લૅમ્બ, ચાર્લ્સ (જ. 10 ફેબ્રુઆરી 1775, લંડન; અ. 27 ડિસેમ્બર 1834, એડમન્ટન, મિડલસેક્સ) : અંગ્રેજ નિબંધકાર, વિવેચક, નાટ્યકાર અને કવિ. ‘એસેઝ ઑવ્ ઇલિયા’માં સંગૃહીત નિબંધોએ તેમને જગપ્રસિદ્ધ કર્યા. પિતા જૉન લૅમ્બનું રેખાચિત્ર ‘ધી ઓલ્ડ બેન્ચર્સ ઑવ્ ધી ઇનર ટેમ્પલ’ના વકીલ સૅમ્યુઅલ સૉલ્ટના કારકુન તરીકે કરેલું છે. ‘ક્રાઉન ઓફિસ રો’ તરીકે ઓળખાતા ઘરમાં જન્મ અને ઉછેર. શિક્ષણ ‘ક્રાઇસ્ટ હૉસ્પિટલ’ની શાળામાં. અહીં કવિ એસ. ટી. કોલરિજ તેમના સહપાઠી હતા. 17 વર્ષની વયે ‘ઈસ્ટ ઇન્ડિયા હાઉસ’માં નિવૃત્ત થયા (1825) ત્યાં સુધી કારકુન તરીકે નોકરી કરી. 1795-96માં માનસિક રીતે ભાંગી પડ્યા.

ચાર્લ્સ લૅમ્બ

પોતે અસ્થિર મગજના થઈ જશે તેવી ભીતિ તેમને જીવનભર પજવતી રહી. 1796માં તેમની સગી બહેન મેરી ઍન લૅમ્બે અસ્થિર મગજની હાલતમાં પોતાનાં લકવાગ્રસ્ત માતાને ઘરમાં જ છૂરી હુલાવીને મારી નાંખેલાં. પોતાની બહેનને ગાંડાંઓની ઇસ્પિતાલમાં રાખવી ન પડે એટલા માટે લૅમ્બ જાતમુચરકાના જામીન આપી તેના વાલી અને પાલક થયા અને પોતાના નૈરાદૃશ્યપીડિત સ્વભાવ છતાં જીવનભર પોતાની બહેનને સાચવી જાણી. ભાઈબહેનનાં એકમેક પ્રત્યેનાં સહાનુભૂતિ અને પ્રેમની લાગણીનું આવું ઉત્કૃષ્ટ દૃષ્ટાંત સાહિત્યકારોમાં ભાગ્યે જ મળી આવે છે. બંને લંડનમાં રહેતાં. પાછળથી તેઓ ઇસલિંગ્ટન, એનફીલ્ડ અને એડમન્ટનમાં રહેવા ગયેલાં. ‘બ્લૅન્ક વર્સ’ (1798) – એ ચાર્લ્સ લૉઇડની સાથે લૅમ્બનાં કાવ્યોનો સંગ્રહ છે. આમાં લૅમ્બનું સુપ્રસિદ્ધ કાવ્ય ‘ધી ઓલ્ડ ફેમિલિયર ફેસિસ’ છે. ‘ઑન ઍન ઇન્ફન્ટ ડાઇંગ ઍઝ સૂન ઍઝ બૉર્ન’ લૅમ્બનું નોંધપાત્ર કાવ્ય છે. ‘આલ્બમ વર્સિસ’ (1830) તેમનાં ઊર્મિગીતો અને સૉનેટકાવ્યોનો સંગ્રહ છે. ‘ટેલ ઑવ્ રોઝમંડ ગ્રે ઍન્ડ ઓલ્ડ બ્લાઇન્ડ માર્ગારેટ’ (1798) કરુણ નાટક છે. ‘જૉન વુડવિલ’ (1802) પણ એલિઝાબેથન શૈલીમાં લખાયેલું કરુણ નાટક છે. ‘મિસ્ટર એચ’  (1806) ફારસ છે. પોતાની બહેન મેરી સાથે તેમણે ‘ટેલ્સ ફ્રૉમ શેક્સપિયર’ (1807) લખ્યું. ‘મિસિસ લેસ્ટર્સ સ્કૂલ’ (1809) ટૂંકી વાર્તાઓનો સંગ્રહ છે. ‘ધી એડવેન્ચર્સ ઑવ્ ઑડિસી’ ગ્રીક મહાકાવ્યના પ્રસંગોની બાળકો માટે કરેલી રજૂઆત છે. ‘સ્પેસિમેન્સ ઑવ્ ઇંગ્લિશ ડ્રામૅટિક પોએટ્સ હૂ લિવ્ડ એબાઉટ ધ ટાઇમ ઑવ્ શેક્સપિયર’ (1808) લૅમ્બે કરેલું સંપાદન છે. ‘ઑન ધ ટ્રૅજેડિઝ ઑવ્ શેક્સપિયર’ (1810) અને ‘ઑન ધ જીનિયસ ઍન્ડ કૅરેક્ટર ઑવ્ હોગાર્થ’ (1811) તેમના વિવેચનાત્મક નિબંધો છે. ‘રિફ્લેક્ટર’, ‘એક્ઝામિનર’, ‘ક્વાર્ટર્લી રિવ્યૂ’ તેમજ ‘લંડન મૅગેઝીન’માં તેઓ અવારનવાર લખતા. ‘લંડન મૅગેઝીન’માં ‘એસેઝ ઑવ્ ઇલિયા’(1823-33)ના કેટલાક નિબંધો સૌપ્રથમ પ્રસિદ્ધ થયેલા.

