લોકનાથ-રસ : ક્ષય અને સૂતિકારોગની રામબાણ ઔષધિ. તેની નિર્માણવિધિનો નિર્દેશ શાર્ઙ્ગધર સંહિતા અને ‘રસતંત્રસાર’- (ભાગ 1)માં અપાયો છે. નિર્માણવિધિ : શુદ્ધ (બુભુક્ષિત) પારો 20 ગ્રામ, શુદ્ધ ગંધક 20 ગ્રામ એક ખરલમાં મિશ્ર કરી, તેને ઘૂંટીને કજ્જલી કરવામાં આવે છે. પછી 80 ગ્રામ શુદ્ધ પીળી કોડીઓ લઈ, તેમાં તૈયાર કજ્જલી ભરવામાં આવે છે. તે પછી 20 ગ્રામ શોધેલો ટંકણખાર ખરલમાં લઈ તેમાં ગાયનું દૂધ નાખી ખરલ કરવામાં આવે છે. પછી તે પ્રવાહી વડે કોડીઓનાં મુખ બંધ (સીલ) કરવામાં આવે છે. તે પછી માટીનાં 2 શરાવ(કોડિયાં)ની અંદર ભીનો કરેલો ચૂનો ચોપડી તેમને સુકાવા દેવાય છે. પછી તે શરાવમાં શુદ્ધ કરેલા શંખના ટુકડા 80 ગ્રામ લઈ, તેમની વચ્ચે કોડીઓ મૂકીને બંને શરાવ ભેગાં કરી, મજબૂત સંપુટ તૈયાર કરવામાં આવે છે. આ સંપુટ સુકાઈ જાય એટલે એને ગજફૂટ ખાડામાં મૂકી, અડાયાં છાણાંનો પુટ (ભઠ્ઠી) અપાય છે. તે સુવાંગશીતળ થાય ત્યારે શંખ અને કોડીઓ બંને ખરલમાં મૂકી, ખૂબ બારીક ઘૂંટાઈ કરાય છે. તેને પછી કાચની શીશીમાં ભરી લેવામાં આવે છે.

આ દવાની માત્રા 1થી 2 રતી (113થી 225 મિગ્રા.) છે. વાતરોગમાં મરી અને ઘીનું, પિત્તવિકારમાં માખણ ને સાકરનું, કફરોગમાં મધ અથવા રોગ અનુસાર અન્ય યોગ્ય અનુપાન રખાય છે.

ઉપયોગ : આ રસાયન-ઔષધિ ઝાડા, અરુચિ, સંગ્રહણી, કૃશતા, મંદાગ્નિ, ખાંસી, શ્ર્વાસ, ક્ષય (ટી.બી.), ગુલ્મરોગ તથા ત્વચારોગ પર ખાસ લાભ કરે છે. કફદોષ અને કફસ્થાન પર તથા કફનાં તમામ દર્દો પર આ ઔષધિ ખૂબ સારો લાભ કરે છે. તેથી આ રસ યકૃત (લિવર), મૂત્રપિંડ, શ્ર્લેષ્મકલા, ફેફસાં, ફેફસાંનું આવરણ, બીજાં કફસ્થાનો, માંસપેશીઓ અને ગાંઠવાળાં સ્થાનો પર પ્રભાવશાળી રીતે અસર કરે છે. આ રસ ખાસ રસધાતુ, માંસધાતુ અને અસ્થિધાતુના દોષો મટાડે છે. આ રસાયન ઝાડા(અતિસાર)ની અમૂલ્ય ઔષધિ છે. તાવ સાથે ઝાડાના દર્દમાં પણ તે લાભપ્રદ છે.

ક્ષય (ટી.બી.) રોગમાં ગળાની પાસે થનારી ગાંઠ કરતાં પેટમાં થનારી ગાંઠ પર આ રસ વધુ ફાયદો કરે છે. તે જ રીતે તે બગલમાં થતી ગાંઠો મટાડે છે. ક્ષયમાં જ્યારે ઉર:ક્ષત (અલ્સર) મોટું ન હોય કે હોય જ નહિ ત્યારે અને ખાંસી, અરુચિ, મંદાગ્નિ, સ્વરભેદ તથા ગળું જડ થઈ જવાની સમસ્યા પર તે લાભ કરે છે. વારંવાર થતા આમવાળા ગંધાતા ઝાડા, કફપ્રકોપજ લક્ષણો ને જૂના ઝાડાના દર્દમાં લોકનાથ-રસ સારું કામ આપે છે.  આમજન્ય સંગ્રહણી તથા કિડની કે લિવરની વિદ્રધિ (ગાંઠ) પર પણ આ રસ ઉત્તમ છે. કફજન્ય ગુલ્મ (ગોળો) તથા ચામડીના રોગો જેવા કે મોટાં ચાઠાં, ગાંઠો કે સફેદ-કાળા ડાઘા પડવા તેમાં કે માંસવાળા ભાગમાં માંસની વૃદ્ધિ પર પણ તે લાભપ્રદ છે. સૂતિકા-જ્વરમાં કફ દૂષિત થઈને ખાંસી, સળેખમ, શ્ર્વાસ, મંદાગ્નિ ને અરુચિ હોય ત્યારે તે બહુ સારું કામ આપે છે.

પરેજી : આ દવા ગરમ હોઈને નીચે મુજબ પરેજી ખાસ પાળવામાં આવે છે. દવા લેતા પહેલાં 3 કોળિયા ઘીવાળો ખોરાક કે ઘી 1 ચમચી ચાટવું જરૂરી છે. વળી દૂધ-ભાત-મગનો ખોરાક લેવામાં આવે છે, પણ તેમાં તેલ નિવારાય છે. કારેલાં, રીંગણ, માછલી, આમલી, દારૂ, હિંગ, સૂંઠ, અડદ, કોળું, રાઈ, કોઠાં, તરબૂચ, કંકોડાં, કાકડી, કાંજી જેવા પદાર્થો તેમજ ક્રોધ, મૈથુન, કવખતે (બપોરે) સૂવું વગેરેનો ત્યાગ કરવામાં આવે છે. આ દવાનું સેવન સવારે સૂર્યોદય પહેલાં અને સાંજે સૂર્યાસ્ત પછી કરાય તે હિતાવહ છે. દવાના સેવનથી દાહ-ગરમી જણાય તો સાકર, ઘી, દાડમ, દ્રાક્ષ, શેરડી, ધાણા-જીરું કે ધાણા-ગળોનો ઉકાળો લેવામાં આવે છે. આ દવાની વધુ માત્રા જોખમી છે. વધુ માત્રા લેવાથી ગરમીનાં દર્દો જેવાં કે ઝાડા, શૂળ, પગના અંગૂઠામાં સોજા, ઊલટી, હરસ, નાકમાંથી રક્તસ્રાવ, હેડકી વગેરે થાય છે. એવું થાય તો દવા બંધ કરી, વૈદ્યની સલાહ લેવી ઇષ્ટ છે.

વૈદ્ય બળદેવપ્રસાદ પનારા