લેક્ટ્યુકા : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલા ઍસ્ટરેસી કુળની એકવર્ષાયુ કે બહુવર્ષાયુ શાકીય પ્રજાતિ. તે મુખ્યત્વે ઉત્તર સમશીતોષ્ણપ્રદેશોમાં થાય છે. ભારતમાં તેની લગભગ 25 જેટલી જાતિઓ નોંધાઈ છે. બધી જ જાતિઓ ક્ષીરરસ (latex) ધરાવે છે. કેટલીક જાતિઓનો શુષ્ક ક્ષીરરસ ‘લૅક્ટ્યુકેરિયમ’ નામનું ઔષધ આપે છે. Lactuca sativa Linn. syn. L. scariola Linn. var. sativa C. B. Clarke (હિ. બં. કાહુ; તે. કાવુ; ત. સલાટ્ટુ, ગુ. સાલીટ, અં. ગાર્ડન લૅટિસ)ના કચુંબર માટે સમગ્ર વિશ્વમાં વાવેતર થાય છે.

ગાર્ડન લૅટિસ ટટ્ટાર 0.5 મી.થી 1.2 મી. ઊંચી અરોમિલ (glabrous), શાકીય, એકવર્ષાયુ વનસ્પતિ છે. તે તેનાં કકરાં, ખાદ્ય સુવિકસિત મૂળ પર્ણો (radical leaves) માટે ઉગાડવામાં આવે છે. પર્ણો 12.5 સેમી.થી 25 સેમી. લાંબાં, પાતળાં, લગભગ વર્તુલાકાર (orbicular), લંબચોરસ, પ્રતિઅંડાકાર (obovate) કે જિહ્વાકાર (lingulate) હોય છે. તેની સપાટી અનિયમિતપણે ઊપસેલી કે કુંચિત (curled) હોય છે. સ્તબક (capitulum) પુષ્પવિન્યાસો લઘુપુષ્પગુચ્છ (panicle) સ્વરૂપે ગોઠવાયેલા હોય છે. કિરણપુષ્પકો (ray florets) પીળાં હોય છે. રોમવલયફળો (cypsela) લેન્સાકાર (lenticular)  લંબચોરસ, ઘેરાં બદામી કે ભૂખરાં બદામી હોય છે. તેઓ નાજુક ચાંચ અને સફેદ રોમગુચ્છ (pappus) ધરાવે છે.

ગાર્ડન લૅટિસનો ઉદભવ પશ્ચિમ એશિયા અને પૂર્વમધ્યસમુદ્રીય પ્રદેશોના ઉષ્ણ-સમશીતોષ્ણ ભાગોમાં થયો હોવાનું મનાય છે અને જૂની દુનિયાના હિમાલય અને ઉત્તર સમશીતોષ્ણ પ્રદેશોમાં મળી આવતી વન્ય કાંટાળી લૅટિસ(L. serriola Linn)ની વંશજ છે. તેની મુખ્ય ચાર કૃષિજ-જાતો (cultivar) નોંધાયેલી છે : (1) ‘કૅપિટાટા’ જાતનાં પર્ણો કોબીજની જેમ ગોળ દડા સ્વરૂપે ગોઠવાયેલાં હોય છે. (2) ‘લૉન્જિફોલિયા’ જાતનાં પર્ણો નળાકાર કે શંકુ-આકારનો પર્ણગુચ્છ બનાવે છે. પર્ણો સાંકડાં અને અણીવાળાં હોય છે. (3) ‘ક્રીસ્પા’ જાતનાં પર્ણો વાંકડિયાં અને કપાયેલાં હોય છે. તેઓ શિથિલ પર્ણગુચ્છ બનાવે છે. નીચેનાં પક્વપર્ણો ઉતારવામાં આવે છે. (4) ‘એંગુસ્ટાના’ જાત ‘લૉન્જિફોલિયા’ સાથે સામ્ય ધરાવે છે. તેનો પર્ણગુચ્છ જાડો હોતો નથી. તે જાડા પ્રકાંડ માટે ઉગાડવામાં આવે છે. ઇમ્પીરિયલ-847, મે કિંગ, પૅરિસ વ્હાઇટ કોસ અને ચાઇનીઝ યલો જેવી જાતોની વાવેતર માટે ભલામણ કરવામાં આવી છે.

