લૅન્ડ, એડવિન હર્બર્ટ (Land, Edwin Herbert)

January, 2005

લૅન્ડ, એડવિન હર્બર્ટ (Land, Edwin Herbert) (જ. 7 મે 1909, બ્રિજપૉર્ટ, કનેક્ટિકટ, યુ.એસ.; અ. 1 માર્ચ 1991, કેમ્બ્રિજ, મૅસેચૂસેટ્સ, યુ.એસ.) : યુ.એસ.ના ભૌતિકવિદ, પોલેરૉઇડ (Polaroid) તથા તત્ક્ષણ (instant) ફોટોગ્રાફીના શોધક તથા ધંધાદારી સંચાલક. પિતા હૅરી એમ. લૅન્ડ તથા માતા માર્થા જી. લૅન્ડ. એડવિને અમેરિકાની નૉર્વિક એકૅડેમી તથા હાર્વર્ડ યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો હતો. તેમનાં લગ્ન 1929માં હેલન મેસ્લીન સાથે થયાં હતાં. સંતાનોમાં તેમને બે પુત્રીઓ હતી.

એડવિન હર્બર્ટ લૅન્ડ

હાર્વર્ડ યુનિવર્સિટીમાં હતા ત્યારે તેમને ધ્રુવીભૂત (polarised) પ્રકાશમાં રસ પડ્યો હતો. આ એવો પ્રકાશ છે કે જેમાં વીજચુંબકીય કંપનો એક જ તલ(plane)માં થતાં હોય છે. આવો પ્રકાશ મેળવવા માટે શરૂઆતમાં નિકોલ (Nicol) ત્રિપાર્શ્ર્વ(prism)નો ઉપયોગ થતો હતો. તે પછી એમ માલૂમ પડ્યું કે કેટલાક કાર્બનિક (organic) સ્ફટિકોમાંથી પસાર થતો પ્રકાશ પણ ધ્રુવીભૂત થાય છે; પણ આવા સ્ફટિકો મોટા આમાપ(size)ના બનાવી શકાતા ન હતા. લૅન્ડે સંસ્થામાંથી રજા લીધી અને ઊંડા અભ્યાસ અને પ્રયોગો પછી શોધી કાઢ્યું કે જો નાના સ્ફટિકોને સરખી રીતે ગોઠવવામાં આવે તો તેઓ પણ આ કાર્ય કરી શકે છે. આ માટે સ્વચ્છ (clear) પ્લાસ્ટિકની ચાદરમાં આયોડોક્વિનાઇન સલ્ફેટના ઉપસૂક્ષ્મ (submicroscopic) સ્ફટિકોને હારબંધ અંત:સ્થાપિત (embedded) કરવામાં તેઓ 1932માં સફળ થયા અને એ રીતે સૌપ્રથમ ચાદર-ધ્રુવકો(sheat-polarisers)ની શોધ થઈ. આ રીતે મળતા ધ્રુવકને તેમણે પોલેરૉઇડ-J (polaroid-J) ચાદર એવું વ્યાપારી નામ આપ્યું અને 1934માં પોલેરાઇઝ્ડ લાઇટ ફિલ્ટર્સની પેટન્ટ લીધી. આ અગાઉ 1932માં તેમણે હાર્વર્ડના ભૌતિકશાસ્ત્રના ઇન્સ્ટ્રક્ટર જ્યૉર્જ વ્હિલરાઇટ-III સાથે લૅન્ડ-વ્હિલરાઇટ લેબૉરેટરીની સ્થાપના કરી હતી. 1936ના અરસામાં તેઓ ધ્રુવીભવનની આ ઘટનાનો ઉપયોગ હેડલાઇટના આંખોને આંજી નાખતા પ્રકાશને ટાળવામાં, કૅમેરાનાં ફિલ્ટર્સમાં, ચમક ઓછી કરતા ગૉગલ્સ(sunglasses)માં તથા ત્રિપરિમાણી (three dimensional) ચલચિત્રોમાં કરી શક્યા હતા.

