લેણદેણનું સરવૈયું : કોઈ પણ એક દેશનું વિશ્વના અન્ય દેશો સાથેની લેવડદેવડનું વાર્ષિક સરવૈયું, જેમાં દૃશ્ય અને અદૃશ્ય બંને પ્રકારની લેવડદેવડના નાણાકીય મૂલ્યનો સમાવેશ થતો હોય છે. દૃશ્ય સ્વરૂપની લેવડદેવડમાં ચીજવસ્તુઓના આદાનપ્રદાનના મૂલ્યનો અને અદૃશ્ય સ્વરૂપની લેવડદેવડમાં સેવાઓની લેવડદેવડના મૂલ્યનો સમાવેશ થાય છે.

આજના યુગમાં વિશ્વના તમામ દેશો વત્તેઓછે અંશે એકબીજા સાથે વ્યાપારથી સંકળાયેલા છે. દરેક દેશ અન્ય દેશો પાસેથી માલ, સેવા ને મૂડી લે છે અને તેમને માલ, સેવા ને મૂડી આપે છે.

આ આંતરરાષ્ટ્રીય વ્યાપાર આમ તો આંતરિક વ્યાપાર જેવી જ ઘટના છે. દેશનો દરેક માણસ કાંઈ સંપૂર્ણ રીતે સ્વાવલંબી નથી હોતો તે પોતે પેદા કરેલ માલ બજારમાં વેચે છે ને ત્યાંથી પોતાને જોઈતી ચીજો ખરીદી લાવે છે. પણ આ આંતરિક વ્યાપારમાં એક મોટી અનુકૂળતા હોય છે, જે આંતરરાષ્ટ્રીય વ્યાપારમાં નથી હોતી. આંતરિક દૃષ્ટિએ દેશ સર્વમાન્ય નાણું ધરાવે છે તે આ એક મોટી અનુકૂળતા આંતરિક વ્યાપારમાં છે. માણસ બજારમાં જાય છે, પોતાની પાસેની ચીજ કે સેવા વેચે છે, નાણાં મેળવે છે, અને તેમાંથી પોતાને જોઈતી ચીજ કે સેવા લઈને પાછો આવે છે. માત્ર ખરીદી જ કરવી હોય તોય દેશના ચલણમાં કિંમત ચૂકવીને તે જરૂરિયાતને સંતોષી શકે છે. સમગ્ર દેશમાં સામાન્ય રીતે સર્વસ્વીકૃત હોય તેવું નાણું અસ્તિત્વમાં હોય છે ને તેના માધ્યમ દ્વારા આંતરિક વ્યાપાર સરળતાથી ચાલે છે. પરંતુ આંતરરાષ્ટ્રીય વ્યાપારની મુશ્કેલી એ છે કે દુનિયાના બધા દેશોમાં સર્વસ્વીકાર્ય હોય તેવું નાણું અસ્તિત્વમાં હોતું નથી. ભારતનો રૂપિયો દિલ્હીમાં ચાલે, ને ચેન્નાઈમાંય ચાલે, દેશના કોઈ પણ ખૂણામાં તે સ્વીકાર્ય  તેવું બ્રિટન, અમેરિકા, ચીન, જાપાન બધે એકસરખું સ્વીકાર્ય હોય તેવું નાણું હજી શોધાયું નથી. દરેક દેશ અલગ અલગ ચલણ કે નાણું ધરાવે છે. એક દેશનું નાણું બીજા દેશમાં ન ચાલે. પરિણામે વિદેશોનો માલ એક દેશ ખરીદવા માગે તો તેની પાસે જરૂરી વિદેશી મુદ્રા હોવી જોઈએ ને તે મેળવવા માટે તેણે વિદેશોને પોતાનો માલ કે સેવા વેચવાં પડે. સર્વત્ર સ્વીકાર્ય નાણામાં ચુકવણી કરવાનો વિકલ્પ તેની પાસે હોતો નથી.

કોઈ પણ એક દેશ વરસ દરમિયાન કઈ રીતે વિદેશી મુદ્રા કમાય છે ને વાપરે છે તેનું તારણ તે લેણદેણનું સરવૈયું કહેવાય છે. દેશે વિદેશી મુદ્રાના રૂપમાં કરેલી આવક-જાવકનો સાર તેમાં આવી જાય છે.

