લૅન્ડસ્ટેઇનર, કાર્લ (Landsteiner, Karl)

January, 2005

લૅન્ડસ્ટેઇનર, કાર્લ (Landsteiner, Karl) (જ. 14 જૂન 1868, વિયેના; અ. 24 જૂન 1943, ન્યૂયૉર્ક) : સન 1930ના નોબેલ પારિતોષિક-વિજેતા. તબીબી અને દેહધર્મવિદ્યાના ક્ષેત્રે તેમણે કરેલા સંશોધનને કારણે તેમને આ સન્માન મળ્યું હતું. તેમણે તે સન્માનને લાયક સંશોધન રૂપે લોહીનાં જૂથો અંગેની પ્રતિરક્ષા સંબંધિત જ્ઞાનનો વિકાસ કર્યો હતો. તેમના પિતા જાણીતા પત્રકાર તથા સમાચારપત્રના પ્રકાશક હતા. તેમના મૃત્યુ-સમયે કાર્લ 6 વર્ષના હતા. તેમણે વિયેના યુનિવર્સિટીમાંથી સન 1891માં તબીબી વિદ્યાની ઉપાધિ મેળવી. અભ્યાસ સમયે તેમણે આહાર અને લોહીના બંધારણ વચ્ચેના સંબંધનો અભ્યાસ કરી એક અભ્યાસપત્ર બહાર પાડ્યો હતો. ત્યારપછી તેઓએ ઝુરિક, વર્ઝબર્ગ અને મ્યૂનિકમાં આવેલી પ્રયોગશાળામાં 5 વર્ષ સુધી રસાયણશાસ્ત્રનો અભ્યાસ કર્યો. ત્યારબાદ તેઓ વિયેના પાછા આવ્યા અને તેમણે વિયેના જનરલ હૉસ્પિટલમાં તબીબી અભ્યાસ શરૂ કર્યો.

કાર્લ લૅન્ડસ્ટેઇનર

સન 1896માં તેઓ વિયેનાની સ્વાસ્થ્ય સંસ્થામાં મૅક્સ ફોન ગ્રુબરના સહાયક બન્યા. 1898થી 1908 સુધી તેઓ વિયેનામાં રુગ્ણવિદ્યાકીય દેહરચનાશાસ્ત્રના યુનિવર્સિટી-વિભાગમાં સહાયક તરીકે રહ્યા; જે સમયે તેમણે મગજની આસપાસના આવરણોમાં ચેપ કરીને તાનિકાશોથ (meningitis) કરતા જીવાણુ તથા ન્યુમોનિયાનો રોગ કરતા ફુપ્ફુસગોલાણુ-(Pneumococci)ના શોધકો સાથે કાર્ય કર્યું. જોકે અહીં તેમણે રુગ્ણશીલ દેહધર્મવિદ્યાના ક્ષેત્રે વધુ કાર્ય કર્યું. સન 1908માં તેઓ પ્રોસેક્ટર બન્યા અને 1919 સુધી તે સ્થાન પર રહ્યા. સન 1911માં તેઓ વિયેના યુનિવર્સિટીમાં રુગ્ણવિદ્યાકીય દેહરચનાશાસ્ત્રના પ્રાધ્યાપક બન્યા, પણ તે માટે તેમને તે કક્ષાનો પગાર ન મળ્યો. સન 1919 સુધી તેમણે રુગ્ણદેહરચનાશાસ્ત્ર અને પ્રતિરક્ષા (immunity) અંગે અનેક શોધપત્રો પ્રસિદ્ધ કર્યાં. તેમણે ઉપદંશ (syphilis) અંગેની પ્રતિરક્ષાવિદ્યાકીય માહિતી વધુ સુગ્રથિત કરી. વાઝરમૅન પ્રતિક્રિયા અંગે વધુ સમજણ આપી અને અર્ધપ્રતિજન (hapten) શોધી કાઢીને તેને તેનું પશ્ચિમી પારિભાષિક નામ ‘હૅપ્ટેન’ આપ્યું. તેમણે લઘુ હુમલાવાળા રક્તલોહવર્ણકમેહ (paroxysmal haemoglo-binuria) નામના વિકાર અંગેનું જ્ઞાન વધાર્યું. તેઓ વાંદરાઓ પર અભ્યાસ કરવા માટે પૅરિસની પાશ્ચર ઇન્સ્ટિટ્યૂટમાં ગયા અને ત્યાં તેમણે ધૂલિમજ્જાશોથ (poliomyelitis) અથવા બાળલકવા અંગેનું પ્રતિરક્ષાલક્ષી જ્ઞાન વિકસાવ્યું. સન 1901માં તેમણે રુધિરજૂથોના હોવા અંગે મૂળભૂત વિચાર રજૂ કર્યો અને સન 1909માં તેમણે એ, બી, ઓ અને એબી રુધિરજૂથોનું વર્ગીકરણ કર્યું. તેમણે રુધિર-પારસરણ(blood transfusion)ને સફળ કરી બતાવ્યું. તેમણે એ પણ સૂચવ્યું કે આ પ્રકારની લાક્ષણિકતા વારસાગત હોવાથી બાળકના પિતૃત્વ(બાળકના પિતા કોણ છે તે)ને નિશ્ચિત કરી શકાય.

સન 1919માં બદલાયેલા વાતાવરણમાં ઑસ્ટ્રિયા છોડીને તેઓ હૅગ ખાતેની એક નાની રોમન કૅથલિક હૉસ્પિટલમાં પ્રોસેક્ટર તરીકે જોડાયા. અહીં તેમણે 1919થી 1922ના ગાળામાં 12 શોધલેખો લખીને તીવ્ર અતિપ્રતિગ્રાહ્યતા (anaphylaxis) અંગેની માહિતી શોધી. ત્યાંથી તેઓ રૉકફેલર ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ આયુર્વિજ્ઞાન સંશોધન, ન્યૂયૉર્ક ગયા અને ત્યાં તેમણે લેવાઇન વિનર સાથે કાર્ય કર્યું અને Rh ઘટકની શોધ કરી. તેઓ બાકીની જિંદગી રુધિરરસવિદ્યા(serology)ના ક્ષેત્રે કાર્ય કરતા રહ્યા. તેઓ સન 1916માં હેલન સાથે પરણ્યા હતા અને તેનાથી તેમને એક પુત્ર હતો. સન 1939માં તેમને રૉકફેલર ઇન્સ્ટિટ્યૂટ ખાતે જ્ઞાનવિશિષ્ટ પ્રાધ્યાપક (emiritus professor) તરીકે નીમવામાં  આવ્યા. તેઓ પ્રયોગશાળામાં ઘણા સક્રિય રહ્યા. મૃત્યુના 2 દિવસ અગાઉ તેમને પ્રયોગશાળામાં જ હૃદયરોગનો હુમલો થઈ આવ્યો હતો.

શિલીન નં. શુક્લ