લોકનાથ : સર્વરોગના નાશ કરનારા મનાતા બોધિસત્વ. ‘સાધનમાલા’માં જણાવ્યા પ્રમાણે તેઓ શ્વેતવર્ણના અને દ્વિભુજ છે. જમણો હાથ વરદામુદ્રામાં અને ડાબા હાથમાં કમળ ધારણ કરેલ છે. લલિતાસનમાં બેઠેલા છે. તેમની જમણી બાજુએ વરદમુદ્રામાં તારા બેઠેલ છે અને ડાબી બાજુએ રક્તવર્ણના હયગ્રીવ હાથમાં દંડ સાથે બેઠેલ છે. તેમણે વ્યાઘ્રચર્મ ધારણ કરેલ છે. તેમનો દેખાવ વિકરાળ છે. વડોદરા મ્યુઝિયમમાં લોકનાથની એક ધાતુપ્રતિમા સચવાયેલી છે, તેમાં જમણો હાથ વરદમુદ્રામાં અને ડાબો હાથ કમળયુક્ત વ્યાખ્યાનમુદ્રામાં છે. સારનાથમાંથી મળેલ લોકનાથની પ્રતિમાના મસ્તકે અમિતાભ બુદ્ધની આકૃતિ કંડારેલી છે. આ સર્વમાં મહોબામાંથી મળેલ લોકનાથની પ્રતિમા સર્વોત્તમ છે. અહીં લોકનાથ પ્રત્યલીઢાસનમાં જમણો પગ ઢીંચણમાંથી વાળીને ઊભો રાખી ડાબા પગની પાની વાળીને એને સ્પર્શ કરેલ છે. જમણો હાથ જમણા ઢીંચણ ઉપર લટકતો રાખીને ગહન ચિંતનમાં બેઠેલ હોય એમ જણાય છે. બંને હાથની બાજુએ સનાળ કમળ દર્શાવેલ છે. મસ્તકે મુકુટ, કાનમાં કુંડળ, કંઠે હાર, છાતીએ યજ્ઞોપવીત વગેરે ધારણ કરેલ છે. આ અતિ મનોહર સ્વરૂપવિધાન છે.
પ્રવીણચંદ્ર પરીખ