દેશના લેણદેણના સરવૈયાના ત્રણ ભાગ હોય છે :

(1) દેશની દૃશ્ય (visible), જોઈ શકાય, સ્પર્શી શકાય, ભૌતિક રીતે માપી, નોંધી શકાય તેવી ચીજોની આયાત ને નિકાસની માહિતી વ્યાપારના સરવૈયા પરથી મળે છે. આયાત કરે છે ત્યારે તે વિદેશી મુદ્રા વાપરે છે. આ સામે નિકાસ દ્વારા તે વિદેશી મુદ્રા કમાય છે.

(2) દેશ સેવાઓની આયાત-નિકાસ પણ કરે છે. એને દેશની અદૃશ્ય આયાત-નિકાસ (invisible import and export) કહેવામાં આવે છે. દેશ પોતાની બકિંગની, વીમાકંપનીની, વાહનવ્યવહારની ને એવી સેવાઓ વિદેશોને વેચે છે. તેના બદલામાં તે વિદેશી મુદ્રા કમાય છે. વિદેશના પર્યટકો ભારતમાં ફરે છે ત્યારે તેનાં વાહનવ્યવહાર, બૅંકિંગ ને હોટલોનો ઉપયોગ કરે છે. આ અદૃશ્ય સેવાઓની નિકાસનું સમજી શકાય તેવું ષ્ટાંત થયું. તે જ રીતે ભારત સરકાર, ભારતની પેઢીઓ ને ભારતીય પર્યટકો વિદેશો દ્વારા અપાતી આ પ્રકારની સેવાઓ ઉપયોગમાં લે છે. તે થઈ અદૃશ્ય સેવાઓની આયાત. આ અદૃશ્ય આયાત-નિકાસની માહિતી અદૃશ્ય વ્યાપારના સરવૈયા પરથી આપણને મળે છે (invisible trade balance).

દૃશ્ય આયાત-નિકાસ અને અદૃશ્ય આયાત-નિકાસ બંનેનો એક- સાથે વિચાર કરીએ તો આપણને દેશના ચાલુ ખાતાના વ્યાપારને લગતું  લેણદેણના સરવૈયાનું ચિત્ર મળે છે (balance of trade on current account). દેશ દૃશ્ય નિકાસ ને અદૃશ્ય નિકાસમાંથી એકંદરે કેટલી વિદેશી મુદ્રા કમાયો ને તેણે દૃશ્ય આયાત ને અદૃશ્ય આયાત પાછળ કેટલી વિદેશી મુદ્રા વાપરી તેનો ખ્યાલ આ ચાલુ ખાતાના લેણદેણના સરવૈયા (balance of payment on current account) પરથી આવી શકે છે.

(3) લેણદેણના સરવૈયાના ત્રીજા ઘટકનો હવે આપણે વિચાર કરીએ. તેમાં વિદેશી મુદ્રાની મૂડીના સ્વરૂપની લેવડદેવડનો સમાવેશ થાય છે. દરેક દેશ વિદેશી સહાય મેળવે છે તેમજ તે વિદેશોને સહાય આપે પણ છે. વિદેશના રોકાણકારો આ દેશમાં મૂડીરોકાણ કરે છે ને તે જ રીતે આ દેશના રોકાણકારો પરદેશોમાંય મૂડીરોકાણ કરે છે. વળી આ દેશ વિદેશો પાસેથી ટૂંકી ને લાંબી મુદતની લોન મેળવે છે. અને વિદેશોને આ પ્રકારની લોન આપે પણ છે. પરદેશમાં રહેતા ભારતીયો ભારતની બકોમાં થાપણો જમા કરાવે છે ને ભારતમાં રહેતા વિદેશીઓ પોતાના દેશ તરફ નાણાં મોકલે છે. આ સર્વ મૂડીના સ્વરૂપના વ્યવહારો છે. મૂડી ખાતાના લેણદેણના સરવૈયામાં તેમનો સમાવેશ થાય છે.

દૃશ્ય લેવડદેવડ, અદૃશ્ય લેવડદેવડ અને મૂડીના સ્વરૂપની લેવડદેવડ  આ ત્રણેય ઘટકોનો સમગ્ર રીતે વિચાર કરીએ તો કોઈ એક વર્ષ દરમિયાન દેશનું લેણદેણનું સરવૈયું કેવું રહ્યું તેનો એકંદર ખ્યાલ આપણને આવે.

