લેના તમિળવનન (લક્ષ્મણન આર.એમ.)

January, 2005

લેના તમિળવનન (લક્ષ્મણન આર.એમ.) (જ. 1 ફેબ્રુઆરી 1954, દેવકોટ્ટઈ, જિ. પશુમ્પન, તામિલનાડુ) : તમિળ લેખક. એમ.એ.ની ડિગ્રી મેળવ્યા બાદ તેમણે પત્રકારત્વમાં ડિપ્લોમા કર્યું અને ‘કાલકંડુ અને કુમુદમ્’ સાપ્તાહિકના સહ-સંપાદક બન્યા. તેમણે અનેક કૉલેજોમાં પત્રકારત્વના અધ્યાપક તરીકે કામગીરી કરી અને સંપાદક બૉર્ડ, મણિમેકલાઈ પ્રસુરામ, ચેન્નઈના અધ્યક્ષ તરીકે કાર્યરત રહ્યા.

તેમણે 51 ગ્રંથો આપ્યા છે. ‘વિદિયાત ઇરાવુકલ’ (1981); ‘મીન્ડમ સંકરલાલ’ (1982); ‘સંકરલાલુકકુ સવાલ’ (1985); ‘કમ્પ્યૂટર કોલઈ’ (1987) તેમની નોંધપાત્ર નવલકથાઓ છે. ‘લેના તમિળવનાનિન ઓરુ પક્કા કટ્ટુરાઈકલ’ (1983-85) તેમના 13 ભાગમાં લખાયેલ નિબંધ- સંગ્રહો છે. જ્યારે ‘તુપ્પારિયમ કલાઈ’ (1980); ‘ઓરુ પત્થિરિકૈલાનિન મેલૈનાટ્ટપ પયાના અનુભવંગલ’ (1986); ‘ધુબઈ અળૈક્કિરાડુ’ (1993); ‘કન્નુક્કુલ નિર્કમ કાંગારુ નાડુ’ (1994) તેમનાં ઉલ્લેખનીય પ્રવાસ-સંસ્મરણો છે.

તેમણે યુ.કે., ફ્રાન્સ, શ્રીલંકા, સિંગાપોર, મલેશિયા, કૅનેડા, યુ.એસ., સ્વિટ્ઝર્લૅન્ડ, જાપાન અને અન્ય એશિયન દેશોનો પ્રવાસ ખેડ્યો છે. તમિળ પત્રકારત્વ અને સાહિત્યક્ષેત્રે તેમના પ્રદાન બદલ તેમને તામિલનાડુ જેસી અને વીજીપી સાંસ્કૃતિક અકાદમી તરફથી બેસ્ટ યુથ જર્નાલિસ્ટ ઍવૉર્ડ (1984); રાજીવ ગાંધી ઍવૉર્ડ (1992-93); તાંજોર તમિળ યુનિવર્સિટી ઍવૉર્ડ (1986) તેમજ પ. પૂ. કાંચી શંકરાચાર્ય દ્વારા ‘ઇલક્કિયા ચિંતનાઈ મણિ’નો ઇલકાબ પ્રાપ્ત થયા હતા.

બળદેવભાઈ કનીજિયા