લૂણી : દ્વિદળી વર્ગમાં આવેલા પૉર્ચ્યુલેકેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Portulaca oleracea Linn. (મોટી લૂણી) અને P. quadrifolia Linn. (નાની લૂણી) (સં. ચિવિલ્લિકા, ધોલિકા; મ. ધોળ, હિં. બડીનોનિઆશાક, કુલ્ફા; બં. વનપુની, ક્ષુદેગુની; ક. ગોલિ. તે. અઈલકુરા, અં. કૉમન પર્સલેન) છે. મોટી લૂણી એક માંસલ, ભૂપ્રસારી કે ટટ્ટાર એકવર્ષાયુ વનસ્પતિ છે. તેનું પ્રકાંડ લીલું કે જાંબલી રંગનું અને 50 સેમી. જેટલું લાંબું હોય છે. સમગ્ર ભારતમાં તે એક અપતૃણ તરીકે થાય છે. હિમાલયમાં તે 1,500 મી.ની ઊંચાઈ સુધી જોવા મળે છે અને તેનું શાકભાજી તરીકે વાવેતર પણ કરવામાં આવે છે. પર્ણો લંબચોરસ અંડાકાર (oblong ovate), ચમચાકાર (spathulate) કે રેખીય (linear) હોય છે અને અદંડી સ્ફાનાકાર (cuneate) તલ ધરાવે છે. તે 6 મિમી.થી 25 મિમી. લાંબા અને માંસલ હોય છે. પુષ્પો ચમકદાર પીળાં હોય છે અને અગ્રસ્થ કે કક્ષસ્થ ગુચ્છમાં ઉત્પન્ન થાય છે. ફળ પ્રાવર પ્રકારનું અને અંડાકાર હોય છે, બીજ કાળાં અને અક્ષવર્ધ (muriculate) હોય છે.
નાની લૂણીને ‘જંગલી ધોલિકા’ અને મોટી લૂણીને ‘રાજગોલિકા’ કહે છે. નાની લૂણીનાં પર્ણો રંગે ઘણાં રાતાં અને મોટી લૂણી કરતાં નાનાં, પરંતુ ખરબચડાં હોય છે.
મોટી લૂણીની બે જાતો થાય છે : (1) સામાન્ય વન્ય જાત, var oleracea syn, P. oleracea var. sylvestris DC; અને (2) var. sativa DC., (કિચન ગાર્ડન પર્સલે જે શાકભાજી તરીકે વવાય છે. આ જાત વધારે ટટ્ટાર અને ગુણ તેમજ ઉત્પાદનની દૃષ્ટિએ વધારે સારી છે. તેની કેટલીક ઉપજાત (race) યુરોપમાં ઉગાડવામાં આવે છે; જેમાં ‘ગ્રીન’, ‘ગોલ્ડન’ અને મોટાં પર્ણોવાળી ગોલ્ડન વધારે અગત્યની ઉપજાતો છે.
લૂણીનું સંવર્ધન બીજથી થાય છે. તેનું વાવેતર મેદાનોમાં માર્ચથી જૂન દરમિયાન અને પહાડી પ્રદેશોમાં એપ્રિલના મધ્યથી સપ્ટેમ્બરના મધ્ય સુધી કરવામાં આવે છે. લૂણીનો ઉગાવો તેના પ્રકાંડના કટકાથી પણ થતો હોઈ આંતરખેડ કરતી વખતે અથવા નીંદામણ કરતી વખતે જો આખો છોડ મૂળ સાથે ન નીકળે અને ટુકડા દાતરડીથી કપાઈને જમીનમાં પડે તોપણ તે કટકામાંથી લૂણીના છોડ ઊગી શકવાની ક્ષમતા ધરાવે છે. લૂણી ફળદ્રૂપ જમીનથી લઈને હલકી જમીન તેમજ બિનખેડાણલાયક જમીન, ગૌચર, અન્ય બિનખેડાણલાયક વિસ્તારો, બાગબગીચામાં કે જ્યાં વારંવાર પિયત કરવામાં આવતું હોય તેવી જગ્યાએ સવિશેષ જોવા મળે છે. જમીન તૈયાર કરતી વખતે 40 ગાડાં દેશી ખાતર પ્રતિહેક્ટર આપવામાં આવે છે. બીજને રેતી સાથે ભેળવીને પ્રતિહેક્ટરે 2 કિગ્રા.થી 3 કિગ્રા. બીજની છૂટી વાવણી કરવામાં આવે છે. વાવણી પછી લગભગ 60 દિવસે લણણી કરવામાં આવે છે. દર પખવાડિયે પુનરાવર્તિત વાવણી કરવાથી તેનો પુરવઠો સતત પૂરો પાડી શકાય છે.
