લૂઈ 16મો (જ. 23 ઑગસ્ટ 1754, વર્સેલ્સ, ફ્રાન્સ; અ. 21 જાન્યુઆરી 1793, પૅરિસ, ફ્રાન્સ) : ફ્રાંસનો બુર્બોન વંશનો છેલ્લો રાજા (શાસન : 1774–93). તેણે ધર્મ, સાહિત્ય, વિજ્ઞાન, ગણિતશાસ્ત્ર, ઇતિહાસ, ચિત્રકામ, સંગીત અને વિદેશી ભાષાઓનું શિક્ષણ લીધું હતું. 1765માં તેના પિતાનું અવસાન થવાથી તે ફ્રાંસનો યુવરાજ (પાટવી કુંવર) બન્યો. તેનાં લગ્ન ઑસ્ટ્રિયાના સમ્રાટ ફ્રાન્સિસ પહેલાની રાજકુંવરી મેરી આન્ત્વાનેત સાથે થયાં હતાં. 10 મે 1774ના રોજ લૂઈ 15મો અવસાન પામ્યો અને તેનો પૌત્ર લૂઈ 16મા તરીકે ગાદીએ બેઠો. તેના સમયમાં નાણાકીય મુશ્કેલીઓ પરાકાષ્ઠાએ પહોંચી હતી. શરૂઆતમાં યુવાન રાજા તેની પ્રજામાં લોકપ્રિય હતો અને નાણામંત્રી તરીકે તેણે ટર્ગોટની નિમણૂક કરવાથી લાગ્યું કે ફ્રાંસના રાજકીય, આર્થિક અને સામાજિક માળખામાં સુધારાનો યુગ આરંભાશે; પરંતુ લૂઈ 16મો નબળો અને અસ્થિર વિચારો ધરાવતો હોવાથી દૃઢ નીતિ અનુસરવાને શક્તિમાન નહોતો. તેણે એક પછી એક નાણામંત્રીઓ બદલ્યા, પરંતુ તેનાથી નાણાકીય મુશ્કેલીઓમાં વધારો થયો અને ઉદાર સુધારાની માગણીઓ વધી. આખરે મે 1789માં તેણે એસ્ટેટ્સ જનરલ (સંસદ) વર્સેલ્સમાં બોલાવી, જે અગાઉ 175 વર્ષથી બોલાવવામાં આવી નહોતી. તે સાથે ફ્રેન્ચ ક્રાંતિ ગતિમાન થઈ.

લૂઈ 16મો

લૂઈ 16માએ ત્રીજી એસ્ટેટના પ્રતિનિધિઓ – આમજનતાની તરફેણ કરી હોત તો તે ક્રાંતિનો નેતા બની જાત; પરંતુ અનિર્ણીત સ્થિતિના રાજાએ રૂઢિચુસ્તો પ્રત્યે વધુ ધ્યાન આપ્યું અને સુધારાની ચળવળ કચડી નાખવા વાસ્તે લશ્કરનો ઉપયોગ કરવાનો નિર્ણય કર્યો. પૅરિસવાસીઓએ 14 જુલાઈ, 1789ના રોજ બળવો કરીને બુર્બોન શાસનના જુલમના પ્રતીક સમાન બાસ્તીલનો પ્રાચીન કિલ્લો તથા કેદખાનું કબજે કર્યાં. ઑક્ટોબર, 1789માં લોકોનાં ટોળાં વર્સેલ્સ ગયાં અને રાજકુટુંબનાં સભ્યોને પૅરિસ આવવા ફરજ પાડીને નજરકેદ રાખ્યાં. જૂન, 1791માં પોતાના પરિવારનાં સભ્યો સાથે પૂર્વની સરહદે ભેગા થયેલા લશ્કરમાં જોડાઈને પ્રતિક્રાંતિ કરવાનો રાજાએ પ્રયાસ કર્યો. વેરેનીઝમાં રાજકુટુંબને અટકાવી ટિલેરીઝના મહેલમાં કેદ કરવામાં આવ્યું. સપ્ટેમ્બર, 1791માં લૂઈ 16માએ 1791ના બંધારણને મંજૂર કર્યું, જે મુજબ મર્યાદિત રાજાશાહી રાખવામાં આવી; પરંતુ રાજાનો ક્રાંતિ માટેનો ગુપ્ત વિરોધ તથા ઉમરાવોનાં કાવતરાં ચાલુ રહ્યાં. 10 ઑગસ્ટ, 1792ના રોજ પૅરિસવાસીઓએ બળવો કરી રાજકુટુંબને ટેમ્પલ(એક સ્થળ)માં પૂરી દઈ, સપ્ટેમ્બરમાં રાજાશાહી નાબૂદ કરી પ્રજાસત્તાક રાજ્યની જાહેરાત કરી. ડિસેમ્બર, 1792માં લૂઈ ઉપર આરોપો મૂકી કેસ ચલાવી તેને દેહાંતદંડની સજા કરી અને ગિલોટિન પર ચડાવી દીધો.

જયકુમાર ર. શુક્લ