કેટલાક હેતુઓ માટે માગ ને પુરવઠાના ખ્યાલની મદદ વડે આ સરવૈયા વિશે વિચાર કરવાનું અનુકૂળ પડે છે. દૃશ્ય આયાત, અદૃશ્ય આયાત ને વિદેશોમાં થતી લાંબી કે ટૂંકી મુદતની હેરફેરને આપણે વિદેશી મુદ્રાની માગ કહી શકીએ. (આ સર્વ વ્યવહારો રૂપિયાનો પુરવઠો દર્શાવે છે. રૂપિયા આપીને આ વ્યવહારો માટે માણસો વિદેશી મુદ્રા માગે છે.) દૃશ્ય નિકાસ, અદૃશ્ય નિકાસ ને વિદેશો તરફથી દેશમાં આવતી લાંબી ને ટૂંકી મુદતની મૂડી વિદેશી મુદ્રાનો પુરવઠો (અને રૂપિયાની માગ) દર્શાવે છે. આ વિદેશી મુદ્રાનાં માગ અને પુરવઠાના આધારે બજાર મુક્ત હોય તો વિદેશી મુદ્રાના ભાવ નક્કી થાય છે.

લેણદેણના સરવૈયા વિશે બે પરસ્પરવિરોધી દેખાતાં વિધાન કરવામાં આવે છે. એક તો એમ કહેવામાં આવે છે કે વિદેશી મુદ્રાના વ્યવહારો અનેક પરસ્પર સંકલિત ન હોય તેવી વ્યક્તિઓ, કંપનીઓ ને સરકારો દ્વારા વર્ષ દરમિયાન પોતપોતાની ગણતરીઓ અનુસાર થતા હોય છે. એટલે વિદેશી મુદ્રાની એકંદર આવક-જાવક બરાબર સમાન થઈને રહે એવો કોઈ સંભવ હોતો નથી. લેણદેણના સરવૈયામાં આથી અસમતુલા ઉદભવે એવો પૂરો સંભવ છે. વિદેશી મુદ્રાની આવક જાવક કરતાં ઓછી હોઈ શકે કે વધુ પણ હોઈ શકે. બીજી તરફ એમ કહેવામાં આવે છે કે લેણદેણના સરવૈયામાં વ્યાખ્યાથી જ અસંતુલન હોઈ શકે નહિ. દેશે આટલી વિદેશી મુદ્રા વર્ષાન્તે વાપરી એનો અર્થ જ એ થયો કે તેણે એક કે બીજી રીતે વિદેશી મુદ્રા મેળવી હોવી જોઈએ. અન્યથા એ વિદેશી મુદ્રા વાપરી જ ન શકે, કેમ કે તેને – વિદેશી મુદ્રાને – એ છાપી શકતો નથી. બંને વાત સાચી લાગે છે.

આ કોયડો ઉકેલવા માટે વિદેશી મુદ્રાના વ્યવહારોના બે પ્રકારનો વિચાર કરવો પડે. એક તો છે સ્વયંભૂ, સ્વાયત્ત (autonomous) વ્યવહારો, જે વ્યક્તિ, કંપની કે સરકાર પોતાની ગણતરીથી કરે છે. એમાંથી જન્મતી વિદેશી મુદ્રાની આવક-જાવક તો સમાન ન પણ હોય, કદાચ તે સમાન ન જ હોય. તે સમાન હોય તો જ નવાઈ. બીજા પ્રકારના વિદેશી મુદ્રાના વ્યવહારોને જે. ઈ. મીડ સાથે સમતુલાસ્થાપક વ્યવહારો (accomodating transactions) કહી શકીએ. વર્ષાન્તે  એક દેશે કમાયો હતો તેના કરતાં વધુ વિદેશી મુદ્રા વાપરી તેનો અર્થ એ થયો કે તેણે પોતાના હૂંડિયામણના ભંડોળમાંથી, યા આંતરરાષ્ટ્રીય નાણાભંડોળ પાસેથી ઉછીની લઈને, કોઈનું બિલ બાકી રાખીને કે કોઈ પાસે ટૂંકી મુદતની એ રીતે લોન લઈને એ રકમ વાપરી હોવી જોઈએ. રકમ વાપરી છે તો તે રકમ કોઈ ને કોઈ રીતે ચૂકવાઈ હશે, કોઈક ને કોઈક રીતે એ માટેની ગોઠવણ થઈ હશે. કમાણી ઉપરાંતના વ્યય માટે અર્થતંત્રમાં ગોઠવણ થઈ હશે તો  જ ખર્ચ કરી શકાયો હશે. આ ગોઠવણજન્ય, સમાનતાસ્થાપક વ્યવહારોને, એ રીતે થતી આવક-જાવકને ગણતરીમાં લઈએ તો લેણદેણનું સરવૈયું હંમેશ સમતોલ હોય છે. સ્વયંભૂ મળેલી વિદેશી મુદ્રાની રકમ અને ગોઠવણજન્ય પ્રાપ્ત થયેલ રકમનો સરવાળો તો હંમેશ તેના ખર્ચ બરાબર હોય જ છે.

