લૅન્ડલ, ઇવાન (જ. 7 માર્ચ 1960, ઑસ્ટ્રાવા, ચેકોસ્લોવૅકિયા) : ટેનિસના ખેલાડી. સિંગલ્સનાં 94 અને ડબલ્સનાં 6 ટાઇટલ જીતનારા, ઇન્ટરનૅશનલ ટેનિસ હૉલ ઑવ્ ફેમમાં સ્થાન પામનાર ખેલાડી. 1978માં તેઓ વિમ્બલ્ડન જુનિયર, ફ્રેન્ચ જુનિયર અને ઇટાલિયન જુનિયર વિજયપદકના વિજેતા બન્યા અને આઈટીએફના સૌપ્રથમ વિશ્વ જુનિયર ચૅમ્પિયન થયા. ટેનિસના ઇતિહાસમાં તેઓ સૌથી વધુ આવક કમાનાર ખેલાડી ગણાયા હતા.

ઇવાન લેન્ડલ

સમગ્રપણે તેઓ 7 ગ્રૅન્ડ સ્લૅમ વિજયપદક જીત્યા અને 11માં નિષ્ફળ નીવડ્યા. 1986 અને 1987માં તેઓ વિમ્બલ્ડનની ફાઇનલ સુધી અને 1983-84 અને 1988-90 દરમિયાન સેમિફાઇનલ સુધી પહોંચ્યા હતા.

બીજી તમામ મહત્ત્વની રમતોમાં તેઓ અનેક વાર વિજેતા બન્યા  ઑસ્ટ્રેલિયન ઓપનમાં 1989-90માં, યુ.એસ. ઓપનમાં 1985-87માં અને ફ્રેન્ચ ઓપનમાં 1984 તથા 1986-87માં.

ટુર્નામેન્ટનો તેમનો સૌથી ઉત્તમ દેખાવ ગ્રાંક્સ પ્રીક્સ માસ્ટરનો હતો. તેમાં 1981-82 અને 1985-87 દરમિયાન 4 વાર વિજેતા થવાનો વિક્રમ સ્થાપ્યો. ટુર્નામેન્ટમાં તેઓ યુગ્મ (doubles) સ્પર્ધામાં ભાગ્યે જ રમ્યા. વિમ્બલ્ડનવિજેતા બનવામાં નિષ્ફળ થવા છતાં, તેમના સમયના તેઓ એકલ (singles) સ્પર્ધાના અગ્રણી ખેલાડી બની રહ્યા અને 1983 અને 1990ની વચ્ચે 270 સપ્તાહ માટે વિશ્વનું પ્રથમ ક્રમાંકના ખેલાડીનું સ્થાન તેઓ ધરાવતા હતા. 1992માં યુનાઇટેડ સ્ટેટ્સનું નાગરિકપદ પામ્યા.

1984થી તેઓ ગ્રિનિચ, કનેક્ટિકટ, યુ.એસ.માં વસવાટ કરે છે.

મહેશ ચોકસી