લેથ (lathe) : ધાતુમાં ધારદાર ઓજાર વડે કર્તન કરી-છોલીને નળાકાર ઘાટના દાગીના તૈયાર કરવા કે નળાકાર દાગીનામાં આંટા પાડવા માટે વપરાતું મશીન. લેથ મશીન ધાતુના (કે લાકડાના) પદાર્થોને છોલીને દાગીના તૈયાર કરવા વપરાતાં અનેકવિધ મશીનો(મશીનટૂલ્સ)માં સૌથી જૂનું અને આજે પણ સૌથી વિશેષ પ્રમાણમાં વપરાતું મશીન છે. સદીઓ પહેલાંના હાથથી ચલાવાતા સાદા લેથથી માંડીને આજનાં સંપૂર્ણ નિયંત્રિત CNC લેથ મશીનો વિકાસના અનેક તબક્કાઓમાંથી પસાર થયાં છે અને તેની વિકાસગાથા સમગ્ર મશીનટૂલ્સની છે, કારણ કે મશીનટૂલ્સમાં લેથ અગ્રેસર છે. બધાં મશીનટૂલ્સમાં ખાસ કરીને લેથને માતૃમશીન (mother machine) કહેવાય છે, કારણ કે બાકીના કોઈ પણ મશીનના ભાગો તૈયાર કરવા લેથનો ઉપયોગ કરવો લગભગ અનિવાર્ય હોય છે.

આકૃતિ 1 : લેથમાં મુખ્ય ક્રિયાઓ : (1) ચક, (2) દાગીનો, (3) ટૂલ

લેથમાં દાગીનાને પકડાવી પરિભ્રામી (rotary) ગતિ આપવામાં આવે છે અને ટૂલ(ઓજાર)ને ચાલ આપી નળાકાર આકાર મેળવાય છે.

લેથના મુખ્ય ભાગોમાં બેડ (તળ), હેડ સ્ટૉક, સૅડલ, ક્રૉસ સ્લાઇડ, ટૂલ-પોસ્ટ, ટેઇલ સ્ટૉક, લીડ સ્ક્રૂ, ફીડશાફ્ટ અને સ્પિન્ડલ છે. આ ઉપરાંત દાગીનાને પકડાવવા જુદાં જુદાં સાધનો વપરાય છે. તેમાં સેન્ટર્સ, કૅરિયર્સ, કૅચ-પ્લેટ, ચક (chuck), ફેઇસ પ્લેટ વગેરે મુખ્ય છે.

આકૃતિ 2 : સ્લાઇડિંગ, સરફેસિંગ, સ્ફ્રૂકટિંગ લેથ (એન્જિન લેથ)

કોઈ પણ મશીનટૂલ દ્વારા દાગીના (job) ઉપર ચોક્કસ આકાર અને જરૂરી ચોકસાઈ(accuracy)વાળી સપાટી ઉત્પન્ન કરવાની હોય છે. લેથમાં ટર્નિંગ, થ્રેડિંગ કે ફેસિંગ કરવાનું હોય છે. આ માટે દાગીના અને ટૂલ વચ્ચે ચોક્કસ પ્રકારની સાપેક્ષ ગતિ જરૂરી છે. લેથમાં ટર્નિંગ કરી નળાકાર મેળવવા માટે દાગીનાને પરિભ્રામી ગતિ અને ટૂલને લેથની સમાંતર ચાલ આપવાની હોય છે. ફેસિંગ માટે ટૂલને સમાંતરને બદલે કાટખૂણે ચાલ આપવી પડે, જ્યારે આંટા પાડવા હોય ત્યારે દાગીનો એક આંટો ફરે ત્યારે ટૂલ આંટાની પિચ (લીડ) જેટલું ચાલે તે પ્રમાણે બંનેની ગતિઓ વચ્ચે સંબંધ હોવો જોઈએ.

લેથમાં સ્પિન્ડલને જુદી જુદી ગતિ (પરિભ્રામી) મળે અને ટૂલને પણ જુદી જુદી ચાલ મળે તે માટે ખાસ વ્યવસ્થા હોય છે. દાગીનાની ધાતુ જુદી જુદી હોય તેમજ કદ પણ જુદું જુદું હોઈ શકે માટે તેની (સ્પિન્ડલની) ગતિ પણ જુદી જુદી રાખવી પડે. તેવી જ રીતે દાગીના પરની સપાટીની સફાઈ (finish) કે ચોકસાઈ (accuracy) જુદી જુદી મેળવવા માટે ટૂલને આપવામાં આવતી ચાલ (lead) પણ જુદી જુદી હોવી જોઈએ.