ભારતનાં મેદાનોમાં ઠંડી આબોહવાના પાક તરીકે તે મોટેભાગે ઉગાડવામાં આવે છે, છતાં તે વસંતઋતુમાં કે ઉનાળાની શરૂઆતમાં વાવી શકાય છે. કોબીજ પ્રકારની જાતોને પ્રમાણમાં નીચું તાપમાન જરૂરી હોય છે. 13° સે.થી 16° સે. સરેરાશ માસિક તાપમાન આદર્શ ગણવામાં આવે છે. ખુલ્લી પરિસ્થિતિમાં અને વધારે ખાતર આપેલી મૃદામાં આ પાક સારી રીતે થઈ શકે છે. આબોહવા શુષ્ક હોય ત્યારે ખૂબ પાણી આપવામાં આવે છે. ફળદ્રૂપ ગોરાડુ જમીનમાં સારી રીતે   કોહવાટ પામેલું કાર્બનિક ખાતર 50 જેટલાં ગાડાં પ્રતિ હેક્ટર આપવામાં આવે છે. દેશી ખાતર ઉપરાંત નાઇટ્રોજન, ફૉસ્ફૉરિક ઍસિડ અને પોટાશનું સમભાગે (લગભગ 99 કિગ્રા./હેક્ટર) ખાતર આપવાથી સારાં પરિણામો પ્રાપ્ત થાય છે.

લૅટિસનાં બીજની ખેતરમાં સીધેસીધી વાવણી થાય છે, અથવા ધરુવાડિયામાં રોપ તૈયાર કરી ખેતરમાં ઉગાડી શકાય છે. બીજ ખૂબ નાનાં (600થી 700/ગ્રા.) હોય છે અને યોગ્ય રીતે તૈયાર કરેલા ધરુવાડિયામાં સારું અંકુરણ મેળવવા જમીનમાં છીછરાં રોપવામાં આવે છે. ધરુવાડિયામાં છ અઠવાડિયાંમાં તૈયાર થયેલા રોપની એકબીજાથી 30 સેમી. અંતરે રોપણી કરવામાં આવે છે. પ્રતિ હેક્ટરે આશરે 2.5 કિગ્રા. બીજનો ઉપયોગ થાય છે. બીજ સારાં હોય તો વાવ્યાં પછી 4થી 5 દિવસમાં 85 % જેટલું અંકુરણ મળે છે. જો આબોહવા શુષ્ક હોય તો 4થી 5 દિવસે પિયત આપવામાં આવે છે.

તેને વાઇરસ દ્વારા ‘પીળો મોઝેક’ રોગ થાય છે. પર્ણો ફિક્કા પીળા રંગનાં અને કાબરચીતરાં બને છે અને અંતે વિકૃત, જાડાં અને ચર્મિલ બને છે. કીટકો વાઇરસના વાહકો છે અને રોગનો ફેલાવો બીજ દ્વારા થાય છે. તંદુરસ્ત છોડ પરનાં સ્વચ્છ બીજનું વાવેતર અને રોગિષ્ઠ છોડનો તત્કાળ નાશ અસરકારક ઉપાયો છે. Pythium aphanidermatum (Edson) Fitzpatric નામની ફૂગ દ્વારા પાનનો સડો થાય છે. તે જમીનને સ્પર્શતાં પર્ણૉને રોગ લાગુ પાડે છે. ભેજના ઘટાડા સાથે રોગનું પ્રમાણ ઘટે છે.

લૅટિસનાં પર્ણોની છોડ મોટો બન્યા પછી લણણી કરવામાં આવે છે, પરંતુ તે સમયે પર્ણો સખત અને કડવાં હોય છે. ઘર-ઉપયોગ માટે ઉગાડેલા છોડનાં મોટાં અને પાકાં પર્ણોને કાપી લેવામાં આવે છે અને નાનાં પર્ણો વિકસવા દેવાય છે. કોબીજ જાતમાં પુષ્પનિર્માણ પૂર્વે પર્ણગુચ્છ સઘન બને ત્યારે લણણી કરવામાં આવે છે. તેનું ઉત્પાદન લગભગ 4,900 કિગ્રા.થી 7,400 કિગ્રા./હેક્ટર થાય છે. પસંદગી કરેલ જાતના બીજનું એકત્રીકરણ કરવામાં આવે છે. બીજ તેમની જીવનશક્તિ (viability) હૂંફાળા અને ભેજવાળા વાતાવરણમાં ગુમાવે છે. તેથી તેમનો સંગ્રહ ઠંડી અને શુષ્ક જગાએ કરવો જરૂરી છે.