લૅમ્બનું મહત્વપૂર્ણ પ્રદાન લલિત નિબંધના ક્ષેત્રે રહ્યું છે. ‘એસેઝ ઑવ્ ઇલિયા’ તેમના સમુદાર તથા કરુણ-મધુર વ્યક્તિત્વની વિવિધ રેખાઓ ઉપસાવી આપતો નમૂનેદાર નિબંધસંગ્રહ છે. 1820થી 1823 દરમિયાન ‘લંડન મૅગેઝીન’માં છપાતા રહેલા આ નિબંધોનો પ્રથમ સંગ્રહ પ્રગટ થયો 1823માં અને બીજો સંગ્રહ ‘ધ લાસ્ટ એેસેઝ ઑવ્ ઇલિયા’ 1833માં પ્રગટ થયો. ઇલિયા જેવા પાત્રના પટંતરે તેમણે પોતાના જ વ્યક્તિત્વની જુદી જુદી આભાઓ એમાં પ્રગટ કરી છે. ‘ડ્રીમ ચિલ્ડ્રન’, ‘પૉપ્યુલર ફૅલસિઝ’, ‘ન્યૂ યર્સ ઈવ’, ‘માઇ રિલેશન્સ’, ‘માઇ ફર્સ્ટ પ્લે’ કે ‘ઓલ્ડ ચાઇના’ જેવી તેમની કોઈ પણ રચના અંગત સંવેદનાઓથી ભરી ભરી જણાય છે. ‘ડ્રીમ ચિલ્ડ્રન’ જેવી તેમની સર્વોત્કૃષ્ટ રચનામાં તેમનું એકાકી અને કરુણ છતાં હૂંફાળું વ્યક્તિત્વ કળામય અભિવ્યક્તિને પામ્યું છે. આમ છતાં આ નિબંધો આત્મકથાનક પ્રકારના નથી. શિયાળાની રાત્રે સગડી પાસે બેસીને નિરાંતે કરાતી ગુફતેગો જેવો ગુણધર્મ એમાં છે. તેમની બુદ્ધિપ્રભાની સાથે તેમના હૃદયની કોમળતા પણ આ નિબંધોમાં ભળી છે. વચ્ચે વચ્ચે કટાક્ષવિનોદ પણ તેઓ કરી લે છે. તેમનું ગદ્ય પ્રાસાદિક છે.

લલિત નિબંધનાં ઉત્તમ દૃષ્ટાંત સૌપ્રથમ લૅમ્બના આ નિબંધસંગ્રહમાંથી મળી રહે છે. નિબંધને જન્મ આપ્યો ફ્રાન્સના લેખક મૉન્તેને, પણ કલાસ્વરૂપ તરીકે એ સાહિત્યપ્રકારને વિશ્વસાહિત્યના દરબારમાં સ્થાન મળે તેવી તંતોતંત વિશુદ્ધ રચનાઓ આપી લૅમ્બે જ. વિવેચકો એથી લૅમ્બને અંગ્રેજ નિબંધકારોમાં રાજકુમાર (‘ધ પ્રિન્સ ઍમન્ગ ઇંગ્લિશ એસેઇસ્ટ્સ’) તરીકે નવાજે છે.

લૅમ્બના કેટલાક પત્રો અને વિવેચનના લેખો રસપ્રદ અભિવ્યક્તિના નમૂના છે. લૅમ્બનું ઘર કોલરિજ, વર્ડ્ઝવર્થ, લી હંટ, હૅઝલિટ, સધી જેવા સાહિત્યકારો માટેનું સંગમસ્થાન હતું. તેમના પત્રોનું સંપાદન ઈ. ડબ્લ્યૂ. માર્સે ત્રણ ગ્રંથો(1975-78)માં કર્યું છે. ડી. સેસિલે ‘અ પૉટ્રેટ ઑવ્ ચાર્લ્સ લૅમ્બ’ (1983) નામે તેમજ ઈ. વી. લૂકસે તેમનું જીવનચરિત્ર (1905) લખ્યું છે.

પ્રવીણ દરજી, વિ. પ્ર. ત્રિવેદી