ચિંત સ્થિતિ સિદ્ધ કરી. ‘ઇર્ય’ એટલે કૃષક અને ‘આર્ય’ એટલે પશુપાલક એ બે પ્રકારના માનવસમુદાયે માટીનાં ઘરો બનાવ્યાં. એમાં પથ્થર, છાણ, માટી, લાકડું, વાંસ વગેરેનો ઉપયોગ કર્યો.
સ્થાપત્યનાં સ્તૂપ કે સ્તંભ, મંદિર, કુંડ, વાવ, સરોવર જેવા પ્રકારોથી મહાલય કે હવેલી, દુર્ગ વગેરે જુદાં પડે છે. આમાં બે પ્રકાર છે : એક પ્રકાર તે દેવદેવીનાં નિવાસનાં મંદિર આદિ સ્થાપત્યો, કોઈની સ્મૃતિ કે યાદમાં રચાતા સ્તંભો કે સ્તૂપો, જળાશય માટેનાં સ્થાપત્યો અને સંરક્ષિત જીવન માટેના દુર્ગ. બીજો પ્રકાર છે તે મહાલય કે હવેલી, સામૂહિક નિવાસનાં સ્થાનો અને વ્યક્તિગત-કૌટુંબિક નિવાસ માટેનાં સ્થાપત્યોનો. આમાં લોકશૈલીનાં માટીનાં ઘરોનો સમાવેશ થાય છે. એનો સંબંધ પશુપાલક અને કૃષક સાથે હોવાને કારણે વિશ્વભરમાં અનેક સ્થળે જોવા મળે છે. ભારતમાં મુખ્યત્વે ગ્રામીણ વિસ્તારમાં અને આંશિક રીતે કસબામાં જોવા મળે છે. કચ્છ, સૌરાષ્ટ્ર તથા ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતનાં ગામડાં અને નાના કસબાઓમાં લોકશૈલીનાં માટીનાં ઘરો આજે પણ નજરે ચડે છે; પરંતુ આ પ્રદેશોના માલધારીઓ અને આદિવાસી જાતિઓનાં નિવાસી સ્થાપત્યમાં થોડી ભિન્નતા પણ છે. એમાં ઘાસ, વાંસ, કાથી, ખજૂરી, તાડી વગેરેનો ઉપયોગ વિશેષ અને માટી, પથ્થર અને વળીનો ઉપયોગ નહિવત્ થાય છે.
આવા નિવાસો વિશેષત: ઝૂપડાં-છાપરાં જેવાં હોય છે. કચ્છના માલધારીઓનો બૂંગો છાણ, માટી અને ઘાસથી બનેલો હોય છે. વર્તુળાકાર મકાનનું ચણતર માટી અને પથ્થરનું તેમજ દીવાલ તથા છોનું લીંપણ છાણ, માટી અને રાડાંના મલોખા પરની ચળકતી સળીઓની કરચોનું હોય છે. ઉપર શંકુ-આકારનું ઢળતું ઘાસનું છાપરું કરે છે. ગોળ ગુંબજ જેવા બૂંગાની અંદરની દીવાલની સાથે અઢી-ત્રણ ફીટની પેઢલી ચણે છે. એમાં નીચે છાજલી, મજૂસ જેવું રાખી તેમાં ઉપયોગની વસ્તુઓ રાખી શકાય અને ઉપર આરામથી બેસી તેમજ સૂઈ પણ શકાય. વા-બારાં, જાળી કે બારણાંવાળી નાની બારીમાંથી હવા અને પ્રકાશ મળે છે. ધોમધખતા ઉનાળાની ગરમ ઊડતી રેતી, હાડ ગાળતી ઠંડી અને વરસાદ એ બધાંની સામે રક્ષણ મળે છે. માટીનું લીંપણ ઉનાળામાં તપી જતું નથી કે શિયાળામાં ટાઢું લાગતું નથી. દેશી નિવાસી સ્થાપત્યનાં માટીનાં ઘરોમાં કચ્છી બૂંગો વિશિષ્ટ અને કલાત્મક છે. વિષમ અસહ્ય વાતાવરણનું અનુકૂલન સાહજિક રીતે જ અહીં સિદ્ધ થયું છે.