લૂણીનાં પાન ત્રણ તબક્કે ઉતારવાથી વધુ સારાં મેળવી શકાય છે. લૂણીનાં 6ઠ્ઠા, 10મા અને 14મા પાનની અવસ્થાએ તેમાં પોષણમૂલ્યો વધુ જોવા મળેલ છે. આમ છતાં, 14મા ખરાં પાનની અવસ્થાએ જો કાપણી કરવામાં આવે તો મોટાં પાન વધુ નવી લીલી ફૂટો અને તે ફૂટોનું વધુ સૂકું વજન અને વધુ ફૅટી ઍસિડ મળે છે.
લૂણી અન્ય પાકમાં અપતૃણ (weed) તરીકે થાય છે. વળી તે પાણીનું વધારે જમીનમાંથી શોષણ કરતી હોઈ ખેડાણવાળી જમીનમાં કે જ્યાં અન્ય આર્થિક ઉપાર્જક પાક લેવાતા હોય ત્યાં તે નુકસાનકર્તા છે માટે તેનો નાશ કરવો જરૂરી છે. તેના નિયંત્રણ માટે 1.00 કિગ્રા.થી 2.00 કિગ્રા. પ્રતિહેક્ટર ડાયુરોનનો છંટકાવ કરવામાં આવે છે. 2, 4–D(2, 4–ડાઇક્લૉરોફિનૉક્સિ ઍસેટિક ઍસિડ)ના એમોનિયમના ક્ષાર પ્રતિહેક્ટર 565 લી.થી 1135 લી. આપવાથી ઘણા પાકોમાં આ અપતૃણનું પસંદગીમય નિયંત્રણ કરી શકાય છે. તે Rhizoctonia નામની ફૂગની ચિહનરહિત (symptomless) વાહક છે.
ખાદ્ય પર્ણો અને પ્રકાંડ (છોડના લગભગ 51 %)નું રાસાયણિક વિશ્લેષણ આ પ્રમાણે છે : પાણી 90.5 %, પ્રોટીન 2.4 %, ઈથર-નિષ્કર્ષ 0.6 % અશુદ્ધ રેસો, 1.3 %, કાર્બોદિતો 2.9 % અને ખનિજ-દ્રવ્ય 2.3 %, કૅલ્શિયમ 111 મિગ્રા., મૅગ્નેશિયમ 120 મિગ્રા. ઑક્ઝેલિક ઍસિડ 1,679 મિગ્રા., કુલ ફૉસ્ફરસ 45 મિગ્રા., ફાઇટિન ફૉસ્ફરસ 4. મિગ્રા., કુલ લોહ 14.8 મિગ્રા., આયનનીય (ionisable) લોહ 1.0 મિગ્રા., સોડિયમ 67.2 મિગ્રા., પોટૅશિયમ 716 મિગ્રા., તાંબું 0.19 મિગ્રા., સલ્ફર 63 મિગ્રા., ક્લૉરીન 73 મિગ્રા., થાયેમિન 0.10 મિગ્રા., રાઇબૉફલેવિન 0.22 મિગ્રા., નિકોટિનિક ઍસિડ 0.7 મિગ્રા., કૅરોટિન (પ્રજીવક ‘એ’ તરીકે) 3,820 આઇ.યુ./100 ગ્રા. નાના છોડનાં લીલાં પાનમાં પ્રજીવક ‘સી’ સૌથી વધારે પ્રમાણમાં હોય છે. ઑક્ઝેલિક ઍસિડ પુષ્કળ પ્રમાણમાં હોય છે અને તેમાં હાજર કૅલ્શિયમના ઊંચા પ્રમાણ દ્વારા ક્ષતિપૂર્તિ થતી નથી. લૂણીમાં સોડિયમ અને પોટૅશિયમ પણ પુષ્કળ પ્રમાણમાં હોય છે. ઉત્તર ભારતના એક નમૂનામાં કુલ કૅરોટિનોઇડ 16 મિગ્રા./100 ગ્રા. નોંધાયું હતું. જેમાંથી લગભગ 1/3 જેટલું સક્રિય β-કૅરોટિન (પ્રજીવક ‘એ’ ક્ષમતા, 7,500 આઇ.યુ./100 ગ્રા.) મળી શકે છે.
