લૅમ્બ, ઍલન જોસેફ (જ. 20 જૂન 1954, કેપ પ્રૉવિન્સ, દક્ષિણ આફ્રિકા) : આંગ્લ ક્રિકેટખેલાડી. તેમણે 1972-73માં વેસ્ટર્ન પ્રૉવિન્સ માટેની પ્રથમ કક્ષાની ક્રિકેટથી પોતાની કારકિર્દીનો પ્રારંભ કર્યો. 1978માં તેઓ નૉર્થહૅમ્પટનશાયર માટે ક્રિકેટ રમવા ઇંગ્લૅન્ડ આવ્યા. 1989માં તેઓ તેના કાઉન્ટી કપ્તાન બન્યા. તેમનાં માતાપિતા બ્રિટિશ હોવાથી તેઓ ઇંગ્લૅન્ડ વતી રમવા માટે પાત્ર ઠર્યા. 1982માં તેમણે ટેસ્ટ-પ્રવેશ કર્યો. પોતાની દૃઢતાપૂર્વકની કાબેલિયત વડે તેઓ મધ્યમ ક્રમ(middle order)ના સફળ બૅટધર બની રહ્યા અને તેમની આક્રમક રમતના પરિણામે કેટલીય રમતોનું પાસું પલટાઈ ગયાની ઘટનાઓ પણ ઘટી. એકદિવસીય આંતરરાષ્ટ્રીય મૅચમાં તેઓ વિશેષ પ્રભાવક રહેલા. તેમણે 3 ટેસ્ટમાં ઇંગ્લૅન્ડનું કપ્તાનપદ પણ સંભાળ્યું હતું. તેમનો કારકિર્દી-આલેખ આ પ્રમાણે છે :

ઍલન જોસેફ લૅમ્બ

(1) 1982-92 : 79 ટેસ્ટ; 36.09ની સરેરાશથી 4,656 રન; સદી 14; સૌથી વધુ જુમલો 142; 75 કૅચ.

(2) એકદિવસીય આંતરરાષ્ટ્રીય મૅચ 122; 39.31ની સરેરાશથી 4,010 રન; સદી 4; સૌથી વધુ જુમલો 118; 31 કૅચ.

(3) 1972-92માં પ્રથમ કક્ષાની મૅચ. તેમાં 48.87ની સરેરાશથી 28,495 રન; સદી 79; સૌથી વધુ જુમલો 294; 320 કૅચ.

મહેશ ચોકસી