લૅન્ડ સ્કેઇપ (દૃશ્યભૂમિ)

January, 2005

લૅન્ડ સ્કેઇપ (દૃશ્યભૂમિ) : ભૂમિદૃશ્ય. તે કુદરતી દૃશ્યની સુંદરતા સાથે સંકળાયેલ છે. ઉદ્યાનમાં સપાટ ભૂમિ પર લૉન હોય તેના પ્રમાણમાં થોડો ઊંચો, આછા ઢાળવાળો અને મોટી જગા ખુલ્લી રહે તે રીતે લૉનનો ટેકરો કર્યો હોય તો તે સુંદર લાગે છે અને માનવ- ઉપયોગમાં પણ આવી શકે છે. સપાટ લૉનથી ઉદભવતી એકલતા આ દૃશ્યભૂમિ-આયોજનથી દૂર થઈ શકે છે.

દૃશ્યભૂમિ-ઉદ્યાન : તે આસપાસના કુદરતી પ્રદેશ સાથે વિરોધાભાસ દર્શાવે છે અને તેથી કુદરતી સૌંદર્યમાં ઓર વધારો થાય છે.

દૃશ્યભૂમિ-ઉદ્યાનિકી(gardening)માં સમગ્ર સૌંદર્યાત્મક (aesthetic) અસર નિપજાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે; જેથી રહેઠાણો, જાહેર ઇમારતો અને સ્મારકોના સૌંદર્યમાં વધારો થાય છે; ઉદ્યાનો, રમતનાં મેદાનો અને મેળાવડાનાં સ્થળોમાં પૂર્ણતા આવે છે અને સુંદર બને છે. ઔપચારિક (formal) દૃશ્યભૂમીકરણ- (landscaping)માં ભૂમિમાં કૃત્રિમ ફેરફારો કરી સંતુલિત વનસ્પતિરોપણ દ્વારા ભૌમિતિક (geometrical) ભાત (design) રચવામાં આવે છે. વનસ્પતિરોપણની આ પ્રાકૃતિક શૈલી કુદરતી સૌંદર્યમાં ઉમેરો કરે છે. દૃશ્યભૂમિ ઉદ્યાનિકી એક પુરાતન કલા ગણાય છે. રોમન લોકો (ઈ. પૂ. 400 વર્ષથી ઈ. સ. 400 વર્ષ) ઘરની આસપાસ વિશાળ ઉદ્યાન ધરાવતા હતા. પ્રાચીન ઈરાન (ઈ. સ. 200થી 600 વર્ષ) અને જાપાન(ઈ. સ. 500 વર્ષ)નાં ઉદ્યાનો પણ ઉપર્યુક્ત પ્રકારના છે. ઈ. સ. 1400થી 1500ના ગાળામાં ઇટાલિયનોએ પહાડોની બાજુઓમાં સુંદર સંપદાઓ (estates) અને નગર-ચોકઠાં (civic squares) બનાવ્યાં હતાં. ફ્રાન્સમાં પણ ઈ. સ. 1600 અને 1700માં વિશાળ મહેલો અને નગરઉદ્યાનોનું નિર્માણ થયું હતું.

દૃશ્યભૂમિના વિકાસથી માનવ આનંદ પ્રાપ્ત કરી શકે છે, તે ઉપરાંત તેનો ઉપયોગ થઈ શકે છે. આ ક્ષેત્રમાં વ્યાવસાયિક રીતે તાલીમ પામેલી વ્યક્તિઓને દૃશ્યભૂમિ-સ્થપતિ (landscape architect) કહે છે. દૃશ્યભૂમિની ભાત અને તેનું આયોજન એક વ્યવસાયમાં પરિણમેલ છે અને ઘણા કિસ્સાઓમાં તે ઉદ્યાનકૃષીય (horticultural) હોય છે. દૃશ્યભૂમિ-સ્થાપત્ય (landscape architecture) વ્યાપક સંદર્ભમાં માનવ માટે ભૂમિના ઉપયોગનાં બધાં પાસાં સાથે સંકળાયેલ છે. દૃશ્યભૂમિ-સ્થપતિ જીવંત વનસ્પતિઓ ઉપરાંત દૃશ્યભૂમિની ભાતનાં તત્ત્વો તરીકે પથ્થર, ચૂનાનો કોલ, કાષ્ઠ જેવાં દૃશ્યભૂમિ-દ્રવ્યોનો પણ ઉપયોગ કરે છે. ચિત્રકાર કે શિલ્પીની વિરુદ્ધ દૃશ્યભૂમિના વિકાસમાં વનસ્પતિઓ સ્થાયી નથી, પરંતુ સમય અને ઋતુ પ્રમાણે તે બદલાતી રહે છે. વનસ્પતિઓનાં રંગ, સ્વરૂપ, ગઠન અને તેમની હરોળનો દૃશ્યભૂમિમાં ભાતનાં તત્ત્વો તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. ભૂક્ષરણ(erosion)ના નિયંત્રણ માટે, પૃષ્ઠીય દ્રવ્ય (surface material) તરીકે અને સૂર્ય અને પવનથી રક્ષણ મેળવવા આવરણ તરીકેના કાર્યાત્મક (functional) તત્ત્વ રૂપે પણ વનસ્પતિઓનો ઉપયોગ થાય છે.