લૂણીનો સ્વાદ ઍસિડિક હોય છે અને તેનો શાકભાજી તરીકે અને સલાડ, કઢી, સૂપ અને અથાણાં બનાવવામાં ઉપયોગ થાય છે. તેને સૂકવીને અછતમાં ઉપયોગ કરી શકાય છે. છોડનો ગાય, ભેંસ, સૂવર અને ઘેટાંઓ માટે ચારામાં ઉપયોગ થાય છે, જોકે તેના વધુ પડતા ચારાથી ઑક્ઝેલિક ઍસિડને કારણે વિષાક્ત અસર થાય છે અને પ્રાણીઓ મૃત્યુ પણ પામે છે.
તે શીતળ (refrigerant), ક્ષતરોહી (vulnerary), પ્રતિસ્કર્વી (antiscorbutic), મૃદુરેચક (aperient) અને મૂત્રલ (diuretic), પ્રતિજૈવિક (antibiotic) અને પ્રતિ-પરોપજૈવિક (antiparasitic) ગુણધર્મો ધરાવે છે. તેના મૂત્રલ ગુણધર્મો પોટૅશિયમના ક્ષારોની ઊંચી સાંદ્રતાને લઈને છે. તે સ્કર્વી, યકૃત, બરોળ, મૂત્રપિંડ અને મૂત્રાશયના રોગોમાં ઉપયોગી છે. તેનો હૃદ્-પરિવહનતંત્ર (cardio-vascular)ના રોગો, મૂત્રકૃચ્છ્ર (dysuria), રક્તમેહ (haematuria), ખંજવાળ પરમિયો (gonorrhoea), મરડો, સ્તનાગ્ર વ્રણ (sore nipples) અને મોંનાં ચાંદાંઓમાં ઉપયોગ થાય છે. છોડનો રસ કાનના અને દાંતના દુખાવામાં વપરાય છે. હોમિયોપથી મુજબ, છોડ દ્વારા જઠરરસનો સ્રાવ વધે છે અને રક્તશુદ્ધિકારક છે. પર્ણોનો મલમ દાઝ્યા ઉપર કે સોજા ઉપર, દ્રવદાહ (scald) અને વિસર્પ (erysipelas) ઉપર લગાડવામાં આવે છે. પર્ણો અને પ્રકાંડની ટોચોની પોટીસ મસા પર કરવાથી મસા મટે છે. લૂણી લોહીને ઠંડું કરતી હોવાથી ગર્ભવતી સ્ત્રીઓને તેનો ઉપયોગ નહિ કરવાની ડૉક્ટર સલાહ આપે છે.
છોડના જલીય અને ઈથર-નિષ્કર્ષો ગ્રામ-ઋણાત્મક બૅક્ટેરિયા સામે સક્રિયતા દર્શાવે છે. મોટી લૂણીના સમાંગીકૃત(homogenate)ને મોં દ્વારા મધુપ્રમેહી સસલાને આપવામાં આવતાં રુધિરશર્કરાનું પ્રમાણ ઘટીને સામાન્ય બને છે. મૂર્છિત કૂતરાઓને તેના પ્રોટીન-મુક્ત નિષ્કર્ષનું અંત:શિરીય (intravenous) અંત:ક્ષેપણ કરતાં તેમનું રુધિરનું દબાણ વધે છે. આ નિષ્કર્ષમાં જૈવિક રીતે સક્રિય l–નૉરઍડ્રિનાલિન ડોપામાઇન, ડોપા અને કૅટેચોલ મળી આવે છે. તાજા છોડમાં l-નૉરઍડ્રિનાલિનની સાંદ્રતા (2.5 મિગ્રા./ગ્રા. સસ્તનોની ઍડ્રિનલ ગ્રંથિઓમાંથી પ્રાપ્ત થતા l-નૉરઍડ્રિનાલિન કરતાં વધારે હોય છે. છોડમાં બાયૉફલેવોનૉઇડ લિક્વિરિટિન હોય છે. દ્રવ-સંમર્દિત (macerated) છોડ કાર્બનિક ઍનહાઇડ્રેઝની સક્રિયતા દર્શાવે છે.
