લેન્ટિબ્યુલેરિયેસી (Lentibulariaceac)

January, 2005

લેન્ટિબ્યુલેરિયેસી (Lentibulariaceac) : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલું એક કુળ. બૅન્થમ અને હૂકરની વર્ગીકરણ-પદ્ધતિમાં તેનું સ્થાન આ પ્રમાણે છે : વર્ગ  દ્વિદળી, ઉપવર્ગ  યુક્તદલા (gamopetalae), શ્રેણી  દ્વિસ્ત્રીકેસરી, ગોત્ર  પર્સોનેલીસ, કુળ  લેન્ટિબ્યુલેરિયેસી. આ કુળ લગભગ 5 પ્રજાતિઓ અને 260 જેટલી જાતિઓનું બનેલું છે. તેના સભ્યો જલીય અને અત્યંત ભેજવાળી જગાએ થતા વનસ્પતિસમૂહનો એક મહત્ત્વનો ઘટક બનાવે છે. આ કુળની મોટી પ્રજાતિઓમાં Utricularia. (200 જાતિઓ), Pinguicula (32 જાતિઓ) અને Genlisea(12 જાતિઓ)નો સમાવેશ થાય છે. ભારતમાં Utricularia stellaris, U. Tlexuosa U. exoleta, U. Scandens વગેરે જાતિઓ થાય છે.

આ કુળની વનસ્પતિઓ એકવર્ષાયુ અને બહુવર્ષાયુ શાકીય સ્વરૂપ ધરાવે છે. તેઓ જલજ હોય છે કે અત્યંત ભેજવાળી જગાઓએ થાય છે અને મુખ્યત્વે કીટાહારી (insectivorous) છે. જલજ જાતિઓ ઘણી વાર મૂળવિહીન હોય છે. પર્ણો એકાંતરિક કે તલસ્થ ગુચ્છ(rossete)માં ગોઠવાયેલાં હોય છે. ઘણી વાર પર્ણો દ્વિસ્વરૂપી (dimorphic) હોય છે. પાણીમાં ડૂબેલાં પર્ણો અતિવિભાજિત હોય છે અને જટિલ રચનાવાળા કીટાહારી ફુગ્ગા (bladder) ધરાવે છે. હવાઈ પર્ણો તરતા ગુચ્છમાં હોય છે અથવા તેમનું શલ્ક જેવા ઉદ્વર્ધ(extention)માં ન્યૂનીકરણ (reduction) થયેલું હોય છે. અથવા હવાઈ પર્ણોનો અભાવ હોય છે. ઉષ્ણકટિબંધીય Genlisea જેવી કેટલીક ભૌમિક પ્રજાતિઓમાં દ્વિસ્વરૂપતા (dimorphism) લીલાં પર્ણોના ગુચ્છ અને ભૂમિ સાથે સંલગ્ન (appressed) નલિકાકાર કે કળશ જેવાં કીટાહારી પર્ણો દ્વારા અભિવ્યક્ત થાય છે.

લેન્ટિબ્યુલેરિયેસી : Utricularia

પુષ્પો પ્રવૃન્ત (scape) ઉપર કલગી(raceme)-સ્વરૂપે ગોઠવાયેલાં કે એકાકી (દા.ત., pingicula) હોય છે. તેઓ અનિયમિત દ્વિલિંગી, અધોજાયી (hypogynous) અને નિપત્રી (bracteate) હોય છે. કેટલીક જાતિઓમાં પુષ્પદંડ ઉપર બે નિપત્રિકાઓ (bracteoles) આવેલી હોય છે. વજ્ર 2થી 5 ખંડોનું બનેલું કે વિભાજિત હોય છે. ખંડોની ગોઠવણી ખુલ્લી (open) કે કોરછાદી (imbricate) હોય છે. દલપુંજ 5 ખંડોનો બનેલો, યુક્તદલપત્રી (gamopetalous), કોરછાદી દ્વિઓષ્ઠી સંવૃત (personate) હોય છે. નીચેનો ઓષ્ઠ પુટાકાર કે દલપુટયુક્ત (spurred) હોય છે. પુંકેસરચક્ર બે ફળાઉ અને બે વંધ્ય પુંકેસરોનું બનેલું હોય છે. વંધ્ય પુંકેસરો દલપુંજનલિકાના તલ ભાગમાંથી ઉત્પન્ન થાય છે. પરાગાશય એકખંડી હોય છે અને તેનું લંબવર્તી સ્ફોટન થાય છે. સ્ત્રીકેસરચક્ર દ્વિયુક્તસ્ત્રીકેસરી ઊર્ધ્વસ્થ બીજાશય ધરાવે છે. બીજાશય એકકોટરીય મુક્તકેન્દ્રસ્થ (free central) જરાયુ ઉપર અસંખ્ય અધોમુખી (anatropous) અંડકો ધરાવે છે. Biovulariaમાં બે જ અંડકો હોય છે. પરાગવાહિની એક અથવા ઘણી વાર લુપ્ત (obsolete) થયેલી હોય છે. પરાગાસનો દ્વિખંડી હોય છે. ફળ પ્રાવર (capsule) પ્રકારનું હોય છે અને તેનું 2થી 4 કપાટો દ્વારા કે અનુપ્રસ્થ (circumscissile) કે અનિયમિતપણે સ્ફોટન થાય છે. બીજ સૂક્ષ્મ અને અભ્રૂણપોષી (non-endospermic) હોય છે. ભ્રૂણનું અતિ અલ્પ વિભેદન થયેલું હોય છે.

આ કુળ સ્ક્રોફ્યુલારિયેસી કુળ સાથે સામ્ય દર્શાવે છે. છતાં જલીય કીટાહારીઓમાં સૂક્ષ્મ ફુગ્ગાઓ બે પુંકેસરો, મુક્તકેન્દ્રસ્થ જરાયુવિન્યાસ દ્વારા તે સ્ક્રોફ્યુલારિયેસીથી અલગ પાડી શકાય છે.

આ કુળની આર્થિક અગત્ય ઘણી ઓછી છે. માખણકટોરી (pingicula) શોભન-વનસ્પતિ તરીકે અને અર્કઝવર (Utricularia) જલચરગૃહ(aquarium)માં ઉગાડવામાં આવે છે.

બળદેવભાઈ પટેલ