લોકપૃચ્છા (referendum) : કોઈ સાર્વજનિક મહત્વના પ્રશ્ન વિશે નિર્ણય લેતા પહેલાં લોકોને પૂછવું તે. લોકો દ્વારા ચૂંટાયેલ પ્રતિનિધિઓ કોઈ નિર્ણય લે તેને બદલે ખુદ લોકો જ તેના પર વિચાર કરીને પોતાનો અભિપ્રાય જણાવે, એ એમાં અભિપ્રેત છે. આ પદ્ધતિને પ્રત્યક્ષ લોકશાહીની પદ્ધતિ કહેવામાં આવે છે. [પ્રત્યક્ષ લોકશાહીની બીજી પદ્ધતિઓમાં લોકમત (plebiscite) અને ઉપક્રમ(initiative)નો સમાવેશ થાય છે.]

કયા પ્રશ્ન કે પ્રશ્ર્નો પર લોકપૃચ્છા યોજવી એ વિશે કોઈ ચોક્કસ ધોરણો નથી. જુદા જુદા દેશોમાં જુદા જુદા હેતુઓ માટે લોકપૃચ્છાઓ યોજવામાં આવે છે. દાખલા તરીકે, ગ્રીસમાં લોકશાહીની પુન:સ્થાપના પછી રાજાશાહી રાખવી કે કેમ એવા પાયાના બંધારણીય પ્રશ્ન પર લોકપૃચ્છા યોજવામાં આવેલી. એ જ રીતે 1962માં ફ્રાન્સમાં દેશના પ્રમુખ પ્રત્યક્ષ ધોરણે ચૂંટાવા જોઈએ કે કેમ એ વિશે લોકપૃચ્છા યોજવામાં આવેલી. ક્યારેક નૈતિક રીતે શું યોગ્ય છે એ વિશે સરકાર કે કોઈ પક્ષમાં મતભેદ હોય ત્યારે પણ લોકપૃચ્છાનો આશરો લેવામાં આવે છે; જેમ કે, છૂટાછેડા કાયદેસર બનાવવા ? ગર્ભપાતને કાનૂની મંજૂરી આપવી કે કેમ ? ક્યારેક સ્થાનિક મુદ્દાઓ વિશે ચોક્કસ વિસ્તારોમાં રહેતા લોકોની પણ પૃચ્છા કરવામાં આવે છે.

અમેરિકાના આરંભિક સમયગાળા દરમિયાન ત્યાંનાં જુદાં જુદાં રાજ્યોમાં લોકપૃચ્છાનો અવારનવાર ઉપયોગ કરવામાં આવતો. સ્વિટ્ઝર્લૅન્ડમાં પ્રત્યક્ષ લોકશાહીની અન્ય પદ્ધતિઓની સાથે લોકપૃચ્છાનો ઉપયોગ અવારનવાર કરવામાં આવે છે.

તાજેતરનાં વર્ષોમાં યુરોપીય સંઘમાં જોડાવા વિશે સભ્ય રાષ્ટ્રોમાં લોકપૃચ્છા અવારનવાર યોજવામાં આવે છે. ઘણા દેશોનાં બંધારણોમાં એવી જોગવાઈ કરવામાં આવી છે કે યુરોપીય સંઘની સંધિઓ વિશે મતદારોનો અભિપ્રાય મેળવવા માટે લોકપૃચ્છા યોજવી.

ક્યારેક લશ્કરી બળવો કરીને સત્તા પર આવેલ શાસકની લોકસ્વીકૃતિ (legitimacy) સ્થાપિત કરવા પણ લોકપૃચ્છાનો ઉપયોગ (દુરુપયોગ ?) કરવામાં આવે છે.

સ્વરૂપની દૃદૃષ્ટિએ લોકપૃચ્છાના બે પ્રકાર પાડવામાં આવે છે : સલાહાત્મક અથવા મરજિયાત અને બંધનકારી અથવા ફરજિયાત. ક્યારેક લોકોનો મત જાણવા માટે લોકપૃચ્છા કરવામાં આવે પણ તે બંધનકારી ન ગણાય, પણ કેટલાક કિસ્સાઓમાં કારોબારી કે ધારાસભાએ લીધેલ નિર્ણયને અમલમાં મૂકતા પહેલાં લોકસમર્થન અથવા લોકપુદૃષ્ટિ મેળવવા માટે લોકપૃચ્છા યોજવામાં આવે છે.

ભારતમાં આઝાદી પહેલાં જૂનાગઢના નવાબે પાકિસ્તાનમાં ભળી જવાનો નિર્ણય કરેલો, તેનો વિરોધ કરવા ‘આરઝી હકૂમત’ની રચના કરવામાં આવેલી. એ વખતે જૂનાગઢ રાજ્યના લોકોએ લોકપૃચ્છા દ્વારા પોતે ભારતીય સંઘમાં ભળી જવા માંગે છે, એવો નિર્ણય વિશાળ બહુમતીથી કરેલો.

બીજો પ્રકાર બંધનકારી અથવા ફરજિયાત લોકપૃચ્છાનો છે, જેમાં વિવાદાસ્પદ પ્રશ્ન અંગે લોકપૃચ્છા યોજાય છે અને પૂછાણને અંતે લોકો જે કોઈ નિર્ણય દર્શાવે તે મુજબ નિર્ણય લઈ કામ આગળ ચાલે છે.

26 જાન્યુઆરી 1950થી અમલમાં આવેલ ભારતના બંધારણમાં લોકપૃચ્છા યોજવાની જોગવાઈનો સમાવેશ થતો નથી.

દિનેશ શુક્લ