લૂઈવિલ (Louisville) : યુ.એસ.ના અગ્નિ વિભાગમાં આવેલા કેન્ટકી રાજ્યનું મોટું શહેર તથા ઔદ્યોગિક મથક. ભૌગોલિક સ્થાન : તે 38° 20´ ઉ. અ. અને 85° 50´ પ. રે. પર કેન્ટકીની ઉત્તર સીમાએ વહેતી ઓહાયો નદીકાંઠે વસેલું છે. આ શહેર ઉત્તર અને દક્ષિણ તરફનાં રાજ્યો તથા શહેરો માટે મહત્વની કડીરૂપ છે. તે નદીના ધોધ નજીક વિકસ્યું છે, તેથી તેને ધોધનું શહેર (Fall City) પણ કહે છે. કેન્ટકી રાજ્યના લગભગ 20 % લોકો આ મહાનગરમાં વસે છે.

આ મહાનગર વિસ્તારમાં આશરે 1,100 જેટલાં કારખાનાં આવેલાં છે. તેમાંથી થતું વાર્ષિક ઉત્પાદન રાજ્યને આશરે 15 અબજ ડૉલર મેળવી આપે છે. આ શહેર યુ.એસ.માં તમાકુની પેદાશોનું મોટામાં મોટું કેન્દ્ર ગણાય છે. એ જ રીતે તે જિન અને વ્હિસ્કીનું પણ ઘણું ઉત્પાદન કરે છે. અહીંનાં અન્ય ઉત્પાદનોમાં રંગ, રસાયણો, વીજળીનાં સાધનો, પાણીની પાઇપલાઇન માટેનાં સાધનો–ઉપકરણો અને રમતગમતનાં સાધનોનો સમાવેશ થાય છે. તદુપરાંત ઉત્કાષ્ઠન (logging), માંસપ્રક્રમણ, મુદ્રણકામ અહીંના બીજા ઉદ્યોગો છે. અંધજનો માટેની બ્રેઇલ લિપિમાં લખાણો મુદ્રિત કરવાનું દુનિયાનું મોટું અમેરિકન પ્રિન્ટિંગ હાઉસ લૂઈવિલ ખાતે આવેલું છે.

આ શહેરનું અર્થતંત્ર 1940–50ના દાયકાથી વિકસ્યું હોવા છતાં તે આર્થિક સમસ્યાઓનો સામનો કરી રહ્યું છે. 1980ના દાયકાની શરૂઆતથી ઉદ્યોગોના ઉત્પાદનમાં ઘટાડો થતો રહ્યો છે, પરંતુ સાથે સાથે એ જ ગાળામાં સ્વાસ્થ્યસંભાળ, નાણાં-હેરફેર અને પ્રવાસન જેવા સેવા-ઉદ્યોગોમાં પ્રગતિ પણ થઈ છે. તમાકુ-ઉદ્યોગોમાં અને વિશેષે કરીને સિગારેટના વેચાણમાં બેકારીની સમસ્યા ઊભી થયેલી છે. ઔદ્યોગિક વિકાસથી શહેરમાં હવા-પ્રદૂષણ પણ વધ્યું છે; આથી વહીવટી તંત્રે તેના નિયંત્રણ માટે પ્રદૂષણ-ધારો પસાર કર્યો છે.

1999 મુજબ લૂઈવિલની વસ્તી 2,69,555 છે. લૂઈવિલમાં વસતા 98 % લોકો યુ.એસ.માં જન્મેલા છે. અહીંની વસ્તીમાં અંગ્રેજ, જર્મન, આયરિશ વંશના લોકોનો સમાવેશ થાય છે. વસ્તીના 25 % લોકો અશ્વેતો છે, તેઓ શહેરના મધ્યભાગમાં તથા પશ્ચિમ છેડા પર રહે છે. બેકારી અને ઝૂંપડપટ્ટી આ શહેર માટેની સમસ્યાઓ બની રહેલી છે. અહીંના આશરે 50 % લોકો પ્રૉટેસ્ટંટ, 40 % રોમન કૅથલિક અને બાકીના પૈકી બૅપ્ટિસ્ટ, મેથૉડિસ્ટ કે પ્રૅસ્બિટેરિયન છે.

દુનિયામાં થતી અશ્વદોડ-સ્પર્ધાઓ પૈકી કેન્ટકી ડર્બી ખૂબ જાણીતી છે. 1830માં અહીં સર્વપ્રથમ અશ્વદોડ સ્પર્ધા માટેનો માર્ગ બનાવાયો. આ માટે કેન્ટકીનાં ઘાસનાં જાણીતાં ગોચરોમાં અશ્વઉછેર કરવામાં આવે છે. અહીં સર્વપ્રથમ અશ્વદોડ-સ્પર્ધા 1875માં યોજાયેલી. અહીં દર વર્ષે તે મે માસના પહેલા શનિવારે ચર્ચિલ ડાઉન્સ ખાતે યોજાય છે, સ્પર્ધા જોવા દર વર્ષે 1,20,000 પ્રેક્ષકો ઊમટી પડે છે.

1778માં જ્યૉર્જ રૉજર્સ ક્લાર્કની દોરવણી હેઠળનું એક અભિયાન પેન્સિલવેનિયાથી ઓહાયો નદીના હેઠવાસ સુધી થયેલું. આજે જ્યાં લૂઈવિલ વસેલું છે ત્યાં નદીના એક બેટ પર તેમણે વસાહતની સ્થાપના કરેલી. અમેરિકી ક્રાંતિ (1775–1783) દરમિયાન અહીંની અમેરિકી વસાહતોને ફ્રાન્સની મદદ મળેલી તેના આભારની લાગણી રૂપે બીજે વર્ષે ક્લાર્કે ફ્રાન્સના લૂઈ સોળમાની યાદમાં આ સ્થળને ‘લૂઈવિલ’ નામ આપ્યું. 1800 સુધીમાં અહીંની વસ્તી 350ની થયેલી. લૂઈવિલનો વિકાસ નદી દ્વારા ચાલતા રહેતા વેપારમાંથી થયેલો. તે પછીથી તો બીજા વિશ્વયુદ્ધ દરમિયાન અહીં ઝડપથી ઉદ્યોગો પણ વિકસ્યા. વીસમી સદી દરમિયાન લૂઈવિલ શહેર મહાનગરમાં ફેરવાયું છે.

ગિરીશભાઈ પંડ્યા