લૅટિસનો ઉપયોગ પશ્ચિમી દેશોમાં ભારત કરતાં ઘણો વધારે થાય છે. કેટલીક વાર તેનાં પર્ણો ઉકાળીને અથાણું બનાવવામાં આવે છે. વહેલા વાવેલા છોડનાં પર્ણો કડવાં હોય છે, પરંતુ મુખ્ય ઋતુમાં ઉગાડેલા છોડનાં પર્ણો રસાળ હોય છે અને સારો સ્વાદ ધરાવે છે. ખાંડવાળા દૂધમાં પર્ણોના મોટા ટુકડાઓ ભીંજવવાથી તેનો સ્વાદ સુધરે છે.

લૅટિસનું પોષણ-મૂલ્ય ફલવાર-કોબીજ, શતાવરી અને અજમાની કક્ષાનું હોય છે. તે પ્રજીવકો અને ખનિજદ્રવ્યો પુષ્કળ પ્રમાણમાં ધરાવે છે. તાજા લૅટિસનું એક રાસાયણિક વિશ્ર્લેષણ આ પ્રમાણે છે : પાણી 92.9 %, પ્રોટીન 2.1 %, ઈથર-નિષ્કર્ષ 0.3 %, રેસો 0.5 %, કાર્બોદિતો 3.0 % અને ખનિજ-દ્રવ્ય 1.2 %; કેરોટિન (પ્રજીવક ‘એ’ તરીકે) 2200 આઇ. યુ., પ્રજીવક ‘બી’ 270 માઇક્રોગ્રામ, નિકોટિનિક ઍસિડ 0.4 મિગ્રા., રાઇબોફ્લેવિન 120 માઇક્રોગ્રામ અને પ્રજીવક ‘સી’ 15 મિગ્રા./100 ગ્રા.. તે ફૉલિક ઍસિડનો સારો સ્રોત છે અને કેટલુંક પ્રજીવક ‘ઇ’, પ્રજીવક ‘જી’, ‘પ્રજીવક ‘કે’ અને કોલાઇન ધરાવે છે.

લૅટિસમાં ખનિજ-દ્રવ્યોનું પ્રમાણ આ મુજબ છે : સોડિયમ 3.1 મિગ્રા., પોટૅશિયમ 208 મિગ્રા., કૅલ્શિયમ 25.9 મિગ્રા., મૅગ્નેશિયમ 9.7 મિગ્રા., લોહ 0.73 મિગ્રા., તાંબું 0.15 મિગ્રા., ફૉસ્ફરસ 30.2 મિગ્રા., સલ્ફર 11.8 મિગ્રા. અને ક્લૉરીન 39.5 મિગ્રા./100 ગ્રા.. તે આર્સેનિક, બેરિયમ, મૅંગેનીઝ, ટિટેનિયમ, જસત, ઍલ્યુમિનિયમ, ફ્લોરીન અને આયોડિન અત્યંત અલ્પ પ્રમાણમાં અને પૅક્ટિક સંયોજનો (4 % કૅલ્શિયમ પૅક્ટેટ તરીકે) અને કાર્બનિક ઍસિડ (ઑક્ઝેલિક 0.011 %, મેલિક 0.06 % અને સાઇટ્રિક 0.05 %, મોટેભાગે ક્ષાર સ્વરૂપે) ધરાવે છે.

