લોકપાલ (ધર્મપુરાણ) : પ્રાચીન ભારતીય પૌરાણિક ખ્યાલ. બ્રહ્માંડના જુદા જુદા વિભાગોનું રક્ષણ કરનારા દેવો. ‘લોકપાલ’ માટે જૉન ડૉવ્સને શબ્દ વાપર્યા છે supporters or guardian deities of world. તેઓ આઠ છે. આ લોકને ટકાવી રાખે છે, સંરક્ષણ કરે છે, પાળે છે. મનુસ્મૃતિ(597)માં એમનાં આ કાર્યની પણ નોંધ લેવામાં આવી છે – તેઓ મનુષ્યને પવિત્રતામાં પ્રવૃત્ત કરે છે અને અપવિત્રતાથી તેમને નિવૃત્ત કરે છે. આ રીતે મનુષ્યોની પવિત્રતા અને અપવિત્રતા પર એમનું નિયંત્રણ છે. તેઓએ પોતાના વિસ્તારો વહેંચી રાખ્યા છે. તેઓ હાથી ઉપર અધિષ્ઠિત હોય છે. આ હાથીઓ ‘દિગ્ગજો’ કહેવાય છે. દરેક હસ્તીને પોતાની હસ્તિની હોય છે. ‘મત્સ્યપુરાણ’, ‘દેવીભાગવત’ વગેરેને આધારે નીચેના કોષ્ટકમાં આ વિગતોને ગોઠવી શકાય :
ક્રમ | દિશા/ખૂણો | દિક્પાલ/લોકપાલ | દિગ્ગજ | દિગ્ગજપત્ની |
1 | પૂર્વ | ઇન્દ્ર | ઐરાવત | અભ્રમુ |
2 | અગ્નિ | અગ્નિ | પુંડરીક | કપિલા |
3 | દક્ષિણ | યમ | વામન | પિંગલા |
4 | નૈર્ઋત્ય | સૂર્ય | કુમુદ | અનુપમા |
5 | પશ્ચિમ | વરુણ | અંજન | અંજનાવતી |
6 | વાયવ્ય | વાયુ | પુષ્પદંત | શુભદન્તી |
7 | ઉત્તર | કુબેર | સાર્વભૌમ | અંજના |
8 | ઈશાન | સોમ | સુપ્રતીક | તામ્રકર્ણી |
ઇ. વૉશબર્ન હોપકિન્સને આધારે જણાય છે કે લોકપાલની વિભાવનાનો વિકાસ ત્રણ તબક્કાઓમાં થયો છે :
(1) રામાયણ-મહાભારત : પ્રારંભે માત્ર ચાર દિશાઓ અને તેના લોકપાલો હતા. પૂર્વ – અગ્નિ, કુબેર અથવા ઇન્દ્ર. દક્ષિણ – યમ. પશ્ચિમ – વરુણ. ઉત્તર – ઇન્દ્ર, સોમ અથવા કુબેર.
(2) મનુસ્મૃતિ (5-96) : લોકપાલો આઠ થયા, પરંતુ વિસ્તારો નિર્ધારિત ન હતા. તે આ પ્રમાણે – સોમ, અગ્નિ, સૂર્ય, વાયુ, ઇન્દ્ર, કુબેર, વરુણ, યમ.
(3) પુરાણો : આઠ લોકપાલો અને તેના વિસ્તારો નિર્ધારિત થઈ ચૂક્યા છે. તે ઉપર્યુક્ત કોષ્ટકમાં છે. તેમાં કોઈક વાર સહેજ મતભેદ પણ હોય છે. સૂર્યને બદલે ‘નિર્ઋતિ’નું નામ મળે છે. સોમને બદલે પૃથ્વી અથવા ઈશાન(= શિવ)નું નામ મળે છે. ‘હરિવંશ’ (14. 33. 7) આમાં ઉમેરો કરે છે. પાતાળમાં શેષ અને આકાશમાં સોમ. તેઓ ચોક્કસ દિશાના અધિપતિ હોવાથી તેમને દિક્પાલ પણ કહે છે.
મનુસ્મૃતિ (5-96) એમ પણ જણાવે છે કે આ આઠેય લોકપાલના દિવ્ય ગુણો ‘રાજા’ ધરાવે છે.
રશ્મિકાન્ત પ. મહેતા