લૅન્ટાના : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલા વર્બિનેસી કુળની એક પ્રજાતિ. તેની જાતિઓ શાકીય, ઉપક્ષુપ (under shrub) અને ક્ષુપ-સ્વરૂપ ધરાવે છે અને મુખ્યત્વે અમેરિકાના ઉષ્ણકટિબંધીય અને ઉપોષ્ણકટિબંધીય પ્રદેશોમાં તેમનું વિતરણ થયેલું છે. બહુ થોડી જાતિઓ જૂની દુનિયાના ઉષ્ણકટિબંધીય વિસ્તારોમાં થાય છે. ભારતમાં તેની સાત કે આઠ જાતિઓ થાય છે.

ગંધારી (Lanatana camera var. aculeata Moldenke syn. L. aculeata Linn.) નીચો, 1.2 મી.થી 2.4 મી. ઊંચો, ટટ્ટાર કે ઉપારોહી (sub-scandent) ક્ષુપ છે અને મજબૂત અને પુનર્વક્ર (recurved) છાલશૂળો (prickles) તેમજ કાળી દ્રાક્ષ જેવી તીવ્ર વાસ ધરાવે છે. તેનો પ્રવેશ શોભન-જાતિ તરીકે અને વાડ બનાવવા માટે કરાવવામાં આવ્યો હતો, પરંતુ હવે તે પૂર્ણપણે પ્રાકૃતિક બની છે અને સમગ્ર ભારતમાં થાય છે. પર્ણો સાદાં, અંડાકાર (ovate) કે અંડ-લંબચોરસ (ovate-oblong), તીક્ષ્ણાગ્ર (acute) કે ઉપ-તીક્ષ્ણાગ્ર (sub-acute), દંતુર (serrate) અને બંને સપાટીએથી રુક્ષ (scabrid) હોય છે. પુષ્પો નાનાં કક્ષીય મુંડક(head)-સ્વરૂપે ગોઠવાયેલાં અને સામાન્યત: નારંગી, કેટલીક વાર સફેદથી માંડી લાલ રંગનાં હોય છે. ફળ નાનું અને અષ્ઠિલ (drupe) પેટા પ્રકાર પાયરિન (pyrine) પ્રકારનું, લીલાશ પડતું ભૂરું-કાળું કે કાળું અને ચળકતું હોય છે.

તે તદ્દન ભિન્ન પ્રકારની આબોહવા અને મૃદામાં થાય છે. તે 500 સેમી.થી વધારે વરસાદવાળા ભેજયુક્ત વિસ્તારોથી માંડી 75 સેમી. વરસાદવાળા અને પ્રમાણમાં શુષ્ક પ્રદેશોમાં થાય છે. તે ફળદ્રૂપથી માંડી હલકી કક્ષાની કાંકરાવાળી મૃદામાં અને નીચાણવાળા પ્રદેશોથી માંડી પહાડી પ્રદેશોમાં 1800 મી.ની ઊંચાઈ સુધી થાય છે. તે શુષ્કતા-રોધી (drought-resistant) અને પ્રકાશ-રાગી છે, છતાં મધ્યમ-સરનો છાંયડો સહી શકે છે.

ગંધારીની બહુફળદાયક (prolific) વૃદ્ધિ અને વ્યાપક અનુકૂલનશીલતા(adaptability)ને કારણે ભારતના મોટા વિસ્તારોમાં ફેલાતાં એક ગંભીર ત્રાસદાયી વનસ્પતિમાં પરિણમી છે. ખેતીલાયક અને ઊષરભૂમિ, જંગલના વિસ્તારો, તૃણભૂમિઓ અને બગીચાઓ ગંધારીને કારણે અસરગ્રસ્ત થયા છે. ભારતમાં ડેક્કન, કૂર્ગ, નીલગિરિ, પશ્ચિમઘાટની નીચી ટેકરીઓ, ઉત્તરપ્રદેશ (હલદવાનીનો ભાબર માર્ગ અને દહેરાદૂનના વિસ્તારો) સૌથી ખરાબ રીતે અસર પામ્યા છે.