દેશનો પ્રયત્ન આ ખાસ ગોઠવણથી (accommodating items) મેળવાયેલ વિદેશી મુદ્રાની મદદ વિના લેણદેણના સરવૈયાને સમતોલ બનાવવાનો હોવો જોઈએ. દેશ વિદેશી મુદ્રાના પોતાના ભંડોળમાંથી કે આંતરરાષ્ટ્રીય નાણાભંડોળમાંથી કે વિદેશો પાસેથી ટૂંકા ગાળાની લોન મેળવીને લાંબા ગાળા માટે અમર્યાદિત પ્રમાણમાં વિદેશી મુદ્રાની આવક-જાવક વચ્ચેની ખાધ પૂરી શકે નહિ. આ તો ટૂંકા ગાળા માટેની પ્રાયોજિત કે આપોઆપ અમલમાં આવી જતી ગોઠવણો છે. જેમ બને તેમ જલદી એમના વિના વિદેશી મુદ્રાની લેણદેણનું સરવૈયું સમતોલ બને એ માટે દેશે અન્ય ઉપાયો યોજવા જોઈએ. ખાસ ગોઠવણોની જોગવાઈ તો આ ઉપાયો લેવા માટેનો દેશને શ્ર્વાસ લેવાનો સમય આપે છે, એમને કારણે દેશ સુચિંતિત નીતિ અપનાવી શકે છે. લેણદેણના સરવૈયાને તાત્કાલિક સરભર કરતા ખાસ વ્યવહારો (accommodating transactions) પર લાંબા ગાળામાં આધાર રાખી શકાય નહિ.

લેણદેણનું સરવૈયું સમતોલ ન હોય  ખાસ તો દેશ વર્ષાન્તે વિદેશી મુદ્રાની આવક કરતાં વધુ ખર્ચ કરતો હોય – તો સ્થિતિ સુધારવા માટે તેની સામે કેટલાક નીતિવિષયક વિકલ્પો હોય છે. તેમનો અહીં ટૂંકમાં નિર્દેશ કરીએ :

એક તો તે દેશ પોતાના ચલણનું અવમૂલ્યાંકન કરે, અર્થાત્ વિદેશી મુદ્રાના ભાવ વધવા દે તો તેની નિકાસો વધશે ને આયાતો ઘટશે ને લેણદેણનું સરવૈયું સમતુલા તરફ ખસશે. રૂપિયો સસ્તો થયો હોય એટલે તેની (અર્થાત્ ભારતની ચીજોની) વિદેશોમાં માગ વધશે. વિદેશી મુદ્રા મોંઘી થઈ હોય એટલે તેની (વિદેશી માલની) માગ દેશમાં ઘટશે. આમ લેણદેણનું સરવૈયું સમતોલ બનવા તરફનું વલણ દાખવશે.

બીજો ઉપાય છે નિકાસ ને આર્થિક સહાય (subsidy) આપવાનો અને આયાત પર કર લાદવાનો. આ રીતે નિકાસોને વિદેશોમાં સસ્તી કરી શકાય ને આયાતોને દેશમાં મોંઘી બનાવી શકાય. સ્થિર વિનિમયના દરે વિદેશી મુદ્રાના લેણદેણના સરવૈયામાં આ રીતે સમતુલા લાવી શકાય.

વિનિમય-અંકુશોથી પણ આ હેતુ સિદ્ધ કરી શકાય. વિદેશી મુદ્રા કમાનાર સર્વ દેશની મધ્યસ્થ બૅંકમાં તે જમા કરાવે ને નિશ્ચિત દરે તેના બદલામાં રૂપિયા મેળવે એવું ફરમાન રાજ્ય બહાર પાડી શકે. પછી આ વિદેશી મુદ્રા વાપરવાનો, નિશ્ચિત દરે તે મેળવવાનો ને અગ્રિમતા અનુસારની ચીજ મુકરર પ્રમાણમાં આયાત કરવાનો અધિકાર એ લાયસંસ દ્વારા નિશ્ચિત વ્યાપારીઓને આપી શકે. વિદેશી મુદ્રાની કમાણી જેટલો જ ખર્ચ થાય તે આ રીતની ગોઠવણથી જોઈ શકાય.