પોતાની શોધને વધુ વિકસાવવા તેમણે અભ્યાસ છોડી દીધો. 1937માં આવાં ફિલ્ટર્સના ઉત્પાદન માટે કેમ્બ્રિજ ખાતે પોલેરૉઇડ કૉર્પોરેશનની સ્થાપના કરી અને પોતે તેના પ્રેસિડન્ટ તથા ચૅરમૅન બન્યા. અહીં તેમણે પ્રકાશ-ફિલ્ટર્સ વિકસાવ્યાં. 1941ના અરસામાં તેમણે ધ્રુવીભૂત પ્રકાશ આધારિત ત્રિપરિમાણી ચલચિત્ર પ્રવિધિ વિકસાવી.

દ્વિતીય વિશ્વયુદ્ધ દરમિયાન તેમણે ધ્રુવણ(polarising)ના સિદ્ધાંતનો ઉપયોગ લશ્કરી સાધન-સામગ્રી (military hardware) જેવી કે પારરક્ત ફિલ્ટર્સ, હલકાં વજનના પરાસમાપકો (range finders), ઍન્ટિએરક્રાફ્ટ તોપોનાં સ્થાન (sights) નક્કી કરવા અને અન્ય શસ્ત્રો તથા રાત્રે વાપરવા માટેના ગૉગલ્સ વગેરેમાં કર્યો.

વિશ્વયુદ્ધ પછી લૅન્ડે તત્ક્ષણિક (instantaneous) ડેવલપ કરી શકાય તેવી એક-સોપાની (single step) ફિલ્મ બનાવવા ઉપર કાર્ય શરૂ કર્યું. તેમણે એક એવી કરામતવાળો (ingenious) કૅમેરા આપ્યો કે જેમાં ફિલ્મ વિકસાવવા માટેનાં રસાયણોનો પણ સમાવેશ થયેલો હોય તેવી અનેકસ્તરીય ફિલ્મ વાપરવામાં આવી હતી. આ ફિલ્મનાં પ્રક્રમણ કરવા માટેનાં રસાયણો ફોટોગ્રાફ લીધા પછી કેટલીક સેક્ધડોમાં (લગભગ 60 સેકન્ડમાં) મુક્ત થઈ સ્વીકાર્ય હોય તેવી રંગીન પ્રિન્ટ આપે છે. 1947માં તેમણે પોલેરૉઇડ લૅન્ડ કૅમેરાનું નિદર્શન આપ્યું અને 1948માં તે બજારમાં મૂક્યો. 1963માં તેમણે રંગીન ફોટોગ્રાફ લેવા માટેનો કૅમેરા બજારમાં મૂક્યો. ચલચિત્ર લીધા પછી તુરત જ જોઈ શકાય તેવી પોલેવિઝન (polavision) પ્રણાલીનું તેમણે 1977માં નિદર્શન કર્યું અને 1978માં તે બજારમાં રજૂ થઈ.

પ્રકાશ અને રંગ પ્રત્યેનો તેમનો રસ રંગના અવગમન (perception) અંગેના એક નવા સિદ્ધાંતમાં પરિણમ્યો, જે રેટિનેક્સ (retinex) સિદ્ધાંત તરીકે ઓળખાય છે (1959). તેમણે જોયું કે આપણને જે રંગ દેખાય છે તે આંખમાં દાખલ થતાં વાદળી, લીલા અને લાલ રંગના સાપેક્ષ પ્રમાણ પર આધારિત નથી. તેમણે સૂચવ્યું કે આમાં રેટિનેક્સ તરીકે ઓળખાતી ત્રણ સ્વતંત્ર પ્રતિબિંબ રચતી (image forming) ક્રિયાવિધિઓ કામ કરે છે અને જે રંગ દેખાય છે તે તેમના સંયોજનથી ઉત્પન્ન થાય છે.