તે પર્ણપાતી જંગલોમાં અગ્નિના સંકટનો સ્રોત છે; કારણ કે તે લીલી સ્થિતિમાં પણ સળગે છે અને જંગલોનો નાશ કરે છે. સાગની નીચે થતી ગંધારીને કારણે સાગની વૃદ્ધિ પર અસર થાય છે અને તેના આધારિક ક્ષેત્ર(basal area)માં 33 % ઘટાડો થાય છે. કેટલાક વિસ્તારોમાં ગંધારી મલેરિયાના કીટકો સહિત અનેક ત્રાસદાયી કીટકોને રહેઠાણ આપે છે.

મોટા વિસ્તારોમાં થતી ગંધારીનો વિનાશ કરવો મુશ્કેલ અને ખર્ચાળ હોય છે. ગંધારીના પ્રસારને અટકાવવા વિવિધ યાંત્રિક, સંવર્ધન, રસાયણિક કે જૈવિક પદ્ધતિઓ અજમાવવામાં આવે છે.

યાંત્રિક પદ્ધતિ દ્વારા કરવામાં આવતા નિયંત્રણમાં ગંધારીનું ફેબ્રુઆરી કે માર્ચમાં 30 સેમી. જેટલું ઠૂંઠું રાખી છોડના બાકીના ભાગને બાળી નાખવામાં આવે છે. રહી ગયેલાં ઠૂંઠાંઓને ચોમાસામાં જમીન પોચી બનતાં ખેંચી લેવામાં આવે છે.

એરંડો (Ricinus communis Linn.) કે રબર(ficus-elastica)ના વૃક્ષના રોપણ દ્વારા સંવર્ધન-નિયંત્રણ થઈ શકે છે. ઇંડોનેશિયામાં લાસોબાવળ (Leucaena glauca Benth.) માટે અને શ્રીલંકામાં મેક્સિકન સૂર્યમુખી (Tithonia diversifolia A. Gray) માટે પ્રયત્ન કરવામાં આવ્યો છે અને સારાં પરિણામો મળ્યાં છે.

ગંધારીના નિયંત્રણ માટે હમણાં હમણાં શાકનાશકો(herbicides)નો ઉપયોગ વધ્યો છે. જમીનતલ પાસેથી છોડને કાપી નાખી ખુલ્લા થયેલા છેડા પર 10 % 2, 4-D (2, 4-ડાઇક્લૉરોફિનૉક્સી ઍસિટિક ઍસિડ) લગાડવામાં આવતાં સફળ નિયંત્રણ થાય છે. ક્ષુપને જમીનથી 60 સેમી.ની ઊંચાઈએ કાપી 2, 4, 5-T(2, 4, 5-ટ્રાઇક્લૉરોફિનૉક્સી ઍસિટિક ઍસિડ)નો ટીપોલનો આર્દ્રક (wetting agent) તરીકે ઉપયોગ કરીને છંટકાવ (22.40 કિગ્રા., લગભગ 1,685 લી./હેક્ટરના કદમાં) કરતાં 15 દિવસમાં સુકાઈ જાય છે. મોટાં ઝાડવાંના વિનાશ માટે 2, 4, 5-T અને 2, 4-Dનો સંયોજિત ઉપયોગ વધારે અસરકારક છે. કાપી નાખ્યા પછી થતી પુનર્વૃદ્ધિ (regrowth) અટકાવવા ડાઇકોટોક્સ, ઍસ્ટોન44 અને ફ્નૉક્સોનનો છંટકાવ કરવામાં આવે છે.

કેટલાક કીટકો લૅન્ટાનાનું જૈવિક નિયંત્રણ કરે છે; જેમાં લૅન્ટાના માંકડ (orthezia insignis Dougl.), લૅન્ટાના બીજ-માખી (ophiomyia (Agromyza) lantanae frog.), લૅન્ટાના લેસબગ (Teleonemia Scrupulosa stal) પ્રકાંડ, પર્ણો, પુષ્પો અને બીજ ખાય છે અને છોડનો પ્રસાર અટકાવે છે.