સંપદાઓ અને ગૃહ-દૃશ્યભૂમિ(home landscape)ની ભાતના વિકાસથી દૃશ્યભૂમિ-સ્થાપત્યનો ઉદભવ થયો છે. દૃશ્યભૂમિ- સ્થાપત્યમાં શહેર અને કસબાનું આયોજન, ઔપચારિક અને વન્ય (wild) ઉદ્યાનો, જાહેર ઇમારતો, ઔદ્યોગિક દૃશ્યભૂમીકરણ તથા રાજમાર્ગો અને તેમની બાજુઓના વિકાસનો પણ સમાવેશ કરવામાં આવે છે.

અલંકૃત ઉદ્યાનકૃષિ (ornamental horticulture) પુષ્પોદ્યાન કૃષિ (floriculture) અને દૃશ્યભૂમિ-ઉદ્યાનકૃષિ  એમ બે મુખ્ય ઘટકો તરીકે વર્ગીકૃત થાય છે. દૃશ્યભૂમિ-ઉદ્યાનકૃષિને ઉછેર, જાળવણી અને ભાત(design)માં વિભાજિત કરવામાં આવે છે. દૃશ્યભૂમિ માટે વનસ્પતિઓનો ઉછેર રોપણી (nursery) દ્વારા કરવામાં આવે છે. જોકે રોપણીમાં સ્થાયી રોપણ પહેલાં કોઈ પણ વનસ્પતિને ઉગાડી તેના તરુણ રોપને સ્થાપિત કરવામાં આવે છે. રોપણી-ઉદ્યોગમાં કાષ્ઠીય અને શાકીય વનસ્પતિઓ તથા અલંકૃત કંદ-પાકોનાં ઉત્પાદન અને વિતરણનો સમાવેશ થાય છે. મોટાભાગના રોપણી-પાકો શોભન-વનસ્પતિઓ છે. રોપણીના વ્યાપારમાં ફળ આપતી વનસ્પતિઓ, શતાવરી અને રેવંચી (રૂબાર્બ) જેવી ગૃહોદ્યાન(home garden)માં ઉપયોગી બહુવર્ષાયુ શાકભાજીઓ અને ક્રિસ્મસ ટ્રી વગેરેનો સમાવેશ કરવામાં આવે છે. જોકે વૃક્ષારોપણને વનવિદ્યાનો ભાગ ગણવામાં આવે છે.

કંદ-પાકોમાં ટ્યૂલિપ, હયસિન્થ (hyacinth), નરગિસ (narsissus), આઇરિશ, ડે લીલી અને ડહાલીઆનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, કૂંડામાં ઉગાડાતા અસહિષ્ણુ (non-hardy) કંદો, અંત:કક્ષ વનસ્પતિઓ તેમજ ઍમેરેલિસ, એનિમોન, બિગોનીઆ, કૅલેડિયમ, કેના, ડહાલીઆ, ફ્રીસીઆ, ગ્લેડીઓલસ અને ટાઇગર ફ્લાવર જેવા બાહ્યકક્ષ (outdoor) કંદોને કંદ-પાક ગણવામાં આવે છે. શિયાળા દરમિયાન મૃદામાં ટકી જતી ક્રોક્સ, સ્નો ડ્રોપ, લીલી, ટ્યૂલિપ જેવી સહિષ્ણુ જાતિઓ ઉગાડવામાં આવે છે.

જૂની દુનિયાના ઉદભવવાળા ઘણા કંદ-પાકોનો ઉદ્યાનકૃષિમાં ઘણા સમય પહેલાં પ્રવેશ કરાવાયો છે અને ઘણાં વર્ષોની પસંદગી અને સંકરણો દ્વારા નવી અર્વાચીન જાતો અસ્તિત્વમાં આવી છે. ટ્યૂલિપ સૌથી જાણીતી જાતિઓમાંની એક ગણાય છે. ઉદ્યાનોમાં આ ટ્યૂલિપની અર્લી ટ્યૂલિપ, બ્રીડર્સ ટ્યૂલિપ, કૉટેજ ટ્યૂલિપ, લીલી-ફ્લાવર્ડ ટ્યૂલિપ, ડાર્વિન ટ્યૂલિપ, ટ્રાયમ્ફ ટ્યૂલિપ, મેંડેલ ટ્યૂલિપ, પેરટ ટ્યૂલિપ વગેરે જાતો અસ્તિત્વમાં છે. નેધરલડ્ઝ ટ્યૂલિપ કંદોનો યુરોપ અને ઉત્તર અમેરિકા માટે મુખ્ય સ્રોત છે. તે ઉપરાંત, નેધરલૅંડ્ઝ, હયસિન્થ, નરગિસ, ક્રૉક્સ અને અન્ય કંદની જાતોનું ઉત્પાદન કરે છે.