ભૂંજેલાં બીજ ખાદ્ય હોય છે. તે મૂત્રલ અને મરડારોધી (antidysentric) ગણાય છે. બીજ પણ દાઝ્યા પર તેમજ દ્રવદાહ પર લગાડવામાં આવે છે. પેટ્રોલિયમ ઈથર દ્વારા કરવામાં આવતા નિષ્કર્ષણથી આછા લીલા રંગનું તેલ (17.4 %) મળે છે. આ તેલમાં પામિટિક 10.9 %, સ્ટિયરિક 3.7 %, બિહેનિક 1.3 %, ઑલિક 28.7 %, લિનોલિક 38.7 % અને લિનોલેનિક 9.9 % હોય છે. અપાયસીકારક (unsaponifiable) અંશ લગભગ 1.5 % જેટલો હોય છે અને તેમાંથી b-સિટાસ્ટેરોલ પ્રાપ્ત થાય છે. લૂણીની ભાજીમાં બહુ-અસંતૃપ્ત (poly-unsaturated) આવશ્યક (essential) ફૅટી ઍસિડ (PUEFA) જેવા કે લિનોલિક અને લિનોલેનિકનું પ્રમાણ ઊંચું હોય છે. આ ફૅટી ઍસિડો મનુષ્યની સામાન્ય વૃદ્ધિ, સ્વાસ્થ્ય અને રોગ-અવરોધકતા માટે જરૂરી છે.
લૂણીની ભાજીમાં ખનિજો પુષ્કળ પ્રમાણમાં હોવાથી તેનો લીલા ખાતર તરીકે ઉપયોગ થઈ શકે છે; પરંતુ તેમાં સોડિયમ દ્રવ્ય વધારે હોવાથી તેનો લાંબો સમય ઉપયોગ કરવાથી મૃદાની લવણતા (salinity) વધવાની શક્યતા રહે છે.
આયુર્વેદ અનુસાર, મોટી લૂણી રૂક્ષ, ખાટી, ખારી, રુચિકર, તીખી, ગુરુ, અગ્નિદીપક તથા કફનાશક છે અને વાયુ, અર્શ, અગ્નિમાંદ્ય, વિષ અને શુક્રનો નાશ કરે છે. નાની લૂણી પિત્તલ, સારક, કફહર અને તીખી છે. તે જીર્ણજ્વર, શ્વાસ, કાસ, ગુલ્મ, મેહ અને શોથનો નાશ કરનારી છે. તે રસાયન, વાતનાશક, ઉષ્ણ અને ખાટી છે, તેમજ નેત્રરોગ, ચર્મદોષ અને વ્રણની નાશક છે. પેશાબમાં ઘણી બળતરા થતી હોય ત્યારે અને ઊનવા ઉપર લૂણીની ભાજીનો રસ સાકર સાથે સવાર-સાંજ આપતાં ત્રણ દિવસમાં બળતરા શાંત થાય છે.
Portulacaની ભારતમાં ચાર જાતિઓ થાય છે અને બે વિદેશી જાતિઓ હવે કુદરતી રીતે થાય છે. P. grandiflora Hookને ‘રોઝ મૉસ’ કહે છે અને તે દક્ષિણ અમેરિકાની મૂલનિવાસી છે. તે માંસલ, 15 સેમી.થી 20 સેમી. લાંબી, ભૂપ્રસારી કે ટટ્ટાર અને સુંદર શાકીય જાતિ છે. તેનાં પર્ણો સળી જેવાં, 3 સેમી.થી 4 સેમી. લાંબાં અને લીલાં હોય છે. સૂર્યપ્રકાશમાં ખીલતાં પુષ્પો ગુલાબી, લાલ, સફેદ, પીળાં કે વિવિધરંગી હોય છે. તે ઉદ્યાનોમાં સામાન્યપણે જોવા મળે છે. કેટલીક જગાએ તે કુદરતી રીતે થાય છે. તેની ‘ડબલ’ જાત ખૂબ જ આકર્ષક હોય છે. કેટલીક જાતો ‘સિંગલ’ હોય છે. તેનાં પુષ્પો સવારે નવ-દસ વાગ્યે ખીલી સાંજે ત્રણ-ચાર વાગ્યે બિડાય છે. તેથી તેને ‘ઑફિસ ફલાવર’ કહે છે. આઠથી દસ માસ પછી પુષ્પો ખૂબ ઓછાં ઊગે છે. તે સમયે તેની છટણી કરી ખાતર ઉમેરવાથી પુષ્પો બેસવાં શરૂ થાય છે. પ્રસર્જન કટકારોપણ અને બીજ દ્વારા થાય છે. તેને કૂંડામાં, લટકતી છાબડીમાં, ફૂલદાનીમાં અને શૈલ ઉદ્યાન(rockery)માં ઉગાડાય છે.
તેનો નિષ્કર્ષ કોળા(cucurbita pepo var. carseta)ને લાગુ પડતા મોઝેક વાઇરસની ક્રિયાશીલતા અટકાવે છે.
ભારતમાં બીજી જાતિઓ P. pilosa Linn. અને P. tuberosa Roxb. પણ થાય છે.
ભરતભાઈ પટેલ
સુરેશ યશરાજભાઈ પટેલ
મ. ઝ. શાહ
બળદેવભાઈ પટેલ