લૅક્સનેસ, હૉલ્ડોર (Halldor Laxness) (જ. 23 એપ્રિલ 1902, રિક્યાવિક/રેક્જેવિક, આઇસલૅન્ડ; અ. 8 ફેબ્રુઆરી 1998, રેક્જૅવિક, આઇસલૅન્ડ) : 1955માં સાહિત્ય માટેનો નોબેલ પુરસ્કાર મેળવનાર આઇસલૅન્ડના આધુનિક સાહિત્યજગતના અગ્રણી સર્જક. આઇસલૅન્ડની રાજધાની રૅકજેવિકમાં તેમનો ઉછેર ફાર્મમાં થયો હતો તેથી ગ્રામીણ વાતાવરણ, આઇસલૅન્ડના પરંપરાગત ગીતો, લોકકથાઓ અને સાહસકથાઓના તેમને દૃઢ સંસ્કાર સાંપડ્યા હતા.
તેમની સર્વપ્રથમ સફળ નવલકથા ધ ગ્રેટ વીવર ફ્રૉમ કૅશ્મીર(1927)માં રોમન કૅથલિક સંપ્રદાયના પ્રભુત્વ પ્રત્યેનો અણગમો વ્યક્ત થયો છે અને સાથોસાથ અભિવ્યક્તિવાદ તથા અતિવાસ્તવવાદ વિશેની તેમની રસવૃત્તિની પણ પ્રતીતિ થાય છે. 1930ના દાયકામાં તેમણે 3 નવલકથાઓ લખી – ‘સાલ્કા વાલ્કા’(1931–32)માં સામાજિક પરિવર્તનને આરે આવીને ઊભેલા એક નાના માછીમાર-સમુદાયનું વિગતપૂર્ણ વૃત્તાંત આલેખાયું છે. ‘ઇન્ડિપેન્ડન્ટ પીપલ’(1934–35)માં ગરીબ ખેડૂતનો અન્યાય સામેનો સંઘર્ષ આલેખાયો છે અને 1937–40માં લખાયેલ અને 1969માં અનૂદિત થયેલ નવલકથા ‘વર્લ્ડલાઇટ’ લોકજીવન ઉપર આધારિત છે. સ્કૅન્ડિનેવિયાના સાહિત્યમાં આ કૃતિઓ સીમાચિહનરૂપ માનવામાં આવે છે. તેમાં સમાજજીવનની કડક આલોચના છે. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન તેમણે સર્વાંગસુંદર નવલકથા લખી તે ‘આઇસલૅન્ડ્ઝ બેલ’ (1943–46)માં અઢારમી સદીના આરંભના સમાજનું ચિત્રણ જોવા મળે છે. 1948માં લખાયેલ અને 1961માં અનૂદિત થયેલ નવલકથા ‘ધી ઍટમ સ્ટેશન’માં તેમણે આઇસલૅન્ડની સંસ્કૃતિની અવનતિનો કટાક્ષભર્યો ચિતાર આપ્યો છે. એ ઘટનાને પરિણામે જ આઇસલૅન્ડમાં અમેરિકાનાં લશ્કરી થાણાંનો પ્રવેશ થયો. 1950 અને 1960ના દાયકાઓમાં તેમણે પ્રયોગલક્ષી નાટકો લખવા ઉપરાંત ‘એ રાઇટર્સ સ્કૂલિંગ’ (1963) નામે આત્મકથા તેમજ ‘એ પૅરિસ ક્રૉનિકલ’ (1970) નામે દસ્તાવેજી નવલકથા પણ લખી છે. 1929માં પ્રસિદ્ધ થયેલ નિબંધસંગ્રહ ‘ધ બુક ઑવ્ ધ પીપલ’માં તેમણે કૅથલિસિઝમની નીતિઓની કડક આલોચના કરી છે. થોડો વખત ચર્ચમાં કામ કરવાને કારણે તેઓ કૅથલિસિઝમના પ્રભાવ હેઠળ આવ્યા હતા. જર્મનીમાં અભિવ્યક્તિવાદનો પ્રભાવ ઝીલ્યો. ફ્રાન્સમાં અતિવાસ્તવવાદની અસર તળે અને અમેરિકામાં ત્યાંની વિચારસરણી અને જીવન-ચિંતન-પદ્ધતિની અસર હેઠળ રહ્યા, પરંતુ 1927માં તેઓ સામ્યવાદ તરફ ઢળ્યા. અને છેલ્લે માનવતાવાદી તાઓવાદ તરફ તેમનો ભારે ઝોક રહ્યો.
ઊર્મિકવિ અને કટાક્ષલેખક તરીકે લૅક્સનેસ મોટા ગજાના સર્જકનાં લક્ષણો ધરાવતા હતા. અનેક સાહિત્યપ્રકારો ઉપર તેમણે હાથ અજમાવ્યો અને તે જમાનાના પોતાના દેશના સર્જકોમાં નિબંધકાર, નવલકથાકાર અને કવિ તરીકે આગવી છાપ ઉપસાવી. લૅક્સનેસની નાટ્યકૃતિઓમાં ધ સિલ્વર મૂન (1948) અને પૅરેડાઇસ રીક્લેઇમ્ડ (1960) ઉલ્લેખનીય છે. લૅક્સનેસ હંમેશાં તેમનાં સર્જનોમાં પોતાના સંઘર્ષનું પ્રતિબિંબ પાડતા રહ્યા છે. તેમનાં લખાણોમાં ક્રોધ અને નમ્રતા, કટાક્ષ અને ઊર્મિ વચ્ચે રચાતા દ્વંદ્વનું દર્શન થાય છે. લૅક્સનેસે ઐતિહાસિક નવલકથાઓ લખી છે, જેમાંની ‘હૅપી વૉરિયર્સ’ (1952) એકમાત્ર નવલકથા અંગ્રેજીમાં અનૂદિત થઈ છે. વિવિધ અસરો અને સંસ્કૃતિઓના પ્રભાવ હેઠળ સર્જન કરતા આ સાહિત્યકાર આઇસલૅન્ડના સર્જકોમાં મોખરાનું સ્થાન ધરાવે છે. 1952નું સાહિત્ય માટેનું સ્ટેલિન પ્રાઇઝ તેમને એનાયત કરવામાં આવેલું. તેમને નોબેલ પુરસ્કાર અંગે અપાયેલ સન્માનપત્રમાં આઇસલૅન્ડની મહાન વર્ણનકલાને પુનર્જીવિત કરવાની તેમની મહાકાવ્યોચિત શક્તિ(epic power)નો નિર્દેશ કરાયો છે.
મહેશ ચોકસી
પંકજ જ. સોની