લૂણી (નદી) : રાજસ્થાનની મુખ્ય નદીઓ પૈકીની એક. તે અજમેરથી નૈર્ઋત્ય તરફની અરવલ્લી હારમાળામાંથી નીકળે છે તથા અરવલ્લીને સમાંતર ઈશાનથી નૈર્ઋત્ય દિશામાં અર્ધશુષ્ક વિસ્તારમાં વહે છે. તેના વહનમાર્ગની કુલ લંબાઈ 320 કિમી. જેટલી છે. આ નદી રાજસ્થાનના ઝાલોર જિલ્લામાંથી પસાર થઈને કાદવ-કીચડ ધરાવતી કચ્છની ખાડીમાં ભળી જાય છે. તે નાગોર, પાલી અને જોધપુર જિલ્લાઓમાં થઈ રામપુર પાસે બાડમેર જિલ્લામાં પ્રવેશે છે. જે વર્ષે વરસાદ વધુ પડે તે વર્ષે નદીતળ છીછરું હોવાથી પૂરનાં પાણી ત્યાંનાં આજુબાજુનાં ખેતરોમાં  ફેલાઈ જાય છે અને પાકને નુકસાન કરે છે.

તેની સહાયક નદીઓમાં બાંદી, સુકરી, જબાઈ, ખારી, સુલેરીનો સમાવેશ થાય છે. આ બધી નદીઓ પણ અરવલ્લીમાંથી જ નીકળે છે. લૂણી નદીને મળતો જળપુરવઠો નૈર્ઋત્યના મોસમી પવનો દ્વારા પ્રાપ્ત થતા વરસાદને આભારી છે. આ નદીનું જળ ખારું રહેતું હોવાથી તેને  ‘લૂણી’ નામ અપાયેલું છે.

નીતિન કોઠારી