ગુજરાતના ગ્રામીણ વિસ્તારનાં માટીનાં ઘરોનું સ્થાપત્ય દરેક પ્રદેશમાં એક નિશ્ચિત પરંપરાગત મુખ્ય માળખાની સમાનતા ધરાવે છે. આવા ઘરમાં પ્રવેશના દ્વારમાં જ નળિયાંના છાપરાનું એકઢાળિયું હોય છે એને ડેલી કે દોઢી કહે છે. વયોવૃદ્ધો ખાટલો, ઢોલિયો કે પાટ ઢાળીને બેસે છે. આગળ ઘોડા, ગાય, ભેંસ જેવાં પાળેલાં પશુ લીંપેલી ગમાણ પાસેના ખીલે બંધાય છે. ડેલી કે દોઢીના સામે છેડે ઓરડી કે કોઢ હોય છે. એમાં પશુઆહારનાં ઘાસ, ખોળ, કપાસિયાં, ગોળ વગેરે અને ખેતરની બીજી સામગ્રી પણ રહે છે. ખળામાંથી આવેલાં કપાસ, કઠોળ, ધાન વગેરેને સાફસૂફ કરવા ત્યાં રાખી શકાય છે. મોટું ફળિયું હોય તો લીમડા જેવું વૃક્ષ પણ વાવ્યું હોય અને પાછળ શૌચાદિ માટેનો વાડો પણ હોય. બંને બાજુ આવેલાં બીજાં બે મકાનો વચ્ચે સામાન્ય રીતે ત્રણેક ફૂટની માટીની ચણેલી દીવાલ હોય છે, જેથી ફુરસદે પડોશીઓ પોતાના જ ફળિયામાં રહીને વાતચીત કરી શકે, વસ્તુઓની આપ-લે કરી શકે અને જરૂર પડે તો વંડી કૂદીને બાજુના ઘરમાં જઈ શકે. આવાં મકાન એક જ જાતિજ્ઞાતિ-કુટુંબના વાસમાં આવેલાં હોય છે. ભાઈઓનો ભાગ પડતાં મોટે ભાગે પિતરાઈઓ જ પાડોશમાં હોય છે.
પ્રવેશમાર્ગની ડેલી કે દોઢીની બાજુની દીવાલમાં કે પછી સામે ઓસરીએ બે કે વિશેષ ઓરડા હોય છે. ઓસરીમાં રસોડું હોય. એ બાજુના છેડે પાણિયારું હોય છે. એમાં બાજુમાં સૂરધન, સતી, ઇષ્ટદેવ વગેરેનો ગોખ હોય. હિંડોળો કે ખાટ અને એક કે બે ઓરડાનાં પ્રવેશદ્વાર પણ ઓસરીમાં હોય છે. આવા મોટા ખંડમાં અડધી દીવાલ ઊભી કરી રસોડું કર્યું હોય છે અને ઉપરની છતમાં ધુમાડિયું. ઊભી અને બાજુની દીવાલમાં અંદરની બાજુ કોરેલા વસ્તુ માટેના મોટા ગોખ પણ હોય અને બાજુની દીવાલમાં માટીથી ચણેલાં મજૂસ, તાકાં, છાજલી પણ હોય છે. એમાં રસોડાની રોજિંદા વપરાશની વસ્તુઓ નિયતસ્થાને હાથવગી રાખવામાં આવે છે. ઓરડાના સામે ખૂણે મોટો પટારો, મજૂસ રહે છે અને બીજે ખૂણે ગાદલાં-ગોદડાંનો ડામચિયો. બાજુમાં ઢાળેલો કે ઊભો ઢોલિયો કે ખાટલો હોય છે. ઉપર દીવાલે માંડ ને અભેરાઈ હોય છે. સલામતી અને અન્ય કારણોથી આવાં ઘરની ઓસરીની સામેની દીવાલમાં, જૂના જમાનામાં, જાળિયાં કે બારી મુકાતાં ન હતાં. આવો બીજો પ્રમાણમાં નાનો ઓરડો હોય ને કોઠાર પણ હોય. સ્થિતિસંપન્ન ઘર માટીનું હોય તોપણ માથે મેડી હોય.
આ શૈલીના નિવાસના બાંધકામમાં મુખ્યત્વે પથ્થર, માટી, છાણ, વળીઓ અને પાટિયાંનો ઉપયોગ કરવામાં આવે છે. બારણાંના નકૂચા વગેરેમાં લોખંડ, પિત્તળ જેવી ધાતુઓ વપરાય છે. ચણતર માટેની માટી ચીકણી-ચીકવેલી હોય છે. પથ્થર એવા મજબૂત અને પ્રમાણસર કદ અને માપના હોય છે અને દીવાલ એટલી પહોળી હોય છે અને વાર-પર્વનાં લીંપણ એવાં નિશ્ચિત અને નિયમિત હોય છે કે ચૂના કે સિમેન્ટનો ઉપયોગ કર્યા વગર પણ આવાં માટીનાં મકાનો પેઢી-દર-પેઢી સાબૂત રહે છે અને ભારે વર્ષા અને વાવાઝોડામાં પણ ઝીંક ઝીલે છે. ઉપરના છાપરાનાં મોભ અને વળીઓ પણ મજબૂત હોય છે અને તેના પર દેશી નળિયાં હોય છે, જે નિશ્ચિત સમયે ચળાવવામાં આવે છે. ‘નળિયાં ચળાવવાં’ એટલે એકેએક નળિયું ખસેડી, છાપરું વાળીઝૂડી, તૂટેલું નળિયું બદલી નવું નળિયું મૂકવું.
