લૂઈ 14મો (જ. 5 સપ્ટેમ્બર 1638, સેન્ટ જર્મેન, પૅરિસ નજીક, ફ્રાંસ; અ. 20 ઑગસ્ટ 1715, વર્સેલ્સ, ફ્રાન્સ) : ફ્રાન્સનો રાજા (શાસન : 1643–1715). તેના પિતા લૂઈ 13માનું 1643માં અવસાન થવાથી તેની માતાએ રીજન્ટ તરીકે વહીવટ સંભાળ્યો; છતાં તેની સગીર વય દરમિયાન વાસ્તવિક શાસક, તેનો પ્રથમ મંત્રી કાર્ડિનલ મૅઝરૅં હતો. લૂઈનાં લગ્ન સ્પેનના રાજા ફિલિપ ચોથાની પુત્રી મેરિયા થેરેસા સાથે 1660માં થયાં હતાં. લૂઈ, તેણે યુદ્ધોમાં મેળવેલા વિજયો તથા તેના દરબારની ભવ્યતા માટે જાણીતો થયો હતો. તે રાજાના દૈવી અધિકારોના સિદ્ધાંતમાં માનતો હતો. તે ઘમંડી અને બધાંને ધમકી સમાન હતો. તે કહેતો કે ‘હું રાજ્ય છુ’ (I am the state). તે ‘મહાન લૂઈ’ અથવા ‘The Grand Monarch’ કહેવાતો હતો. લૂઈ પૃથ્વી ઉપર પોતાને ઈશ્વરનો પ્રતિનિધિ માનતો અને પોતાની આજ્ઞાના ઉલ્લંઘનને પાપ માનતો હતો. આપખુદ રાજાશાહીનો તે શ્રેષ્ઠ નમૂનો હતો.
રાજાની માતા, ઑસ્ટ્રિયાની ઍન 1661 સુધી તેના રીજન્ટ તરીકે વહીવટ કરતી હતી. ઈ. સ. 1648માં ત્રીસ વર્ષના વિગ્રહનો અંત આવ્યો. આ યુદ્ધના પરિણામે ફ્રાંસ મજબૂત બન્યું અને ઑસ્ટ્રિયા નબળું પડ્યું. 1661માં મૅઝરૅં અવસાન પામ્યો ત્યારે લૂઈએ જાહેર કર્યું કે તે પોતે મુખ્ય મંત્રીની જવાબદારી સંભાળશે. પોતાના સલાહકારો પસંદ કરવામાં તે ચતુર હતો. તેના મંત્રી ઝાં કૉલ્બર્ટે નાણાતંત્રનું પુનર્ગઠન કર્યું અને ફ્રાંસના અર્થતંત્ર તથા ઉદ્યોગોનો વિકાસ કર્યો.
લૂઈએ લેખકો તથા કલાકારોને પ્રોત્સાહન આપ્યું અને ફ્રાંસના સાહિત્યના વિકાસમાં ભાગ ભજવ્યો. ઇતિહાસકારો ફ્રાંસની સત્તરમી સદીને ‘લૂઈ 14માની સદી’ કહે છે.
લૂઈ ચાર મોટાં યુદ્ધો લડ્યો હતો. તેની મહેચ્છા યુરોપમાં સર્વોચ્ચ સત્તાધીશ બનવાની હતી. તેણે ફ્લૅન્ડર્સના પ્રદેશો જીતીને ઉત્તરમાં તથા લૉરેન અને ફ્રેન્ચ કૉમ્ટે કબજે કરીને પૂર્વમાં ફ્રાંસની સરહદો વિસ્તારી હતી. તેનો નૌકાકાફલો ઇંગ્લૅન્ડ અને હોલૅન્ડના જેટલો શક્તિશાળી હતો. શરૂઆતમાં રહાઇન નદીની પશ્ચિમે આવેલ સર્વે પ્રદેશ જીતી લેવાની આશા રાખી હતી. તેણે કેટલાક મહત્વના પ્રદેશો જીતી પણ લીધા; પરંતુ તેની વિરુદ્ધ અન્ય દેશોએ કરેલ સંગઠનો (જોડાણો) દ્વારા તેને હંમેશાં અંકુશમાં રાખવામાં આવ્યો હતો. સ્પેનના વારસાવિગ્રહની લડાઈમાં, ફ્રાંસને હરાવવામાં ઇંગ્લૅન્ડે મહત્વનો ભાગ ભજવ્યો હતો. 1714માં પૂર્ણ થયેલા આ યુદ્ધે ફ્રાંસને નબળું પાડ્યું.
હ્યૂગેનોટ્સ (Huguenots) કહેવાતા ફ્રેન્ચ પ્રૉટેસ્ટન્ટ પંથના લોકો સાથે લૂઈએ ઘણો નિષ્ઠુર વ્યવહાર કર્યો. છેલ્લાં 100 વર્ષથી તેઓ ધાર્મિક સહિષ્ણુતા તથા નાગરિક અધિકારો ભોગવતા હતા. 1685થી લૂઈએ તેની નીતિ બદલી. સરકારે હ્યૂગેનોટ્સ પર જુલમ ગુજાર્યો અને તેમને ધર્મપરિવર્તન કરાવવા દબાણ કર્યું. પરિણામે અંદાજે બે લાખ હ્યૂગેનોટ્સ દેશ છોડીને નાસી ગયા. તેમનામાંના ઘણા લોકો ખૂબ સમૃદ્ધ તથા ઉદ્યમી હતા, તેથી તેમના જવાથી ફ્રાંસને નુકસાન થયું.
લૂઈના રાજ્યકાળનો 1685 પછીનો તબક્કો, શરૂનાં વરસો જેટલો ભવ્ય નહોતો. કૉલ્બર્ટના અવસાન પછી, યુદ્ધોને કારણે દેશનું દેવું વધી ગયું. લૂઈએ વર્સેલ્સમાં એક ભવ્ય મહેલ બંધાવ્યો અને 1682થી ત્યાં રાજધાનીનું સ્થળ રાખ્યું. તે પોતાના અમીરો સહિત ત્યાં એશઆરામથી રહેવા લાગ્યો. તે વખતે દેશના અનેક લોકો ગરીબી ભોગવતા હતા. દરબારીઓના અતિખર્ચાળપણાએ ફ્રાંસની નાણાકીય સમસ્યાઓ વધારી. લૂઈએ તેના ઉમરાવોને તેમની જાગીરના સ્થળે રહેવાને બદલે વર્સેલ્સમાં રહેવાની ફરજ પાડી, તેથી પોતાના ખેડૂતો સાથે તેમનો સંપર્ક નાશ પામ્યો; તેમ છતાં લૂઈના સમયમાં ફ્રાંસ સાહિત્ય, કલા, યુદ્ધો તથા રાજનીતિમાં અન્ય રાષ્ટ્રો કરતાં ઘણું આગળ હતું. લૂઈના અવસાન બાદ યુરોપમાં ફ્રાન્સનો પ્રભાવ ઘટ્યો હતો. તેની પ્રજા તેની હયાતીમાં તેની ખુશામત કરતી, જ્યારે વિદેશનાં સામયિકો તેને લોહીતરસ્યા વાઘ સાથે સરખાવતાં હતાં. તેણે આખા રાજ્યના વહીવટનું પોતાનામાં જે કેન્દ્રીકરણ કર્યું તે તેની ભૂલ હતી.
જયકુમાર ર. શુક્લ