બહારનાં પર્ણો અને નુકસાન પામેલાં પર્ણોનો ઢોરોના ખોરાક તરીકે ઉપયોગ થાય છે. નકામા લૅટિસમાંથી કાર્બનિક દ્રાવકોની મદદથી કેરોટિન, ક્લોરોફિલ અને ઝેન્થોફિલ ધરાવતા તેલનું નિષ્કર્ષણ કરી શકાય છે. લૅટિસ-લિપિડના અસાબુનનીય (unsaponifiable) અંશમાં સેરીલ આલ્કોહૉલ, એમાયરીન જેવું સંયોજન (C20H50O), અર્ગૉસ્ટેરોલ, પ્રજીવક ‘ઇ’ અને પ્રતિ-ઉપચાયક (C13H14O3) હોય છે. તેલના નિષ્કર્ષણ પછી બાકી રહેલા અવશેષમાં લગભગ 24 % જેટલું પ્રોટીન હોય છે, જે ઢોરોને ખવડાવવામાં આવે છે.

લેકટ્યુકાની ગાર્ડન લૅટિસ જેવી એક જાતિ લેક્ટ્યુકેરિયમ ઉત્પન્ન કરે છે, જેનો શ્વસનીશોથ (bronchitis) અને દમમાં નિદ્રાકારી (hypnotic) તરીકે ઉપયોગ થાય છે. પ્રકાંડ અને મૂળના ક્ષીરરસમાંથી અનુક્રમે 0.04 % અને 0.14 % કૂચુક (caoutchouc) મળી આવે છે. લૅટિસનો દાઝ્યા ઉપર અને વેદનાકારી ચાંદાંઓમાં પોટીસ બનાવવામાં ઉપયોગ થાય છે.

L. serriola Linn. syn. L. scariola Linn. (હિં. બં. કાહુ; અં. પ્રિકલી લૅટિસ)નાં પર્ણો દીર્ઘ પિચ્છાકાર (pinnatifid) પ્રકારનું છેદન ધરાવે છે અને મધ્યશિરા તેમજ શિરાઓની નીચે છાલશૂળ (prickles) ધરાવે છે. વનસ્પતિનાં પર્ણો કરતાં બીજ વધારે મહત્વનાં છે. બીજનું ચૂર્ણ કફ માટે અને તેનો કાઢો અનિદ્રા(insomnia)માં ઉપયોગી છે. બીજની ભસ્મમાં લોહ અને ફૉસ્ફરસ સારા એવા પ્રમાણમાં હોય છે. બીજમાંથી 35.2 % જેટલું લીલાશ પડતું પીળું, અર્ધ-શુષ્કન (semi-drying) તેલ પ્રાપ્ત થાય છે, જેની સુગંધ સારી હોય છે અને સ્વાદ તીખો હોય છે. તેલનો સાબુ બનાવવામાં, રંગ અને વાર્નિશમાં ઉપયોગ થાય છે. તેને પરિષ્કૃત કર્યા પછી ખાદ્ય તેલ તરીકે તેનો ઉપયોગ કરી શકાય છે. તે નિદ્રાકારી અને જ્વરઘ્ન (antipyretic) ગુણધર્મો ધરાવે છે. ખરતા વાળ અટકાવવા માટે પણ તે ઉપયોગમાં લેવાય છે.

તેલના નિષ્કર્ષણ પછી બાકી રહેતા અવશેષમાં કુલ પ્રોટીન 34.3 % જેટલું અને પોષણગુણોત્તર 1 : 1.1 જેટલો હોય છે. તેની તુલના અળસીના અવશેષ સાથે થઈ શકે તેમ છે. તેનો સ્વાદ સહેજ કડવો હોય છે અને અતિ અલ્પ માત્રામાં આલ્કેલૉઇડ ધરાવે છે. તેના ક્ષીરરસમાંથી L. virosa સાથે સામ્ય ધરાવતું લૅક્ટયુકેરિયમ મેળવવામાં આવે છે. ક્ષીરરસમાં 1.58 % કૂચુક, 1.85 % રાળ અને કાર્બનિક ઍસિડો હોય છે. તેના મૂળમાં ઇન્યુલિનની હાજરી નોંધાઈ છે.

લૅક્ટયુકાની અન્ય જાતિઓમાં L. indica Linn., L. runcinata DC (ગુ. ઉંદરકાની), L. remotiflora (મ. ઉંદીરચાકાન, ગુ. પાથરડી), L. virosa Linn. (કડવી લૅટિસ) વગેરેનો સમાવેશ થાય છે.

બળદેવભાઈ પટેલ