લીંપણમાં માટી અને છાણ ઉપરાંત ખડી (ધોળી માટી), શંખ-છીપનો ભૂકો, રાડાંની કરચો અને ગેરુનો ઉપયોગ થાય છે. લીંપણ માટેની માટી તૈયાર કરવી અને લીંપણ કરવું તે પણ લોકવિદ્યાનું અંગ છે. ચણતરની માટી મજબૂતાઈ માટે અને લીંપણની ઉપરના થરની બરાબર પકડ, પ્રકાશ અને ચળકાટ માટે જુદી જ રીતે તૈયાર થાય છે.
ઓરડા-ઓસરીની છો પરનું તથા દીવાલ પરનું લીંપણ સુશોભિત અને કલાત્મક હોય છે. પ્રમાણસર નહીં બહુ ઘટ્ટ, નહીં પાતળું એવું લીંપણનું દ્રાવણ હાથમાં લઈ, આંગળાં અને અંગૂઠાને નિશ્ચિત અંતરે વિશિષ્ટ રીતે ગોઠવી, લયબદ્ધ રીતે લીંપણ કરીને આંગળા-અંગૂઠા અને તેની લયાત્મક ગતિની છાપ અને ભાત લીંપણ દ્વારા ઉપસાવાય છે. આને ઓળિયો કહે છે. સૌરાષ્ટ્રમાં કાઠી, મેર, ખરક, કણબી, સતવારા, રબારી, ભરવાડ વગેરે જાતિઓની સ્ત્રીઓને ઓળિયોની કલા હસ્તગત હોય છે. શ્રી ઝવેરચંદ મેઘાણીએ તો એના પર વાર્તા પણ લખી છે.
ભોંય અને દીવાલ પરના માટીના લીંપણમાં બે આંગળાં વચ્ચેની સપાટી ઉપર ઊઠીને ત્રીજું પરિમાણ સિદ્ધ કરે છે. રાડાંની કરચો, રાખ-છીપલાંનો ભૂકો, ખડી વગેરેથી લીંપણમાં ચળકાટ આવે છે. દીવાલમાં એ રીતે આભલાં પણ ચોંટાડવામાં આવે છે અને ગેરુથી લોકશૈલીનાં ચિત્રો પણ આલેખાય છે.
આવાં માટીનાં મકાનમાં રહેલા ગોખ સગવડ, સલામતી અને કલાની દૃષ્ટિએ નોંધપાત્ર છે. રસોડા કે ઓરડાના મોટા ગોખ પ્રમાણમાં મોટી પરંતુ નિશ્ચિત ઉપયોગની વસ્તુઓ માટે હોય છે. તે લીંપેલા પરંતુ સાદા હોય છે; જોકે દેવદેવી, દીપ વગેરે માટેના, મુખ્યત્વે ઓસરીના ગોખ નાના અને કલાત્મક હોય છે. ગોખમાં રહેલા દીવાનો હવાથી બચાવ થાય અને એની આગ બીજી વસ્તુને ન સ્પર્શે એવી એમાં વ્યવસ્થા હોય છે. દીપ માટે માટી કે પથ્થરની પૂતળીઓ પણ હોય છે. ચાકળા, ચંદરવા, તોરણ વગેરેથી આવાં ઘરનાં દ્વાર, દીવાલ, ખંડ શણગારાય છે. આમાં વિશેષ આકર્ષક અંગ લાકડા અને છાણ-માટી-ખડીના સંમિશ્ર ઉપયોગે બનતું તાકું છે. એમાં ઘી, દૂધ, દહીં, વધેલો ખોરાક વગેરે રહે છે અને પ્રાણી, હવા, ધૂળ કે ગરમીથી બગડતો બચે છે. તાકાંનાં જાળીવાળાં બે લાકડાનાં બારણાં પર પણ બહારની બાજુએ ગાર-માટીનાં રળિયામણાં લીંપણ થાય છે અને ખડીથી એના પર ત્રીજું પરિમાણ સિદ્ધ કરતી ભાત કે આકૃતિ પણ આલેખવામાં આવે છે.
માટીના મકાનનાં બારી, બારણાં, જાળિયાં, ધુમાડિયાં, વા-બારાં, ઉંબરા, ટોડલા, નકૂચા, ઉલાળિયા પણ કલાત્મક હોય છે. એમાં ઢાંકણ કે બારણાં લાકડાનાં હોય; પરંતુ સાથે જ કાષ્ઠકલા કે ધાતુકલાના નમૂનારૂપ મોર, પોપટ, પૂતળી વગેરે જડેલાં હોય. એનાં કડાં, નકૂચા ધાતુનાં ને ભાતવાળાં પણ હોય છે. બહારની દોરી ખેંચતાં જ અંદરથી વાસેલું બારણું ખૂલે એવા ઉલાળિયા પણ આવાં ઘરોમાં જોવા મળે છે.
આમ લોકશૈલીનાં માટીનાં ઘરો પણ લોકકલા અને રુચિનું પ્રતિબિંબ પાડે છે.
હસુ યાજ્ઞિક