લેક્સેલ ધૂમકેતુ (Lexell’s comet)

January, 2005

લેક્સેલ ધૂમકેતુ (Lexell’s comet) : ચોપડે નોંધાયેલો પહેલો અલ્પકાલિક ધૂમકેતુ (short perior comet) : શાસ્ત્રીય નામ : D/1770. ચાર્લ્સ મેસિયર (1730-1817) નામના ફ્રાંસના ખગોળશાસ્ત્રીએ 1770માં તે શોધેલો. તેનું નામ આ ધૂમકેતુની ભ્રમણકક્ષા શોધી કાઢનાર સ્વીડનના લેક્સેલ (Anders Johan Lexell : 1740-1784) નામના ખગોળશાસ્ત્રીના નામ પરથી પાડવામાં આવ્યું છે. તેણે દર્શાવ્યું કે 1767માં આ ધૂમકેતુ ગુરુ ગ્રહની એટલો પાસે પહોંચી ગયો કે ગ્રહના પ્રચંડ ગુરુત્વાકર્ષણ ખેંચાણથી એની ભ્રમણકક્ષામાં ધરખમ ફેરફાર થઈ ગયો, જેને કારણે તે પૃથ્વીથી ઘણો નજદીક આવી ગયો. એક ગણતરી મુજબ તે પૃથ્વીથી 12 લાખ કિમી.થી પણ ઓછા અંતરે આવી ગયેલો. અગાઉ કોઈ પણ ધૂમકેતુ પૃથ્વીની આટલો નજદીક આવ્યો ન હતો. પણ આ ધૂમકેતુ 1770 પછી ક્યારેય દેખાયો નથી. તેનું કારણ ફ્રાંસના ગણિતશાસ્ત્રી લાપ્લાસે (Pierre Laplace : 1749-1827) આપ્યું. તેણે શોધી કાઢ્યું કે આ ધૂમકેતુ વળી પાછો 1779માં ગુરુની પાસે ગયો. પણ આ વખતે તે પહેલા કરતાં પણ વધુ નજદીક ગયો, જેને કારણે તેની ભ્રમણકક્ષામાં ભારે ફેરફાર થઈ ગયો. આમ થવાથી તે પૃથ્વીથી એવો તો દૂર ફંગોળાઈ ગયો કે આજ સુધી ફરી દેખાયો નથી !

સુશ્રુત પટેલ