જોકે ગંધારી ત્રાસદાયી વનસ્પતિ હોવા છતાં નિશ્ચિત પરિસ્થિતિઓમાં જંગલોમાં તે લાભદાયી છે. શોષિત (exhausted) વિસ્તારો અને ખડકાળ કે સખત કંકરિત (laterite) મૃદાની ફળદ્રૂપતામાં વધારો કરે છે. વનોન્મૂલિત (deforested) વિસ્તારોમાં પાંસુક(humus)ની જાળવણી કરે છે અને ભૂક્ષરણ (soil erosion) અટકાવે છે.

ડાંગરનાં ખેતરોમાં અને જંગલ-વિસ્તારમાં લૅન્ટાનાનાં પર્ણો અને શાખાઓ લીલા ખાતર તરીકે વપરાય છે. તે કૅલ્શિયમના ક્ષારો અને મૅંગેનીઝ પુષ્કળ પ્રમાણમાં ધરાવે છે અને નાળિયેરીને ખાતર તરીકે આપવામાં આવે છે.

તેનાં પર્ણોનો ચાની અવેજીમાં ઉપયોગ કરવાનો પ્રયત્ન થયો છે. કિણ્વિત (fermented) પર્ણો મંદ સુગંધ ધરાવે છે અને હલકી કક્ષાનું પીણું બનાવવામાં આવે છે. પર્ણોમાં ઑક્સિડેઝ, કેટાલેઝ, એમાઇલિઝ, ઇન્વર્ટેઝ, લિપેઝ અને ગ્લુકોસાઇડેઝ જેવા ઉત્સેચકો, ટેનિન, શર્કરાઓ, રાળ અને સ્ફટિકમય ગ્લુકોસાઇડ (C27H42O4) મળી આવે છે.

પર્ણોનાં બાષ્પનિસ્યંદનથી પીળું કે લીલાશ પડતું પીળું તેલ પ્રાપ્ત થાય છે. આલ્કોહૉલમાં તેલ ઘટ્ટ અને અદ્રાવ્ય રહે છે. તેલના મુખ્ય ઘટક તરીકે સેસ્ક્વિટર્પિન (80 %) જોવા મળે છે. પર્ણમાંથી મળતા તેલનો ત્વચા પર થતા ખૂજલી જેવા રોગોની ચિકિત્સામાં ઉપયોગ થાય છે.

પર્ણોમાં લૅન્ટાડિન A (C35H52O5) નામનો ઝેરી ઘટક આવેલો હોય છે. તેના દ્વારા તીવ્ર પ્રકાશસુગ્રાહીકરણ (photosensitization) અને કમળો (icterus) થાય છે. તે લૅન્ટાડિન B પણ ધરાવે છે, જે નિષ્ક્રિય હોય છે. લૅન્કામેરોન (C28H40O4) નામનો સ્ટીરૉઇડ મત્સ્ય-વિષ અને હૃદ્-સક્રિય (cardioactive) છે. પ્રકાંડ અને મૂળની છાલમાં લૅન્ટાનિન નામનું ક્વિનિન જેવું ઍલ્કેલોઇડ હોય છે, જે જલદ જ્વરઘ્ન (antipyretic) અને ઉદ્વેષ્ટરોધી (antispasmodic) ગુણધર્મો ધરાવે છે. પ્રરોહનો ઍસિડ-નિષ્કર્ષ Escherichia Coli સામે અને ઍસિટેટેડ બફર-નિષ્કર્ષ Micrococcus pyogenes var. aureus સામે પ્રતિજીવાણુક (antibacterial) સક્રિયતા દાખવે છે. પુષ્પોમાંથી 0.01 % બાષ્પશીલ તેલ અને બીજમાંથી 9.0 % જેટલું સ્થાયી (fixed) તેલ પ્રાપ્ત થાય છે.

