લેડરબર્ગ, જોશુઆ (Lederberg, Joshua)

January, 2005

લેડરબર્ગ, જોશુઆ (Lederberg, Joshua) (જ. 23 મે 1925, મૉન્ટક્લેર, ન્યૂજર્સી, યુ.એસ. : અ. 2 ફેબ્રુઆરી 2008, ન્યૂયોર્ક સીટી) : જોર્જ્ય વેલ્સ બિડલ અને એડ્વર્ડ લૉરી ટેટમ સાથેના સન 1958ના નોબેલ પારિતોષિકના અર્ધાભાગના વિજેતા. તેમને જીવાણુઓ(bacteria)માં જનીનીય દ્રવ્યની ગોઠવણી અને વ્યવસ્થા તથા જનીનીય પુન:સંયોજન (recombination) અંગેની શોધ અંગે આ સન્માન 33 વર્ષની ઉંમરે પ્રાપ્ત થયું હતું. તેમની સાથેના સહવિજેતાઓને જનીનો રાસાયણિક પ્રક્રિયાઓના નિયમન વડે કાર્ય કરે છે એવા એક અલગ સંશોધન માટે સન્માનવામાં આવ્યા હતા. લેડરબર્ગ ન્યૂયૉર્ક શહેરના વૉશિંગ્ટન હાઇટ્સ ડિસ્ટ્રિક્ટ ઑવ્ અપર મૅનહટનમાં ઊછર્યા હતા. તેમણે તેમનું શાળાકીય શિક્ષણ પબ્લિક સ્કૂલ 46, જુનિયર હાઇસ્કૂલ 164 અને સ્ટુય્વેસૅન્ટ (Stuyvesant) હાઇસ્કૂલ ખાતે પ્રાપ્ત કર્યું હતું. સન 1941થી 1944માં તેમણે કોલમ્બિયા કૉલેજમાં ભણીને પ્રાણીશાસ્ત્ર (આયુર્વિજ્ઞાન – પૂર્વ અભ્યાસ) વિષયમાં ઑનર્સ સાથે બી.એ.ની ઉપાધિ મેળવી.

જોશુઆ લેડરબર્ગ

સન 1944-1946માં તેમણે કોલમ્બિયા યુનિવર્સિટી મેડિકલ સ્કૂલની કૉલેજ ઑવ્ ફિઝિશિયન્સ ઍન્ડ સર્જ્યન્સમાં અભ્યાસ કર્યો. તે સમયે તેઓ પ્રોફેસર યૉન સાથે ખંડકાલીન સંશોધનમાં જોડાયા. ત્યારબાદ તેઓ યેલ યુનિવર્સિટીમાં વનસ્પતિશાસ્ત્ર અને સૂક્ષ્મજીવવિજ્ઞાનમાં રિસર્ચ ફેલો તરીકે સન 1946-47માં પ્રોફેસર ટેટમ સાથે જોડાયા. સન 1948માં તેઓ પીએચ.ડી. થયા. સન 1947માં તેઓ વિસ્કૉન્સિન યુનિવર્સિટીમાં જનીનવિદ્યાના મદદનીશ પ્રાધ્યાપક બન્યા. સન 1950માં સહપ્રાધ્યાપક બન્યા અને સન 1954માં પ્રાધ્યાપક બન્યા. 1957માં તેમણે મેડિકલ જનીનવિદ્યાનો વિભાગ શરૂ કર્યો, જેના તેઓ 1957-58માં ચૅરમૅનપદે રહ્યા. 1959માં સ્ટેન્ફૉર્ડ યુનિવર્સિટી મેડિકલ સ્કૂલે તેમને જનીનવિદ્યાના વિભાગ શરૂ કરીને પ્રોફેસર તથા તેના વહીવટી વડા નીમવા માટે આમંત્રણ આપ્યું. 1962થી તેઓ આણ્વિક આયુર્વિજ્ઞાન(molecular medicine)ના નિયામક તરીકે કામ કરતા હતાં. આ ઉપરાંત તેઓ 1950માં યુનિવર્સિટી ઑવ્ કૅલિફૉર્નિયા અને 1957માં મેલબૉર્ન યુનિવર્સિટીમાં જીવાણુવિદ્યાના આમંત્રિત પ્રાધ્યાપક હતા. સન 1954માં તેઓ અમેરિકાની વિજ્ઞાનની રાષ્ટ્રીય અકાદમીમાં પણ ચૂંટાઈ આવ્યા હતા. સન 1946માં તેઓ એસ્થર ઝીમરને પરણ્યા હતા. તેનાથી તેમને કોઈ સંતાન નથી. પાછળથી તેઓ માર્ગેરાઇટ સ્ટેઇન લેડરબર્ગ સાથે પરણ્યા, જેનાથી તેમને 2 સંતાન છે. જનીનવિદ્યાના તેમના સંશોધન ઉપરાંત તેમણે કમ્પ્યૂટર વિજ્ઞાનમાં કૃત્રિમ બુદ્ધિ અંગેના સંશોધનમાં ભાગ લીધેલો. તેઓ મંગળ પર જીવન છે કે નહિ તે અંગેના સંશોધનમાં પણ ભાગીદાર રહેલા  અને આરોગ્યલક્ષી સેવાઓ માટેની અમેરિકી સરકાર અને વિશ્વ આરોગ્ય સંસ્થાની સમિતિઓમાં સલાહકાર તરીકે રહ્યા હતા. આ ઉપરાંત તેઓ અમેરિકાના પ્રમુખની કૅન્સર પૅનલના ચેરમૅનપદે તથા અમેરિકી કૉન્ગ્રેસના તકનીકી પરીક્ષણ (assessment) સલાહકાર મંડળના ચૅરમૅનપદે પણ રહ્યા હતા. સન 1978થી 1990 સુધી તેઓ રૉકફેલર યુનિવર્સિટીના પ્રમુખ રહ્યા.  તેઓ રૉકફેલર ફાઉન્ડેશન સ્કૉલર તથા અધિસન્માનિત પ્રાધ્યાપક (professor emeritus) તરીકે આણ્વિક જનીનવિદ્યા અને માહિતીવિજ્ઞાન (informatics) વિષયમાં સેવાઓ આપી રહ્યા હતાં.

શિલીન નં. શુક્લ