1980માં પોલેરૉઇડના મુખ્ય વહીવટી અધિકારી તરીકે નિવૃત્ત થયા બાદ પણ તેઓ રોલેન્ડ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ સાયન્સમાં પ્રકાશ અને રંગ અંગેના સંશોધનમાં વ્યસ્ત રહ્યા હતા. આ સંસ્થા લૅન્ડે 1960માં સ્થાપેલ રોલેન્ડ ફાઉન્ડેશન ઇન્કૉ. દ્વારા સહાય મેળવતી હતી. રોલેન્ડના સંશોધકોએ દર્શાવ્યું કે પ્રકાશ અને રંગના અવગમનનું નિયમન મુખ્યત્વે મગજ દ્વારા થાય છે અને નહિ કે આંખના નેત્રપટલ(retina)ની વર્ણપટ પ્રણાલી દ્વારા. 1980થી તેમના અવસાન સુધી તેઓ રોલેન્ડ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ સાયન્સના નિયામક રહ્યા હતા.

પ્રકાશ અને પ્લાસ્ટિક અંગેના તેમના નવોત્થાન(innovation)ના ફળસ્વરૂપે તેમણે 530 કરતાં વધુ પેટન્ટ મેળવી હતી. હાર્વર્ડમાંથી તેઓ સ્નાતક થયા ન હતા, પણ તે સંસ્થાએ તેમને 1957માં ડૉક્ટરેટની માનદ પદવી એનાયત કરી હતી. 10 જેટલી અન્ય યુનિવર્સિટીઓએ પણ તેમને માનદ પદવીઓ આપી હતી. અનેક વૈજ્ઞાનિક સંસ્થાઓ દ્વારા પણ તેઓ સન્માનિત થયા હતા.

1957-59 દરમિયાન રાષ્ટ્રપ્રમુખની વિજ્ઞાન-વિષયક સલાહકાર સમિતિના, 1961-67 દરમિયાન રાષ્ટ્રપ્રમુખના ફૉરેન ઇન્ટેલિજન્સ સલાહકાર બૉર્ડના, 1964-66માં ટેક્નૉલોજી, ઑટોમેશન અને ઈકોનૉમિક પ્રોગ્રેસ માટેની સંસ્થાના સભ્ય રહ્યા હતા. તેઓ રાષ્ટ્રીય એન્જિનિયરિંગ એકૅડેમી તથા અમેરિકન ફિલોસૉફિકલ સોસાયટીના પણ સભ્ય હતા. આ ઉપરાંત તેઓ અમેરિકન એકૅડેમી ઑવ્ આર્ટ્સ ઍન્ડ સાયન્સના ફેલો (તેમજ ભૂતપૂર્વ અધ્યક્ષ), અમેરિકન ફોટોગ્રાફિક સોસાયટી તથા ગ્રેટ બ્રિટનની રૉયલ ફોટોગ્રાફિક સોસાયટીના પણ ફેલો ચૂંટાયા હતા. તેઓ રૉયલ સોસાયટીના વિદેશી સભ્ય (1986માં) તેમજ રૉયલ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ગ્રેટ બ્રિટનના પણ માનાર્હ સભ્ય બન્યા હતા. વળી 1956માં એમ.આઇ.ટી.માં વિઝિટિંગ પ્રોફેસર તથા 1966-67 દરમિયાન હાર્વર્ડ યુનિવર્સિટીમાં વિલિયમ જેમ્સ લેક્ચરર ઑન સાઇકૉલોજી તરીકે સેવાઓ આપી હતી.

તેમને મળેલાં માન-અકરામોમાં પ્રેસિડેન્શિયલ મેડલ ઑવ્ ફ્રીડમ (1963), નૅશનલ મેડલ ઑવ્ સાયન્સ (1967), રાઇટ પ્રાઇઝ (1980) તથા મેડલ ઑવ્ ટેક્નૉલોજી (1988) વગેરેને ગણાવી શકાય. તેમના કાર્યની કદર રૂપે નૅશનલ ઇન્વેન્ટર્સ હૉલ ઑવ્ ફેમમાં તેમની પ્રતિમા મૂકવામાં આવી છે.

રમેશ ઠાકર

જ. દા. તલાટી