ઢોરો ગંધારીનો ચારા તરીકે ઉપયોગ કરતાં નથી. તે ઢોરો માટે ઝેરી પણ છે. તેનો ચારો ઢોર દ્વારા વધારે પડતો ખાવામાં આવે તો તીવ્ર કમળો, વધુ પડતી લાળ ઝરવી, તીવ્ર ત્વચાશોથ (dermatitis), નસકોરાં અને મોંની વચ્ચે ત્વચાનું વિશલ્ક્ધા (exfoliation) અને વિપુલ અશ્રુસ્રાવ થાય છે. પ્રાણીઓની ભૂખ મરી જાય છે અને ચૈતન્યવિહીન બની જાય છે. મરણોત્તર પરીક્ષણ (post-mortem) દરમિયાન ઉદરનાં અંગો પિત્તરંજકો દ્વારા પુષ્કળ રંગીન બન્યાં હોવાનું જણાયું છે. યકૃત રક્તસંકુલિત (congested) બને છે અને કદમાં ઘણું ફૂલી જાય છે.

તેનાં ફળ ખાદ્ય હોય છે. તેને ધાણી-ડાળિયા પણ કહે છે. લીલી શાખાઓનો દાતણ તરીકે અને પર્ણોના કાષ્ઠને પૉલિશ કરવામાં ઉપયોગ થાય છે. તે ક્ષતરોહી (vulnerary), સ્વેદક (diaphoretic), વાયુસારી (carminative) અને ઉદ્વેષ્ટરોધી (antispasmodic) હોય છે. તે નાલવ્રણ (fistula), પાકેલી ફોલ્લીઓ (pustules) અને અર્બુદ(tumour)માં ઉપયોગી છે. વનસ્પતિનો કાઢો (ઉકાળો) ધનુર (tetanus), સંધિવા અને મલેરિયામાં આપવામાં આવે છે. દાંતના દુ:ખાવામાં તાજાં મૂળના કાઢાનો કોગળા કરવામાં ઉપયોગ થાય છે. કચરેલાં પર્ણો કાપા, ચાંદાં અને સોજાઓ પર લગાડવામાં આવે છે. ફળ અને પર્ણોનો કાઢો ઘા ઉપર મલમ તરીકે લગાડાય છે. પર્ણોનો આસવ (infusion) પૈત્તિક (bilious) તાવ અને શ્લેષ્મસ્રાવની તકલીફોમાં આપવામાં આવે છે. તેનો સંધિવામાં મલમ તરીકે કે શેક કરવામાં ઉપયોગ થાય છે.

પર્ણદંડોમાંથી કાગળનો માવો બનાવવામાં આવે છે. તેમાંથી બનતા કાગળો વીંટાળવા કે છાપવા માટે ઉપયોગમાં લેવાય છે.

ઉદ્યાનોમાં ઉગાડવામાં આવતી લૅન્ટાનાની જાતિઓમાં Lantana camara var. depressa બહુ સુંદર લાગે છે. તે ફેલાતો છોડ છે અને 70 સેમી.થી 80 સેમી. ઊંચાઈ ધરાવે છે. તેને પીળા રંગનાં નાનાં નાનાં પુષ્પો ઝૂમખાંમાં સમગ્ર વર્ષ દરમિયાન આવે છે. એક-બે વર્ષે તેની ઉપરની ડાળીઓની થોડી થોડી છાંટણી કરવાથી નવી ફૂટ ઉપર સારાં પુષ્પો બેસે છે. ઉદ્યાનોમાં બૉર્ડરના છોડ તરીકે તે ઘણા ઉપયોગી છે.

L. sellowiana Lind. (વીપિંગ લૅન્ટાના) 30 સેમી.થી 40 સેમી. ઊંચી ઉપક્ષુપ જાતિ છે. તેની શાખાઓ ફેલાતી હોય છે. તેનાં પુષ્પો ભૂરાં કે આછા જાંબલી રંગનાં હોય છે. તેને નીચી બૉર્ડર તરીકે કે લટકતી ટોપલીઓમાં ઉગાડવામાં આવે છે.

L. indica var. lutea schaner.ને ચળકતાં પીળા રંગનાં અને var. alba schanerને સફેદ પુષ્પો બેસે છે. લૅન્ટાનાની બીજી જાતિઓમાં L. rugosa Thunb. syn.; L. salvifolia Jacq.; L. lilacina અને L. niveaનો સમાવેશ થાય છે. L. rugosaનો આફ્રિકાના કેટલાક ભાગોમાં ખોરાક અને દૂધને સુગંધિત કરવામાં ઉપયોગ થાય છે.

મ. ઝ. શાહ