બહુવર્ષાયુ શાકીય જાતિઓ પુષ્પો માટે અને કેટલીક વાર ભૂમિની સપાટી પર વનસ્પતિ-આવરણ રચવા માટે ઉછેરવામાં આવે છે. વિશિષ્ટ બહુવર્ષાયુઓમાં હોલીહોક, કોલમ્બીન, બેલફ્લાવર્સ, ગુલદાઉદી (ક્રિસેન્થીમમ), ડેલ્ફિનિયમ, પિંક, કોરલબેલ, ફ્લોક્ષ પોપી, પ્રિમ રોઝ પીલીઆ, કોલીઅસ, ક્રોટોન વગેરેનો સમાવેશ થાય છે.

દૃશ્યભૂમીકરણમાં ઉપયોગમાં લેવાતી ક્ષુપ-જાતિઓમાં (1) શંકુદ્રુમની સદાહરિત જાતિઓ જેવી કે યૂ (yew), જ્યુનિપર, સ્પ્રૂસ અને પાઇન; (2) પહોળાં પર્ણોવાળી સદાહરિત જાતિઓ જેવી કે રહોડોન્ડ્રોન, કૅમેલીઆ, હોલી અને બૉક્સવૂડ; (3) પર્ણપાતી જાતિઓ જેવી કે ફોર્સીથીઆ, વાઇબર્નમ લિલિયેક અને દારૂહળદરની જાતિઓ; તેમજ બોગનવેલ જેવી પુષ્પનિર્માણ કરતી લતાઓ અને (4) ગુલાબનો સમાવેશ થાય છે. બધી અલંકૃત ક્ષુપ-જાતિઓમાં ગુલાબનું સ્થાન વિશિષ્ટ છે. કેટલીક વાર તો પ્રજનક (breeder) માત્ર ગુલાબ પર પોતાનો વ્યવસાય કેન્દ્રિત કરે છે. મોટેભાગે કલિકારોપણ દ્વારા ગુલાબમાં વાનસ્પતિક પ્રજનન કરાવવામાં આવે છે. વ્યાપારી જરૂરિયાતોને પહોંચી વળવા અને નવી પસંદગીમાં ઝડપી અને આર્થિક વધારો કરવા માટે માત્ર આ એક જ વિકલ્પ છે.

અલંકૃત છાયાવૃક્ષો પણ દૃશ્યભૂમિને સુંદર ઓપ આપે છે. આવાં વૃક્ષોમાં ફાઇક્સની જાતિઓ આસોપાલવ (Polyalthia), અશોક (Saraca), દેવકંચન (Bauhimia), શરુ (Casuarina), નીલગિરિ (Eucalyptus), રૉયલ બૉટલ પામ (Roystonea), ઑસ્ટ્રેલિયન બાવળ (Acacia auriculiformis) વગેરે વૃક્ષોને ચોક્કસ ભાતમાં વિકસાવવાથી દૃશ્યભૂમિ-ઉદ્યાનનું સૌંદર્ય નીખરી ઊઠે છે. દરિયાકિનારે ઊગતાં તાડ, નાળિયેરી કે તાડના કુળની અન્ય જાતિઓનાં વૃક્ષોનું કુદરતી દૃશ્ય પણ અનોખું હોય છે. દરિયાના પાણીને સ્પર્શતી ઢાળવાળી રેતીમાં આછી આછી ઓકળીઓ પડતી હોય છે; જે દૃશ્યભૂમિને ચોક્કસ સ્વરૂપ આપે છે.

મકાનને કે ઇમારતનું ચોક્કસ દૃશ્ય ખડું કરવા વૃક્ષોની પસંદગી એવી રીતે કરવામાં આવે છે, જેથી દૃશ્યભૂમિની દૃષ્ટિએ ક્ષિતિજ (skyline) લગભગ સરખા સમતલમાં રહે.  ઉદ્યાનના આયોજનમાં પુષ્પ આપતી વિવિધ જાતિઓને ઋતુ પ્રમાણે ઉગાડવામાં આવે છે, જેથી બધી ઋતુઓમાં ઉદ્યાન રંગબેરંગી પુષ્પોથી છવાયેલો રહે. તેની ક્યારીઓ કે હરોળો કે ઉદ્યાનની સીમાઓને નિશ્ચિત ભૌમિતિક આકાર આપવામાં આવે છે. આમ, વિભિન્ન પાસાંઓને ધ્યાનમાં લઈ રચવામાં આવેલ દૃશ્યભૂમિના કુદરતી દૃશ્યને વધારે સુંદર બનાવી શકાય છે.

મ. ઝ. શાહ

બળદેવભાઈ પટેલ