આકૃતિ 3 : CNC લેથ

અગાઉ જણાવ્યા પ્રમાણે લેથ એ બહુ અગત્યનું મશીનટૂલ છે. જુદી જુદી પરિસ્થિતિને પહોંચી વળવા લેથના ઘણા પ્રકારો ઉદભવ્યા છે. અલબત્ત, બધા લેથમાં કાર્યસિદ્ધાંત તો એકસરખો જ રહે છે. સ્પીડ લેથ, એન્જિન લેથ, બેન્ચ લેથ, ટૂલરૂમ લેથ, કૅપ્સ્ટન લેથ, ટરેટ લેથ, ઑટોમૅટિક લેથ અને CNC લેથ એ તેના મુખ્ય પ્રકારો છે. દાગીનાને કે ટૂલને પકડવાની રીતમાં અને સ્પિન્ડલ તેમજ ટૂલની ગતિના નિયંત્રણમાં થયેલ વિકાસને લીધે જુદા જુદા પ્રકારનાં લેથ મશીનો ઉદભવ્યાં. સાદા એન્જિન લેથ, કૅપ્સ્ટન કે ટરેટ લેથની જગ્યાએ CNC લેથ મશીનો કે જેમાં ગતિઓનું નિયંત્રણ computerised numerical control પ્રકારનું હોય છે, તેનો ઉપયોગ વધતો જાય છે.

લેથ મશીન દ્વારા અનેકવિધ મશીનિંગ ક્રિયાઓ થઈ શકે છે. તેનાં કારણોમાં મુખ્ય કારણ એ છે કે લેથમાં અનેક પ્રકારનાં ટૂલ્સ (ઓજારો) વપરાય છે. રફ ટર્નિંગ ટૂલ, ફિનિશિંગ ટૂલ, ફેસિંગ ટૂલ, થ્રેડિંગ ટૂલ, પાર્ટિગ ટૂલ, બોરિંગ ટૂલ, ફૉર્મિંગ ટૂલ, નર્લિંગ ટૂલ વગેરે મુખ્ય છે. CNC લેથ મશીન સાથોસાથ ટૂલ હોલ્ડરોમાં પણ ઘણો વિકાસ થયો છે. ટૂલ પદાર્થ મુખ્યત્વે હાઇસ્પીડ સ્ટીલ કે સિમેન્ટેડ કાર્બાઇડ્ઝ હોય છે. દાગીનાની સપાટી ખૂબ લીસી, અરીસાની સપાટી (minor finish) જેવી જોઈતી હોય તો ડાયમંડ ટૂલ પણ વપરાય છે.

લેથનું કદ અથવા માપ એટલે ખરેખર તેનું પોતાનું માપ કે કદ નહિ, પરંતુ કેટલા મોટામાં મોટા માપ/કદ(size)ના દાગીના પર તે કાર્ય કરી શકે તે છે. લેથનું માપ લેથ-બેડથી સ્પિન્ડલ સેન્ટરની ઊંચાઈ અથવા બેડ પર દોલન વ્યાસ (swing diameter over bed) દ્વારા દર્શાવાય છે. આ ઉપરાંત લેથના વિનિર્દેશ(specification)માં વધારે વિગત જેવી કે બેડની ઊંચાઈ અને પહોળાઈ, સ્પિન્ડલનો વ્યાસ, સેન્ટર્સના મૉર્સ-ટેપર નંબર, સ્પિન્ડલને મળી શકતી જુદી જુદી ગતિઓ (આંટા દર મિનિટે), ટૂલને આપી શકાતી ચાલ, લીડ-સ્ક્રૂની પિચ, ઇલેક્ટ્રિક મોટરનો હૉર્સ-પાવર અથવા કિલોવૉટ વગેરે હોય છે.

આકૃતિ 4

ગાયત્રીપ્રસાદ હીરાલાલ ભટ્ટ