અન્ય દેશોની સરખામણીમાં દેશમાં ભાવ-સપાટી ને આવકની સપાટી નીચી રહે, ઓછા દરે વધે એવી નીતિ સરકાર અપનાવે છે ત્યારે જ લેણદેણના સરવૈયામાં સમતુલા આવે છે. સુવર્ણ ધોરણની વ્યવસ્થા વિશ્વમાં એક સમયે 1930 સુધી પ્રવર્તતી હતી તેમાં તો આપોઆપ આ પ્રક્રિયા અમલમાં આવી જતી હતી. વિદેશી મુદ્રાની માગ (અર્થાત્ જાવક) તેના પુરવઠા (અર્થાત્ આવક) કરતાં વધુ હોય તો ચોક્કસ મર્યાદા પછી એ દેશમાંથી સોનાની નિકાસ થવા માંડે ને સુવર્ણ ધોરણના નિયમો અનુસાર એ દેશે મોંઘા નાણાની નીતિ અપનાવવી પડે ને પરિણામે ભાવ ને આવક-સપાટી નીચી જાય. એથી ઊલટું સોનાની આયાત થતી હોય તે દેશમાં બને. ત્યાં ભાવ ને આવકની સપાટી ઊંચી આવે. આમ ખાધ અનુભવનાર દેશની નીચી ભાવ ને આવક-સપાટીને કારણે આયાત ઘટે, નિકાસ વધે ને સમતુલા સ્થપાય. આજે વિશ્વમાં સુવર્ણ ધોરણ તો નથી, છતાં લેણદેણના સરવૈયામાં ખાધ અનુભવનાર દેશ મરજિયાત રીતે પોતાની ભાવ અને આવકની સાપેક્ષ સપાટીને નીચી રાખવા માટે જરૂરી નાણાકીય ને રાજકોશીય નીતિને અનુસરે તો તે લેણદેણની સમતુલા તરફ ખસી શકે છે.

આમ અવમૂલ્યન કે અવમૂલ્યાંકન, જથ્થાત્મક અંકુશો, વિનિમય-અંકુશો ને સાપેક્ષ નીચી ભાવસપાટી – આ ચાર નીતિવિષયક પગલાં દ્વારા લેણદેણના સરવૈયામાં ખાધ અનુભવનાર દેશ સમતુલા સ્થાપી શકે.

લેણદેણના સરવૈયાને સમતોલ બનાવવા માટેની આ પ્રત્યેક નીતિ ગુણદોષ ધરાવે છે.

આજે બે સિદ્ધાંત આંતરરાષ્ટ્રીય વ્યાપારનીતિના ક્ષેત્રે સ્વીકારાયા છે. એક વાત તો એ કે લેણદેણનું સરવૈયું જેમ ખાધ દર્શાવતું હોય તે દોષ છે તેમ તે પુરાંત દર્શાવતું હોય તે પણ દોષ છે. લેણદેણના સરવૈયાને સમતોલ બનાવવાની જવાબદારી અને અસંતુલન દૂર કરવાની જવાબદારી ખાધ અને પુરાંત અનુભવનાર બંને દેશની છે. માત્ર ખાધ અનુભવનાર દેશ પર અસંતુલન સુધારવાનો બોજો નાખી શકાય નહિ. બીજું અસંતુલન સુધારવા શું કરવું, કયાં નીતિવિષયક પગલાં લેવાં એ અંગેનો નિર્ણય અસંતુલન અનુભવનાર દેશે એકપક્ષી રીતે લેવો જોઈએ નહિ. અસંતુલનનાં કારણો ને ઉપાય વિશે આંતરરાષ્ટ્રીય સ્તરે વિચારણા થવી જોઈએ ને મુકરર થયેલી નીતિનો અમલ આંતરરાષ્ટ્રીય નાણાંભંડોળ જેવી સંસ્થાની દેખરેખ નીચે થવો જોઈએ.

બદરીપ્રસાદ મ. ભટ્ટ